(Click here for PDF if you cannot view Gujarati fonts)
માન. સર્વે શુભચિંતકશ્રીઓ,
આપ સર્વેને નમસ્કાર કરું છું.
આપ સર્વે પ્રવર્તમાન શિક્ષણથી સુપરિચિત છો જ. તેમ છતાં શિક્ષણ નિયામક સુધીનાં મારાં બહોળા અનુભવે જે કેટલીક દુઃખદ હકીકતો મારાં ધ્યાનમાં છે, તે હું આપ સર્વેની સમક્ષ મૂકવાની રજા લઉં છુ.
આજનાં પ્રદુષિત શિક્ષણે, શિક્ષકોની માટે તાલીમનાં ભાગ સ્વરૂપે યોજાયેલી પરીક્ષામાં, ખુદ શિક્ષકોને ચોરી કરવા મજબૂર કરી દીધા, એ જાણ્યું ત્યારે ખૂબ આઘાત લાગ્યો. જે આ લેખનું એક કારણ હોઈ શકે છે. જો આ લેખમાં ક્યાંયે ગુસ્તાખી કે અહમ લાગે તો મને ક્ષમ્ય્ કરશો.
પરંતુ, આ પ્રદુષિત શિક્ષણની વાતો કરું તે પહેલાં એક સુખદ અને આનંદદાયી સમાચાર આપ સર્વેને જણાવું. આ સમાચારમાં આજનાં પ્રદુષિત શિક્ષણમાંથી બચવાનો એક રાજમાર્ગ છુપાયો છે.
ગતસાલ 2012નાં નવેમ્બર માસમાં સમગ્ર દેશમાંથી દોઢસોક જેટલાં નામી શિક્ષણશાસ્ત્રીઓ, કેળવણીકારો અને સંશોધનકારોનું એક જુથ ગુજરાતની ચાર દિવસની શૈક્ષણિકયાત્રાએ આવી ગયું. યાત્રાનાં સમાપન પ્રસંગે તેઓ લોકભારતી સણોસરામાં ગયેલાં, જ્યાં તેઓ ભીની આંખ કરીને વિદાય થયાં!!! લોકભારતી સણોસરામાં ગાંધીબાપુએ બક્ષેલી અને મહાન કેળવણીકાર પદ્મશ્રી નાનાભાઈ ભટ્ટે કેળવેલી કેળવણી(Basic Education)ના અદ્દભુત પ્રયોગો જોઈને તેઓનાં હૃદય ભીંજાયા. કેટલાંકની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં, કેટલાંક બોલી ઉઠ્યા કે આ જ સાચી કેળવણી છે.
વિશ્વ આજે જેને ઝંખી રહ્યું છે તે હૃદયની કેળવણીને એટલે કે બુનિયાદી શિક્ષણને આત્મસાત્ કરી ચૂકેલા ગુજરાતમાં, હમણાં સુધી આ બુનિયાદી કેળવણીને સમજનારા અને તેને પોષણ આપનારા ઘણાં બધાં મુઠેરી ઊંચા માનવીઓ હતાં. અને તે થકી ઘણી બધી સંસ્થાઓ પણ હતી. પરંતુ આજે ગુજરાત માટે દુઃખદ અને શરમની વાત એ છે કે આવી સમજ ધરાવનારાં માનવીઓની અને આવી અમૂલ્ય સંસ્થાઓની સંખ્યા ઘટવા લાગી છે. અને જે કઈ પણ બચવા પામ્યુ છે તે પણ આજે વેન્ટીલેટર ઉપર છે. હૃદયની કેળવણીને તિલાંજલિ એ આજનાં પ્રદુષિત શિક્ષણનું મૂળ છે તેમ હું માનું છું.
કેળવણી અને શિક્ષણ બન્ને આમ તો એક જેવા ભલે લાગે, પણ તે બન્નેમાં ઘણો તફાવત છે. ગુજરાતમાં આજે જેનો મહત્તમ વ્યાપ છે તે કેળવણી નહિ પણ શિક્ષણ છે. દુઃખ એ વાતનું છે કે આજે કેળવણીની જેમ આ શિક્ષણની હાલત પણ દુઃખદાયી છે. તેમાં પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણની હાલત તો અતિ દુઃખદાયી છે. આજે મારે આપની સમક્ષ ધોરણ નવથી બાર સુધીનાં શિક્ષણનાં પ્રદુષણની જ મહત્તમ હકીકતો રજુ કરવી છે.
આજે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં જે કઈ પણ શિક્ષણ અપાઈ રહ્યું છે તે તો માત્રને માત્ર ભારતીય સંસ્કૃતિથી વિપરીત દિશાનું, જીવન શિક્ષણથી પણ દૂરનું, ગોખણીયું, મેકોલબ્રાન્ડ અને પ્રદુષિત શિક્ષણ જ છે. આ શિક્ષણનું એક અને માત્ર એક જ સૂત્ર છે-વાંચો, લખો, ગોખો અને પરીક્ષામાં ઓકો. વિદ્યાર્થી પરીક્ષા આપ્યાના પાંચમાં દિવસથી ગોખેલું ભૂલવા લાગે છે. સ્મૃતિ હોય તો યાદ રહેને? સ્મૃતિ હોય તો તો જિંદગીભર પણ યાદ રહી જાય. જયારે આજે શિક્ષણમાં જેની બોલબાલા છે તે તો નર્યું ગોખણીયું અને પ્રદુષિત શિક્ષણ જ છે. પછી ક્યાંથી યાદ રહે?
આજે તો જે શાળાઓ ગોખણપટ્ટી કરાવવામાં જબરી કીમિયાબાજ છે, તે શાળાઓ સારી ગણાવા લાગી છે. આવી કીમિયાબાજ શાળાના ભાવ પણ જુઓને કેટલાં બધાં ઊંચા છે!!! આજે સમાજ પણ જે શાળાનાં ભાવ વધુ તે શાળા વધારે સારી, એવો ખોટો ખ્યાલ ધરાવતો થઇ ગયો છે. તે પણ આ કીમીયાબાજોની જ કરામત છે!!!
આજે રાક્ષસથી પણ વિકરાળ અને ભારેખમ એવા આ ગોખણીયા શિક્ષણે દરેક વિદ્યાર્થીની ખુશી છીનવી લીધી છે. ખુશી આપવાની વાત તો એક બાજુ રહી પણ આજનાં શિક્ષણે તો વિદ્યાર્થીઓને આપઘાત કરવાં સુધી મજબુર કરી દીધા છે. આજનું શિક્ષણ વિદ્યાર્થીઓનો ભોગ લઈ રહયું છે. વિદ્યાર્થીઓ ઉપરાંત તેના માતાપિતાઓ અને સમગ્ર સમાજ વેદના અને તણાવથી બેહાલ છે.
પ્રદુષિત શિક્ષણની કાળોતરી ઘટનાઓ
આજનું આ પ્રદુષિત શિક્ષણ અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓનો ભોગ લઇ ચૂક્યું છે, અને હજુ વધુને વધુ વિદ્યાર્થીઓનો ભોગ લઇ રહ્યું છે. મારી જાણમાં જે કેટલીક દુઃખદ ઘટનાઓ આવી તે આપશ્રીને જણાવું.
- બારમાં ધોરણનાં વિજ્ઞાનપ્રવાહમાં હોસ્ટેલમાં રહીને ભણતાં એક વિદ્યાર્થીના પિતાશ્રીનું અવસાન થયું. પ્રતિષ્ઠિત ગણાતી શાળાએ સદરહુ વિદ્યાર્થીને માત્રને માત્ર સ્મશાને જવાની જ છૂટ આપી! શાળાનાં સંચાલક કમ આચાર્યએ આ વિદ્યાર્થીને સ્મશાનેથી જ પાછો શાળામાં લાવી ગોખણપટ્ટી કરવા બેસાડી દીધો. આમ કરીને સંસ્થાએ વિદ્યાર્થીની સંવેદનાને જ મારી નાખી. આ સંસ્થા આવું અધમ કૃત્ય માટે લાજવાના બદલે ગાજે છે અને જાહેરમાં કહી રહી છે કે, જુઓ અમે અમારાં વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં કેટલું બધું ધ્યાન આપી રહ્યાં છીએ? આ સાંભળી ભોટ વાલીઓ પાછાં તાળીઓ પાડે છે!! જે વિદ્યાર્થીની સંવેદના જ બુઠ્ઠી બનાવી દેવામાં આવી તે માનવ કેવી રીતે બની શકે? તે રોબોટ ના બને તો શું બને? માનસિક આઘાતથી ત્રસ્ત વિદ્યાર્થી મોટો થઈને ડોક્ટર કે એવું જે કઈ પણ બનશે ત્યારે અમાનવીય વર્તન દાખવીને સમાજને દુઃખ આપે તેવી સંભાવનાઓ મહત્તમ છે. કોનો વાંક? વિદ્યાર્થીનો વાંક તો હરગીજ નહિ નહિ અને નહિ જ.
