૨૫ ગામ અને બોરતળાવને ભરપૂર પાણી
કંસારો સાફ થાય અને બંધારો પણ બાંધી શકાય તેવી બહુમૂલ્ય યોજના
ભાવનગરનાં સિદસરથી શેત્રુંજી ડેમ તરફના સરકડિયા ગામ વચ્ચે આવેલાં ૨૫ ગામ અનેક વર્ષોથી ખેતીના પાણી વિના બરબાદ થઇ રહ્યાં છે. આ સમસ્યાના નિરાકરણ માટે રચવામાં આવેલી ૨૫ ગામ પાણી સમિતિની એક બેઠક તાજેતરમાં શામપરા ગામે મળી ગઈ.
બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામ પ્રતિનિધિઓની આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર અને બન્ને પક્ષોના જવાબદાર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પહેલાં ભાજપનાં ઉમેદવારને રૂબરૂ જઈને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત પ્રત્યે બન્ને પક્ષોએ ખૂબ સહાનુભૂતિ દાખવી છે.
૨૫ ગામને ખેતીનું પૂરતું પાણી મળી રહે તે માટે બન્ને પક્ષોના નેતાઓને સમિતિએ અનેકવાર રજૂઆત કરી છે. સમિતિએ અનેક ગ્રામસભાઓ પણ કરી છે. પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી.
અતિ મહત્વની આ બેઠકમાં શેત્રુંજી ડેમનું પાણી માત્ર પાંચેક કિલોમીટરની કેનાલ બનાવી સરકડિયાથી બિલેશ્વર મહાદેવ પાસે લાવી નદીમાં છોડી દેવાની, દેવગાણાથી પસાર થતી પાણીની બે બંધ પાઈપ લાઈનમાં પાણી લાવી તેને નદીમાં છોડી દઈ ૨૫ ગામોને ખેતીનું પાણી આપવાની, મોટા ભાગના ગામોમાં ચેક ડેમ બનાવવાની જે મનાઈ ફરમાવવામાં આવી છે તેને તુરત રદ કરવાની, બધાં ગામોનાં તળાવ ઊંડા કરી તેને આ પાણીથી ભરવાની, ભીકડા ડેમની માટી કાઢવાની, કેનાલમાં ચેક ડેમ બનાવવાની અને તેના કાંઠે વૃક્ષારોપણ કરવાની માંગણી બુલંદ રીતે કરવામાં આવી.
૨૫ ગામને પાણી મળવાથી ગામડાઓ ફરી બેઠા થશે, બરબાદ થઇ રહેલા ખેડૂતો વધુ સમૃદ્ધ થશે, બેકારી દૂર થશે, ખેતી આધારિત ગ્રામ ઉદ્યોગ સ્થાપિત કરી શકાશે. રોજગારીની તક વધશે. પાંજરાપોળ ગૌશાળાઓ અને પશુપાલકોને પૂરતું પાણી અને ઘાસચારો મળશે અને ગ્રામ સંસ્કૃતિ ફરી જીવંત કરી શકાશે.
આ પાણીથી જ બોરતળાવને પણ છલકાવી શકાશે. બોરતળાવમાંથી વધારાનાં પાણીને કંસારામાં છોડી દેવામાં આવે તો કંસારો પણ સાફ થશે. આરોગ્ય પણ સુધરશે. કંસારાનાં કાંઠે રસ્તા અને ફરવાના સ્થળો બનાવી શકાશે. ત્યાંથી દરિયામાં જતાં આ પાણીની આગળ બંધારો બાંધવામાં આવે તો દરિયાઈ ક્ષારથી બગડેલી જમીનને નવસાધ્ય બનાવી વાડીઓને ફરી હરિયાળી બનાવી શકાય, બહુમૂલ્ય પર્યાવરણને વધુ શુદ્ધ કરી શકાશે. આ રીતે દિન પ્રતિદિન પછાત બની રહેલાં ભાવનગરની ફરી એકવાર આગવી ઓળખ ઊભી કરી શકાશે.
બન્ને પક્ષોએ કહ્યું કે તેઓ આજસુધી આવડી મોટી સમસ્યાથી અજાણ હતાં. બન્ને ઉમેદવારોએ લોકસભાની ચૂંટણી પહેલાં આ સમસ્યા ઉકેલી આપવાની ખાત્રી આપી છે.
--
+91 94289 96622