20 May 2013

ચિલ્ડ્રન યુનિવર્સિટી ઊગી નીકળી


( Click here for the PDF if you cannot view Gujarati fonts )



  
ગત સદીમાં અનેક મહાન શોધ થઇ,
પરંતુ મારી દ્રષ્ટિએ તો બાલ મનોવિજ્ઞાન જ મહાન શોધ છે.
                                                                  - દર્શક

આ મહાન શોધનું અણમોલ ફળ તે દેશની પ્રથમ એવી ગુજરાતની ચિલ્ડ્રન યુનિવર્સિટી.

ગુજરાતમાં બાલ મનોવિજ્ઞાનનાં બીજ આજથી સોએક વર્ષ પહેલાનાં આળેગાળે ગીજુભાઈ બધેકાએ રોપ્યા. ત્યારબાદ તે બીજ ગિજુભાઈએ જ તેઓએ સ્થાપેલા 'નૂતન બાલ શિક્ષણ સંઘ'  દ્વારા અનેક અનેક રાજ્યોમાં પણ રોપાયા.

આજે ગુજરાતમાં આપણે જેને 'મોન્ટેસરી પદ્ધતિ' તરીકે ઓળખીએ છીએ તે પદ્ધતિ મૂળભૂત રૂપે ગિજુભાઈએ પોતે, આપણી અસ્મિતાને પોષે તેવી રીતે ઘડેલી પદ્ધતિ છે. ગિજુભાઈએ મેડમ મોન્ટેસરીનાં ઋણને સ્વીકારીને તેને 'મોન્ટેસરી પદ્ધતિ' એવું નામ આપ્યું.
 
ગિજુભાઈએ બાળ શિક્ષણનાં વાવેલા બીજમાંથી પાંગરેલાં કેટલાયે વટવૃક્ષનાં કેટલાયે મીઠાં મધુરા ફળ આજે આપણે ચાખી રહ્યાં છીએ. આવુ જ એક અનન્ય ફળ એટલે આજની ચિલ્ડ્રન યુનિવર્સિટી.

આ યુનિવર્સિટીનાં બીજ સરકારમાં કેવી રીતે રોપાયા તેની કહાની બહુ રસિક છે. સમગ્ર રાષ્ટ્રમાં જેનું નામ છે અને જેનાં અધ્યક્ષ મહોદય માન. રાષ્ટ્રપતિજી છે તે નેશનલ સાયન્સ કોંગ્રેસે માન. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં મીઠાં આવકાર અને સહયોગથી નેશનલ સાયન્સ કોંગ્રેસનું, રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજવાનું નક્કી કર્યું. તેનાં ભાગ સ્વરૂપે ગુજરાતનાં ગૌરવ સમાં GCERT આયોજિત રાજ્ય વિજ્ઞાન મેળાને પણ યોજવાનું નક્કી થયું. અને સ્થળ તરીકે ગાંધીનગર અને અમદાવાદ પાસે આવેલાં સાયન્સ સિટીને પસંદ કરવામાં આવ્યું.

નેશનલ સાયન્સ કોંગ્રેસનાં અધિવેશનમાં રાજ્યએ જે કોઈ જવાબદારી અદા કરવાની થતી હતી તે ગુજરાત સરકારનાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગે વહન કરવાની હતી. તે વિભાગનાં સચિવશ્રી દ્વારા અમારાં  વિભાગનાં સચિવસાહેબને યોગ્ય રીતે વિશ્વાસમાં લેવામાં નહિ આવ્યાં હોય કે અંદરખાને બીજું જે કઈ હોય તે, પરંતુ સરકારની બે હસ્તીઓ વચ્ચે ભેદી ટકરાવ થયો. કોઈ પણ કારણ વિના અમારા માન. સચિવશ્રીએ રાજ્ય વિજ્ઞાન મેળા માટે GCERTને થનારા વધારાનાં ખર્ચ માટે નાણાં ફાળવવાની ના પાડી!!!  હવે શું કરવું?

માન. શિક્ષણમંત્રી કે માન. મુખ્યમંત્રીના કાને આ વાત પડે તો જરૂરથી નિકાલ આવે જ. એવું થાય તો અમારાં સચિવસાહેબ પોતાની નારાજગી છુપાવીને પણ માંગ્યા કરતાં પણ વધારે રકમ ફાળવે જ.

પરંતુ સચિવ સાહેબને નારાજ કરીએ તે અમને પાલવે નહિ. કારણ અમારે તો કાયમને માટે તેઓ સાથે જ કામ હતું, હોદ્દાની રૂએ તેઓ અમારાં અધ્યક્ષ પણ હતાં. તે સમયે GCERT ને નામની જ સ્વાયતત્તા હતી.

આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં માન. રાષ્ટ્રપતિજી સર અબ્દુલ કલામ સાહેબ પધારવાના હતાં. માન. રાષ્ટ્રપતિજીની સાથે મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રીય કેળવણીકાર માન. યશપાલજી સહિત અનેક નામી વૈજ્ઞાનિકો પણ પધારવાના હતાં. સવાલ ગુજરાતની અસ્મિતાનો હતો. સદ્દનસીબે બાળકોના બ્રહ્માએ અમને માર્ગ શોધી આપ્યો!!!

અમે સ્વૈછિક સંસ્થાઓને વધારાનાં નાણાકીય બોજ ઉપાડી લેવાં હૃદયપૂર્વકની વિનંતી કરી. સહુએ હોંશે હોંશે સહયોગ આપ્યો. અધિવેશન અને રાજ્ય વિજ્ઞાન મેળાને ચાર ચાંદ લાગી ગયાં. અમારાં સચિવ સાહેબ પણ સફળતાનાં નાથ બની રહ્યાં.

