એક સમય હતો જયારે હું ખુદ વાલી શિક્ષણની જરૂરિયાતને સમજી શકતો ન હતો. છતાં હું તે સમયે શિક્ષણની નામાંકિત સંસ્થાન GCERTમાં અધિક નિયામક તરીકે ફરજ બજાવતો હતો!!!
આ પહેલાં હું શિક્ષક પણ હતો, હું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી અને પોરબંદરની નામાંકિત તાલીમી કોલેજનો પ્રિન્સીપાલ પણ રહી ચુકેલો. તો પણ મને વાલીશિક્ષણની અગત્યતા અને જરૂરિયાત સમજાણી ન હતી. (જો કે ત્યારે આજનાં જેવું તણાવયુક્ત અને ગોખણયુશિક્ષણ ન હતું અને છતાં પ્રગતી સારી થતી હતી.)
ખરેખર શિક્ષણને સમજવું બહું અઘરું છે અને તેમાંયે કેળવણીને સમજવી તો તેનાથી પણ અઘરી છે. શિક્ષક બનવાથી કે સંચાલક બનવાથી કે અધિકારી બની જવાથી કે કોઇપણ હોદ્દો ગ્રહણ કરી લેવાથી શિક્ષણ સમજી જાતું નથી. આ કડવું સત્ય છે. એટલે લગભગ આ મિત્રો કે જેઓ અધૂરા ઘડા સમાન છે તેઓ શિક્ષણની અધોગતિ માટે જવાબદાર બની રહેતા હોય છે.
આજે જયારે PARENTING FOR PEACE (P 4 P)નું અભિયાન શરૂ થયું છે, સારી જાગૃતિ દાખવી રહ્યું છે, ત્યારે મને વડોદરાનાં સન્માનીય વડીલ શ્રી જયંતભાઈ શુક્લજી, પૂજ્ય સ્વ. પરાગજીબાપુ અને સાથીદારોએ શરૂ કરેલાં વાલીઓ માટેનાં અધ્યાપન મંદિરની યાદ આવે છે. આ વાત મને ત્યારે નહોતી સમજાતી. ખરું કહું તો હાસ્યાસ્પદ પણ લાગી હતી. જો એ વાત ત્યારે સમજાઈ હોત તો GCERTમાં રહીને વાળી જાગૃતિ માટે ઘણી મોટી સેવા કરી શકાય હોત.
ખેર, ભૂલ થઇ ગઈ. ભૂલનો સ્વીકાર કરવો જ રહ્યો.
આજે શિક્ષણ ગોથા ખાઈ રહ્યું છે તેનું કારણ શિક્ષણનો અનુભવ નહિ ધરાવતાં અને શિક્ષણની સમજદારી નહિ ધરવતા અધિકારીઓ અને પદ્દાધીકારીઓના હાથમાં સતા આવી ગઈ છે તે છે, તેવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આજે મારાં હાથમાં બાલશિક્ષણનું વડોદરાથી પ્રકાશીત થતું એક બેનમૂન સામયિક 'બાલમૂર્તિ' છે. તેમાં સન્માનીય જયંતભાઈ શુક્લનો લેખ છે, તેમાં તેઓશ્રીએ જે નિચોડ આપ્યો છે તે આપણા સહુ માટે અમૃત સમો છે. આ અમૃતમાં આપને ગિજુભાઈ બધેકા કે મેડમ મોન્ટેસરીનાં દર્શન અચૂક થશે.
· જો બાળકને વખોડશો તો તે તિરસ્કાર કરતાં શીખશે.
· જો બાળકનો વિરોધ કર્યા કરશો તો તે ઝગડાખોર બનશે.
· જો બાળકને હસી કાઢશો તો તે શરમ અનુભવ્યા કરશે.
· જો બાળકને અપમાનિત કરશો તો તે ગુનેગારની વૃતિ કેળવશે.
અને જો --
· બાળકની સાથે સહનશીલ રહેશો તો તે ધીરજવાન બનશે.
· બાળકને પ્રોત્સાહન આપશો તો તે આત્મવિશ્વાસ કેળવશે.
· બાળકની પ્રશંસા કરશો તો તે બીજાની કદર કરતાં શીખશે.
· બાળકની સાથે સમતોલ વ્યવહાર કરશો તો તે ન્યાયી બનશે.
· બાળકને સલામતી આપશો તો તે નિર્ભય બનશે.
· બાળકને મૈત્રીપૂર્ણ વ્યવહાર મળશે તો તેણે સમસ્ત વિશ્વમાં પ્રેમ દેખાશે.
આ બધું આપણે 'મૂછાળી મા' ગિજુભાઈ બધેકા નેવું વર્ષ પહેલાં કહી ગયા છે. તેમનું સાહિત્ય આજે પણ અમૂલ્ય છે. તેમનું સાહિત્ય આજે પણ વિશ્વસ્તરનું છે. આપ સહુને મનુભાઈ પંચોલી(દર્શક)ના વ્યાખ્યાનો લખેલું 'વિશ્વ શાંતિની ગુરુકિલ્લી' વાંચવા વિનંતી છે.
બાલશિક્ષણનાં સહુ સેવાભાવીઓને વંદન.
| બાલ દેવો ભવ |