- ડેન્ગ્યું જેવા રોગનો ભોગ બનેલ અને શહેરની અત્યંત મોંઘી શાળામાં અભ્યાસ કરતાં વિજ્ઞાન પ્રવાહના એક વિદ્યાર્થીને શહેરની એક નામાંકિત હોસ્પિટલમાં દાખલ કરેલો. તેને લોહીની ત્રીસેક જેટલી બોટલો તો ચડાવવામાં આવેલી. લોહી ચડાવવાનું ચાલુ હતું અને વિદ્યાર્થીની સ્થિતિ પણ અતિ ગંભીર હતી, તો પણ તેનાં પિતાશ્રીએ પોતાનાં પુત્રને પરીક્ષા આપવા માટે મજબૂર બનાવ્યો. આ વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષાએ અવસાન થયું. અવસાન બાદ સેમિસ્ટરનું પરિણામ આવ્યું ત્યારે આ વિદ્યાર્થી ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ આવ્યાં. પરિણામના દિવસે વિદ્યાર્થીનાં માતાપિતાએ જે આક્રંદ કર્યું તેની નોંધ સમાચારપત્રોએ બોક્સ આઈટેમ બનાવીને આપી. જો ગેરમાર્ગે દોરવાયેલા ઘેલા માબાપ જાગે તો?
- એક ડોક્ટર પુત્રને વિજ્ઞાન પ્રવાહમાં ગોખણીયા શિક્ષણનો એટલો બધો ભાર લાગ્યો કે તે પાગલ જેવો બની ગયો. તેને ઘરનાં એક ઓરડામાં પૂરી રાખવો પડ્યો. આ વિદ્યાર્થી પણ શહેરની નામાંકિત શાળામાં અભ્યાસ કરતો હતો.
- કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતાં એક યુગલની દીકરી શહેરની મોંઘીદાટ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં ભણતી હતી. આ દીકરીએ ભણતરનાં અસહ્ય ભારને કારણે એક રાત્રીના ગૃહત્યાગ કર્યો!!! દીકરીની ફરિયાદ હતી કે, સવારના સાતથી સાંજના સાત સુધી શાળા. ઘરે આવીને શાળાએ આપેલું છ છ કલાકનું ફરજીયાત હોમવર્ક. હોમવર્ક પૂરું ના થાય તો શાળામાં શિક્ષકો દ્વારા થતું જાહેર અપમાન, શિક્ષકો કટાક્ષ કરે, હાંસી ઉડાવે. ઘરમાં પિતા પણ પ્રેમ આપવાના બદલે હોમવર્ક કરવાની પીડા આપે. મારાથી આટલો મોટો બોજ સહન થઇ શકતો નથી. હું શારીરિક અને માનસિક બધી રીતે ભાંગી પડી છું. હું ગૃહત્યાગ ના કરુ તો શું કરું?
- એન્જિનીયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ અદા કરતાં એક બાહોશ પ્રાધ્યાપકને પડોશીના સંતાને એક પાઠ સમજાવવા વિનંતી કરી. પાઠ બારમાં ધોરણનાં વિજ્ઞાન પ્રવાહનાં એક એવા વિષયનો હતો કે જે પ્રાધ્યાપકનો પોતાનો જ વિષય હતો. આ પાઠ સમજાવવાની વાત તો એક બાજુ રહી પણ આ પાઠ સમજવામાં પ્રાધ્યાપકને ખુદને જ દસેક દિવસ લાગ્યા.
- વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં કેટલીક શાળાનાં શિક્ષકોએ કેટલાંક પાઠ ભણાવવાનું જ છોડી દીધું છે. કારણ કે તેઓને ખુદને જ આ પાઠો સમજાતા નથી!!!
- ડોક્ટર, ઇજનેર, વકીલ કે પ્રાધ્યાપક જેવા વાલીઓ પણ કબૂલી રહ્યાં છે કે વિજ્ઞાન પ્રવાહનાં પુસ્તકો અમે સમજી શકતાં નથી. આ કારણે અમે અમારાં બાળકોને અભ્યાસમાં કઈ પણ મદદ કરી શકતા નથી. અમારે નાછુટકે ટ્યુશન રખાવવું પડે છે.
- ગુજરાતની શિક્ષણની એક સંસ્થા કે જે કેળવણીનાં નવતર પ્રયોગો થકી રાષ્ટ્રક્ક્ષા સુધી નામાંકિત બનેલી તે સંસ્થા આજે ટ્યુશન ક્લાસ પાસે ખોળો પાથરીને અને તેની સાથે જોડાણ કરીને વિદ્યાર્થીઓને ગોખણીયું શિક્ષણ ભણાવી રહી છે! સંસ્થાનું ટ્રસ્ટ પાછું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું બનેલું છે! કેવી મજબુરી છે.
પાઠ્યપુસ્તકને તો એવા મોટામસ બનાવી દેવામાં આવ્યાં છે કે તેને પુસ્તક જ કહી શકાય નહીં, તે તો છે માત્રને માત્ર થોથા જ. આ થોથા એવડા મોટા છે કે તેને કોઈ પણ શિક્ષક માત્રને માત્ર વાંચી જ જાય તો પણ વર્ષના અંતે પૂરા કરી શકે તેમ નથી!! ત્યાં વિદ્યાર્થીઓને સમજાવવાની તો વાત જ ક્યાં રહી? શિક્ષણમાં જે અત્યંત જરૂરી છે તે ભણાવતી વખતે શિક્ષકો દ્વારા સાંધવામાં આવતો અનુબંધ. આ થોથાએ તો એ માટેનો સમય જ શિક્ષકો પાસે ક્યાં રહેવા દીધો છે? અનુબંધનો તો છેદ જ ઉડી ગયો છે. માત્ર ગોખવું ગોખવું અને ગોખવું. માત્રને માત્ર રોબોટ્યું શિક્ષણ. આવું છે પ્રદુષિત શિક્ષણ.
- બોર્ડે, વિજ્ઞાન જેવા વિષયોમાં પ્રાયોગિક કાર્યને પ્રાધાન્ય આપવાનું જ કોરાણે મૂકી દીધું છે!!! માત્રને માત્ર લેખિત પ્રશ્નો અને તેના બીબાઢાળ જવાબો જ પ્રાધાન્ય અપાઈ રહયું છે. હવે તો બોર્ડને પ્રશ્નનાં જવાબમાં બહુ વિકલ્પ સિવાય કશું જ દેખાતું નથી!!! આ કારણે જ આજે ગુજરાતની લગભગ લગભગ બધી જ શાળાઓમાં પ્રયોગશાળાઓ તદ્દન બંધ થઇ ગઈ છે. પ્રયોગ વિનાનું વિજ્ઞાન શિક્ષણ કેવી રીતે હોઈ શકે?
- વ્યાયામ, કલા અને સંગીત જેવા હૃદયની કેળવણીનાં કહેવાય તેવાં વિષયોમાં કૌશલ્યને જ પ્રાધાન્ય હોય. તેના બદલે આ વિષયોમાં પણ કૌશલ્યને કોઈ જ પ્રાધાન્ય નથી! આવા વિષયોમાં પણ માત્રને માત્ર લેખિત પરીક્ષાનાં ગુણને જ પ્રાધાન્ય છે!!! એટલે તો શાળાના રમતના મેદાનો સાવ ભેંકાર ભાસે છે, શાળામાં કલા કે સંગીતનું નામનિશાન જ રહયું નથી.
- આજે તો સચિન તેંડુલકર જેવો મહાન ક્રિકેટર, બોર્ડના ક્રિકેટ વિષેનાં પ્રશ્નમાં નાપાસ થઇ શકે, અને ક્રિકેટ વિષે ગોખીને આવેલો કોઈ ગોખણીયો કે જેને બેટ પકડતાં પણ આવડતું ના હોય તે પૂરેપૂરા માર્ક્સ લાવી તેંડુલકરને શરમમાં મૂકી શકે!!! શિક્ષણની આ તે કેવી કમબખ્તી?
