11 November 2011

અમેરિકાના સથવારે (2011)


( Click here or the PDF if you cannot view Gujarati fonts )



ફરી અમેરિકાનાં પ્રવાસે જવાનું બન્યું. પ્રવાસમાં જીવનસંગિની દેવી સાથે હતી. અમેરિકામાં ન્યૂજર્સી રાજ્યમાં આવેલાં ઇઝલીન નામના નાનકડાં રૂપાળા ગામે રહેતાં પુત્ર ગૌરવ અને પુત્રવધૂ શીતલના પ્રેમને કારણે ગયાં. બંને ત્યાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કરે છે. માત્રને માત્ર તેઓ સાથે રહેવાના ઉદેશથી અમેરિકા ગયાં. અમેરિકા જવા ભાવનગરથી મુંબઈ ગયાં અને મુંબઈથી અમેરિકાનાં નેવાર્ક નામનાં જમ્બો એરપોર્ટ ઉપર ઊતરેલા. અધધ મોટું એરપોર્ટ, ચાર માળનું એરપોર્ટ! એરપોર્ટનાં ચોથા માળેથી ટ્રેન મળે. એટલે સમજીવિચારીને દીકરો એરપોર્ટ પર તેડવા આવેલો!!

મુંબઈ એટલે ભારતનો પશ્ચિમ કાંઠો અને નેવાર્ક(ન્યૂજર્સી) એટલે અમેરિકાનો પૂર્વ કાંઠો.પૃથ્વીના ગોળામાં બંને સામસામા. એક જગ્યાએ દિવસ હોયતો બીજી જગ્યાએ રાત્રી. મુંબઈથી નેવાર્ક એરપોર્ટ તેર હજાર કિમી જેટલું દૂર થાય. પાંચેક વરસ પહેલાં અમેરિકા ગયેલા ત્યારે લગભગ અડધેક અંતરે પેરિસ આવેલું અને ત્યાં પ્લેન કલાકેક માટે રોકાયેલું. પણ આ વખતે નોન-સ્ટોપ પહોંચી ગયાં, અને તે પણ પંદર જ કલાકમાં. હવે પછીની પેઢી બે-પાંચ કલાકમાં પહોંચી જાય તો નવાઈ નહિ!! મુંબઈથી ઊપડેલું પ્લેન કચ્છ, પાકિસ્તાન, કંધાર, કાબુલ, મોસ્કો અને કેનેડાની આસપાસ થઈને નેવાર્ક પહોચ્યું. પ્લેનમાં દરેક મુસાફરની સીટ સામે લગાવેલા ટીવીસ્ક્રીનમાં સમગ્ર સફરનો નકશો જોવાની અનેરી મજા આવે. ગૂગલ અર્થની આ જબરી કમાલ. હવાઈસફરનો બધો જ સમય રાત્રીનો રહ્યો, તેથી બહારનું જોવાની મજા ગુમાવવી પડી, પણ ક્યાંક ક્યાંક મોટા શહેરોની ઝગમગતી લાઈટોનો અદ્દભુત નજારો મનમોહક બની રહેતો.

પ્લેનના ટીવીસ્ક્રીન ઉપર પ્લેન પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ, એટલે કે જમીનથી લગભગ સાતેક કિમી ઊંચે, નવસો કિમી જેટલી ઝડપે અને શૂન્યથી પણ નીચે સાઈઠ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાંથી પસાર થઇ રહયું છે તેવું દર્શાવે, ત્યારે અતિ રોમાંચ થતો.

અમેરિકા જવા નીકળ્યા ત્યારે ગુજરાતમાં ચોમાસુ જામેલું હતું ઘણો સારો વરસાદ હતો, નવરાત્રી આવવામાં હતી એટલે બધે જ ખુશાલીનો માહોલ હતો. અમેરિકા જવા અમારા માટે આ સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનો સમય ઘણો અનુકૂળ રહ્યો.

અમેરિકાનો વિસ્તાર ભારત કરતાં પાંચ ગણો મોટો પણ વસ્તી ભારત કરતાં પાંચમાં ભાગની. આમ સીધીરીતે જ અમેરિકા અને આપણા ભારત વચ્ચે પચ્ચીસ ગણો તફાવત. સમૃદ્ધિમાં પણ અધધધ તફાવત. આવા અમેરિકામાં બધીજ વ્યક્તિ પાસે કાર હોવી એ સ્વાભાવિક છે. તે વિના કોઈ રોજિંદો વ્યવહાર થઇ શકવો લગભગ અસંભવ છે. પુત્ર અને પુત્રવધૂ બંને સ્પોર્ટ્સ કારનો ઉપયોગ કરે. વધુમાં એક એન્ટીક પીસ જેવી જીપ પણ ખરી!

પુત્રવધૂ ભવ્યાતિભવ્ય ન્યૂયોર્ક શહેરમાં નોકરી કરે. રોજે ઘરેથી પોતાની સ્પોર્ટ્સ કાર લઈને ન્યૂયોર્ક જાય. રોજનું લગભગ નેવું કિમી. આવનજાવન થાય.રસ્તા અફલાતૂન એટલે સરળતાથી નોકરીના સ્થળે પહોંચી જાય. સવારે સાત વાગે જાય તે રાત્રે આઠેક વાગે ઘરે પરત આવે. જરૂર પડે ઓફીસના અરજન્ટ કામ માટે ઘરે મોડી રાત્રી સુધી પણ કામ કરે.

પુત્ર ઘરે રહીને જ ઓફિસનું કામ કરે. તેની કંપનીનો મોટાભાગનો સ્ટાફ ઘરે રહીને જ કામ કરે. અમેરિકામાં ઘણીબધી કંપનીમાં આવા નિયમો છે! પુત્ર સવારે નવ વાગે લેપટોપ અને સ્માર્ટ-ફોન લઈને પોતાનાં અલાયદા ઓરડામાં બેસી જાય. બપોરે જમવા પૂરતો બહાર આવે. જમીને પાછો સાંજના પાંચ સુધી એક ધારો કામ કરતો રહે. અમારી સાથે જમવા અને ચા પીવા પૂરતો બહાર આવે. ઓફિસ સાથે ટેલી-કોન્ફરન્સ ચાલતી રહે. ઘરે પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે. કોઈ કામકાજ સબબ જરૂર પડે ઓફિસે જવાનું. જરૂર પડે ઓફિસનું અરજન્ટ કામ રાત્રીના પણ કરે. ઓફીસ કામમાં કાગળ પેનનો ક્યાંયે ઉપયોગ નહીં, પેપરલેસ ઓફિસ. આ છે ટેકનોલોજીની કમાલ. આ છે અમેરિકાની કામકાજની તરાહ. ગુજરાત સરકાર પણ પેપરલેસ ઓફિસ માટે ઘણાં સમયથી મથી રહી છે. કાગળ અને પેનના બદલે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં સમય જાય છે, પણ તેના મીઠાં ફળ જરૂરથી મળશે.

પુત્ર અને પુત્રવધૂ બંને માતૃભાષા ગુજરાતીમાં ભણેલાં છે. બંને ગુજરાતીની સાથોસાથ અંગ્રેજી વિષયમાં પણ હોશિયાર. અભ્યાસ દરમ્યાન આડંબર વિનાની શાળાઓ અને પ્રેમથી ભર્યા ભર્યા ગુરુજીઓ મળેલા. સર્વાંગી ઘડતર માટે ઉત્તમોત્તમ એવી સ્કાઉટ અને ગાઈડની પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા રહ્યાં. વધુમાં સારી કક્ષાનું મિત્રમંડળ મળ્યું, એટલે વિશ્વાસથી ભરેલા ભરેલા છે સ્વાવલંબી છે. આથી જ બંને પોતાની જાત મહેનતથી અમેરિકા સુધી પહોચ્યાં છે.

અમેરિકામાં સોમવારથી શુક્રવાર સુધી સખત મહેનત કરવાની અને શનિ રવિની રજા ભરપેટે માણવાની. આ ત્યાંની જીવનશૈલી છે. અમેરિકામાં અઠવાડિયાની વચ્ચે આવતી કોઇપણ રજાને શનિ રવિની રજા સાથે જોડી દેવામાં આવે છે. એટલે લોકોને પણ ફાયદો અને કામ કરનારને પણ ફાયદો. પુત્ર અને પુત્રવધૂ બંને શનિ રવિ રજા હોય કે પછી વધુ રજાનો મેળ પડે એટલે અમેરિકાની નાનીમોટી સફરે નીકળી પડવાનો જબરો શોખ ધરાવે, થોડી વધારે રજાનો મેળ પડે એટલે વિશ્વની સફરે પણ નીકળી પડે. પાછો બંનેને ફોટોગ્રાફીનો પણ જબરો શોખ. સમય મળે એટલે ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો વાંચવાનો પણ શોખ. હોમ થીયેટરમાં રમત અને સંગીતની મહેફિલો માણતા રહે. કેવી મજાની જિંદગી!

જીવનમાં શોખ અને મજા પોતાની જાત ઉપર પૂરેપૂરા વિશ્વાસ હોય ત્યારે જ માણી શકાય છે. જાતને વિશ્વાસથી ભરી ભરી બનાવવાની અને ભરપેટે મજા લેવાની પ્રથમ શરત છે, માતૃભાષામાં ભણવું અને સાથે ખપ પૂરતું અંગ્રેજી જાણવું. આ ‘ખપ પૂરતું અંગ્રેજી’ શબ્દ ભારત દેશનું ગૌરવ એવા સર્વશ્રી ઉમાશંકરભાઈ જોશીએ આપેલો છે. તેઓ અંગ્રેજીનાં પ્રકાંડ પંડિત હતાં, વિશ્વપ્રસિદ્ધ એવી શાંતિનિકેતન વિદ્યાપીઠના કુલપતિ હતાં. આવા મહામાનવે આપેલા આ ‘ખપ પૂરતું અંગ્રેજી’ શબ્દને ગહનતાથી સમજવાની જરૂર છે. માતૃભાષાનો વડલો હોય અને તેને અંગ્રેજીની વેલ ચડે ત્યારે અત્યંત સરળતાથી સર્જકતા અને સંવેદનાની મૂડીનાં માલિક બની શકાય છે. એટલે તો મોટાભાગે માતૃભાષાવાળો માલિક બને છે અને અન્ય ભાષામાં ભણેલો તેનો મેનજર બને છે!!

હા, અપવાદ જરૂર હોવાના. અપવાદ એ કુદરતનો નિયમ છે. પરંતુ આવા અપવાદો લાખોમાં એકાદ કિસ્સામાં જ સંભવી શકે. ઘરમાં અંગ્રેજી બોલાતું હોય, માબાપ બાળ મનોવિજ્ઞાન નાં જાણકાર હોય, કુટુંબનું ભાવનાસભર વાતાવરણ હોય, બાળકોને હરપળે પ્રોત્સાહન મળતું હોય, બાળકોને કુટુંબનો ભરપૂર પ્રેમ મળતો હોય [ખોટી લાડકાય નહીં], ઘરમાં દાદા દાદી હોય, ગીતો વાર્તાઓ અને રમતોની મોજમજા હોય, અંગ્રેજીની બોલચાલવાળું મિત્રવર્તુળ હોય તો માતૃભાષાથી દૂર રહેવું પરવડે. તેમ છતાં મા તે મા બીજા વગડાનાં વા. મા વિનાના ઉછેરમાં કઈક તો કમી રહી જ જવાની. તેમ માતૃભાષા વિનાનાં ભણતરમાં પણ કમી તો રહી જવાની. આ કમીને માપવાના યંત્રો હજુ ક્યાં શોધાયાં છે? બાળકોના બચપણને બચાવવા માટે આવાં યંત્રો શોધવાની તાતી જરૂરત છે.

વિશ્વના વિકસિત દેશોમાં મેડિકલ અને એન્જીનીરિન્ગનુ ભણતર પણ પોતાની માતૃભાષામાં જ અપાય છે. કારણકે તેઓએ વિશ્વના જ્ઞાનને પોતાની માતૃભાષામાં ઉતારી લેવાની પાવરધાઈ હાંસલ કરી લીધી છે. ગુજરાતમાં ખાટલે મોટી ખોટ આ જ છે.

