(Click here for PDF if you cannot view Gujarati fonts)
તાજેતરમાં સમાચાર પત્રોમાં આવેલાં સમાચારો ખૂબ જ ચોંકાવનારા રહ્યાં. આ સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે ‘પ્રથમ’ નામની એક સંસ્થાએ સંશોધન કરીને ‘ASER’ નામે એક રીપોર્ટ બહાર પાડ્યો છે. તેમાં તેણે કરેલાં સંશોધનોને આધારે એવું તારણ આપ્યું છે કે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતાં બાળકોમાંથી મહત્તમ બાળકોને તેના નીચલા ધોરણનું પણ આવડતું નથી.
મારે આ બાબતમાં થોડુંક કહેવું છે. આજે મને નિવૃત્ત થયાને પાંચેક વર્ષ થયાં છે પણ નિવૃત્તિ પહેલાં હું ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણ સાથે ત્રીસેક વર્ષો જોડાયેલો રહ્યો હતો. તેમાં પણ સને ૧૯૯૫થી ૨૦૦૭ સુધી તો રાજ્યકક્ષાએ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવાના કાર્યમાં સીધી જવાબદારીથી સાથે જોડાયેલો રહ્યો હbતો. આથી હું કેટલાંક સત્યો સમાજ સામે મૂકવાની મારી ફરજ સમજુ છું. (આજે નિવૃત્તિ પછી પણ નિજાનંદ પામવાને શિક્ષણ સાથે જોડાયેલો રહ્યો છું, તેથી પ્રવર્તમાન સ્થિતિથી પણ સારી રીતે માહિતગાર છું.)
રાજ્યમાં આશરે સને ૧૯૯૫ની આસપાસ વિશ્વબેંક અને નેધરલેન્ડની નાણાકીય સહાય આધારિત ‘ડીસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ- DPEP’ શરૂ કરવાનું સદ્દભાગ્ય મને સાંપડ્યું હતું. આજે આ કાર્યક્રમ ‘સર્વ શિક્ષા અભિયાન- SSAM’ ના નામે ચાલી રહ્યો છે. ત્યારબાદ હું ‘ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ (Gujarat Council Of Educational Research And Training) – GCERT’ સંસ્થામાં નિયામક સુધીનાં હોદાઓ ઉપર કાર્યરત રહ્યો. આ બન્ને સંસ્થાઓ રાજ્યમાં શૈક્ષણિક ગુણવત્તા માટે સતત મથતી સંસ્થાઓ છે.
GCERTએ પ્રાથમિક શિક્ષણમાં મોટા પાયા ઉપર ગુણવત્તા સુધારણાનું કામ હાથ ધરેલું. તે પણ શૈક્ષણિક સંશોધનોને આધારે બનાવીને આ કામ હાથ ધરેલું.
GCERT દ્વારા બે પ્રકારનાં સંશોધનો હાથ ધરાય છે.
(1) QUALITATIVE RESEARCH
(2) QUANTITATIVE RESEARCH
આ બન્ને પ્રકારનાં સંશોધનોએ રાષ્ટ્રકક્ષાએ MHRD તથા દિલ્હી સ્થિત શિક્ષણની બે પ્રસિદ્ધ સંસ્થાઓ NCERT અને NCTEને ખૂબ જ પ્રભાવીત કરેલા. એટલું જ નહિ પરંતુ MHRD /NCERT આ પ્રકારનાં સંશોધનો કરવા માટે બધા રાજ્યોને જણાવેલું. અતિ ઉચ્ચકક્ષાના આ સંશોધનોએ ગુજરાતને ગુણવત્તા સુધારણા માટેની સર્વ માન્ય દિશા આપી છે. એટલા માટે આવા સંશોધનો થકી ગુજરાતે સારી પ્રતિષ્ઠા મેળવેલી છે. GCERTએ સંપૂર્ણપણે તટસ્થ અને પારદર્શક એવી આ સંશોધનોની પ્રણાલીને આજસુધી અપનાવી રાખી છે, તે માટે આનંદ વ્યક્ત કરું. શૈક્ષણિક ગુણવત્તા બાબતે કેટલાંક સંશોધનો SSA અને UNICEF દ્વારા પણ ઘણાં થયાં અને થતા રહ્યાં છે.
આ સંશોધનોમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓનો અનન્ય સહયોગ મળતો રહ્યો, જેમના નામ છે:
ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, એમ. એસ. યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા હાથ ધરાયેલાં સંશોધનોમાં પણ રાજ્યની બધી જ યુનિવર્સિટીનાં પ્રતિષ્ઠિત સંશોધાનકારશ્રીઓનો બેનમૂન સહયોગ સાંપડતો રહ્યો.