- તાજેતરમાં શિક્ષકોની તાલીમનાં એક ભાગ રૂપે શિક્ષકોની પરીક્ષા લેવામાં આવી. પરીક્ષાનું નામ પડતા જ કેટલાંક શિક્ષકો ચાલાકીપૂર્વક ગેરહાજર રહ્યાં. જે હાજર રહ્યા તેમાંથી મોટાભાગના શિક્ષકોને પરીક્ષામાં ચોરી કરવી પડી. કોઈકે તો પરીક્ષામાં આજની ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો!! ઉચ્ચ લાયકાત અને વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકોને ચોરી કરવી પડે? આ તે કેવી પરીક્ષા? આ તે કેવું શિક્ષણ? દોષ માત્ર શિક્ષકોનો નથી. દોષ છે પેલા થોથા જેવા પાઠ્યપુસ્તકોનો અને ગોખણીયા શિક્ષણ પદ્ધતિનો. જ્યાં શિક્ષકોને ખુદને ચોરી કરવાં મજબૂર બનવું પડે છે, ત્યાં વિદ્યાર્થીઓની કેવી દશા થતી હશે?
કોણે કર્યું શિક્ષણને પ્રદુષિત?
આજનાં આ પ્રદુષિત શિક્ષણ માટે ઘણાંબધાં પરિબળો જવાબદાર છે. શિક્ષણ નિયામકના મારાં બહોળા અનુભવનાં આધારે હું તે પૈકીનાં કેટલાંક પરિબળો વિષે જણાવું.
પ્રથમ તો સરકાર...
શિક્ષણએ સાચો સમાજ ઘડવા માટેનું એક અને માત્ર એક બ્રહ્માસ્ત્ર છે તે જ સરકારને સમજાતું નથી. શિક્ષણને ધબકતું રાખવાં માટે શિક્ષણમાં સ્વાયતત્તા હોવી એ અતિ જરૂરી છે. સ્વાયત્તા હોય તો પ્રયોગશીલતા હોય. આજે તો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં સ્વયાતત્તાના નામે મીંડું છે. શિક્ષણ વિભાગ માટે શિક્ષણશાસ્ત્રીઓની સલાહ વિના આ દિશા પકડવી લગભગ લગભગ અશક્ય છે.
શિક્ષણ વિભાગની ઉચ્ચત્તમ જગ્યાઓ ઉપર શિક્ષણને સમજનાર અધિકારીઓ મૂકવામાં સરકાર મહત્તમ રીતે નિષ્ફળ ગઈ છે. સરકાર દ્વારા કેટલીક ઉચ્ચજગ્યાઓ ઉપર જ્યાં વરસોથી નીવડેલા શિક્ષણશાસ્ત્રીઓની પસંદગી થતી ત્યાં આજે IAS કે GAS (Gujarat Administration Service) કેડરના અધિકારીઓ મૂકવામાં આવી રહ્યાં છે. આવા અધિકારીઓ મહત્તમ રીતે મેકોલેબ્રાન્ડ ચીલાચાલુ શિક્ષણમાંથી આવ્યા હોય ગોખણીયા શિક્ષણથી વિશેષ કઈ પણ સમજી શકવા અશક્તિમાન હોય છે. સર્વાંગી શિક્ષણ કે હૃદયની કેળવણી કોને કહેવાય તે સમજવું તો તેઓ માટે અશક્ય જ છે. એટલે જ સરકાર શિક્ષણની સાચી દિશા જ પકડી શકતી નથી. દા. ત. આજનાં પુસ્તકો નકરી અને બિનજરૂરી માહિતીઓથી ભરપૂર અને થોથા જેવા બનાવવાની નીતિરીતિ માટે માત્રને માત્ર આવા બે અધિકારીઓ જ જવાબદાર છે. આવાં અધિકારીઓ માટે શિક્ષણ એ આંધળાના હાથી જેવું છે.
શિક્ષણનાં ઉચ્ચઅધિકારીઓ શહેરી કે ઉપલા વર્ગનાં કે સાચું કહું તો પોતાનાં જ બાળકોને ધ્યાનમાં રાખીને શિક્ષણની નીતિરીતી ઘડી રહ્યાં હોય તેવું સ્વયમ્ સ્પષ્ટ દેખાય રહ્યું છે. આ નીતિથી બહુ બહુ તો ટોચનાં દશેક ટકા વિદ્યાર્થીઓને ફાયદો થતો હશે, પરંતુ બાકીનાં નેવું ટકા વિદ્યાર્થીઓને હળાહળ અન્યાય થઇ રહ્યો છે, તેનું કોણ? આ વિદ્યાર્થીઓ અન્ય કેટલીયે રીતે હોશિયાર હોવાં છતાં નબળા દેખાઈ રહ્યાં છે, તેનું શું? આવી નીતિરીતિથી સમાજ અને લોકશાહી બન્ને નબળા પડી રહ્યાં છે.
આજે તો શિક્ષણનાં ક્ષેત્રમાં નથી કોઈ કહેનારું કે નથી કોઈ જોનારું!!! દલાતરવાડીની વાર્તા અહીં બરાબર લાગુ પડે છે. શાળા નિયંત્રણનું કામ જે તંત્રને સોપવામાં આવ્યું છે તે તંત્રને જ સરકારે સાવ પાંગળું અને કહ્યાગરું બનાવી દીધું છે. ‘GUJARAT EDUCATION SERVICE (GES)’ નામની એક સમયની પાવરધી કેડરને તો તદ્દન પાંગળી અને કહ્યાગરી જ બનાવી દેવામાં આવી છે. શાળાઓનાં નિયંત્રણ માટેની કચેરીઓને તો તદન ખોખલી જ બનાવી દીધી છે. તેના કારણે શાળાઓનું મોનીટરીંગ, સુપરવિઝન અને ઇન્સપેક્શન, સાવ ખોખલાં અને સાચું પૂછો તો માત્ર કાગળ ઉપરના વાઘ જ બની રહ્યાં છે. કોનો વાંક?
વિકસિત દેશોમાં શિક્ષણનું મોનીટરીંગ, સુપરવિઝન અને ઇન્સપેક્શન ભલભલાના હાજા ગગડાવી નાખે તેવાં હોય છે. એવા દેશોમાં શાળા પ્રધાનની હોય, મોટા પદ્દાધિકારીની હોય કે પછી કોઈ અબજોપતિની હોય, નિયમ બધાને એક સરખા જ લાગુ પડે. નિયમનો ભંગ કર્યો નથી કે દંડો પડ્યો નથી. જયારે આપણે તો અહીં ‘લીલાલહેર’ છે. એક્ટ તો ઘણાં બધાં છે પણ એકશન નથી તેનું શું?
ગુજરાતનાં પનોતા પુત્ર અને મહાન ટેકનોક્રેટ શ્રી સામ પિત્રોડાએ એક ચોંકાવનારું વિધાન કરેલ છે કે, આઝાદી પછી આપણું શિક્ષણ એક પણ સર્જકને પેદા કરી શક્યું નથી!!!
વિદ્યાર્થીઓની સર્જકતાનો નાશ કરતી આવી શિક્ષણ નીતિરીતિ માટે કોણ જવાબદાર? ગુજરાત સરકાર આ બાબતે કોઈ નવી પહેલ કરે તો ગુજરાત આ બાબતે સક્ષમ છે, છે અને છે જ.
માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ...
વર્ષોથી આ બોર્ડે વિદ્યાર્થીને બદલે વહીવટને જ કેન્દ્રમાં મૂકી દીધો છે. આ બોર્ડ પોતાનાં લગભગ તમામે તમામ નિર્ણયો વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને લેવાના બદલે પોતાને વહીવટમાં સરળતા કેમ રહે તેટલું જ માત્ર વિચારીને નિર્ણયો લઇ રહ્યું છે. આ બોર્ડ ‘શિક્ષણ’ કરતાં ‘વહીવટ’ અને ‘પરીક્ષા’ને જ પ્રાધાન્ય આપી રહ્યું છે, અને છતાં કહેવાય ‘શિક્ષણ’ બોર્ડ!!! વર્ષોથી બોર્ડને ચારેક ઝોનમાં વિભાજીત કરવાની તાતી જરૂરત છે, ઝોનલ કચેરીઓ નહીં થવાનાં કારણે જ આજનું આ બોર્ડ આજે બિન જરૂરી ભાર હેઠળ કચડાઈ રહ્યું છે.
આ બોર્ડને અને તેના કારણે ગુજરાતનાં વાલીઓને CBSEનો મોહ લાગ્યો છે! પરંતુ આ CBSEનો પાઠ્યક્રમ કેવો છે તે જાણીએ.