ગુજરાતમાં અન્ય ભાષાના સારાં પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ કરવા માટે ‘યૂનિવર્સિટિ ગ્રંથ નિર્માણ બોર્ડ’ની સ્થાપના થયેલી છે. ભૂતકાળમાં આ બોર્ડે ખૂબ સારી કામગીરી કરી છે. લાખો વિદ્યાર્થીઓનું ભણતર સહેલું બની રહેલું. અરે! પાઠ્યપુસ્તકના લેખકોને પણ તેનો અદભૂત લાભ મળેલો છે. પરંતુ છેલ્લા દસેક વરસથી આ બોર્ડ મૃતપ્રાય બની રહયું છે. જેનો ભોગ ગુજરાત અને ગુજરાતના વિદ્યાર્થીઓ બની રહ્યાં છે. ધોરણ આઠથી બારના પુસ્તકોની ભદ્રમભદ્ર ભાષા તેનો જીવતોજાગતો દાખલો છે. ટ્યુશનની બદીનું આ પણ એક કારણ છે.

અમેરિકા અને ગુજરાતને મૂલવી રહ્યાં છીએ ત્યારે એ પણ જાણીએ કે વિશ્વની શ્રેષ્ઠ પ્રથમ વીસ યૂનિવર્સિટિમાંથી, સતર યૂનિવર્સિટિ તો માત્રને માત્ર અમેરિકાની છે! જયારે વિશ્વની શ્રેષ્ઠ બસો યૂનિવર્સિટિમાં ભારતની એક પણ યૂનિવર્સિટિને સ્થાન નથી!! પછી ગુજરાતની તો ક્યાં વાત કરવી? અમેરિકાની આ સફળતાનું રહસ્ય ત્યાંની યૂનિવર્સિટિઓને બક્ષવામાં આવેલી સ્વાયત્તતામાં છૂપાયેલું છે. અમેરિકાની યૂનિવર્સિટિઓ તેને બક્ષવામાં આવેલી આ સ્વાયતતાને ભરપેટે માણે છે. વિશેષમાં અમેરિકાની યૂનિવર્સિટિઓને સરકાર ઉપરાંત દાતાઓ અને તેની સાથોસાથ ભૂતપૂર્વ વિદ્યાર્થીના આર્થિક સહાયની બહુ મોટી હૂંફ છે. મેડિકલ અને અવકાશી વિજ્ઞાન ક્ષેત્રમાં થયેલાં કંઇક સંશોધનોમાં અમેરિકાની યૂનિવર્સિટિઓનો બેનમૂન ફાળો છે.

આપણી યૂનિવર્સિટિઓમાં પણ દમ છે, બહુરત્નો છે. તેમનાં જ્ઞાન અને અનુભવના આધારે ભારતીયતાના તત્વો આધારિત વિશ્વની બેનમૂન યૂનિવર્સિટિઓ ખડી કરી શકાય તેમ છે. પરંતુ આપણે અહીં ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવું કઈક જબરું ચૂંથાય ગયું છે. જેટલાં વહેલા જાગીએ તેટલું સારું છે, નહિતર ઘણું ગુમાવી બેઠા છીએ અને હવે રહ્યુંસહ્યું પણ ગુમાવવાનો વારો આવી ગયો છે. ગુજરાતે વહેલામાંવહેલી તકે ભૂતપૂર્વ વિદ્યાર્થીના સંસ્થા પ્રેમ અને આર્થિક સહાયને ગૂંથીને આગળ ધપવાની તાતી જરૂર છે. NRI અને NRGએ ભરપેટે દાન આપવા ઉપરાંત સરકારોને જાગૃત કરવાનું પણ કામ કરવું પડે તેમ છે.

અમને અમેરિકા આવ્યાને ત્રીજે જ દિવસે પુત્રવધૂ શીતલે ન્યૂજર્સીમાં આયોજિત ૨૦ કીલોમીટરની હાફ મેરેથોન દોડમાં ભાગ લીધેલો. તેથી હું, દેવી અને પુત્ર ગૌરવ, એમ ત્રણે જણ હાફ મેરેથોન દોડ જોવા અને દીકરીને વધાવવા દોડના સ્થળે ગયેલાં. આ દોડમાં લગભગ લગભગ બેક હજારથી વધુ દોડવીરો ભાગ લઇ રહ્યા હતા, જેમાં સિત્તેર પંચોતેરની ઉંમરના કેટલાક વડીલો પણ દોડી રહયા હતાં ! દોડમાં લગભગ અડધોઅડધ બહેનો હતી!!

આવું ગુજરાતના શહેરોમાં કેમ નથી થતું? આનું ખરું રહસ્ય આજનું ખોખલું શિક્ષણ છે. ખરું કારણ માત્ર ને માત્ર આજપર્યંત ચલાવે રાખવામાં આવેલ ગોખણીયું શિક્ષણ જ છે. આપણે તો આ મેકોલે બ્રાન્ડ શિક્ષણને હટાવવાના બદલે તેને દિવસેને દિવસે વધુને વધુ મહત્વ અને રક્ષણ આપતા આવ્યાં. અંગત રીતે કહું તો શિક્ષણની અવદશા માટે સચિવાલયની ચંચુપાત પણ કારણભૂત છે. આવા બધાં કારણોને લીધે ગુજરાત શારીરિક શિક્ષણથી કેટલાયે વર્ષોથી વિમુખ થતું રહયું છે. બાળકો અને યુવાનોના વિકાસમાં જેનો અતિ મહત્વનો ફાળો છે, તે રમત ગમતને તો કોરાણે જ મૂકી દીધી, પ્રવાસ પર્યટનને પણ મર્યાદિત બનાવી દીધા, પછી શું થાય? વરસ દહાડે એકાદ ઉજવણી કરવા માત્રથી કઈ નહિ વળે. આને રોજનું શિક્ષણ બનાવવું પડશે. આમ નથી થઈ શક્યું. પછી ગુજરાતનાં બાળકો માયકાંગલા ના રહે તો બીજું શું થાય?....પછી મેરેથોન દોડ સ્વપ્નમાં પણ ક્યાંથી આવે? સંગીત, રમતગમત, પ્રવાસ આ બધા અતિ અતિ અગત્યનાં વિષયોને વૈકલ્પિક વિષય બનાવી દેનારને ભગવાન માફ કરે!! પણ હવે તો જાગીએ. માધ્યમિક શિક્ષણ બોર્ડ આ અંગેનો શંખ ફૂંકે તેવી વિનંતી છે.

ગાંધીનગરમાં મારા ફરજકાળ દરમ્યાન શિક્ષણમાં સૂઝસમજ ધરાવનારા બે ભડવીર IAS અધિકારીઓ સાથે કામ કરવાનો મોકો મળેલો. જેમાંથી એક નિવૃત્તિ પછી પણ ગુજરાતના શિક્ષણનું ભલું કરી રહ્યા છે, તો બીજાના અનન્ય સહયોગથી પ્રાથમિક શિક્ષણ સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિને પામી શક્યું છે. આ બંને અધિકારીઓને વંદન કરું છું. ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા શિક્ષણના દસ્તાવેજમાં તો લખેલું છે કે, પ્રત્યેક વિદ્યાર્થીને ‘સ્કાઉટ અને ગાઈડ’ અથવા NSS અથવા NCC માં જોડવામાં આવશે. આ સુંદર દસ્તાવેજનું નજરાણું ધરનાર ઋષિપુરુષ આજે દેશના બીજા છેડે પોંડીચેરીમાં તપ કરી રહ્યાં છે, તેઓને પણ વંદન કરું છું. તેઓ સુંદર સ્વાસ્થ્ય પામે તેવી પ્રાર્થના કરું છું, અને જલ્દી જલ્દી ગુજરાતમાં પધારી પ્રત્યક્ષ માર્ગદર્શન આપે તેવી અરજ ગુજારું છું.

ગુજરાતે આવતાં દશ વીસ વર્ષનું વિચારી શકે તેવી થીંક ટેન્કની રચના કરવાની જરૂરત છે. થીંક ટેંક દિશા આપે અને અમલદારો અમલ કરે. બીજી કોઈ ચંચૂપાત નહિ જ. શિક્ષણમાં ઉચ્ચ સ્તરે હંમેશને માટે શિક્ષણમાં ઉમદા સૂઝસમજ ધરાવતા અને ખુલ્લા દિલના ઉચ્ચ અધિકારીઓની તાતી જરૂર છે. ગુજરાત ‘હૃદયની કેળવણી’ વાળી શિક્ષણ નીતિ ઝંખી રહ્યું છે, ગુજરાત શિક્ષણની સ્વાયતત્તાને ઝંખી રહ્યું છે. સ્વાયત્તા વિના શિક્ષણ અને શિક્ષણ વિના સમાજનો ઉદ્ધાર નથી નથી અને નથી.

અમેરિકામાં જેણે એકાદ હજારથી પણ વધારે શોધ કરી તેવા મહાન વિજ્ઞાનિક થોમસ આલ્વા એડીસનની જ્યાં પ્રયોગશાળા આવેલી હતી તે ન્યૂજર્સી રાજ્યના એડીસન ગામની બાજુમાં જ ઇઝલીન ગામ આવેલું છે. અહીં સવારે વાદળછાયો સૂરજ નીકળે અને બપોર બાદ લગભગ વરસાદ પડે, અહીંનો વરસાદ ગાજે બહુ, હાજા ગગડાવી નાખે તેવા કડાકાને ભડાકા કરે. બારેમાસ વરસાદ પડે એટલે કે ચોમાસુ તો બારેમાસ. છતાં ક્યાંયે પણ કાદવકીચડનું કે ગંદકીનું નામનિશાન નહીં. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી.

અહીં નાના બાળકથી માંડી સહુ કોઈ સ્વચ્છતાની બહુ દરકાર રાખે. અહીં સ્વચ્છતા દરેકના જીવનમાં ઉતરી આવેલી છે. સ્વચ્છતા સંબંધી કાયદાકાનૂનનાં પાલનમાં કોઈ પણ વ્યક્તિ જરાપણ ચૂક કરે અને ભૂલેચૂકે પણ ગંદકી કરે તો ભારેખમ દંડ ભરે જ છૂટકો. કોઈના બાપની સાડીબારી નહિ, મોટો અધિકારી હોય, મેયર હોય કે પછી મોટો પ્રધાન હોય. બધાયે દંડ ભરે જ છૂટકો. અને દંડ પણ બેચાર દિવસોમાં જ ભરવાનો. લાગવગનું નામનિશાન નહિ.

ગુજરાતે સ્વચ્છતાની બાબતમાં નોંધપાત્ર કામગીરી કરવાની જરૂર છે. તે માટે શિક્ષણમાં અનુભવજન્ય સફાઈકામને અગ્રતા આપવી પડશે. જ્યાં સુધી આ સમજદારી દાખવવામાં નહિ આવે ત્યાં સુધી કશું જ શક્ય નથી. દરેક સમસ્યાનો કાયમી ઉકેલ અંતે તો શિક્ષણ જ આપી શકે.શાળાની સફાઈની જવાબદારી વિદ્યાર્થીઓની જ હોય. આ બ્રહ્મ વાક્ય છે. આપણા ઘરમાં જે કામ આપણી મા-બેન દીકરી કરે છે તે સફાઈકામ નિમ્ન કામ કેવી રીતે હોઈ શકે? આ જીવનશિક્ષણ છે. શાળામાં માત્રને માત્ર સ્વચ્છતાના પાઠ ભણાવે કાઈ ઉકળવાનું નથી. સ્વચ્છતાની વાતો કરવાથી કે પરીક્ષામાં તે અંગે પૂછવાથી કાંઈ નીપજવાનું નથી. અનુભવજન્ય ભણતરથી જ ટકાઉ અને ઉપજાઉ શિક્ષણ બનશે. સ્વચ્છતાના અનુભવ તો પૂરા પાડવા જ પડશે. જેની જવાબદારી આચાર્યમિત્રોએ લેવી પડશે, આચાર્યમિત્રો હાથમાં સાવરણો લે તો આ શક્ય બને!! એમાં શરમ શેની? એમ કહેવા દો કે આ જ સાચું શિક્ષણ છે. પી.ટી.સી. અને બી.એડ.માં આ સમજણ પાકી કરવી પડશે. ત્યાં પણ પ્રિ’ન્સપલ્ મિત્રોએ સાવરણો લઈને આદર્શ પૂરા પાડવા પડશે. સ્વચ્છતાને વર્ગખંડ સુધી લાવ્યા વિના ગુજરાત કે દેશનો છૂટકો નથી.