આજ સુધીના આ સંશોધનોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાત આપનાં જ રાજ્યનાં પ્રતિષ્ઠિત સંશોધનકારોએ અને તેની ટીમે સેવા આપી છે. જે પૈકી નિવ્રુત્તિ પામેલાઓના જ નામ યાદ કરું તો આ મુજબ છે:
ડૉ. રવીન્દ્રભાઈ દવે – UNESCO નાં શિક્ષણ વિભાગનાં પૂર્વ અધ્યક્ષ મહોદ્દયશ્રી
ડૉ. મનુભાઈ ત્રિવેદી –પૂર્વ વડા શિક્ષણશાસ્ત્ર ભવન, ભાવનગર યુનિવર્સિટી
ડૉ. ચંદ્રકાંત ભોગાયતા – પૂર્વ વડા શિક્ષણશાસ્ત્ર ભવન, ભાવનગર યુનિવર્સિટી
ડૉ. એચ. ઓ. જોષી - પૂર્વ વડા શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી- રાજકોટ
ડૉ. આર. ડી. મૂળિયા- પૂર્વ વડા શિક્ષણશાસ્ત્ર ભવન, ગુજરાત યુનિવર્સિટી- અમદાવાદ
પ્રા. ડૉ. નવનીતભાઈ રાઠોડ- રીડર, શિક્ષણશાસ્ત્ર ભવન- ભાવનગર
સંશોધન કાર્યમાં યુનિવર્સિટીઓ, પ્રસિદ્ધ સંશોધનકારો ઉપરાંત અમદાવાદ સ્થિત પ્રસિદ્ધ સંસ્થા IIM નો અને ખાસ કરીને તેના રાષ્ટ્રીય ખ્યાત ડૉ. વિજય શેરીચંદનો પણ અનન્ય સહયોગ પ્રાપ્ત થયો.
આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા હાથ ધરાયેલાં અનેકવિધ સંશોધનોમાં રાજ્યની બધી જ યુનિવર્સિટીનાં નિષ્ણાત સંશોધાનકારશ્રીઓનો બેનમૂન સહયોગ સાંપડતો રહ્યો. આ બધાંજ સંશોધનો સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય સંશોધન પદ્ધતિ પ્રમાણે જ હાથ ધરાયેલા. આ સંશોધનો દ્વારા જે તારણો મળેલા છે તે એવું કહે છે કે--
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતાં બાળકોની શેક્ષણિક ગુણવત્તા છેલ્લા કેટલાંક વર્ષોમાં બાર ટકા જેટલો વધારો થવા પામ્યો છે, જે આ મુજબ છે :
48% > 61%
એટલે કે જે ગુજરાતનું જે બાળક પહેલાં સરેરાસ 48% ગુણ પ્રાપ્ત કરી શકતું હતું તે બાળક હવે 61% ગુણ પ્રાપ્ત કરતું થયું છે.
ગુજરાતનાં તમામ જિલ્લાનાં, તમામ કેટેગરીના બાળકોને આવરીને કરવામાં આવેલાં આ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સંશોધનો GCERT તથા તેની જિલ્લા કક્ષાની સંસ્થા ‘જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો- DIET’માં ઉપલબ્ધ છે.
આ GAP નામથી સારાયે દેશમાં જાણીતા થયેલાં સંશોધનનાં પ્રારંભ માટે જરૂરી સાધન તરીકેની પ્રમાણિત કસોટીમાંજ પચાસેક મિત્રો Ph.D ની ડીગ્રી પ્રાપ્ત કરી શકે તેટલું મોટું કામ થયેલું છે.
પ્રસ્તુત સંશોધનમાં પ્રત્યેક જિલ્લાનાં પ્રત્યેક તાલુકાના પ્રત્યેક ધોરણનાં પ્રત્યેક વિષયમાં કેટલા બાળકોને કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું તે બધુંજ ટકાવારીમાં જણાવવામાં આવેલું છે.
આ પરિપ્રેક્ષ્યમાં મારાથી ‘ASER’ નાં તારણો સાથે સમંત થઇ શકાય તેમ નથી. મને બરાબર યાદ છે કે આજથી સાતેક વરસ પહેલાં આ જ સંસ્થાએ એક અહેવાલ બહાર પાડેલો. જેમાં એવું કઈક જણાવેલું કે ગુજરાતમાં પાંચમાં ધોરણમાં ભણતાં સરકારી શાળાઓનાં 67% બાળકોને અને ખાનગી શાળાઓનાં 60% બાળકોને ત્રીજા ધોરણનું પણ આવડતું નથી.
એ સમયે હું GCERT માં નિયામકે તરીકે ફરજ બજાવતો હતો. અમે આ સંશોધન અને તેના તારણોનો અસ્વીકાર કરીને તેને જાહેરમાં તથા રાષ્ટ્રકક્ષાએ લેખિતમાં પડકાર આપેલો. પરંતુ સદરહું સંસ્થા સંપૂર્ણપણે ચૂપ રહી હતી!!!