NCERT-દિલ્હીનાં ‘NATIONAL CURRICULUM FRAMEWORK - 2005’ નામનાં મૂળભૂત દસ્તાવેજની પ્રસ્તાવનામાં જ દેશનું ગૌરવ એવા રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રખર શિક્ષણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક પ્રો.યશપાલજીએ નોંધ્યું છે કે:
“The document frequently revolves around the question of curriculum load on children. In this regard we seem to have fallen into a pit. (આ દસ્તાવેજમાં વારંવાર બાળકો ઉપરનાં અભ્યાસક્રમના બોજા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવેલ છે. આ બાબતમાં એમ લાગે છે કે આપણે એક ખાડામાં પડ્યા છીએ.)”!!!
ગુજરાતમાં નિવૃત્ત અને બાહોશ IAS અધિકારી માન.શ્રી સુધીરભાઈ માંકડસાહેબ અને આંતરરાષ્ટ્રીય કેળવણીકાર ડૉ.રવીન્દ્રભાઈ દવેસાહેબની રાહબરી હેઠળ શિક્ષણ અંગે રચવામાં આવેલી કમિટીએ ઘણી બધી ઉપકારક ભલામણો સૂચવી. આ પૈકીની કેટલીક ભલામણોનો અમલ બોર્ડે શરુ કર્યો, પણ બોર્ડે તેનો અમલ જ એવી રીતે કર્યો કે કરેલાં સુધારાઓનો જ વિરોધ થવા લાગ્યો!!! જેમ કે સેમેસ્ટર પદ્ધતિ અને પ્રોજેક્ટ બેઝ લર્નિંગ.
આવું કેમ બને છે? તમામ સુધારાઓને થોથા સમા પાઠ્યપુસ્તકો અને ગોખણપટ્ટી સમી પરીક્ષાઓ જ ગળી ખાય છે. આ કારણો થકી જ કમિટીએ સૂચવેલા સુધારાઓ અને ભલામણો એળે જઈ રહ્યાં છે. બોર્ડેને આ કેમ સમજાતું નથી? આ કેવી કમનસીબી છે?
આ કમનસીબી ઓછી હોય તેમ રાષ્ટ્રનાં એક મહાન કેળવણીકાર, આધ્યાત્મિક ગુરૂ અને માન. મુખ્યમંત્રીશ્રીનાં શિક્ષણ સલાહકાર સર્વશ્રી ડૉ. કિરીટભાઈ જોશીની સેવા લેવાનું પણ ગુજરાત ચૂકી ગયું!!! ગુજરાતનું આ એક મોટું દુર્ભાગ્ય છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ...
થોથા જેવા પાઠ્યપુસ્તકો, બીનજરૂરી માહિતીઓની ભરમાળ, ભદ્રમભદ્ર ભાષા અને ક્રમિકતાનો સદંતર અભાવ, આ છે આજનાં ધોરણ નવથી ધોરણ બાર સુધીનાં પાઠ્યપુસ્તકો. આ મંડળ થોથા જેવા પુસ્તકો બનાવવામાં કોઈ ગહેરી ચાલનું ભોગ બન્યું હોય એવું લાગી રહ્યું છે.
આ મંડળ તથા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણમાં પુસ્તક રચનાની અત્યંત સફળ નીવડેલી પદ્ધત્તિનો અમલ કરવાનાં બદલે નિષ્ફળ ગયેલી પદ્ધતિનો જ અમલ કરી રહ્યું છે.
પ્રત્યેક ધોરણનાં પ્રત્યેક વિષયમાં એકથી વધારે લેખકોના એકથી વધારે પુસ્તકો હોય શકે. આવો વિચાર જ બોર્ડને સૂઝતો નથી. આ નીતિ અમલમાં મૂકાશય તો લેખકો વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધાનું નિર્માણ થશે અને સારાં અને સરળભાષાનાં પુસ્તકો રચાશે. ભૂતકાળમાં આ પ્રયોગ સફળ થઇ ચૂક્યો છે. એક સમયે આ પ્રયોગ બંધ કરવા માટેનાં યોગ્ય કારણો હતાં. પરંતુ હવે સમય બદલાયો છે ત્યારે આ પ્રયોગને ફરી અજમાવી જોવાની તાતી જરૂરત જણાય છે.
આ મંડળનું અધ્યક્ષપદ્દ, જે એક સમયે કોઈને કોઈ વિભૂષિત શિક્ષણશાસ્ત્રીથી શોભતું હતું. સરકાર આ કેમ વિસરી ગઈ છે?!!
લેખકો...
ધોરણ નવથી બારનાં પાઠ્યપુસ્તકોના મોટાભાગનાં લેખકોએ, વિદ્યાર્થીઓની વયકક્ષાથી વિપરીત અને અનુબંધ વિહિન પાઠો લખ્યાં છે. કેટલીયે જગ્યાએ તો સંદર્ભ ગ્રથોમાંથી કે પુસ્તકોમાંથી ‘કટિંગ અને પેસ્ટિંગ’ કરી પાઠો લખ્યાં છે. બિન જરૂરી માહિતીઓથી પાઠને અધધધ...મોટામસ બનાવી દીધા છે. શું ઝાઝું બધું લખવામાં પાના દીઠ મળતાં ઝાઝાં બધાં પૈસા કારણભૂત હશે? લેખકોએ અને સમીક્ષકોએ, પુસ્તકો નહિ પણ મોટા થોથા જ તૈયાર કર્યા છે.
લેખક મિત્રોને પોતે જે ધોરણનાં પુસ્તકો લખ્યાં છે તે ધોરણનાં જ બધાં વિષયોના પુસ્તકોનું વજન કરી જોવા વિનંતી છે. સમય મળે અને દિલમાં વિદ્યાર્થી વસે તો એક વિદ્યાર્થી બની જઈને આ બધાં પુસ્તકો વાંચી જવા પણ વિનંતી છે.
પાઠ્યપુસ્તક મંડળની વિદ્યાર્થીને કેન્દ્રમાં નહિ રાખવાની આવી નીતિરીતિથી દુઃખી થઈને કેટલાંક નીવડેલા લેખકોએ મંડળ સાથે કામ કરવાનું છોડી દીધું છે. આવા સંવેદનશીલ લેખકોને સલામ કરું છું.
ધારો કે, મંડળ દ્વારા નીચે મુજબની એક નીતિનો અમલ કરવામાં આવે તો લેખકોનાં શું પ્રતિભાવ હોય શકે?
‘મંડળ દ્વારા લેખકો માટે એક પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષા લેખકોએ લખેલા પુસ્તક આધારિત જ રહેશે. લેખક જો પોતાનાં વિષયમાં ઉચ્ચત્તમ પર્સન્ટાઇલ સાથે ઉતીર્ણ થશે તો તે પછી તેણે વિદ્યાર્થીઓની જેમ સબંધિત ધોરણનાં બધાં વિષયોની પરીક્ષા આપવાની રહેશે અને ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરવાનાં રહેશે.
આ પરીક્ષાના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ કાઢશે. વિદ્યાર્થીઓ જ પરીક્ષાનું સુપરવિઝન કરશે અને વિદ્યાર્થીઓ જ ઉત્તરવહીઓ ચકાસશે. પરીક્ષાનુ પરિણામ અને બધી જ ઉત્તરવહીઓને વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આ પરીક્ષામાં જે લેખકો ઉચ્ચત્તમ પર્સન્ટાઇલ મેળવશે તેઓને જ હવે પછી લેખક તરીકે પસંદ કરવામાં આવશે.’
આપ શું ધારો છો? શું પરીણામ આવી શકે!!! થોથા સમાં પુસ્તકોમાંથી છુટકારો મેળવવામાં અને સરળ પાઠો અને વિદ્યાર્થીઓની વયકક્ષાને અનુરૂપ સારા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે આવો કોઈ કીમિયો અજમાવી જોવા જેવો છે.
શામ પીત્રોડાજીની શિક્ષણમાંથી સર્જકતા નાશ પામ્યાની જે વેદના છે તેમાંથી સાચો માર્ગ ખોળી કાઢવા માટે લેખક મિત્રો સહીત બન્ને બોર્ડનાં જવાબદારો જાત મૂલ્યાંકન કરે તો જરૂરથી રાજ માર્ગ મળી શકે તેમ છે.
યુનિવર્સીટી ગ્રંથનિર્માણ બોર્ડ...