ગુજરાતની ચાલીસ હજાર પ્રાથમિક શાળાઓમાંથી ચોત્રીસ હજાર જેટલી સરકારી શાળાઓમાં શાળાના બાળકો જ સફાઈકામ કરે છે. તેમાં શાળાના ગુરુજીઓનું મહત્તમ પ્રદાન છે. સરકારી પ્રાથમિકશાળાઓના આ કામની જેટલી કદર કરીયે તેટલી ઓછી છે. શિક્ષણની સમજદારી હોય તો આ સમજાય. બાકી રામ ભજો રામ.

મને બરાબર યાદ છે, હું ભાવનગરમાં જિલ્લા શિક્ષણાધિકારી હતો, ભાવનગર શહેરમાં આવેલી એક સરકારી કન્યા-માધ્યમિક શાળાની અચાનક મુલાકાતે જવાનું થયું. લગભગ ત્રણેક હજાર દીકરીઓ અભ્યાસ કરે. રજવાડી ભવ્ય મકાન. પણ સ્વચ્છતાના નામે મીંડુ. દરેક વર્ગખંડમાં બોરના ઠળિયાનો અને કચરાનો કોઈ પાર નહિ,! ગાંધીનગરથી સરકાર માબાપ પટાવાળાની જગ્યા મંજુર કરે નહિ. તો શું હાથ જોડીને બેસી રહેવાનું? હજારો દીકરીઓએ ગંદકીમાં ભણવાનું? રોગને ખુલ્લું નિમંત્રણ આપવાનું? શાળામાં વિજ્ઞાન ભણાવવામાં આવે છતાં ગંદકીમાં બેસીને ભણવાનું? સમાજવિદ્યા ભણવાનો શો અર્થ? અંદરથી એક અવાજ ઊઠ્યો. તુરત સ્ટાફ તથા વર્ગ પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરી. મારા અને આચાર્યાબહેન સહિત બધાયે સાથે રહી સફાઈ ઝુંબેશ કરવાનો નિર્ણય લેવાયો. એ દિવસ પણ આવી ગયો, અડધા કલાકમાં તો શાળા ચોખ્ખીચણાક! શું આને શિક્ષણ ના કહેવાય? શું આવા શિક્ષણની જરૂરત નથી? પરિશ્રમ વિનાનું શિક્ષણ શા કામનું? પરિશ્રમ વિનાનું શિક્ષણ તો માત્રને માત્ર મેકોલે બ્રાન્ડ શિક્ષણ કહેવાય. સાચા શિક્ષણની સમજ કેળવાય તે માટે જ GCERT અને DIETની શિબિરોમાં શિક્ષકોથી માંડી અધિકારીઓને જોડીને સફાઈ ઝુંબેશને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું, આ શિબિરોમાં હું અને મારાં અધિકારી મિત્રો પણ ગંદકી ઉપાડતા. આ કામ પ્રાથમિક શિક્ષકો હોંશે હોંશે કરતા, દિલ લગાવીને કરતા, શિક્ષણનો એક અતિ મહત્વનો ભાગ છે તેમ સમજીને કરતાં. પ્રાથમિક શિક્ષકોના આ અને આવાં અનેક વિશિષ્ટ સેવાકાર્યોને કારણે જ આ ગુરુજીઓ મને બહુ વ્હાલાં લાગ્યા છે.

મારા એક મિત્ર જે અમદાવાદમાં જિલ્લા શિક્ષણાધિકારી હતા, તે આજના દિવસે પણ પોતાની સોસાયટીની શેરી સાફ કરે છે. બીજા આવા જ એક મિત્ર ગાંધીનગરમાં શિક્ષણનાં ઉચ્ચ અધિકારી છે, આદેશ કરે તો પાંચ દશ સેવકો હાજર થઈ જાય. પણ ના, દર રવિવારે પોતાનાં સરકારી બંગલાનું પ્રાંગણ પોતે જાતે જ ઊભા સાવરણાથી સાફ કરે. ગુજરાતની એક આંતરરાષ્ટ્રિય ખ્યાત વિશ્વ વિદ્યાપીઠનાં કુલપતિ અને રજીસ્ટારને પણ યૂનિવર્સિટિ કેમ્પસ જાતે સાફ કરતાં જોયા છે. ખાટલે મોટી ખોટ એટલી જ છે કે ગાંધીનગરમાં બેઠેલ કોઈ માઈનોલાલ હાથમાં સાવરણી લેતા નથી. ગાંધીજી અને વિનોબાભાવેની જેમ જાતે સંડાસ સાફ કરીને આદર્શ પૂરો પાડવામાં આવશે ત્યારે જ સ્વછતા અને સ્વાસ્થ્યમાં ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે અંકાશે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આઈઝનહોવરે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં દેશમાં ઘર કરી ગયેલી ગંદકીને દૂર કરવાનું વચન આપેલું. ચૂંટાયા પછી ગંદકી દૂર કરવાનાં આપેલા વચનને ભૂલી ન જવાય એટલા માટે પોતાની રાષ્ટ્રપતિની ઓફિસના સામેના શોકેસમાં ઝાડુ મૂકી રાખેલું!! અમેરિકા આજે આટલુંબધું સ્વચ્છ છે તે આ રાષ્ટ્રપતિજીનાં કારણે હોઈ શકે. આજે અમેરિકામાં આવો આદર્શ સિનિયર સીટીઝન પૂરો પાડી રહ્યા છે. આ ડોલરિયા દેશના ઘરો સુંદર બાગબગીચાવાળાં છે. કારણકે ઘરના બાગબગીચાની સફાઈ અને સંભાળ ઘરના વડીલો જ કરી રહ્યાં છે. વડીલો દર અઠવાડિયે ઓછામાં ઓછો એક દિવસ આ કામ માટે જ ફાળવે છે. નગરપાલિકા પણ બહુ જાગૃત છે. જો કોઈના ઘરનો બગીચો સાફસૂથરો ના હોયને તો મોટોમસ દંડ ફટકારવામાં એક દિવસનું પણ મોડું ન કરે. નગરપાલિકાનું પોતાનું કામ પણ દાદુ. સ્વચ્છતાની બાબતમાં અમેરિકાની સરકાર અને સમાજ બંનેને સલામ.

અમેરિકામાં વાંચવાનો બહુ સમય મળી ગયો, ભાવનગરથી ઘરના પુસ્તકાલયમાંથી વાંચવા માટેના કેટલાંક પુસ્તકો લીધેલાં. જેમાં એક પુસ્તક ફોટોગ્રાફીનાં નામી કલાકાર શ્રી અશ્વિનભાઈ મહેતાનું હતું. જે પુસ્તક, ‘છબિ ભીતરની’ વાંચી ખૂબ આનંદ થયો. પુસ્તકમાં મહાત્મા ગાંધીજી, ખગોળ વિજ્ઞાની ડૉ.જયન્ત નાર્લીકર, શ્રીમતી ઇન્દિરા ગાંધી, સર્વશ્રી ઉમાશંકરભાઈ જોષી સહિતના અનેક મહાનુભાવો સાથેની મુલાકાત કે તેની વાતો રોમાંચક બની રહી. ‘બર્ડી’નો પ્રસંગ બહું માર્મિક રહ્યો!! અને ‘આરૂઢ અર્થ’ જ્ઞાનવર્ધક રહ્યો.
પુત્રે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તકો લાવવાનું કહેલું, તેથી મહત્તમ પુસ્તકો મેઘાણીજીનાં જ લીધેલાં. તે પૈકી પ્રથમ પુસ્તક વાંચ્યું, "માણસાઈના દીવા". રવિશંકર મહારાજનો ખેડા જિલ્લાના પાટણવાડિયા કોમ સાથેનો રૂવાડા ખડા કરી દેતો આઝાદી સમયનો ઇતિહાસ વાંચી રોમાંચ અનુભવ્યો. શિક્ષણમાં આવાં રાષ્ટ્રીયતા અને આઝાદી સબંધી પુસ્તકોને તથા પાઠોને દાખલ કરવાની તાતી જરૂર છે. આ પાઠો બાળકોમાં દેશદાઝ લાવશે, આ પાઠો બાળકોને ભ્રષ્ટાચારથી દૂર રહેવાનું શીખવાડશે. આઝાદીની કુરબાનીઓ અને તેની રોમાંચક હકીકતોથી અવાકેફ રાખી દેવામાં આવેલા આજનાં વિદ્યાર્થીઓને આઝાદીની કિંમત સમજાશે. સાચી લોકશાહીનો રાહ કંડારી શકાશે. ખેડા જિલ્લાનાં મિત્રોને, “માણસાઈના દીવા” આધારિત પ્રોજેક્ટ કાર્ય હાથ ધરવા વિનંતી કરું છું.

ગાંધીનગર કેમ ભૂલાય! ત્યાનાં એક અતિ જાણીતા મુખ્ય સર્કલમાં, ગુજરાત રાજ્યનાં સ્થાપક રવિશંકર મહારાજનું પ્રેરક પૂતળું મુકવામાં આવ્યું છે. ગાંધીનગરના શિક્ષક મિત્રો આ મહાન સમાજસેવક વિષેનું જ્ઞાન વિદ્યાર્થીઓને પીરસે તેવી વિનંતી છે. ગાંધીનગરની શાળાઓ આવો પ્રોજેક્ટ હાથ ધરે તેમા સર્વનું કલ્યાણ છે. આવા શિક્ષણથી જ કલ્યાણનો માર્ગ ખુલશે. મેકોલે બ્રાંડ શિક્ષણમાંથી તો જ છુટકારો મળશે. ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી, અને ગાંધીબાપુએ બક્ષેલા બુનિયાદી શિક્ષણનાં પાયાનાં તત્વોને શિક્ષણમાં સામેલ કર્યા વિના પણ કોઈ છૂટકો નથી.

ભાવનગર હાલમાં તેના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહયું છે. આ રાજવી મૂઠી ઉંચેરા મહામાનવ હતા, એટલા માટે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈનાં હૃદયમાં સ્થાન પામ્યા હતા. ૫૬૦ જેટલાં રજવાડાઓનાં એકીકરણમાં સૌ પ્રથમ પોતાનું રાજ્ય દેશના ચરણે ધરી દઈને દેશને કેટલાયે ટુકડાઓમાં વિભાજીત થતો બચાવી લીધો હતો. તેઓ ગોળમેજી પરિષદમાં પણ ગયેલા! પ્રજાજનોનાં અતિ પ્યારાં આ રાજવીએ સંસ્કારનગરી ભાવનગરને શિક્ષણનગરી બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. વિકલાંગ શિક્ષણને ખૂબ પ્રાધાન્ય આપ્યું. ભાવનગરમાં ચાલુ વર્ષે માધ્યમિક શાળાઓમાં આ અનન્ય રાજવી આધારિત પ્રોજેક્ટ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ માટે ભાવનગર શિક્ષણના મોભીઓને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રોજેક્ટ આધારિત પદ્ધતિ એટલે ના કોઈ ભણવાનો તણાવ, ના કોઈ પરીક્ષા. ભણવા માટે ભમવાનું. ભમતાં ભમતાં તેને માણવાનું. વિદ્યાર્થીઓએ ભેગા મળીને ભણવાનું. જે કાંઈ અનુભવ્યું તેના આધારે જ યાદ રહી ગયેલું બોલવાનું, તેવું લખવાનું. ગોખણપટ્ટીનું નામનિશાન નહિ. નાપાસ થવાનો તો કોઈ ડર જ નહિ. વિદ્યાર્થી પોતે ધારે તેનાથી પણ સારો ગ્રેડ પ્રાપ્ત કરે. આ પદ્ધતિ દાખલ કરવાં માટે માધ્યમિક શિક્ષણ બોર્ડને અભિનંદન.

