(Click here for PDF if you cannot view Gujarati fonts)
ભાવનગર એટલે વિદ્યાનગરી,
ભાવનગર એટલે કલાનગરી,
ભાવનગર એટલે સંસ્કારનગરી.
ભાવનગરને વિદ્યાનગરી સ્વરૂપે ઘડવામાં 'દક્ષિણામૂર્તિ' સંસ્થાના સ્થાપક સર્વશ્રી નાનાભાઈ ભટ્ટ, તેના સાથીઓ સર્વશ્રી ગિજુભાઈ બધેકા(મૂછાળી મા) અને સર્વશ્રી હરભાઈ ત્રિવેદીનો એમ ત્રિપુટીનો દીર્ઘ ફાળો રહ્યો છે. આ વિદ્યા થકી કલા પણ ખીલી અને સંસ્કાર પણ સિંચાયા.
હા, એ પણ એટલું જ ખરું છે કે આ મહાન ત્રિપુટીને ભાવનગરનાં પ્રજાવત્સલ્ય મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનો, એવાજ દીર્ઘદ્રસ્તા અને ગાંધીજીના અનન્ય સહાયક એવા ભાવનગરના દીવાન સર્વશ્રી પ્રભાશંકર પટ્ટણીજીનો અને સાથોસાથ મોટાભાઈના નામથી જાણીતા શ્રી હરગોવિંદભાઈ પંડયાનો, પદ્મભુષણ શ્રી તારાબેન મોડક અજબગજબનો સહૃદયી સહયોગ રહ્યો.
આવી વિદ્યાનગરી ભાવનગરમાં બાળકોના વકીલ શ્રી ગિજુભાઈ બધેકા દ્વારા સ્થાપીત ‘નૂતન બાલ શિક્ષણ સંઘ’ના વડપણ હેઠળ બાલ શિક્ષણના અનેક કાર્યો થઇ રહયા છે. તેમાં માતૃભાષા-સંવર્ધન માટે પણ અવનવું કાર્ય થઇ રહ્યું છે. આ કાર્યના ભાગ સ્વરૂપે બે પ્રવચનો એવા પ્રયોજાયા કે જેને બહોળા સમાજ સમક્ષ મૂકવા જોઈએ તેવી ભલી લાગણી અનેક આત્મીય સ્નેહીઓએ વ્યક્ત કરી. આ લાગણીનો સહર્ષ સ્વીકાર કરીને અમે તેને ‘ભાવનગર ઘોષણાપત્ર’ એવા વિશિષ્ટ નામ હેઠળ આજે પ્રસ્તુત રહયા છીએ.
‘ભાવનગર ઘોષણાપત્ર’નો આત્મા જે બે ઐતિહાસિક પ્રવચનો વડે ઘડાયેલો છે તેના વક્તા અને તેની વિગત કઈક આ મુજબની છે:
‘ભાવનગર ઘોષણાપત્ર’ નું પ્રથમ પ્રવચન :
આ પ્રવચન આંતરરાષ્ટ્રીય સંસ્થા UNESCO-નાં શિક્ષણ વિભાગનાં પૂર્વ નિયામક જેવાં અત્યંત ઉચ્ચ પદ્દ ઉપર રહીને, વિશ્વના ૧૪૨ જેટલાં દેશોમાં શિક્ષણની અનેરી સેવા પ્રદાન કરીને જેઓ આંતરરાષ્ટ્રીય કેળવણીકાર તરીકેની વિશિષ્ટ ખ્યાતી પામ્યાં છે તેવા ગરવા ગુજરાતી સર્વ શ્રી રવીન્દ્રભાઈ દવેસાહેબદ્વારા આપ્યું છે.
જ્ઞાનની આરાધના માટેનો પવિત્ર દિવસ એટલે ‘વસંત પંચમી’. સવંત ૨૦૬૭ની વસંત પંચમી, સને ૨૦૧૨ની ૨૮મી જાન્યુઆરી – ૨૦૧૨ના દિવસે હતી. ‘માતૃભાષા સંવર્ધન’ નામે એક પ્રવચનમાળા ભાવનગરની સુપ્રસિદ્ધ સંસ્થા ‘અક્ષરવાડી’ના અત્યંત આધુનિક સત્સંગ હોલમાં આયોજીત કરવામાં આવી હતી.
આ પ્રવચનમાં માતૃભાષાના પ્રહરી અને 'પ્રગતિશિક્ષણ' નામે પ્રસિદ્ધ થતાં શૈક્ષણિક સામયિકના અનેરાં તંત્રીશ્રી પી.જી.પટેલસાહેબે પણ વિશિષ્ટ વક્તા તરીકે ઉપસ્થિત રહીને માતૃભાષાની મહતા વિષે વાતો કરી હતી. 'અક્ષરવાડી' સંસ્થાના સ્વામીજી પ.પૂ.સોમપ્રકાશ સ્વામીના આશીર્વાદ સાંપડ્યા હતાં. આ પ્રવચનમાળાના અધ્યક્ષસ્થાને સર્વશ્રી રવીન્દ્રભાઈ દવે સાહેબ હતાં.
ડો રવીન્દ્રભાઈ દવે સાહેબે, પોતાનાં પ્રવચનને ‘ભાવનગર માતૃભાષા સંવર્ધન ઘોષણાપત્ર’ એવા અનેરાં નામથી પ્રસિદ્ધ કરવું તેવું સૂચન કરેલું. માન.શ્રી દવેસાહેબનાં સુચનને અમે ગૌરવ સાથે સ્વીકાર્યું છે. ‘ભાવનગર ઢંઢેરો’ નામ સૂચવવા બદલ અમે તેઓના ઋણી છીએ.