છેલ્લા કેટલાયે વર્ષોથી આ બોર્ડનું સરકારે લગભગ લગભગ ‘નિર્વાણ’ જ કરી નાખ્યું છે. હવે તો ગુજરાતનાં સાહિત્યકારો અને શિક્ષણશાસ્ત્રીઓ આ બોર્ડને ગ્રંથ ‘નિર્માણ’ નહિ પણ ‘નિર્વાણ’ બોર્ડ નામે જ ઓળખે છે!!! કેટલાયે વર્ષોથી આ બોર્ડના અધ્યક્ષની જગ્યા ખાલી પડી છે. એક સમયે અસ્મિતાથી શોભતાં આ પદ્દ ઉપર એવાજ ગૌરવશાળી શિક્ષણવિદ્દ બેસતાં. જયારે આજે તો કોઈને કોઈ અધિકારીને વધારાનો ચાર્જ આપીને બેસાડી દેવામાં આવે છે. આ જગ્યાને ન્યાય માત્રને માત્ર નીવડેલા શિક્ષણશાસ્ત્રીઓ જ આપી શકે. ભૂતકાળમાં શિક્ષણશાસ્ત્રીઓના નેજા હેઠળ આ બોર્ડે બહુમૂલ્ય કામગીરી કરેલી છે અને તેના મીઠાંમધુરા ફળ ગુજરાતના શિક્ષણજગતે ભરપેટે ચાખ્યાં છે.
આ બોર્ડ નિષ્પ્રાણ બની જતાં સમગ્ર વિશ્વમાંથી આવતો અને ગુજરાતી ભાષામાં અનુવાદિત થઈને વહેતો જ્ઞાનનો અવિરત પ્રવાહ સદંતર બંધ થઇ જવા પામ્યો છે. જેની સીધી અસર યુનિવર્સિટીથી માંડી પાઠ્યપુસ્તકોના લેખકો સુધી પણ પડી છે. લેખકોને ના છૂટકે ભદ્રમભદ્ર ભાષામાં લખવું પડે છે, તેનું મૂળ કારણ અહીં છે.
શૈક્ષણિક સંસ્થાઓ...
સર્જકતા વિહિન અને નર્યું ગોખણીયું શિક્ષણ આવતાં કઈક શૈક્ષણિક સંસ્થાઓને હાટડા માંડવાની મજા પડી ગઈ છે. સરકારમાં નથી કોઈ કહેનારું કે નથી કોઈ જોનારું. સંચાલકોને ‘સૂંઠને ગાંગડે ગાંધી’ બની જવાની મોજ આવી ગઈ છે. વળી શિક્ષણનો ‘શ’ કે કેળવણીનો ‘ક’ પણ નહિ જાણતાં સંચાલકોને ભરપૂર નાણા માન અને મોભો તો મળી રહ્યાં છે. ક્યાંક ક્યાંક તો કોઈક સંચાલકને ‘કેળવણીકાર’ તરીકેનું બિરુદ પણ મળી રહ્યું છે. બોલો, આવું છે આજનું આ પ્રદુષિત શિક્ષણ!!!
હા, હજુ ક્યાંક ક્યાંક અપવાદરૂપ સેવાભાવી સંસ્થાઓ બચી જવા પામી છે. જે પૈકીની મહત્તમ સંસ્થાઓ સરકારી ગ્રાન્ટ લેતી સંસ્થાઓ છે. આજે આ સંસ્થાઓ વેન્ટીલેટર પર જીવી રહી છે, તેઓની વેદના અપાર અને અસહ્ય છે. તેમ છતાં સમાજ સેવાને પોતાની નૈતિક ફરજ સમજીને આવી સંસ્થાઓ ઘસાઈને પણ ઉજળી થઇ રહી છે. આવી સંસ્થાઓને સલામ છે.
શૈક્ષણિક સંઘો...
શિક્ષકોને પરીક્ષામાં ચોરી કરવી પડે ત્યાં સુધીની શરમજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં પણ આચાર્યસંઘ અને શિક્ષકસંઘ સદંતર મૌન ધારણ કરીને બેસી રહે? વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ પણ અતિ તણાવ હેઠળ જીવી રહ્યાં છે ત્યારે વાલીસંઘ પણ મૌન ધારણ કરે!!! આ બહુજ દુઃખદ છે. સંઘોની સંવેદના વહેલાસર જાગે તો સારું.
પ્રદુષિત શિક્ષણની કેટલીક દુઃખદ હકીકતો, જેનો હું સાક્ષી છું...
સરકારમાં શિક્ષણ નિયામક સુધીની સેવા કરવાનો લાભ મળ્યો તે સમય દરમ્યાન કેટલીક દુઃખદ ઘટના ઘટી તે પૈકીની કેટલીક આપ સર્વે સમક્ષ રજુ કરું છુ.
- શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચસ્તરીય મીટીંગમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના જે તે સમયનાં અધ્યક્ષશ્રીએ જયારે એમ કહ્યું કે ‘સાહેબ, આપણા કેટલાયે પાઠ્યપુસ્તકો તો CBSC કરતાં પણ અઘરા બની ગયા છે’ ત્યારે અધ્યક્ષે તેમને ચૂપ કરી દીધા. એ ઘટના પછી એ સંવેદનશીલ અને સ્વમાની અધ્યક્ષે ક્યારેય એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નહિ.
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનાં અન્ય એક અધ્યક્ષશ્રીએ સામાન્ય પ્રવાહનાં બારમાં ધોરણમાં વિદ્યાર્થીઓ ઉપર એક વધારાનો વિષયનો ભાર છે, તેવું સ્પષ્ટ અને સાચું મંતવ્ય આપવા બદલ એવા તો ખખડાવી નાખવામાં આવેલાં કે તેઓની આંખમાં આંસુ આવી ગયેલાં.
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં “પુસ્તક સાથે પરીક્ષા” અંગેનો નિર્ણય થયો અને ઉચ્ચ સ્થાને બિરાજમાન પદ્દાધિકારીને ના ગમ્યું, કે ના સમજાયું, કે પછી તેનો અહમના ઘવાયો. તેણે આખે આખો પ્રયોગ જ બંધ કરાવી દીધો. આવાં પદ્દાધિકારીઓ ને કેમ સમજાવવા કે પ્રયોગશીલતાં વિનાનું શિક્ષણ બંધિયાર પાણીની જેમ ગંધાય ઉઠે છે.
- મોટાભાગના શિક્ષણશાસ્ત્રીઓ મજબૂર બનીને આજનાં પ્રદુષિત શિક્ષણને જોઈ રહ્યાં છે. દુઃખ એ વાતનું છે કે કોઈક કોઈક શિક્ષણશાસ્ત્રી તો હાલનાં સમયનો ગેરલાભ ઉઠાવીને કેટલાકને હાટડા માંડવામાં સહાયક બની રહ્યાં છે.
- સંતશ્રીઓની ક્ષમા માંગુ છુ, તેઓ મને માફ કરે. પરંતુ ગુજરાતનાં કેટલાક સંતશ્રીઓ આજનાં ચારિત્ર્ય વિનાના અને મૂલ્ય વિનાનાં શિક્ષણને સ્વીકારી રહ્યાં છે. પોતાનાં નેજા હેઠળની શૈક્ષણિક સંસ્થાઓમાં અંગ્રેજી માધ્યમને કોઈ પણ જાતના વિરોધ વિના હોંશે હોંશે સ્વીકારી રહ્યાં છે.
ગુજરાતથી માંડી સમગ્ર વિશ્વમાં, જેટલાં પણ મુઠ્ઠી ઉંચેરા માનવીઓ અને સર્જકો થયાં છે તે બધાંજ માતૃભાષામાં જ ભણેલાં છે. આ સનાતન સત્ય છે. માતૃભાષામાં ભણેલાં વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય રાખીને થોડું વધારે ધ્યાન આપે એટલે તે પણ અંગ્રેજીમાં હોંશિયાર બની જાય છે! અરે અંગ્રેજી માધ્યમમાં ભણેલાં વિદ્યાર્થી કરતાં પણ અંગ્રેજીમાં હોશિયાર બની જાય છે!! અંગ્રેજી સારું કરવાનો આ ઉત્તમોત્તમ ઉપાય છે.
અંગ્રેજી સારું કરવા માટે અંગ્રેજી માધ્યમ કરવું એ તો ઉત્તમ રાહ તરછોડીને નિમ્ન માર્ગને પસંદ કરવા બરાબર છે. માતૃભાષા વિનાનું શિક્ષણ એ એકડાં વિનાનાં મીંડા જેવું છે. ભાવનગર યુનિવર્સિટીનાં શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ડૉ. જયંત વ્યાસના માર્ગદર્શન હેઠળ ભાવનગરનાં ગરવા મોભીઓ અંગે થયેલું સંશોધન આ બાબતોની જબરી ગવાહી પૂરે છે.