તાજેતરનાં વરસોમાં એક અદભુત ઘટના ઘટી. ગાંધીનગરના સાદરા ગામ પાસેના એક અવિકસિત ગામ રાજપુરની આ ઘટના છે. ત્યાં બુનિયાદી શિક્ષણનાં રંગે રંગાયેલું એક યુગલ નામે પાર્થેશભાઈ અને બિન્દુબેન સમાજને સાથે રાખીને ગામની નિશાળમાં નીતનવા પ્રયોગો કરી રહ્યું છે. બુનિયાદી શિક્ષણની શાળાઓમાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળને વિશેષ મહત્વ આપવામાં આવે છે. રાજપુર શાળામાં પણ આવું મંડળ સ્વાભાવિક પણે છે. વિદ્યાર્થી મંડળના જવાબદાર પ્રતિનિધિ તરીકે બાળકો ભાતભાતની પ્રવૃત્તિમાં જોડાઈને મસ્તીથી કામ કરે, એકલા એકલા પણ કામ કરે અને જૂથમાં પણ કામ કરે. આપેલી સમય મર્યાદામાં રહીને હોંશે હોંશે કામ પરિપૂર્ણ કરે. શિક્ષકો હોય તો પણ ભલે અને ના હોય તો પણ ભલે. શિક્ષકોનું પ્રોત્સાહન સતત મળે. જરૂર પડે ત્યાં સતત માર્ગદર્શન આપે.

આ શાળામાં બાંગલા દેશના રાષ્ટ્રપતિના સલાહકાર મુલાકાતે આવેલા. તેમની દીર્ઘ દ્રષ્ટિમાં વિદ્યાર્થી મંડળ વસી ગયું! આ પ્રવૃત્તિમાં તેમને લોક્શાહીના બીજ રોપાતા દેખાયાં!! આ તો બાલ્યઅવસ્થાથી જ લોકશાહીને મજબુત બનાવવાનો સરળ અને સહજ મનોવિજ્ઞાનિક પ્રયોગ, બાળકને વિશ્વમાનવ બનાવવાનો પ્રયોગ. તેઓ આ પ્રવૃત્તિની ઝીણામાં ઝીણી વિગતથી વાકેફ થયા. બાંગલા દેશ જઈને તુરતોતુરત આ પ્રયોગ ત્યાંની શાળાઓમાં શરુ કરાવ્યો. આજે ત્યાંની શાળાઓમાં વિદ્યાર્થીમંડળની પ્રવૃત્તિને પ્રથમ અગ્રતા આપવામાં આવી રહી છે. આ છે બુનિયાદી શિક્ષણની તાકાત. તેનાં દરેકે દરેક કર્મમાં અનન્ય દમ છે. સમજાય તો!!

વિશ્વના કેટલાંક દેશોના શિક્ષણ સાથે જોડાયેલા પાર્થેશભાઈ અને બિન્દુબાએ રાજપુર ગામે સમાજસુધારણા માટે કરેલ ઉપવાસ, કરેલ ધર્મકથા વિષે જાણવા જેવું છે. બાળકોને સ્વાવલંબી બનાવવા, બાળકોને આમદાની મળી રહે તે માટે અને જીવનઘડતર માટે શરુ કરેલ શ્રમકાર્યની વાતો જાણવા જેવી છે. આ ખાદીધારી દંપતિનાં પ્રયોગોમાં ગાંધીજીનાં કંઇક વ્રતો સમાયેલા છે. રાજપરા જરૂરથી જજો, સાચી દિશાનું કાંઇક શીખવા મળશે. અહીં મૂલ્ય શિક્ષણ અને ચારિત્ર્ય શિક્ષણની ઉત્તમ કેળવણી જોવા મળશે. વિશ્વગ્રામની વિભાવના સમજવા મળશે. હા, એક વિનંતી કે માત્ર દેખાડો કરવા ન જશો, મહેરબાની કરજો!

પુત્રનાં ઘરે એક બીજું પુસ્તક પણ વાંચ્યું. પ્રથમ વાર જ વાંચ્યું. આટલા વર્ષો સુધી નહિ વાંચ્યાનું દુખ છે, ભણવામાં ન હતું તો હું શું કરું!! ખરો વાંક તો મારો જ. પણ આજે વાંચ્યાનો આનંદ છે. આ પુસ્તકનું નામ છે "સોક્રેટિસ". લેખક છે, અદના કેળવણીકાર અને ઉત્તમ સાહિત્યકાર સર્વશ્રી મનુભાઈ પંચોલી(દર્શક). એક વખતના શિક્ષણપ્રધાન. સંવેદનાથી ભરેલા ભરેલા માનવી. સને ૧૯૭૪માં લખાયેલ પુસ્તકની પ્રસ્તાવનાની પ્રથમ લીટીમાં તેઓએ લખ્યું છે કે "આપણા આ કથળેલા સમયમાં આપણી વચ્ચે સોક્રેટીસને હરતો ફરતો કરવો તે મારો મૂળ હેતુ છે" ૧૯૭૪ની આસપાસના સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓ લખે છે કે, “છેલ્લા પાંચ વર્ષમાં આપણા દેશની લોકશાહીની જે અવસ્થા મેં જોઈ, તેની ઠેકડી અને હરાજી થતી અનુભવી, તેના નિકટના અંતરંગ અનુભવમાંથી પસાર થવાનું મારે ન બન્યું હોત તો સોક્રેટિસ લખવાનો ધક્કો વાગત કે કેમ તે શંકા છે”

સને ૧૯૭૪નાં સમયની હૃદય વિંધાય જાય તેવી પરિસ્થિતિ થકી આ પુસ્તક રચાયું છે. આજે તો ૨૦૧૨ની સાલ છે. ચારેબાજુથી રાજકારણની બદબુ આવી રહી છે. ખંધા રાજકારણીઓથી ખદબદતું રાષ્ટ્ર છે. સાચુક્લાઓને જેલમાં જવું પડે છે. અન્નાના સાથમાં લાખો યુવાનો અહિંસક બની રહીને મેદાનમાં આવી ગયાં છે. આવા સમયે મનુદાદા યાને કે ‘દર્શક’ હોત તો?

આનંદની વાત એ છે કે ‘દર્શક’ જયારે સાતમાં ધોરણમાં ભણતાં હતાં, ત્યારે તેમને સોક્રેટિસનો પાઠ ભણવામાં આવેલો. ત્યારે જ એ પાઠ તત્વનાં બીજ તેઓના મનમાં રોપાયેલા, જે પછીથી ‘સોક્રેટિસ’ પુસ્તક સ્વરૂપે પ્રકટ થયું. એકે એક પાઠનું શિક્ષણમાં જબરું મહત્વ છે.

અમેરિકા એટલે ઠેર ઠેર અતિ સુંદર પ્રવાસધામોથી ભરેલો દેશ. આવા એક પ્રવાસધામે જવાનું થયું, અમારા ગામથી ઉત્તર દિશામાં કેનેડા તરફ લગભગ સાડી ત્રણસો કિમી. દૂર વર્મોન્ટ કરીને એક રાજ્ય આવેલું છે, તે ‘ગ્રીન માઉન્ટન સ્ટેટ’ તરીકે ઓળખાય છે. આ રાજ્ય પાનખર ઋતુનાં અદભૂત સોંદર્ય માટે ઘણું પ્રસિદ્ધ થયું છે. ગુજરાતમાં પાનખરઋતુમાં ઝાડનાં પાન પીળાં પડી જાય. તેના બદલે અહીં ઝાડના પાન ચાર જાતનાં રંગ ધારણ કરે. પછી ખરી પડે તે સમયનો બહુરંગી નજારો મનભાવક બની રહે. આ સમયે કોઈ ઝાડપાન રાતો રંગ ધારણ કરે, તો કોઈ રાતોપીળો રંગ ધારણ કરે. કોઈ તો વળી મરૂનરંગે રંગાય જાય. કોઈ કોઈ ઝાડ તો બે ત્રણ કે ચાર રંગ ધારણ કરી શોભા વધારે. આમ ચારેબાજુ બહુરંગી ઝાડી વનરાજી જોવા મળે. આવી બહુરંગી દુનિયા લગભગ લગભગ દોઢસો કિમીમાં પથરાયેલી છે. આ સમગ્ર વિસ્તાર ગાઢ જંગલોનો છે, બધોજ વિસ્તાર ડુંગરાળ છે. ખળખળ વહેતાં ઝરણાં તો ખરાં જ, પાછી જ્યાં અને ત્યાં નાની મોટી નદીઓ તો આવતી જ રહે !! રસ્તામાં લાંબા અંતરે નાનકડાં નાનકડાં ગામ આવતાં જાય, બધેજ મકાનો લાકડાનાં, નયનરમ્ય મકાનો, તેની છત એકદમ ઢાળવાળી. રસ્તામાં વચ્ચે વચ્ચે મોટેલ એટલે કે હોટેલ અને રેસ્ટરોં આવે જાય.

વર્મોન્ટ રાજ્ય પસંદ કરવાનું એક કારણ હતું, પુત્ર અને પુત્રવધૂને ફોટોગ્રાફીનો જબરો શોખ. તે અમને અવારનવાર નિતનવા ફોટોગ્રાફ ઇમેલ કરતો રહે. એકાદ વરસ પહેલા તેણે વર્મોન્ટની પાનખરના ફોટા મોકલાવેલા. તે મારાં પત્ની દેવીને ખૂબ સ્પર્શી ગયેલા. નિવૃત્તિ પછી દેવી સરસ મજાના ચિત્રો દોરે, મજાની વાત એવી બની કે તેણે પેન્ટિંગ કરેલ એક વોલપીસ હુબહુ અહીંના જેવું જ હતું. તેણે વર્મોન્ટ જવાની ઈચ્છા કરેલી.

વર્મોન્ટમાં અમે જ્યાં ત્રણ દિવસ રોકાયેલાં, તે સ્થળ અતિ સુંદર હતું, ચારેકોર બહુરૂપી કુદરત. આ સ્થળ બરફ ઉપર લપસવા માટે એટલે કે સ્કીઈંગ માટે પણ બહુ જાણીતું છે. પુત્રવધૂ શીતલે અહીં ઊતરવા માટે એક કેબીન(સુંદર આવાસ) બૂક કરાવેલ, તે મુખ્ય સ્થળથી બે-ત્રણ કિમી આગળ ગાઢ જંગલમાં. કેબીનની રખેવાળી માટે ચોકીદાર નહિ, કોઈ કામવાળા નહીં. એકપણ માનવ વિનાની કેબીન. આસપાસમાં પણ કોઈ જ નહિ. સાવ અવાવરૂ સ્થાન. કેબીનના માલિકે ફોન ઉપર એક કોડ નંબર આપેલો તે લગાવ્યો એટલે તાળું ખૂલી ગયું. કેબીન અંદરથી એકદમ ચકાચક અને ભારે ચોખ્ખી. આવાસમાં એક મોટો બેઠક રૂમ, તેમાં બરફની ઠંડીથી બચવા એક રાજાશાહી ચિમની. ત્રણ સુવાના ઓરડા, એક અદ્યતન રસોડું, બંને બાજુ વરંડા. વરંડાની પાછળ દશ ફૂટે રતુમડું જંગલ. આગળ પચાસ ડગલાએ ઝરણું. બહુશિન્ગી હરણો તથા રીંછનો વિસ્તાર!! છાતી નબળી હોયતો બહુ બીક લાગે અને છાતી મજબુત હોય તો હરપળ આનંદો. મને વિશેષ આનંદ એ વાતનો રહ્યો કે અહીં એક પિયાનો હતો! મને જેવું તેવું હારમોનિયમ આવડે એટલે જિંદગીમા પહેલીવાર પિયાનોને અડ્યો, બેક ગીતની બેક કડી બેઠી એટલે આનંદ આવી ગયો. બીજી મજા રસોઈ જાતે બનાવવાની અને કેબીન જાતે સાફ કરવાની આવી. કેબીન છોડીયે ત્યારે તેને સાફસુફી કરીને જ સોંપવાની. સોંપવાની એટલે કોડ નંબર લગાવીને જાતે બંધ કરવાની અને પોતાનાં ઘરે જવાનું! કેબીનનું ભાડું ઘરે ગયાં પછી, બેંકમાં જમા કરાવવાનું. કેટલો મોટો વિશ્વાસ!!. અમેરિકાવાસીઓના જીવનમાં વિશ્વાસ એક આધારશીલા બની ગઈ છે.