આ અણમોલ કાર્યક્રમ પૂરો થયો. સ્વૈચ્છિક સંસ્થાઓએ આપેલ ફાળો થોડો વધ્યો. તેનું શું કરવું? તે રકમનો બાળ શિક્ષણ માટે વિશિષ્ટ રીતે ઉપયોગ કરવો તેવી વિચારણા ચાલી. જે થકી ગિજુભાઈ બધેકાના બે સ્વપ્નને સાકાર કરવા અંગે ગુજરાતમાં બાલશિક્ષણ ક્ષેત્રમાં અનેરું કામ કરતી સોએક જેટલી સંસ્થાઓનાં વિચારશીલ પ્રતિનિધિઓની બે દિવસની બેઠક બોલાવવી અને તે અંગે થનાર તમામ ખર્ચ આ બચત રકમમાંથી કરવો તેવું નક્કી થયું.

ભાવનગરમાં ગિજુભાઈનાં પ્રાણ સમા દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં આ બેઠકનું આયોજિત થઇ. આ બેઠકમાં ગિજુભાઈના બન્ને સ્વપ્નોને સાકાર કરવાની જવાબદારી સ્વૈચ્છિક સંસ્થાઓ જ સાકાર કરે તો સોનામાં સુગંધ ભળે તેવી અપીલ કરવામાં આવી.

ચિલ્ડ્રન યુનિવર્સિટી સ્થાપવા માટે એક સંસ્થાએ ઘણો ઊંડો રસ દાખવ્યો. તે સંસ્થા આંતર રાષ્ટ્રીય કક્ષાની અને અબજો રૂપિયા ફાળવીને અદમ્ય ઉત્સાહથી કામ કરે તેવી હતી. પરંતુ આખરે કળશ બહોળા અનુભવ અને બહોળા નેટવર્કને કારણે વિદ્યાભારતી નામથી જાણીતી સંસ્થા ઉપર ઢોળાયો. GCERT અને વિદ્યાભારતીએ તુરતોતુરત આયોજનના ગણેશ પણ માંડી દીધા અને કેટલુંક પાયાનું કામ પૂર્ણ કર્યું.

વિદ્યાભારતીએ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપવા અંગેની દરખાસ્ત માન. મુખ્યમંત્રીને આપી. માન. મુખ્યમંત્રીએ ચિલ્ડ્રન યુનિવર્સિટીની દરખાસ્તને વધાવી લીધી. ગુજરાતનાં સદ્દભાગ્યે માન. મુખ્યમંત્રીશ્રી શિક્ષણનાં સલાહકાર, મહાન કેળવણીકાર અને આધ્યાત્મિક પુરુષ શ્રી કિરીટભાઈ જોષીએ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો સત્યમ્, શિવમ, સુન્દરમ્ સમો ઘાટ ઘડી આપ્યો. અને અંતે આ યુનિવર્સિટી જન્મ પામી. બોલો, નંદ ઘેર આનંદ ભયો જે કનૈયા લાલકી.

વિદ્યાભારતીએ નહિ પણ ખુદ સરકારે જ આ પોતાનાં નિયંત્રણ હેઠળ આ યુનિવર્સિટીની સ્થાપના કરી. સારાયે વિશ્વમાં ગુજરાતની વાહ વાહ થઇ. રાષ્ટ્રીય આયોજન પંચ પણ ગુજરાત ઉપર ફિદા થઇ ગયું. તેણે તેના રીપોર્ટમાં ચિલ્ડ્રન યુનિવર્સીટી સ્થાપવા બાબતે ગુજરાતનાં ભરપેટે વખાણ કર્યા. સહુ કોઈ પુણ્ય કાર્યના ભાગીદાર બન્યાં, સહુ કોઈ જશના ભાગીદર બની રહ્યાં.

જે શિક્ષણ સચિવે ચિલ્ડ્રન યુનિવર્સિટી અંગે GCERT મૂકેલ વાતને મૂર્ખાઈ ભરેલી ગણેલી, જે  સચિવ સાહેબે રાજ્ય વિજ્ઞાન મેળામાં વધારાનો ખર્ચ આપવા ના ભણેલી, તે સચિવ સાહેબને પણ જશનાં ભાગીદાર તો ગણવા જ જોઈએ ને!!!

આ યુનિવર્સીટી વહેલી તકે સ્વાયત્ત બને, અને આ યુનિવર્સિટીનું નામ ગિજુભાઈ બધેકાનાં ઋણ સ્વીકાર સાથે "ગિજુભાઈ બધેકા ચિલ્ડ્રન યુનિવર્સીટી" આપી શકાય તો કેવું સારું...ગુજરાતની અસ્મિતાને ચાર ચાંદ લાગી જાય.
|| બાળ દેવો ભાવ ||


- નલિન પંડિત
પ્રમુખ, ગુજરાત રાજ્ય નૂતન બાલ શિક્ષણ સંઘ,ભાવનગર.

તાજી કલમ:   
ગિજુભાઈ બધેકાનું બીજું સ્વપ્ન હતું : 'ચિલ્ડ્રન એનસાયક્લોપીડિયા' રચવાનું.  આ કામ 'ગણતર' નામની પ્રતિષ્ઠિત સંસ્થાએ સ્વીકારેલું. આજે આ મહાન યજ્ઞકાર્યને 'ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ' નામની સંસ્થાએ 'ગુજરાતી, બાળ વિશ્વકોશ' નામે પ્રારંભી દીધું છે.  આ પવિત્ર સંસ્થાને આ પવિત્ર કામ માટે કોટિ કોટિ વંદન કરું છું.