અંગ્રેજી ભાષાનો ક્યારેય વિરોધ હોઈ શકે જ નહિ. વિરોધ છે અંગ્રેજી માધ્યમનો. વિરોધ છે તેને શરૂઆતનાં તબક્કાથી જ દાખલ કરવાનો.
વિજ્ઞાની, ટેકનોક્રેટ, ડોક્ટર, એન્જિનિયર કે અધિકારી જેવા જે માનવ કલ્યાણ સાથે સીધી રીતે જોડાયેલા છે તેઓને પણ માનવતાથી ભર્યાભર્યા બનાવવાની જેનામાં અમૃતસમી તાકાત છે તે માતૃભાષા અંગે ચિંતા કોણ કરશે? માતૃભાષા વિના ધર્મ કેમ સમજાશે? કોણ ધૂણી ધખાવશે?
અંગ્રેજી માધ્યમનાં પરપોટા ફૂટવાનાં જ છે. તેનાથી આપણી સાંસ્કૃતિક વારસાનું કેવું ધોવાણ થઇ રહયું છે, તેનું સાચું ચિત્ર ટૂંક સમયમાં સુરત શહેરનાં કેટલાયે કુટુંબો પૂરાં પાડશે!!! બસ, થોડી રાહ જુઓ.
આજે દેખાદેખીનાં આ યુગમાં અંગ્રેજી માધ્યમની બાબતમાં ભલભલા ગેરમાર્ગે દોરવાયા છે. તેમાં સૌથી વધારે કોઇ ગેરમાર્ગે દોરવાયું હોય તો તે છે ઘરનીલક્ષ્મી સમી પુત્રવધુઓ. પુત્રવધુઓને માર્ગદર્શીત કરવા બાબતે સમાજશાસ્ત્રીઓની સહાય અત્યંત આવશ્યક બની છે.
કેટલીક સુખદ હકીકતો, જેનો પણ હું સાક્ષી છું.
- ગુજરાતમાં એકથી સાત ધોરણમાં ચાલતા પાઠ્યપુસ્તકો આંતરરાષ્ટ્રીય કક્ષાના બનેલાં છે. આ પુસ્તકો રાજ્યની ચાલીસેક હજાર પ્રાથમિક શાળાઓમાંથી બત્રીસથી પાંત્રીસ હજાર શાળાઓમાં ચાલી રહ્યાં છે. પુસ્તકો તૈયાર કરવા માટે રાષ્ટ્રીય સંસ્થા NCERT જેવી જ ગુજરાતની GCERTના નામે ઓળખાતી એક સંસ્થાના નેજા હેઠળ ચુનંદા ત્રણસોક મિત્રોનું ‘STATE RESOURCE GROUP (SRG)’ નામે ઓળખાતું એક જૂથ રચવામાં આવ્યું. આ જૂથનાં સદ્દસ્યોને પસંદ કરવામાં જ એકાદ વર્ષ થયેલું!!! આ જૂથે અનેરાં પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા. આ જૂથને પહેલાં ધોરણનાં બે વિષયનાં બે નાનકડાં પુસ્તકો તૈયાર કરવામાં જ ત્રણ વરસ થયેલાં. હા, ત્રણ વર્ષ, અને તે પણ લાગલગાટ!!! બીજા બધાં ધોરણોમાં પણ આટલો જ સમય!!! પાઠ્યપુસ્તકો નાનકડાં અને સરસ મજાનાં બન્યાં. અને વળી બાળકોની વયકક્ષાને અનુરૂપ તૈયાર બન્યાં. જરૂર કરતાં જરા પણ ઓછું નહિ. જરૂર કર્તા જરા પણ વધારે પણ નહિ. આ માટે રાજ્યની બધી યુનિવર્સિટીઓની મદદ લઈને અનેક અનેક સંશોધનો હાથ ધરીને આ પુસ્તકો બનાવવામાં આવ્યા. ઝૂપડપટ્ટીમાં રહેતા નાગડાપૂગડા બાળકથી માંડી કરોડપતિના કે IAS જેવાં અધિકારીઓના કૂમળા બાળકને પણ સમાન ન્યાય આપે તેવાં તૈયાર થયાં!! આ સમગ્ર પ્રક્રિયાને સાંકળતું, IIM-Aનું સંશોધન તથા ભાવનગર યુનિવર્સિટીનું સંશોધન દેશ માટે દીવાદાંડી બની રહ્યા. સમગ્ર દેશમાં ગુજરાત એક મોડેલ રાજ્ય તરીકે જાણીતું બન્યું.
- શિક્ષણમાં એક સમયે શિક્ષણ સચિવ તરીકે એક બાહોશ અધિકારી માન.શ્રી સુધીરભાઈ માંકડ સાહેબ હતાં. તેઓ સિનિયર IAS હતાં. તો પણ તેઓ નાનામોટા સહુ કોઈના મંતવ્યોને આવકારતાં, સાંભળતા અને પૂરેપૂરું સન્માન આપતાં. આવેલાં મંતવ્યોને સમજદારીપૂર્વક ચકાસતાં. ઉપરના દસેક ટકા વિદ્યાર્થીઓને જ નહિ પરંતુ ગુજરાતનાં તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો આપતાં. તેમના સમયમાં કામ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા રહેતી. એ સમય ગુજરાત માટે સુવર્ણયુગ હતો વિશ્વાસપૂર્વક કહીશ.
- અમદાવાદની ‘શ્રેયસ’ નામની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થામાં પાંચ ધોરણ સુધી પુસ્તક પણ નથી અને પરીક્ષા પણ નથી.
- લોકભારતી સણોસરા સંસ્થાને યુનિવર્સિટીઓનું નિયંત્રણ કરતી રાષ્ટ્રીય સંસ્થાન UGC તરફથી A+ ગ્રેડ બક્ષવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આવો ઉચ્ચત્તમ ગ્રેડ કોઈને પ્રાપ્ત થયાનું મારી જાણમાં નથી. સાથોસાથ આંબલાની માતૃસંસ્થાને રાષ્ટ્ર સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા ‘હેરીટેઝ’ સંસ્થાનો દરજ્જો આપીને સંસ્થાને સન્માન બક્ષવામાં આવ્યું છે. સમગ્ર રાષ્ટ્રમાં ત્રણ કે પાંચ સંસ્થાને જ હેરીટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.
- દિલ્હીની એક પ્રસિદ્ધ સંસ્થા કે જ્યાં પ્રસિદ્ધ ક્રિકેટર કપિલદેવ અને નામાંકિત હસ્તી મેડમ પ્રિયંકા ગાંધી જેવાના સંતાનો અભ્યાસ કરે છે, ત્યાં પણ ત્રણ ધોરણ સુધી પુસ્તક નથી, અને મજાની વાત તો એ છે કે અહીં હોમવર્ક પણ નથી. અરે અહીં સાત ધોરણ સુધી પરીક્ષા પણ નથી. અહીના બાળકો પ્લાસ્ટિક વપરાશનનો સખત વિરોધ કરે છે, તો અહીંના વાલીઓ પોતાનાં બાળકોને AC રૂમમાં ભણાવવાનો વિરોધ કરે છે. અહીં પ્રોજેક્ટ આધારિત શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. INNOVATION IN EDUCATION કે પછી સંસ્થાને સ્વાયતત્તાનું આ અદ્દભૂત પરિણામ છે.
- સુરતમાં પણ લગભગ લગભગ બધે જ ગોખણીયા શિક્ષણની અને અંગ્રેજી માધ્યમની બોલબાલા છે. અહીંનાં વાલીઓ પણ અનેક અનેક ખોટી માન્યતાઓની ભરમાળમાં ફસાઈ ચૂક્યા છે. તેઓ અસહ્ય તણાવમાં છે. પણ હવે કેટલાંક જાગૃત નાગરિકો, આગેવાનો અને કેટલાંક સમજદાર ઉદ્યોગપતિઓએ ‘વાલીશિક્ષણ’ની ઝુંબેશ ઉપાડી છે.
- ગતસાલનાં અંતમાં લોકભારતી સણોસરામાં દેશના નામાંકિત શિક્ષણશાસ્ત્રીઓ અને સંશોધનકારો આવી ગયાં. બધાએ અહીંના ગાંધીજી પ્રેરિત અને પદ્મશ્રી નાનાભાઈ ભટ્ટનાં શિક્ષણનાં પ્રયોગોને એકી અવાજે આવકાર્યું અને આ પદ્ધતિને આજનાં મેકોલેબ્રાન્ડ/ ગોખણીયા/ આપઘાતિયા/ રોબોટીયા/ પ્રદુષિત શિક્ષણનાં શ્રેષ્ઠ વિકલ્પ તરીકે અનુમોદિત કર્યું.