વર્મોન્ટનાં જંગલો જોઇને આપણા આબુ અંબાજીના જંગલો તથા પંચમહાલના જંગલો યાદ આવી ગયા. ગુજરાતના આ જંગલોમાં રીછની વસ્તી છે. અમે શિક્ષણના થોડા મિત્રો દસેક વર્ષ પહેલા મોડી રાત્રિના પંચમહાલના જંગલોમાં રીંછ જોવા ગયેલા. ત્યાં રીંછ તો નહિ જોવા મળેલા, પણ રીંછ બચવા માટે આદિવાસીઓએ ઝાડ ઉપર બાંધેલાં ઝૂંપડાઓ જોયેલાં!!! ગીરનું જંગલ તો પગે ચાલીને પણ બહુ ફરેલો, એટલે અડી શકાય તેટલા નજદીકથી સિંહ જોયાની યાદ આવી ગઈ. ગીરના જંગલોમાં તો હરણના ટોળેટોળા જોયેલા, પરંતુ અહીં અમેરિકાના વર્મોન્ટનાં જંગલોમાં એક પણ બહુશિન્ગી હરણ જોવા ના મળ્યું, પણ આવું તો બને જ, ગીરના જંગલમાં પણ ક્યાં દર વખતે સિંહ જોવા મળતા !

વર્મોન્ટમાં ફરતાં ફરતાં એક એવી જગ્યા મળી ગઈ કે ત્યાં ગુજરી ભરાયેલી. ગુજરી શબ્દથી અમદાવાદના મિત્રો અને આદિવાસી વિસ્તારના મિત્રો સારી રીતે પરિચિત છે. અમેરિકાના અંતરિયાળ વિસ્તારમાં ભરાયેલ ગુજરીમાં ઘર વપરાશની ભાતભાતની વસ્તુઓ અને ક્યાંકતો અમૂલ્ય સિક્કાઓ પણ વેચવા મુકેલા. એક જગ્યાએ તો બંદુકો પણ વેચવા મૂકી હતી !! અમેરિકામાં કોઈક કોઈક પ્રદેશોમાં સ્વબચાવ માટે બંદુક વાપરવાની છૂટ છે. આમ અમેરિકામાં એક બાજુ જાહોજલાલીવાળા મોલ છે, અને બીજી બાજુ આવી ગુજરી પણ ભરાય છે!!

અમેરિકાનાં માણસો ગોરા અને સારા એવા લાંબા છે, પણ તેમાં કેટલાયે બહુ જાડિયા છે. જોવામાં અદોદરા લાગે. જંકફૂડ ખાવાની અને અને ઠંડા પીણા પીધે રાખવાની બૂરી આદતમાંથી આવું બેડોળપણું આવ્યું છે. ચારે બાજુ બધાં બસ ભરપેટે ફાસ્ટફૂડ અને જંકફૂડ ખાતાપીતા જોવા મળે. અમેરિકાની સરકાર હવે નિશાળોમાં આવા ખાદ્યપદાર્થો ઉપર રોક લગાવવા વિચારી રહી છે. બેક દિવસ પહેલા મેં ઈન્ટરનેટનાં માધ્યમથી ભારતનાં સમાચાર વાંચેલા કે દિલ્હીની કોર્ટે પણ નિશાળોમાં આવા ખાદ્ય ઉપર બાન કરતો ચૂકાદો આપેલ છે.

દસેક વર્ષ પહેલા ગાંધીનગરની એક નામાંકિત અંગ્રેજી શાળામાં પણ ઠંડાપીણાની એક નામાંકિત કંપનીએ એક કાર્યક્રમ સ્પોન્સર કર્યાનું યાદ આવે છે. આ શાળામાં મોટામોટા અધિકારીઓ અને મોટા મોટાના નેતાઓના સંતાનો ભણે, પછી બાકીની શાળાઓ તેનું આંધળું અનુકરણ કરે તેમાં શી નવાઇ? બાળકોમાં આમ જ વિકૃતિ ઘર કરી જાય. કોઈક ગુજરાતી કોર્ટે ચડે તો કેવું સારું ...મેડીકલ એસોસિએશન પણ નામદાર કોર્ટ અને સમાજનું ધ્યાન દોરે તો કેવું સારું!

વર્મોન્ટની એક ઘટનાએ મને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દીધો. અહીં જ્યાં જુઓ ત્યાં ઘરની આગળ અને ઘરના બગીચામાં ભાતભાતના પોશાકના ચાડિયાઓ જોવા મળ્યા. કેટલીયે જગ્યાએ તો વળી ભૂત ડાકણ કે પછી મામાઓનાં પૂતળાઓ પણ જોયાં. વરસમાં કોઈ એક દિવસે બાળકો ભાતભાતના ડરામણા પોશાક પહેરીને પડોશીઓના ઘરે બોલતા બોલતા જાય કે, ‘કા અમને કરામત કરી બતાવો નહીં, તો અમને મીઠાઈ ખવડાવો!!’ કેવી મજાની વાત! આવું તો ગુજરાતમાં પણ છે. આપણે દિવાળીના તહેવારમાં કાળીચૌદશ મૂળભૂતપણે ભૂત, મામો અને ડાકણના સંદર્ભમાં જ ઉજવીએ છીએ. હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં શેરડીના સાંઠામાં ઉપર અર્ધ સૂકા ટોપરાને બરાબર બાંધીને તેમાં દિવેલ પૂરી, વાટ પ્રગટાવીને બાળકો ઘરે ઘરે "મેઘ મેઘ રાજા, દિવાળીના....." કરવા નીકળે છે, કેવી મજા !! આપણે તો ભૂત ભૂવાના દેશનાં કહેવાયા અને વગોવાયા, પણ આ અમેરિકામાં કેમ આમ?

અમેરિકામાં ઘણું ફર્યા, પણ એક બીજી વાતમાં પણ અમેરિકાને સલામ કરવી પડે! અમેરિકામાં રસ્તાઓ આઠ આઠ લાઈનના સુંદર અને ટકાઉ. ભારતના રાષ્ટ્રીય ઘોરી માર્ગ પણ નાના લાગે. આ રસ્તાઓ ઉપર મોંઘીદાટ, ભાતભાતની અને રંગબેરંગી ઢગલાબંધ મોટરો પુરપાટ દોડે. પરંતુ આ બધી ગાડીઓમાં, માથે લાલલાઈટ વાળી ગાડી માત્રને માત્ર પોલીસ વાળાઓની જ જોવા મળે. બીજા કોઈની નહીં. આપણા દેશમાં અને ગુજરાતમાં આવું થાય તો બિચારા કેટલાયના માભાનું વિસર્જન થઈ જાય! અમેરિકાની આ પ્રથા ગુજરાતમાં અમલમાં મૂકવા જેવી છે.

અમેરિકાના વાહનોની નંબર પ્લેટ ઉપર “ પોલીસ....પ્રેસ....જય ....સદસ્ય...." આવું કઈ પણ લખેલું જોવા નથી મળતું. નંબર પ્લેટમાં હા, એક વસ્તુ જરૂરથી લખેલી હોય છે, અને તે છે વાહન જે રાજ્યનું હોય તે રાજ્યની અનોખી ઓળખ. જેમકે ન્યૂજર્સી રાજ્ય માટે gardan state, વર્મોન્ટ રાજ્ય માટે green mounten state, ન્યુયોર્ક માટે empire state.....પાછું બધા રાજ્યની નંબર પ્લેટને અલગ અલગ રંગની સુંદર મજાની ઝાંય હોય. એટલે નંબર પ્લેટ વાંચવાની અને જોવાની મજા આવે.

શહેરનાં રસ્તાઓની બાબતમાં ગોંડલ રાજ્યના મહારાજા ભગવતસિંહજીને અચૂક યાદ કરવા પડે. તેઓ ઇજનેર પાસેથી રોડ માટે વીસ વર્ષની અને પુલ માટે પુરા સો વર્ષની ગેરંટી લેતા!! પોતાની બગ્ગીમાં બેસી જાતે ચકાસણી કરવા નીકળી પડતા. રોડ, રસ્તા, શિક્ષણ, કૃષિ, કરવેરા, પ્રજાની સુખાકારી જેવી અનેક બાબતમાં ભગવતસિંહજી બાપુનું રાજ એક આદર્શ રાજ્ય હતું. સમગ્ર દેશમાં કન્યા કેળવણી ફરજિયાત કરનારા આ મહારાજા દેશના પ્રથમ રાજવી હતા. આપણે તેઓના કાયમી ઋણી રહીશું.

ગુજરાતનાં અધિકારીઓ અને રાજનેતાઓને ગુજરાતનાં ત્રણ રાજ્યો અને તેના ગરવા રાજવીઓનો અભ્યાસ કરીને જ પોતાનું પદ ગ્રહણ કરવું જોઈએ. એક ભાવનગર, બીજું ગોંડલ અને ત્રીજું વડોદરા. ત્રણે રાજના નેક નામદાર મહારાજાઓને સો સો સલામ.

અમેરિકાની એક વાત શીખવા જેવી છે. અહી બધાંજ પોતપોતાના વાહનોની હેડલાઈટ નીચી રાખીનેજ ડ્રાયવીંગ કરે છે. તેથી અકસ્માત થવાની શક્યતા ઘણી ઘટી જાય છે. ગુજરાતના મહત્તમ ડ્રાયવરોને સહુથી બૂરી આદત હોય તો તે ડીપર માર્યા વિના આંખોને આંજી નાખે તેવી હેડલાઈટ રાખીને બેફામ ડ્રાયવીંગ કરવાની છે. હાઇવે ઉપર પણ બેક લાઈટ વિનાનાં વાહનો ચલાવે રાખવાની પણ બૂરી આદત છે. ગુજરાતમાં મોટાભાગના અકસ્માતો માત્ર ને માત્ર આવાં કારણોથી જ થાય છે. શાળાઓમાં ટ્રાફિકના નિયમો અને તેના ચુસ્ત પાલન ઉપર વિશેષ ભાર આપવાની જરૂર છે. આજે તો માર્ક અને સ્પર્ધાની હાઈહોયમાં જીવનશિક્ષણ શીખવાડવાનું જ ભૂલી ગયા છીએ. આજે તો શિક્ષક કે આચાર્ય કે પછી કોઈ નેતાઓના વાહનો ચેક કરીશું તો ખબર પડશે કે, આ જવાબદાર અને સમાજ ઘડવૈયાઓ જ કાયદાની ફજેતી ઉડાવી રહ્યાં છે. ભલે આ પ્રમાણ ઓછું હોય, પણ તોય શું? આપણાથી તો આવું થાય જ નહીં. આ ભાવના પ્રદીપ્ત્ત થવી જ જોઈએ. હમણાં જ એક અકસ્માતમાં શિક્ષક જ લાઈટ વિના વાહન ચલાવતા હતા અને અકસ્માતમાં અમારી સામેજ પોતાનો જીવ ખોઈ બેઠા. ખોપરી ફાટી ગઈ. અમને કોઈને કંઈ પણ કરવાનો સમય જ ના મળ્યો. ૧૦૮ પણ દોડતી આવી, પણ ....હરિ હરિ.