અમે જે પડકાર આપેલો તેમાં જણાવેલું હતું કે
- તમે જે સંશોધન પદ્ધતિ અપનાવી છે તે પદ્ધતિ શૈક્ષણિક સંશોધનોની માન્ય પદ્ધતિ જ નથી
- તમારું સંશોધન શૈક્ષણિક મનોવિજ્ઞાનનાં સિદ્ધાંતોને અનુસરીને કરવામાં આવ્યું નથી. જેમ કે, બાળકોની કસોટી અજાણ્યા માણસો દ્વારા લેવાયેલી છે. જે બાળક માતાપિતાને પણ માંડમાંડ જવાબ આપે છે તે કોઈ સાવ અજાણ્યા અને બાળ મનોવિજ્ઞાનથી સાવ અપરિચિત બિન તાલીમી વ્યક્તિને જોઈને કેવાં જવાબો આપે? શાળા જેવું ભાવાવરણ નથી તેવી કોઈ પણ જગ્યાએ અને તે પણ શિક્ષકની કે શિક્ષણની જાણકારી ધરાવતી કોઈ જવાબદાર વ્યક્તિની ગેરહાજરીમાં કસોટી લેવી કેટલી યોગ્ય છે? (સદરહું સંસ્થાના પ્રથમ પુંઠા ઉપર ગામડાની એક છોકરી માથે ભરો લઈને વાડી-ખેતરથી આવી રહી છે તેની આ રસ્તામાંજ કસોટી લેવામાં આવી રહી છે તેવો ફોટોગ્રાફ્સ મૂકવામાં આવેલો હતો!!!)
- તમારાં સંશોધનમાં કઈ શાળાનાં કેટલા બાળકો ઉપર કસોટી લેવામાં આવી છે તે જાણવા મળતું નથી!! હા એવું દર્શાવેલ હતું કે ડાંગ -એક જ તાલુકાનો જિલ્લો તેની પણ 20 શાળા અને અમદાવાદ જેવા ખૂબ મોટા જિલ્લાની પણ 20 શાળા લેવામાં આવી છે!!
સંશોધનની આ તે કેવી પદ્ધતિ?
અમે ‘પ્રથમ’ નામધારી આ સંસ્થાને સાથે રહીને ફરીવાર સંશોધન હાથ ધરવાં જણાવ્યું. પરંતુ સંસ્થા તરફથી કોઈ જ પ્રત્યુતર જ આપવામાં નાં આવ્યો!!!
નવાઈની વાત તો એ હતી કે સદરહું સંસ્થાએ સમાચાર પત્રોમાં માત્ર સરકારી શાળાઓનાં તારણો જ જાહેર કર્યા. ખાનગી શાળાઓમાં પણ 60% બાળકોને આવડતું નથી તે જાહેર જ નાં કર્યું!! જો જાહેર કર્યું હોત તો ખાનગી શાળાઓએ આ સંશોધનને સમાચાર માધ્યમોમાં અને કોર્ટમાં બહું જ મોટો પડકાર આપ્યો હોત.
અર્થશાસ્ત્રની સંશોધન પદ્ધતિ પ્રમાણે થયેલ આ સંશોધનનાં આવા તારણો કેવી રીતે સ્વીકારવા? આવા તારણોએ શિક્ષકોની માનસિક સ્થિતિ ઉપર ઘેરી અસર ઊભી કરે છે. આજે જયારે સરકારી શાળાઓમાં કામ કરી રહેલાં પ્રાથમિક શાળાઓને અને શિક્ષકોને સહુનાં સધિયારાની જરૂર છે ત્યાં આવા તારણો તેઓની પ્રતિબદ્ધતા માટે કુઠારાઘાત સમાન બન્યાં છે. આ તારણો થકી સમાજમાં જે નફરતનું વાતાવરણ ઉભું થઇ રહ્યું છે તે મોટી ચિંતાનો વિષય છે. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકોનું પોત કેવું જબરું છે તે જાણવું આ તબ્બકે ઘણું રસપ્રદ બની રહેશે.
આજથી સાત આઠ વર્ષ પહેલાં મુંબઈની પ્રખ્યાત સંસ્થા શ્રી રતનતાતા ઇન્સ્ટીટયુટ અને અમદાવાદની આઇઆઇએમ સંસ્થા દ્વારા સમગ્ર દેશમાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં કામ કરતાં શ્રેષ્ઠ 60 શિક્ષકોને ખોળી કાઢીને સન્માનવામાં આવ્યા હતાં તેમાં 30 (ત્રીસ) શિક્ષકો તો એકલાં ગુજરાતનાં હતાં.