- દસેક વર્ષ પહેલાં ગીરના જંગલની નજદીક આવેલાં ચાપરડા નામના ગામે શિક્ષણ અને સેવાની ધૂણી ધખાવીને બેઠેલા પૂજ્ય મુક્તાનંદબાપુએ ભૂકંપમાં નાશ પામેલ કચ્છનાં અધોઈ નામનાં ગામને પાયામાંથી સંપૂર્ણ બેઠું કરેલું. એ સમયે પૂજ્ય મુક્તાનંદબાપુએ અધોઈ ગામે પોરબંદરના સંતશ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી)નાં વ્યાસસ્થાને એક અનેરી સપ્તાહ યોજેલી.
આ કથામાં પૂજ્ય મુક્તાનંદબાપુએ એક રાત્રીનાં, ધૂનભજનનાં કાર્યક્રમને બદલે ‘વાલીશિક્ષણ’નાં કાર્યક્રમનું આયોજન કરેલું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય મુક્તાનંદબાપુએ જાહેર કરેલું કે અધોઈ અને આસપાસના આ સરહદી અને પછાત વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ અને ગુણવત્તા વધારવા માટે ટેલી-કોન્ફરન્સ જેવી ઉપયોગી અને અદ્યતન ટેકનોલોજી ઉભી કરી શકાતી હોય તો હું અત્યારે જ એક કરોડ રુપિયા આપવાનું જાહેર કરું છું, એટલું જ નહિ આ માટે ઘટતી બાકીની બધી જ રકમ પણ આપીશ!!! પૂજ્ય બાપુને વંદન.
- પોરબંદરની ભૂમિમાં જ ભારતીય સંસ્કૃતિનાં જતનપણાનું કઈક ગૂઢ રહસ્ય છૂપાયેલું છે. પોરબંદરમાં પૂજ્ય સંતશ્રી રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી)એ સ્થાપેલ સંસ્કૃત વિદ્યાપીઠમાં પણ ભારતીયતાનાં અનેરાં દર્શન જોવા મળે છે. સર્વ ભાષાઓમાં જે સર્વશ્રેષ્ઠ છે તે સંસ્કૃત ભાષાને અને તે થકી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહેલાં પૂજ્ય ભાઈશ્રીને વંદન.
આ વિદ્યાપીઠ, સંતમહાત્માઓ તેમજ અસ્મિતાની ચિંતા સેવનારા સહુ કોઈ માટે દીવાદાંડી સમાન છે.
આજે કેટલાંક સંતશ્રીઓએ પોતાનાં હસ્તકની શૈક્ષણિક સંસ્થાનોમાં માતૃભાષાનાં બદલે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરુ કરી છે. આવું જાણીએ છીએ ત્યારે ભારતીય સંસ્કૃતિને ઘા લાગ્યાની વેદના થાય છે. માનવતા અને વિશ્વ બંધુત્વથી ભરીભરી આપણી ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની ઉતમોત્તમ સંસ્કૃતિ છે. તેને માત્રને માત્ર માતૃભાષા જ પોષણ આપી શકે. અંગ્રેજી માધ્યમ તેને ધક્કો મારે મારે અને મારે જ. વિશ્વનાં સંશોધનોએ આ પુરવાર કર્યું છે. વિશ્વ સંસ્થા UNITED NATION ખુદ આ કહી રહી છે. એટલે તો આ સંસ્થા બધાં દેશોને માતૃભાષા દિવસની ઉજવણી કરવાનું કહી રહી છે.
અંગ્રેજી માધ્યમ થકી લાગતાં ધક્કાથી આપણી સંસ્કૃતિમાં ઉદ્દભવતો થોડોક અમસ્તો શુન્યાવકાશ પણ અન્ય સંસ્કૃતિને પગપેસારો કરવા માટે પર્યાપ્ત છે. આ બાબતે આપણો નજદીકનો ઈતિહાસ પણ ગવાહી પૂરે છે.
વિશ્વના તમામે તમામ વિકસિત દેશો બાલમંદિરથી માંડી છેક યુનિવર્સીટી સુધીનું અને મેડીકલ, એન્જિયરિંગ કે ટેકનોલોજી સુધીનું શિક્ષણ પોતાની માતૃભાષામાં જ આપી રહ્યાં છે. એટલે તો તેઓ જબરું કાઠું કાઢી શક્યા છે, વિશ્વને પોતાની મુઠ્ઠીમાં કરી શક્યા છે. ગુજરાત પણ આવું બની શકે.
કમનસીબે ગુજરાત પાસે આઝાદી મળ્યાને આજે આટલાં વર્ષો ગયાં પણ ભાષા અંગેની કોઈ નીતિ જ નથી!!!
થોડા સમય પહેલાં હું અમેરિકા ગયેલો. ત્યાં મેં એકાદ બે અપવાદને બાદ કરતાં ક્યાંયે પણ ઉદ્યોગનાં કારખાના નહિ જોયેલાં. અમેરિકા પોતાને જોઈતો માલ બહારનાં ગરીબ દેશોમાં તૈયાર કરાવીને પોતાનાં પર્યાવરણની જબરી ખેવના કરે છે. અમેરિકા આ બાબતે શિયાળ છે. કઈકને પોતાની જાળમાં ફસાવી ચૂક્યું છે. એ લેખમાં મેં લખેલું કે—
“ગુજરાતીઓ મરશો,
પર્યાવરણ બચાવો.”
સાથોસાથ આજે એવું લખવાનું મન થાય છે કે
“ગુજરાતીઓ મરશો,
માતૃભાષા બચાવો.”
ગુજરાત આજે પણ મૂર્ધન્ય ગુજરાતી ભાષાવિદ્દોથી ભરેલું ભરેલું છે. ગુજરાત બહુરત્ના વસુંધરા છે. આવા ભાષાવિદ્દોની સેવા લેવામાં આવે તો ગુજરાતમાં યુનિવર્સીટી કક્ષા સુધી માતૃભાષાનાં શિક્ષણનો વ્યાપ સહેલાઈથી વધારી શકાય તેમ છે.
જેમના દિલમાં કરૂણા વસે છે, જે સાચા અર્થમાં સેવાભાવી સંસ્થાઓ છે, જે વતનપ્રેમી NRI છે. તેઓ આ કરી શકે તેમ છે. સંત-મહાત્માઓ પણ આ કરી શકે તેમ છે. સહુને આ માટે પ્રાર્થના કરું છું.
શિક્ષણનાં પ્રદુષણને કેવી રીતે નાથવું ?
આજનાં પ્રદુષિત શિક્ષણને નાથવાનો એક જ સચોટ માર્ગ છે-
શિક્ષણશાસ્ત્રીઓ નીતિ ઘડે
સચિવાલય તેનો અમલ કરે.
શિક્ષણની નીતિ ઘડવામાં IAS કે અન્ય અધિકારીઓ જરૂરથી પોતાનો અવાજ રજુ કરે. પરંતુ નીતિ ઘડવામાં પોતાનો એક પક્ષીય નિર્ણય ઠોકી બેસાડવાની ભૂલ ક્યારેય ન કરે. કારણકે કોઈ પણ એક અધિકારી માટે, શિક્ષણ એટલે શું? બાળક એટલે શું? ગુજરાત એટલે શું? તે સમજવું લગભગ લગભગ અશક્ય જ છે. આ અધિકારીઓ પોતાનાં અને બહુબહુતો પોતાની આસપાસનાં બાળકોને જોઈને જ સમગ્ર ગુજરાતનાં બાળકો માટે નિર્ણય લેતા હોય ભયંકર ભૂલ કરી બેસતાં હોય છે. આવી ભૂલ ના થાય તે માટેનો એક જ સચોટ માર્ગ છે કે શિક્ષણશાસ્ત્રીઓ નીતિ કરે અને અધિકારીઓ નીતિનો અમલ કરે. આજનાં સમયની આ તાતી માંગ છે.
- સરકારે વિધાનસભામાં પસાર કરેલા નવતર ધારા ‘INNOVATION IN EDUCATION’ નાં મીઠાફળ ચાખવા હોય તો પ્રયોગશીલ સંસ્થાઓને પૂરતા નાણાકીય સહયોગ સાથે શિક્ષણનાં નવતર પ્રયોગો કરવાની સ્વતંત્રતા અને સ્વાયતત્તા આપવી જોઈએ.