અમે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી. પણ જોઈ. તે દિવસ છેલ્લા દોઢસો વરસમાં આ તારીખનો સૌથી ઠંડો દિવસ હતો. ઠંડીએ હાજા ગગડાવી નાખ્યાં. તો પણ શહેરમાં આવેલ અમેરિકાની સંસદ, વ્હાઈટ હાઉસ, વોશિંગ્ટન સ્મારક, અબ્રાહમ લિંકન સ્મારક આવું ઘણું બધું જોયું. બધાં જ સ્થળો દિલ્હીની જેમ લગભગ લગભગ એક લાઈનમાં આવેલાં છે. દીકરા પાસેનો સ્માર્ટ ફોન તે અમારો ગાઈડ. આ ફોનને જે પૂછો તે બધાં જ રસ્તા, સ્મારકો અને હોટેલો નકશાથી બતાવે અને ક્યાંથી કેમ જવું, કેટલું જવું, કઈ દિશામાં જવું, કેટલા ફૂટ જવું તે બધું બોલીને પણ સંભળાવે!! જે સ્થળની માહિતી જોઈએ તે તુર્તોતુરત અને સાંગોપાંગ આપે. સ્માર્ટ ફોન દ્વારા જ અમે અમારા ગામથી સાડા ત્રણસો કિમી દૂર વોશિંગ્ટન શહેર ચારેક કલાકે પહોંચેલાં. અમેરિકા એટલે રસ્તાઓની અદ્દભુત માયાજાળ. નકશા વિના ક્યાંયે પણ જવું અશક્ય. પણ જો સ્માર્ટ ફોનનો સંગાથ હોય તો પછી સમજી લેવાનું કે આપણને અનુભવી સારો દોસ્ત અને સાચો ગાઈડ મળી ગયો છે.

હવે તો ભારતમાં પણ સ્માર્ટ ફોનનો યુગ શરુ થઈ રહ્યો છે. તેના થકી ભારતમાં અનેરી ક્રાંતિના મંડાણ થશે. ગુજરાતી વિદ્યાર્થીઓના હાથમાં જયારે પણ આકાશ જેવું લેપટોપ અને સ્માર્ટ ફોન આવશે ત્યારે મેકોલે બ્રાન્ડ શિક્ષણ ઊભી પૂંછડીએ ભાગવાનું છે. મેકોલે બ્રાન્ડ શિક્ષણથી ભાંગી પડેલા ગામડાના વિદ્યાર્થીઓની શક્તિ ચારેબાજુ ખીલી ઊઠશે. ગામડે ગામડે શિક્ષણની જ્યોત જગવવાનું મહાન વિજ્ઞાનિક વિક્રમ સારાભાઈનું આ સ્વપ્ન હતું. વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ભારતદેશને વિશ્વમાં અગ્રિમ હરોળમાં મૂકવા તેઓએ ઇસરોની સ્થાપના કરી હતી. આ સ્વપ્ન સિદ્ધ થવાને હવે ક્યાં વાર છે!!

વોશિંગ્ટન ડી.સી. શહેરની પાસે જ એક કબ્રસ્તાન આવેલું છે, તેનું નામ આર્લીગ્તન સિમેટ્રી. તે જોવા માટે પુત્ર ખાસ લઈ ગયો! આ ક્બ્રસ્તામમાં ત્રણેક લાખ કબરો છે. અમેરિકાના લાડીલા પ્રમુખ અને ભારતના ચાહક એવા જ્યોર્જ કેનેડીથી માંડી અવકાશી સફરમાં પ્રાણની આહુતિ આપનાર ભારતની લાડકી દીકરી એવી કલ્પના ચાવલા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોથી માંડી અનેક અનેક નામધારીઓની કબરો અહીં આવેલી છે. વિશ્વયુદ્ધથી માંડી અમેરિકાના આજ સુધીના, ઈરાન-ઈરાક અને અફઘાનિસ્તાન સુધીના યુદ્ધોમાં પ્રાણની આહુતિ આપનાર સૈનિકોને પણ અહીં દફનાવવામાં આવેલા છે. જેમ દિલ્હીમાં રાજઘાટમાં તેમજ રાષ્ટ્રપતિ ભવનની સામે અમર જવાન સ્મારકની પાસે અખંડ જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવેલી છે, તેવી રીતે આ કબ્રસ્તાનમાં પણ અખંડ જ્યોત છે, સૌ કોઈનું મસ્તક ઝૂકે. મનોમન શાંતિ માટેની પ્રાર્થના કરી. પણ મન વિચારે ચડ્યું.

ગત વીસમી સદીમાં લગભગ બસોપચ્ચીસ યુધ્ધો થયા, અગિયાર કરોડ માનવીઓ મોતના મુખમાં હોમાયા, આ બધામાં શું અમેરિકાની હિંસાની નીતિ જવાબદાર નથી? ગાંધીજીની અહિંસાને આ લોકશાહી દેશ ક્યારે સમજશે? વિશ્વમાં મહાત્મા ગાંધીજી એક જ એવા અપવાદરૂપ મહા માનવ છે કે જેના માનમાં વિશ્વના તમામ દેશોએ ટપાલ ટિકિટ બહાર પાડી છે. વિશ્વની અગ્રીમ યૂનિવર્સિટિઓમાં ગાંધીજી વિષે ભણાવવામાં આવે છે. ગુજરાત અને ભારતે પણ ગાંધીજીની સાચી ઓળખ માટે મથવું પડે છે, ત્યાં અમેરિકા પાસે આશા કેમ રાખવી! જે દિવસે અમે આ કબ્રસ્તાનની મુલાકાત લીધી તે દિવસ હતો, બીજી ઓક્ટોબર!!

અવસાન પહેલાં ગાંધીજીએ કહેલું કે- “હું દાટી દીધા પછી પણ બોલતો રહીશ, હું ત્યાં પડ્યો પડ્યો પણ બોલતો રહીશ. હું ક્યાં મૂંગો રહેવાનો છું?” બાપુ, હવે પ્રજાનું બોલ્યું કોઈ જ સાંભળતું નથી, જેમ તમારી પાછલી અવસ્થામાં તમને કોંગ્રેસ પણ સાંભળતી ન હતી, તેવી જ અમારી બૂરી દશા છે. બાપુ, તમે ફરીને ક્યારે જન્મ લેવાના? આજના શાસકો ભાષણોમાં તમને લળી લળીને ભરપેટે યાદ કરે છે, પણ પછી એવા એવા તો ખેલ નાખે છે કે ન પૂછો વાત!! તમે તો સ્વર્ગમાં બેંઠા બેંઠા આ બધું જોઈ જ રહ્યા છો, તો કંઈક બોલોને બાપુ. હા, ભારતના યુવાનો હવે બોલવા માંડ્યા છે કે ‘મેં ભી અન્ના, તું ભી અન્ના’...બાપુ, ‘લગે રહો મુન્નાભાઈ’ ની જેમ અમારામાં પણ વસતા રહેજો!

વળી એક સારું પુસ્તક વાંચવાનો મોકો મળી ગયો. થોડા દિવસ પહેલા કચ્છના શ્રી રમેશભાઈ સંઘવી સંપાદિત પુસ્તક સ્વાગતના સ્વરૂપે મળ્યું તે ‘એક ઘડી, આધી ઘડી’ વાંચ્યુ. તેમાં એક વાત લખી છે. વાત પૃથ્વી ઉપરના સ્વર્ગ એવા સ્વીટઝરલેન્ડ દેશની છે. આ દેશના રાષ્ટ્રપતિ એક ફ્લેટમાં રહે છે,ઓફિસની ફાઈલો જાતે ઊંચકીને ઘરે લાવે છે. ઘરમાં રસોઈમાં મદદ કરે તેવી એક જ સેવિકા બહેન છે. ઘરેથી ઓફિસે આવજા કરવામાં ટ્રામ કે બસનો ઉપયાગ કરે છે. સાથે કોઈ બ્લેક કમાન્ડો નથી. ભારતદેશવાસીઓ, આપણે કેટકેટલી મજલ કાપવાની છે! સ્વીટ- ઝરલેન્ડ તને સલામ. હમણાંજ ક્યાંક વાંચ્યું કે વિશ્વમાં સાચી લોકશાહી હોય તેવા પ્રથમ ૨૫ દેશોમાં ભારતનું સ્થાન નથી!!! રામ બોલો ભાઈ રામ.

અમેરિકામાં ફૂરસદના સમયમાં કેટલીક હિન્દી ફિલ્મો જોવાનો સારો સમય મળી ગયો. ઘરમાં હોમ થિયેટર, રાત્રે જમીને ચારેય સાથે મળીને પસંદગીની ફિલ્મો જોઈએ. આવી એક ફિલ્મ યાદગાર રહી. એક બાળક, માતાપિતા પાસે ઝંખે છે પ્રેમ, પ્રેમ અને માત્ર પ્રેમ. અસીમ પ્રેમ ,નિર્ભેળ પ્રેમ. પરંતુ કેટલાંક બાળકો આ પ્રેમને બદલે જયારે બેસૂમાર માર ખાવો પડે છે, ત્યારે બાળકનું શું થાય છે? તેને સાંગોપાંગ દર્શાવતી ફિલ્મ "ઉડાન" જોઈ. દરેક માબાપ અને શિક્ષણમાં પડેલાં દરેક મિત્રોએ આ ફિલ્મ જોઇને તેની ઉપર ચર્ચા વિચારણા કરવી જોઈએ.

બીજી એક ફિલ્મ જોઈ તે "આરક્ષણ". રાજકારણીઓ અને સંચાલકોની મીલી ભગતે શિક્ષણની શું દશા કરી છે? ટ્યુશનની બદીએ કેવી ઘોર ખોદી છે? અને આરક્ષણનો આખરી ઉપાય શું? તેને દર્શાવતી આ ફિલ્મ પ્રત્યેક નાગરિકે જોવી જોઈએ. આ અને ‘તારે જમીં પર’ તથા ‘થ્રી ઇડીયટ’ જેવી ફિલ્મો, બી.એડ. અને અધ્યાપન મંદિરમાં બતાવવાની જરૂરત છે.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલાં અધ્યાપન મંદિરના અભ્યાસક્રમમાં "ગાંધી" ફિલ્મ અને “ગાંધીજીની આત્મકથા”, ”દિવાસ્વપ્ન” તથા “તોત્તોચાન” પુસ્તકોને દાખલ કરેલાં, તેના ઘણાસારા પ્રતિભાવો મળેલા તે યાદ આવી ગયું. શિક્ષણ દ્વારા આખરે તો આપણે માણસ જ્ઞાનની સાથોસાથ એક સારો માણસ બને, એક સારો નાગરિક બને તેવું જ ઈચ્છી રહ્યા છીએ. તેમાં આ ફિલ્મો અને પુસ્તકો અતિ અતિ ઉપયોગી સાધન બની શકે તેમ છે. ગાંધીનગરમાં શિક્ષણની નીતિ ઘડનારા આટલું કરશે તો મોટો ઉપકાર થયો ગણાશે.
અમેરિકામાં બીજું જોયું તે પર્યાવરણની અદ્દભુત ખેવના, સો સો સલામ કરવી પડે !!! અહીં ક્યાંયે એક ફૂટ જેટલી જગ્યા પણ ધૂળવાળી નથી. જ્યાં જુઓ ત્યાં ઘાસની લોન, બાગ બગીચા, વન, ઉપવનો અને ઘટાટોપ જંગલો. ક્યાંક રજમાત્ર ધૂળ પગમાં કે વાહનને લાગે જ નહીં. એટલું નહીં ક્યાયે પણ કાગળનો એક નાનકડો ટુકડો પણ જોવા ના મળે, ક્યાંય રખડતા ઢોર જોવા ના મળે. ઘરનાં આંગણાં ચોખ્ખાચટ્ટ, શેરીઓ ચોખ્ખીચટ્ટ, ગામના ગામ ચોખ્ખાં અને નયનરમ્ય.