દર વર્ષે સરકારી પ્રાથમિક શાળાનાં હજારથી વધુ શિક્ષકો એક્શન રીસર્ચ કાર્ય કરે છે. દર વર્ષે ગુજરાતની અનેક પ્રતિષ્ઠિત સ્વેચ્છિક સંસ્થાઓ આ શિક્ષકોનું ભાવભીનું સન્માન કરે છે. મારાં બહોળા અને પ્રત્યક્ષ અનુભવે તો હું ત્યાં સુધી કહી શકું તેમ છું કે ગુજરાતમાં પાંચેક હજાર સરકારી પ્રાથમિક શાળાઓ ઉત્તમ પ્રકારની છે. માત્ર તંત્ર અને શિક્ષક સંઘ તેને સમાજની સમક્ષ યોગ્ય રીતે પ્રસ્તુત નથી કરી શકતાં.
આ તબક્કે આપણે ‘તારે જમીં પર’ ફિલ્મને પણ યાદ કરવી પડશે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આશરે વીસેક ટકા બાળકો ફિલ્મમાં દર્શાવ્યા મુજ્બમાં ડિસ્લેક્સિયા (Dyslexia)વાળા હોવાનું આ ક્ષેત્રનાં જાણકારો કહી રહ્યાં છે. આ તરફ ગંભીરતાથી વિચારવાનો આ સમય છે. આ નહિ કરીએ તો સરકારી શાળાઓ તો સતત બદનામ થતી જ રહેશે પણ સાથોસાથ અદ્દભૂત સર્જનશક્તિ ધરાવતાં બાળકો પણ ‘ઠોઠ નિશાળિયા’નાં નામે બદનામ થતાં રહેશે.
ડિસ્લેક્સિયા એ રોગ નથી પરંતુ કુદરતી ઉણપ છે. આવા બાળકોની બુદ્ધિશક્તિ સામાન્ય બાળક જેવી જ હોય છે. તે પૈકીના કેટલાંક બાળકો તો અસામાન્ય બુદ્ધિ પણ ધરાવતાં હોય છે. આ ઉણપ જયારે પણ સર્જનશક્તિમાં પરિણમે છે ત્યારે આવા બાળકોમાંથી વિશ્વને શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, કલાકારો, અદાકારો, રમતવીરો જેવા અનેક ક્ષેત્રનાં સર્જકો પ્રાપ્ત થયાં છે.
કન્યા કેળવણી રથયાત્રા માટે સરકારને અને તેમાં સહભાગી બનનારા અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવું છું. આ ઉત્સવથી સરકાર અને અધિકારીશ્રીઓની બહું મોટી હુંફ પ્રાથમિક શિક્ષણને મળી છે. જે અત્યંત જરૂરી હતી. પરંતુ ગુણોત્સવ માટે નવેસરથી વિચારવાની જરૂરત છે. ગુણોત્સવમાં ઠોઠ વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ધ્યાન આપાય છે. આ અભિયાનમાં પેલા ડિસ્લેક્સિક બાળકોને આવરી લેવામાં આવે તે સ્વાભાવિક છે. આ વિષયના નિષ્ણાતોનો એવું કહી રહ્યાં છે કે ડિસ્લેક્સિક બાળકોને જેમ જેમ વધુ લખાવીએ, વંચાવીએ અને ગણાવીએ તેમ તેમ તે વધુને વધુ ઠોઠ બને છે. આ અતિ ગંભીર બાબત છે. આ સંદર્ભમાં ગુણોત્સવ નુકસાનકારક તો નથી ને? આ અંગે ગંભીરતાથી વિચારવું જ રહ્યું.
ગુજરાતની માતબર સંસ્થાઓ જેવી કે SSA, GCERT અને હવે તો CHILDREN’S UNIVERSITY આ Dyslexia બાબતને પ્રથમ અગ્રતા આપે તેવી વિનંતી છે. UNICEF પણ આ ક્ષેત્રમાં મોટું પ્રદાન કરી શકે તેમ છે. અને છેલ્લે ‘પ્રથમ’ નામની સંસ્થાને પણ આ પડકાર ઝીલવા હૃદયપૂર્વકની વિનંતી છે. આવું સંશોધન સબંધિત સંસ્થા અને ગુજરાતને એક નવી દિશા અને ગૌરવ અપાવશે અને મૂળભૂત રીતે બાળકનું કલ્યાણ થશે.
|| બાલ દેવો ભવ ||
- ડૉ.નલિન પંડિત
પૂર્વ નિયામક. GCERT , ગાંધીનગર
રાજ્ય પ્રમુખ, નૂતન બાળ શિક્ષણ સંઘ –ભાવનગર
nalin.pandit@gmail.com