‘ભાવનગર ઘોષણાપત્ર’ નું બીજું પ્રવચન:
‘ગુજરાત રાજ્ય નૂતન બાલ શિક્ષણ સંઘ’ની જવાબદારી ભાવનગર જિલ્લાએ સંભાળી તે અવસરે “ભાવનગર જિલ્લા નૂતન બાલ શિક્ષણ સંઘ’ના વડપણ હેઠળ યોજવામાં આવેલાં નૂતન બાલ શિક્ષણ સંઘના રાજ્ય અધિવેશનમાં આ ઐતિહાસિક પ્રવચન અપાયેલું.
આ પંચ દિવસીય અધિવેશન, નવેમ્બર-૨૦૧૦મા દક્ષિણામૂર્તિ સંસ્થાના પાવન પટાંગણમાં યોજવામાં આવેલું. આ એ જ દક્ષિણામૂર્તિ કે જ્યાં ગિજુભાઈ બધેકાએ ચિલ્ડ્રન યુનિવર્સીટીનું સ્વપ્ન સેવેલું!!!
આ પ્રવચન સર્વશ્રી રવીન્દ્રનાથ ટાગોરની એક શાશ્વત અને ઐતિહાસિક વાર્તા આધારિત હતું. સહુ કોઈની આંખ ખોલી નાખે તેવું આ પ્રવચન નખશીષ શિક્ષક, ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણને ભાર-વિનાનું, આનંદદાયી અને પ્રવૃત્તિમય બનાવવામાં જેમનો સિંહફાળો છે અને જેઓ શિક્ષણજગતમાં ‘બાપુ’ના પ્યારાં નામથી જાણીતા છે તેવાં શ્રી ડો. પ્રવીણભાઈ શાહ દ્વારા અપાયું હતું.
‘ભાવનગર ઘોષણાપત્ર’ નો ત્રીજો ભાગ:
આ ભાગમાં નીચેની બાબતોને સાંકળવામાં આવી છે.
- મૂછાળી મા સર્વશ્રી ગિજુભાઈ બધેકાનો ટૂંકો પરીચય( ભારતભાઈ પાઠક કૃત 'ગિજુભાઈનું શિક્ષણમાં પ્રદાન' પુસ્તકમાંથી)
- ગિજુભાઈ બધેકાના પૂરા થયેલાં બે સ્વપ્ન
- દેશ વિદેશના મહાન કેળવણીકારો, વૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓએ માતૃભાષા માટે ઉદગારેલા સાશ્વત અવતરણો (સંશોધન પાનું :૧૩-૧૬)
- ભાવનગર યુનિવર્સીટીનાં શિક્ષણ વિભાગ હેઠળ પ્રા. ડો.જયંતભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ થયેલાં સંશોધનનોનાં તારણો (પાનું ૫૩..)
માતૃભાષા ઘોષણાપત્રમાં સહયોગી સંસ્થાઓ:
- જિલ્લાની શિક્ષણ સાથે સંકળાયેલી બધી જ સમિતિઓ
- સમન્વય સંસ્થા
- સદભાવના સંસ્થા
- લોક દક્ષિણામૂર્તિ પૂર્વ વિદ્યાર્થી મંડળ
- લોકભારતી સણોસરા
- જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સંઘ
- જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ
- જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ
ચિલ્ડ્રન યુનિવર્સીટીનાં નામાભિધાન માટેનું અને ભાષાનીતિ માટેનું સ્વપ્ન:
ચિલ્ડ્રન યુનિવર્સીટીનું સ્વપ્ન ગિજુભાઈ બધેકાએ સને 1930 ની આસપાસ સેવેલું. આ સ્વપ્નને ગુજરાત સરકારે તાજેતરના વર્ષોમાં સાકાર કર્યું. આ યુનિવર્સીટીનું નામાભિમાન 'ગિજુભાઈ બધેકા'નાં નામ સાથે સાંકળી શકાય તો ગુજરાતની અસ્મિતાને ચાર ચાંદ લાગી જાય.
આઝાદીના આટલાં વર્ષો પછી પણ ગુજરાત પાસે માતૃભાષા, રાષ્ટ્રભાષા, વેદભાષા અંગેની કોઈ જ નીતિ નથી. આ કારણે દુનિયાની ભુંસાઈ રહેલી ભાષામાં ગુજરાતીભાષાનો પણ UN દસ્તાવેજમાં સમાવેશ થયો છે. ગુજરાત સરકાર વિના વિલંબે ભાષાનીતિની ઘોસના કરે, તે આજનાં સમયની તાતી માંગ છે.
પરિવર્તનના ઉંબરેથી
ભાવનગરમાં માતૃભાષાની મહત્તા અંગે સમાજને જાગૃત કરવાની કેટલાંક મિત્રોએ અહલેખ જગાવી છે. તેઓએ જ્યાં અને ત્યાં, જેવો પણ અવકાશ મળ્યો ત્યારે ત્યારે, સમાજમાં માતૃભાષાનું વિચારવલોણું ઘમરોળાતું રાખ્યું છે. જેની ઘણી મોટી અસર ઉદ્દભવી રહી છે. ગુજરાતમાં માતૃભાષા વિષે જેટલી સભાનતા છે તેના કરતાં ભાવનગરમાં વધુ છે તેમ વિશ્વાસથી કહી શકાય તેમ છે.