અમેરિકામાં ક્યાંક અપવાદરૂપે જ ઉદ્યોગના નાનામોટા એકમો જોવા મળ્યા. ત્રણેક હજાર કિમીની મુસાફરીમાં બેત્રણ ફેક્ટરી જોવા જ મળી, પણ તેના ભૂંગળામાંથી ધુમાડાનું નામનિશાન નહીં. આ જોઇને મને ગુજરાતની યાદ આવી ગઈ. પંદર વીસ વરસ પહેલા મને ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની નામાંકિત સરકારી બી.એડ. કોલેજમાં પ્રાચાર્ય તરીકે સેવા કરવાનો અને સંસ્થાનું ઋણ ચુકવવાનો અવસર મળેલો. ત્યાં અમારી સંસ્થાને લગોલગ જ એક જબરી મોટી ઇન્ડસ્ટ્રીઝ. જેનાં ઘાતક પ્રદુષણ સામે અવાજ ઉઠાવેલો. તો બેગ ભરીને લાલચ દેખાડી, તેને વશ ન થયો તો ધાકધમકી મળી. અંતે પ્રદુષણ રોકવામાં મને નિષ્ફળતા જ મળેલી. કારણ ઉપરવાળાની મહેરબાની!!

હાલના ભાવનગરની વાત કરું. ભાવનગર ખંભાતની ખાડી ઉપર વસેલું શહેર છે. ભાવનગરમાં ખાડીના સામે કાંઠે આવેલી ઇન્ડસ્ટ્રીઝમાંથી દિવસમાં બેકવાર ધુમાડાના ગોટેગોટા છોડવામાં આવે છે. શિયાળામાં ઉત્તરનો પવન હોય ત્યારે સમગ્ર ભાવનગર શહેરનું આકાશ ધૂમાડાથી છવાઈ જાય છે. આજે ભાવનગર તેની ઘાતક અસરમાં સપડાય ચૂક્યું છે. ભાવનગરના એક પ્રતિષ્ઠિત ડોક્ટરના કહેવા મુજબ તાજેતરમાં ૨૫% જેટલાં બાળકો શ્વાસનો ભોગ બની ચુક્યા છે. હજુ પડોશના ભાલ પ્રદેશને કેમિકલ ઝોન બનાવવાની વાત સંભળાય છે!

મને બરાબર યાદ આવે છે, થોડા વરસો પહેલાં અમદાવાદના સરખેજ -ગાંધીનગર હાઈવે ઉપરના એક મોટા પૂલના છેડે એક મોટું બોર્ડ લગાવવામાં આવેલું, અને તેમાં લખેલું હતું, “અમદાવાદીઓ મરશો, પર્યાવરણ બચાવો". ભાવનગરમાં પણ આવું બોર્ડ મૂકવું પડશે. અરે ભાવનગરમાં જ શા માટે, સમગ્ર ગુજરાતમાં બોર્ડ મૂકવા પડશે, "ગુજરાતીઓ મરશો, પર્યાવરણ બચાવો".

રાષ્ટ્રના પર્યાવરણવિદો દ્વારા આવું ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે પર્યાવરણના પરિવર્તનને કારણે પંજાબમાં હવે ઘઉંનો મબલખ પાક નહિ ઉત્તરે. પર્યાવરણનું સંતુલન તૂટવાના કારણે વનસ્પતિમાં રોગોનું પ્રમાણ વધશે. ઉષ્ણતામાન વધવાને કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગનો ફેલાવો વધશે. અરે, કચ્છના રણનો ચોક્ક્સભાગ પાણીથી ભરાઈ જશે.

થોડા વખત પહેલા એક સંશોધનિત લેખ વાંચેલો, તેમાં લખેલું કે જો એક કરોડ રૂપિયા એક ગામડાનાં પાણી અને ખેતીવાડીમાં રોકવામાં આવે તો તે ગામની એક પણ વ્યક્તિ બેકાર ન રહે! એ ગામના બધાં ગ્રામજનોની આવકમાં ઘણો સારો વધારો થાય!! એટલું જ નહીં તે ગામનું અને આસપાસનું પર્યાવરણ પણ ખૂબ સારું બને!!! જયારે ઉદ્યોગમાં એક કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે ત્યારે સરેરાશ માત્ર ને માત્ર એક જ વ્યક્તિને નોકરી મળે છે, અને પર્યાવરણને બેહદ નુકસાન થાય છે!! ભાવિ પેઢીને શુદ્ધ પર્યાવરણ આપવાની જવાબદારી કોની? દેશે આઝાદીના મીઠાં ફળ ચાખવા હશે તો ગાંધીચિંધ્યા માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી.

વીર સાવરકરજીએ પણ એક સૂત્ર આપેલું કે "દરેક હાથને કામ અને દરેક ખેતરને પાણી". આપણને આટલું પણ ના સમજાય તો શું કરવું? કઈ નહીં, તો અમેરિકા યુરોપ કે પછી સિંગાપોર પાસેથી ઘણું ઘણું શીખવા જેવું છે. તેની પાસેથી તો શીખીએ! આમે પણ આપણને બધું વાયા યુરોપ જ બધું સમજાય છે ને? ફરી ફરી પર્યાવરણની ખેવના માટે અમેરિકા તને સલામ! ભારતના બુદ્ધિશાળી યુવાનો ભારતના બદલે અમેરિકાને પસંદ કરે છે, તેની પાછળ આ પર્યાવરણ પણ એક મહત્વનું કારણ છે.

અમેરિકામાં નાનાં નાનાં બાળકોને જોઇને ખુશ ખુશ થઇ જવાય છે. તંદુરસ્ત અને ચોખ્ખાંચણાક. આ બધું તો ખરું જ, પણ કોઈ બાળકને ક્યાંય રડતાં કે તોફાન કરતાં કે જીદ કરતાં જોવાં ના મળ્યા!! આ રહસ્યનો ભેદ પામવા કોશિષ કરી રહ્યો છું, પણ કોઈ સાંગોપાંગ કારણ હજુ સુધી પામી શકયો નથી.

અમેરિકામાં નિશાળે જતાં બાળકોના દફતર ભાર વિનાના છે,બાળક પોતાનું દફતર જાતે ઊપાડી લે છે. કોઈ માને દફતર ઉપાડીને સ્કૂલબસ સુધી જતી જોઈ નથી. વિદ્યાર્થીની પાસે નાનકડાં દફતરની સાથોસાથ ક્યારેક હાથમાં ગિટાર જોવા મળે છે, તો ક્યારેક હાથમાં ફૂટબોલનાં દડા પણ જોયા છે. અહીં એક પણ માને રઘવાઈ થઈને દોડાદોડી કરતી જોઈ નથી. ક્યાંય ટ્યુશનના હાટડા પણ નથી જોયા. શાળાઓમાં રમતગમતના અદ્યતન મેદાનો છે,ઇન્ડોર સ્ટેડીયમ છે. શાળાઓમાં રમતને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેને અગત્યનો વિષય ગણવામાં આવે છે. એક શાળાને,બીજી શાળા સાથે રમતનું આયોજન હોયતો માતાપિતા પણ મેચ જોવા ઉમટી પડે. અને પ્રોત્સાહન આપવા પૂરું જોર લગાવે. રજાઓમાં માતાપિતાને બાળક સાથે રમતાં, ખેલતાં, કૂદતાં, દોડતાં જોવા એ તો અહીં સહજ છે. સાયકલ પ્રવાસનો નાના મોટા સહુને શોખ છે. અહીંનાં બાળકો નાના હોય ત્યારથી પિતાને ઘરમાં મદદ કરતાં જુએ છે એટલે બાલ્ય અવસ્થાથીજ બાળક પોતાનું કામ જાતે કરવા માંડે છે. અમેરિકામાં પુરુષને ઘરકામ કરવાનો કોઈ છોછ નથી. શનિ રવિ ની રજામાં માતાપિતા સાથે ફરવા નીકળેલ બાળકને, પોતાની નાનકડી બેગ કે સામાન જાતે જ ઉપાડીને ચાલતો જોવો તે અહીં સ્વાભાવિક છે. સ્વાવલંબનનો ગુણ અહીંના તમામે તમામ બાળકમાં જોવા મળે છે. આખરે શિક્ષણ શાના માટે છે? શિક્ષણનું એક ધ્યેય વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવવાનું છે. અમેરિકાના વિદ્યાર્થીઓ સ્વાવલંબી દેખાય છે. ત્યારે આપણે અહીં મેકોલે બ્રાન્ડ શિક્ષણને કારણે શાળાઓમાં પરાવલંબી બાળકોનો મોટો ફાલ પાકે છે. આ બધી વેદનાની વાતું કોને કહેવી?

અમેરિકામાં ઘણુંબધું સારું હોવાં છતાં આ દેશ કેટલીક બાબતમાં રૂઢિચુસ્ત છે. હજુ તે કિલોમીટરના બદલે માઈલના એકમને વળગી રહ્યો છે. લીટરનાં બદલે ગેલનનાં એકમને વળગી રહ્યો છે. એક બીજી વાત આઘાતજનક લાગી. માતાના પ્રેમને સતત ઝંખતા બાળકને છ માસ પછી નોખા ઓરડામાં સુવડાવવામાં આવે છે. આ દેશમાં હરતાંફરતાં કોઈ એકબીજા સાથે બોલે નહિ! કોઈએ કોઈના બાળકને બોલાવવાનું નહિ!! પડોશીના બાળકને પણ પોતાનાં બાળક જેટલો પ્રેમ આપતાં આપણા ભારતીય સમાજ માટે આ સમજવું બહુ અઘરું છે. વિભક્ત કુટુંબને કારણે અહીં ઘરમાં કૂતરાં બિલાડાં પાળવાનો બહુ શોખ છે. અહીં શેરીઓમાં તો ક્યાંયે કૂતરું જ નથી. તેથી તેના ભસવાનો અવાજ ક્યાંયે આવે જ નહિ. પરંતુ ઘરનાં કૂતરાંઓને ભસભસ કરવાની ટેવ જ નથી. કૂતરાંઓ ઘરમાં બહુ શાંતિથી રહે, બહાર નીકળે ત્યારે પણ શાંત! આ કૈક નવીન છે!!

ઇઝ્લીનમાં ઘરની બાજુમાં આવેલા પટેલ સ્ટોરમાં ગુજરાતની બધીજ પ્રખ્યાત ચીજવસ્તુઓ મળી જાય. આ સ્ટોરમાં ખરીદી કરવા આવનારાં બધાં ગુજરાતીમાં બોલે. જાણે આપણે ગુજરાતમાં જ હોઇએ તેવું લાગે. આસપાસનાં ત્રણેક રાજ્યના ગુજરાતીઓ અહીં ખરીદી કરવા આવે. બાજુમાં ગાંઠિયા, જલેબી અને ફાફડાની સરસ દુકાન છે. દશેરાનાં દિવસે આ બધું ખાધું. આ સ્ટોરમાં વારતહેવાર મુજબની ગુજરાતી અને ભારતીય મીઠાઈઓ બનાવવામાં આવે છે.