ભાવનગરની એક સમયની વિખ્યાત સંસ્થાઓ ‘દક્ષિણામૂર્તિ’ અને ‘ઘરશાળા’. અનન્ય કેળવણીકારો અને તેઓએ ઘડેલા અનન્ય અભ્યાસક્રમની થકી અને પોતાની સ્વાયતત્તા થકી જ મહાન સંસ્થા બની શકી હતી. પોતાનાં સ્વાયતત્તાનાં સોનેરી સમયમાં આ સંસ્થામાં ભણતાં વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષામાંથી પણ મુક્તિ મળતી. વિશિષ્ટ અભ્યાસક્રમનાં કારણે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ જાગી ઉઠતી. આજનાં કેટલાયે મુઠ્ઠી ઉંચેરા માનવીઓ આ સંસ્થાઓની દેન છે.
આજે તો સ્વાયતત્તા વિના આ અને આવી તો અનેક નામધારી સંસ્થાઓ પ્રયોગવિહિન બની ગઈ છે, પ્રદુષિત શિક્ષણનો ભોગ બની ગઈ છે. ગુજરાતની આ મોટી કમનસીબી છે.
- NCERT ન્યુ-દિલ્હી દ્વારા અમલમાં મુકાયેલ National Curriculum Framework 2005 નામનાં દસ્તાવેજને અંગ્રેજીમાં અને સાથોસાથ ગુજરાતી અનુવાદ કરી તેને શિક્ષણજગત અને સમાજનાં ચિંતકો સામે મૂકવો જરૂરી છે. આજનાં શિક્ષણને સાચી દિશા તેમાંથી મળી શકે તેમ છે. (NCERT દ્વારા તેનું ગુજરાતી ભાષાંતર થયું છે, પરંતુ તે સમજવામાં મુશ્કેલ પડે તેવું છે!!)
- આવો જ એક બીજો દસ્તાવેજ છે, જે UNESCO દ્વારા બહાર પડેલો છે. આ દસ્તાવેજ તો 21મી સદીના શિક્ષણ માટે જ છે. જેનું નામ છે ‘LEARNING : THE TREASURE WITHIN’. વર્ષો પહેલાં ‘યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ’ દ્વારા તેનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયેલો, જેનું નામ હતું ‘શિક્ષણ : ભીતરનો ખજાનો’ પરંતુ કમનસીબે હાલમાં તે અપ્રાપ્ય છે. આ દસ્તાવેજ ફરીવાર પ્રકાશિત કરી શિક્ષણજગત સામે મૂકવો ખૂબ જરૂરી છે. આ દસ્તાવેજ શિક્ષણની દિશા નિયત કરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ દસ્તાવેજ છે.
આ બન્ને દીવાદાંડી સમાં છે. આ દસ્તાવેજો ગુજરાતનાં શુભચિંતકો અને શિક્ષકોને કર્મયોગી તાલીમમાં પૂરા પાડીને તેના ઉપર જ વિષદ્દ ચર્ચાવિચારણા થવી જોઈએ. તેના આધારે મળતા મંતવ્યોને પ્રાધાન્ય આપવું જોઈએ. શિક્ષણની સાચી દિશા પામવા માટે આમ થવું અત્યંત જરૂરી છે. શિક્ષકોની બાબતમાં ગુજરાત આજે પણ બહુરત્ના વસુંધરા છે, આવાં ગુરુજીઓનો લાભ શા માટે ના લેવો?
- માતૃભાષામાં-શિક્ષણ અને વાલી-શિક્ષણ એ આજનાં સમયની માંગ છે. બોર્ડ, સમાજનાં મોભીઓ અને સંતશ્રીઓ આ કામ વિના વિલંબે યજ્ઞ/અભિયાન સ્વરૂપે શરુ કરે તેવી પ્રાર્થના છે.
મહાત્મા ગાંધીજીએ શિક્ષણ અંગે અંગ્રેજો સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે -
‘તમે અમારાં રળિયામણા વૃક્ષનો નાશ કર્યો છે.’
18મી સદીમાં ભારત દેશમાં 95 % જેટલી સાક્ષરતા હતી!!! (માન્યામાં ના આવતું હોય તો વાંચો: ‘રળિયામણું વૃક્ષ:અઢારમી સદીમાં ભારતીય શિક્ષણ’ લેખક-ધર્મપાલજી, પ્રકાશક: પુનરુત્થાન ટ્રસ્ટ, અમદાવાદ.) અઢારમી સદી સુધી ભારત દેશના તમામે તમામ રાજ્યોમાં શાળાઓ પોતાની માતૃભાષામાં જ ભણાવતી હતી.
અંગ્રેજોએ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા અને ભારતને સદાયને માટે ગુલામ બનાવી રાખવાની એક ચાલ સ્વરૂપે માતૃભાષામાં ચાલતી આ બધીજ શાળાઓ બંધ કરાવી દીધી. ત્યારબાદ અંગ્રેજોએ ખુદ પોતે જ શાળાઓ શરૂ કરી અને તે પણ માત્રને માત્ર અંગ્રેજી માધ્યમની શાળાઓ જ શરૂ કરી, જેમાં અંગ્રેજીયતથી અંજાયેલા રહે તેવા બાબુઓ પેદા કરનારું મેકોલેબ્રાન્ડ શિક્ષણ દાખલ કર્યું. આ કિમીયામાં તેઓ જબરા સફળ રહ્યાં. મેકોલેબ્રાન્ડ શિક્ષણથી પેદા થયેલાં ભારતીય બાબુઓ વડે જ અંગ્રેજો આપણા ભારતદેશને વર્ષો સુધી ગુલામ રાખી શક્યા. ભારતીય સંસ્કૃતિથી ભરેલાં ભરેલાં અને સદાયે સર્જકોથી પણ ભરેલાં ભરેલાં રળિયામણા વૃક્ષનો નાશ કરીને અંગ્રેજો ભારતની અસ્મિતાનો નાશ કરવામાં સફળ રહ્યાં.
મહાત્મા ગાંધીજીએ તમામ શાસકો, સમાજનાં મોભીઓ, નીતિધારકો માટે એક અદ્દભૂત તાવીજ આપ્યું છે. આ તાવીજમાં સફળતાની જબરી ગેરંટી છે.
તાવીજમાં મહાત્માજી કહે છે કે --
“તમારાં કોઈ પણ પગલાં વિશે તમારાં મનમાં શંકા જાગે ત્યારે
છેલ્લામાં છેલ્લા અને
નબળામાં નબળા માનવીનો વિચાર કરજો.
તેને તમારાં પગલાથી જો ફાયદો થવાનો હશે
તો તમે અચૂક સફળ બની રહેશો.”
બાપુનું આ તાવીજ શિક્ષણ જગતને પણ સાંગોપાંગ લાગુ પડે છે. આપણે સહુ પણ આ તાવીજને બાંધીએ અને પૂજ્ય બાપુએ બક્ષેલ કેળવણીનાં રાહ ઉપર ચાલીએ અને આજનાં શિક્ષણને પ્રદુષણથી મુક્ત બનાવીએ.
મહાન સંત વિનોબાજીએ એક પ્રસંગે કહેલું કે હજુ પણ આપણે અર્ધ માનવ અને અર્ધ પશુ જ છીએ. કારણ આજે પણ આપણે પશુઓના દૂધ પીએ છીએ!!
માનવ માટે અર્ધ પશુતામાંથી છુટકારો મેળવવાનો એક માત્ર માર્ગ છે, માનવધર્મ અને સાચી કેળવણી.
મને ઘણાં વર્ષો શિક્ષણનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે રહેવાનો જોડાવાનો અને તેને સમજવાનો અવસર મળ્યો છે. સોનામાં સુગંધ ભલે તેમ વિશ્વ કક્ષાએ ભારતની શોભા વધારે તેવાં ભાવનગરનાં મહાન કેળવણીકારોનાં વિચારો અને કર્મોની પ્રસાદી પણ મળી. સાથોસાથ બહોળો જાત અનુભવ પણ મળ્યો. આ બધાંનાં સમન્વય સ્વરૂપે આ લેખમાં મે મારાં વિચારો રજુ કર્યા છે.
આ લેખની ભાષા કેટલીયે જગ્યાએ પશુ સમા લક્ષણોથી ભરેલી લાગશે. પરંતુ હું મારી વેદના અને કર્તવ્યભાવને રોકી શકતો નથી. આ મારી મર્યાદા છે. માટે આ લેખ થકી જે કોઈને પણ દુઃખ થયું હોય તે સર્વે મને ક્ષમા કરે. ખરું કહું તો પ્રથમ આ લેખનું મથાળું ‘કાળોતરું શિક્ષણ’ રાખેલું, પરંતુ વડીલોની વાત માનીને એ મથાળું બદલાવી નાખ્યું છે!!!
|| બાલ દેવો ભવ ||
No comments:
Post a Comment