એક શનિવારે ઘરે મિત્રમંડળને બોલાવીને પાણીપુરી પણ ભરપેટે ખાધી. ક્યાંક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં પાણીપુરી પણ મળી જાય,પણ એક પાણીપુરીનાં પંચોતેર રૂપિયા! ક્યાંક પાન ખાવા મળી જાય. પણ એક પાનનાં પંચોતેર રૂપિયા! અરે ભાઈ અહીં એક વખત દાઢી કરાવવાના પાંચસો રૂપિયા છે!! ન્યૂયોર્ક શહેર જોવા ગયાં ત્યાં ‘સેન્ટ્રલ પાર્ક’ નામે પ્રખ્યાત બગીચામાં જિંદગીમાં પહેલી વખત બે ઘોડાની બગ્ગીમાં બેસાડીને દીકરાએ એક કલાકની મોજ કરાવી. આ બગીચામાં ૨૬૦૦૦ જેટલાં ઝાડ છે. આ પાર્કની આસપાસમાં ભારત સહિતનાં ઘણાખરાં દેશની એલચી કચેરીઓ આવેલી છે. પાર્કમાં તળાવો છે, હજારોની સંખ્યામાં બેસી શકે તેવા લીલાછમ્મ ઘાસનાં મેદાનો છે. આ મેદાનમાં દર વરસે વિશ્વમાં જેણે પશ્ચિમી સંગીતનું ઘેલું લગાડેલું તે બીટલ્સગ્રુપનાં નામી ગાયક જ્હોન લેનનનાં માનમાં સંગીત સભાનું આયોજન કરવામાં આવે છે. અલમસ્ત બે ઘોડાની બગ્ગીમાં બેસીને ફરવાની મોજ તો આવી, પણ બગ્ગીમાંથી ઉતર્યા ત્યારે સખત ધ્રુજારી આવી ગઈ. આ બગ્ગીમાં બેસવાના એક કલાકનાં દીકરાએ પાંચ હજાર રૂપિયા ચૂકવ્યા!!!

ન્યૂયોર્કથી પરત ફરતાં રેલ્વે પ્લેટફોર્મ ઉપર ગિટારની મસ્તી માણતા યુવાનોના સંગીતને માણવાની ઓર મજા આવી ગઈ. અહીં ટ્રેનમાં એક કંપાર્ટમેન્ટ એવું હોય જ્યાં મોબાઈલ ફોન વાપરવાની મનાઈ હોય છે. આમે પણ અમેરિકામાં મોબાઈલ ફોનનું કોઈ ઘેલું નથી.મોબાઈલ પર વાત કરતાં ભાગ્યેજ જ કોઈ જોવા મળે. બીજી મજાની વાત એ કે ક્યાંય કોઈ જોરશોરથી બોલતું પણ નથી. ફોન ઊપર પણ અતિ ધીમેથી વાત કરે. લાગે છે અહીનાં શબ્દકોશમાં બૂમબરાડા નામે કોઈ શબ્દ જ નહિ હોય.

અમેરિકા દીકરા પાસે ઈ-બુક રીડર નામે એક ઉપકરણ છે. નાનકડી પોકેટ બુક જેવડું જ.વજન પણ કઈ નહિ. તેમાં પંદર સો પુસ્તકો સ્ટોર કરી શકાય. જે પુસ્તક વાંચવું હોય તેનાં ઉપર ક્લિક કરો એટલે તમારાં બેંક ખાતામાંથી રકમ આપોઆપ કપાઈ જાય, અને ચપટી વગાડતા તે પુસ્તક ઈ-બુક રીડરમાં આવી જાય. -બુક રીડરનો સ્ક્રીન પણ પોકેટ બુક જેવડો. મન પડે ત્યારે વાંચો. વાંચવામાં કંટાળો આવે ત્યારે તે

પુસ્તકનાં પાનાં વાંચી પણ સંભળાવે!!! નજદીકના સમયમાં આ ઉપકરણ શિક્ષણ જગતમાં પણ સ્થાન લેશે. બાળકોને પુસ્તકનાં બદલે આ ઈ-બુક રીડર આપવામાં આવશે. આ એક જ ઉપકરણમાં બાલમંદિરથી માંડી કોલેજ સુધીનાં પુસ્તકો અને સંદર્ભ ગ્રંથોનો સમાવેશ થઇ જશે. બોલો કેવી મજા! સરકાર અને માબાપનો અધધધ ખર્ચ બચી જશે. બાળક પુસ્તકોના બેસુમાર ભારમાંથી મુક્ત થશે. ભારેખમ દફતરથી અટકી પડેલ શારીરિક અને માનસિક વિકાસ થશે. બચપણને માણવામાં નડતો એક મોટો અવરોધ દૂર થશે.

ભાવનગરમાં અમે, ગિજુભાઈ બધેકા(મૂછાળી મા) સ્થાપિત ‘નૂતન બાળ શિક્ષણ સંઘ’ના ઉપક્રમે ‘બચપણ બચાવો’ નામે એક યજ્ઞકાર્ય શરુ કર્યું છે. જેમાં અગ્રતાના કાર્ય તરીકે ભારેખમ દફતરના બેસૂમાર ભારમાંથી બાળકને મુક્ત કરવાનું ‘દફતર મુક્ત બાલમંદિર’ અભિયાન શરૂ કર્યું છે. છ થી વધુ બાલમંદિરોમાં દફતર નથી. ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે. ઘેલા માબાપોને અને શાળાઓને સમજાવવામાં બહુ મહેનત પડે છે. આ કામમાં હવે નવી ટેકનોલોજી મદદે આવી રહી છે.તે દફતરનું વજન જ હળવું નહિ કરે, પણ દફતરનું દફન જ કરી દેશે. ગુજરાતમાં ગિજુભાઈના સ્વપ્ન થકી સ્થપાયેલી ચિલ્ડ્રન યૂનિવર્સિટિએ આ ભગીરથ કામ ઉપાડી લેવાની વેળા આવી ગઈ છે.

દિલ્હીની એક સંસ્થામાં લાખો અને કરોડપતિના બાળકો ભણે છે, મોટા મોટા રાજકરણીઓ અને વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટરનાં સંતાનો પણ આ સંસ્થામાં ભણે છે. આ સંસ્થામાં ત્રણ ધોરણ સુધી પુસ્તકો નથી! અને સાત ધોરણ સુધી પરીક્ષાનું નામ નથી! કોઈ બાબત ખોટી પડે ત્યારે ચોકડી મારવાની જ નહિ! ચોકડી મારવાથી બાળકોમાં નકારાત્મક ભાવના ઉદ્દભવે છે. મોટા ભાગનું શિક્ષણ કાર્ય પ્રોજેક્ટ આધારિત છે. ઊંચી ફી લેતી આ સંસ્થામાં વાલીઓને વાલી સંમેલનમાં આવવાનું ફરજીયાત છે. તેમાં ભારપૂર્વક કહેવામાં આવે છે કે, તમારે તમારા બાળકને ટ્યુશનમાં મોકલવું નહિ. અને ઘરે પણ શિક્ષણ અંગેની કોઈ માથાકૂટ કરવી નહીં. શાળામાં પ્લાસ્ટીકના ઉપયોગનો ખુદ બાળકો વિરાધ કરે છે, અને શાળામાં એરકન્ડીશન રૂમનો ખુદ વાલીઓ જ વિરોધ કરે છે. શાળામાં પાંચ ધોરણ સુધી બપોરનું ભોજન લેવું ફરજિયાત છે. સમૂહ ભોજન એ જીવનશિક્ષણનો જ મહત્વનો ભાગ છે તેમ સમજાવવામાં આવે છે. આ બધી બહુ મોટી વાત છે, સમજાય તો!!

તાજેતરમાં અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા ’શ્રેયસ’નાં કેમ્પસ નિયામકને મળવાનું થયું. માત્રને માત્ર સેવાનો ભેખ લઈને ચાલી રહેલી આ સંસ્થામાં પ્રવેશ મેળવવો અઘરો છે, પ્રવેશ મળે તો બાળકનું જીવન બની જાય.પ્રતિષ્ઠા ભરેલું સંચાલક મંડળ છે. આ સંસ્થાની પ્રાથમિક શાળાની પ્રયોગશાળા વિજ્ઞાનિક વિક્રમભાઈ સારાભાઈએ બનાવી છે! કેમ્પસમાં હજારોની સંખ્યામાં વૃક્ષો છે, અને મોટી સંખ્યામાં મોર છે. આ સંસ્થામાં પાંચ ધોરણ સુધી પુસ્તકો જ નથી, અને સાત ધોરણ સુધી પરીક્ષા જ નથી. સંસ્થામાં બંને માધ્યમમાં શિક્ષણ કાર્ય થાય છે. તો પણ કેમ્પસ નિયામક તેના બાળકને ગુજરાતી માધ્યમમાં જ ભણાવે છે. શિક્ષણને સમજવું એ કંઈ નાનીમાના ખેલ નથી. આ અને આવી સંસ્થાઓને સો સો સલામ.

મોટા પુત્ર અને પુત્રવધૂનો નિર્મળ અને ભરપેટે પ્રેમ પામીને, ભરપૂર શાંતિ પામીને, શુદ્ધ પર્યાવરણને માણીને, તબિયતને સારી બનાવીને, એક માસથી ઓછું રોકાઈને, મુંબઈ નાના પુત્ર વૈભવનાં ઘરે બેક દિવસ રોકાયાં. માતૃભાષામાં જ ભણેલો નાનો પુત્ર ભણવામાં મોટાભાઈ જેવો નહિ. મોટાભાઈને બારમાં ધોરણમાં મહેનત કરતો જોઈને મનમાં ગાંઠ બાંધેલી કે વિજ્ઞાન પ્રવાહમાં તો નથી જ જવું. એટલે અંગ્રેજી સાથે આર્ટસ ગ્રેજુએટ થયો. કોલેજ પૂરી થયે અમદાવાદમાં ‘માઈકા’ નામે પ્રસિદ્ધ સંસ્થામાં મીડિયાને લગતો કોર્ષ કર્યો. ત્યાં અંગ્રેજીનો વધુ સારો માહોલ મળી ગયો. આજે મુંબઈમાં ટીવીની જાણીતી ચેનલમાં સિનીયર ક્રિએટીવ ડિરેક્ટરની પ્રતિષ્ઠાભરી જગ્યા સંભાળી રહ્યો છે. નવું નવું સર્જન કરવાના ભારે મનસુબા સેવે. સમાજસેવાની પણ ભારે ચટપટ્ટી. મોટરસાઈકલનો ભારે શોખીન. તેના ઊપર લેહલડાખ, જેસલમેર, કચ્છનું બન્નીનું રણ, કોકણપટ્ટી આવું બધું ફરે રાખે. મૂળભૂત રીતે માતૃભાષામાં ભણેલો અને પાછો ટેબલટેનિસનો રાજ્યનો ખેલાડી હતો એટલે વિશ્વાસથી ભરેલો ભરેલો. અમને અમેરિકાથી પરત આવતાં પ્લેનમાં ઊડવાનો થાક લાગ્યો હતો! તે નાના પુત્રના ઘરે ઉતારીને કર્મભૂમિ ભાવનગર પરત આવી ગયાં. એક વરસ વહેલી નિવૃત્તિ લીધાને પણ ચાર વરસ વીતી ગયાં. અમેરિકાથી પરત આવી ફરીને કૃષિ અને શિક્ષણની મોજ માણી રહ્યો છું. નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિ દ્વારા ઘડાતો જાઉં છું.

હવે પુત્ર અને પુત્રવધૂને મનાવીને લેવો છે કે, બેટા તમે બંને અમને જબરો પ્રેમ આપો છો. તમારાં પ્રેમ થકી અમે બબ્બેવાર અમેરિકા આવ્યા, પણ હવે અમેરિકા નથી આવવુ!! તમે દર વરસે દેશમાં આવો જ છો. તમે ત્રણે અમારી ખૂબ સંભાળ રાખો છો. ભરપુર પ્રેમ આપો છો. હવે તો માદરે વતનમાં રહીને અંદરની મોજ માણવી છે.

હવે આપણો દેશ તમને નહિ ગમતા દુષણોથી મુક્ત બને તેવાં અણસાર દેખાય રહયા છે. યુવા પેઢીને સાંકળીને મૂલ્ય અને અહિંસાથી ભરેલું આંદોલન અન્નાએ છેડ્યું છે. હું પણ ઉપવાસ આંદોલનમાં જોડાઉં છું. ગાંધીજીના સ્વપ્નનો દેશ બને તેવી આશા બંધાણી છે. હવે તમને અને તમારી જેવા લાખો ભારતવાસીઓને દેશમાં રોકાઈ રહેવું ગમશે. તમને વતનની ખુશ્બુ મુબારક.


નલિન પંડિત
nalin.pandit@gmail.com

No comments:

Post a Comment