20 November 2014

બાપુ, મારા ગુરૂ




(If you cannot read Gujarati fonts, please click here for PDF version)


કાઠીયાવાડમાં બાપુ શબ્દ ઘણો પ્રચલિત છે. જેને પણ બાપુ કહીને બોલાવાય તે ક્ષત્રિય સમાજનાં જ છે તેમ સહુ કોઈ સમજે. પ્રવીણભાઈને સહુ કોઈ ‘બાપુ’ કહીને બોલાવે. ઘણાં તેને ક્ષત્રિય સમાજનાં સમજી લે. પણ જયારે જાણે કે પ્રવીણભાઈ તો જૈન વાણીયા છે અને તેઓની અટક તો શાહ છે ત્યારે તાજુબ રહી જાય.
અજાણ વ્યક્તિ તુરત પૂછે કે તો પછી સહુ કોઈ તેને ‘બાપુ’ કેમ કહે છે?! બસ અહીંથી જ પ્રવીણભાઈની ઓળખના દ્વાર ખુલે.

ડૉ. પ્રવીણભાઈ શાહે અમરેલી જિલ્લાના બાબાપુર મહિલા અધ્યાપન મંદિરમાં વર્ષો સુધી અધ્યાપક તરીકે સેવા આપી. છાત્રાલય, અધ્યાપન મંદિર, આચાર્ય અને અધ્યાપક નિવાસ બધું એક જ કેમ્પસમાં. બાપુ પણ અહીં જ રહે.

અધ્યાપન મંદિરમાં ભણવા આવતી દીકરીઓ છાત્રાલયમાં રહી ભણે. પ્રવીણભાઈ અહીં ભણતી બધી દીકરીઓને એક બાપ તરીકેનો પ્રેમ આપે. ખૂબ ધ્યાન રાખે, ખૂબ ભણાવે. ખૂબ ખેવના કરે. પોતાની દીકરીથી પણ વિશેષ રાખે. આ દીકરીઓને પ્રવીણભાઈ તેમના ‘બાપ’ સમા લાગે. બધી દિકરીઓ પ્રવીણભાઈને વ્હાલથી ‘બાપુ’ કહીને બોલાવે. ત્યારથી તેઓ ‘બાપુ’ કે ‘પ્રવીણબાપુ’ તરીકે ઓળખાયા.

બાપુએ શિક્ષણનો બેઝીક કોર્સ સણોસરામાં રહીને કર્યો. આજનાં ગોખણીયા શિક્ષણનો મજબુત વિકલ્પ પૂરો પાડે તેવો સર્વાંગી અભ્યાસક્રમ. શિક્ષણ અને કેળવણી વચ્ચે શું ફરક છે તે અહીંથી જ સમજાય. બાપુએ સણોસરા પછી પોરબંદરની ખ્યાતનામ રામબા બી.એડ કોલેજમાં M.Ed. કર્યું.  

બાપુ એક તો નિર્મળ પ્રેમના પ્રતીક. એમાં અહીં ગુરુજીઓ પણ સવાયા સાંપડ્યા. જ્ઞાન કરતાં પણ પ્રેમ ચડિયાતો છે તે અહીં ઘૂંટાયું. સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં. Ph.D. કર્યું. પ્રવીણભાઈ ડૉ. પ્રવીણભાઈ શાહ બન્યાં. પણ પોતે ડોક્ટર છે તેવું ક્યારેય બતાવે જ નહિ.

એક સમયે સર્વશ્રી મનુભાઈ પંચોલી(દર્શક)એ બાપુને સણોસરા GBTCનું પ્રિન્સીપાલપદ સ્વીકારવા કહેલું. પણ તેમાં તો વહીવટ કરવાનો આવે. તેમાં સમય આપવો પડે. તે આ શિક્ષણનો જીવ ક્યાંથી સ્વીકારે!

મને અમરેલી શિક્ષણાધિકારી કચેરીમાં વિજ્ઞાન નિરીક્ષક તરીકે સેવા કરવાની તક મળેલી. આ થકી એક વખત બાબાપુર અધ્યાપન મંદિરનાં વાર્ષિક પાઠ જોવા જવાનું થયું. શિયાળાની ઠંડી. ખૂબ સુંદર પ્રાથમિક શાળા. પાઠ શરૂ થવાને થોડીવાર હતી. સહુ શાળાનાં પ્રાંગણમાં સૂરજદાદાનો મીઠો તડકો ખાતા બેઠા હતાં. અમે બાહ્ય નિરીક્ષકો એક બાજુ બેઠેલા. મેં સમય પસાર કરવાં ‘કુમાર’ મેગેઝીનમાં આવેલાં એક ગણિતના કોયડાની વાત મૂકી. સહુ તે ઉકેલવામાં લાગ્યાં. આ સાંભળી બાપુ પણ આવ્યાં. તેઓએ કોયડો તો ઉકેલ્યો પણ સાથોસાથ નવા કોયડા પણ મૂક્યાં. આ બેઠકે મને બાપુની નજદીક લાવીને મૂકી દીધો.

બાપુની બુદ્ધિશક્તિ, અકલ્પ્ય જ્ઞાન, સમજ અને કૌશલ્યોને હું ભરપેટે પામ્યો છું. જયારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે બાબાપુર પહોંચી જાઉં. બાપુનાં અકલ્પ્ય સહયોગ થકી હું M.Ed. અને Ph.D.માં વિશેષ કરી શક્યો. એટલું જ નહિ GPSCમાં શિક્ષણાધિકારી કેડરની વર્ગ એકની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવ્યો. તેમાં પણ બાપુનો સિંહફાળો રહ્યો. આ પરીક્ષા માટે બાપુના માર્ગદર્શનમાં રહીને દિવસરાત જે મહેનત કરેલી તે આજે પણ યાદ આવે છે. આ રીતે ડો. પ્રવીણભાઈ મારા માટે ‘બાપુ’ તો ખરા જ. ઉપરાંત મારા હૃદયમાં મારા ‘ગુરૂ’ તરીકે પણ સ્થાન પામ્યાં.

બાપુ શૈક્ષણિક સંશોધનમાં પણ અગ્રીમ હરોળના સંશોધક. વિશ્વની અનેક જાણીતી કસોટીઓ બાપુ પાસેથી મળે!! મેં જયારે તેઓ પાસે અમેરિકાની વિખ્યાત કસોટી DAT જોઈ ત્યારે નાચી ઉઠેલો. બાપુનાં આ જ્ઞાનનો લાભ GCERT અને જિલ્લા શિક્ષણ ભવનને પણ ખૂબ મળેલો.  
ભાવનગરની જાણીતી સંસ્થા વિજ્ઞાન નગરીને પણ વિદ્યાર્થીઓની વિશિષ્ટ શક્તિના માપનમાં અને કાઉન્સેલીંગમાં બાપુના અગાધ જ્ઞાનનો લાભ સાંપડેલો. વિજ્ઞાન નગરી એક શૈક્ષણિક ચેનલ ચલાવે. તેમાં બાપુની વાર્તાઓ પણ આવતી. આજે પણ આ કીધેલી વાર્તાઓનો ખજાનો વિજ્ઞાન નગરી પાસે મોજુદ છે. આમ બાપુ ફૂરસદના સમયે શિક્ષણ ઉપરાંત સંશોધન અને  કાઉન્સેલીંગનું કાર્ય પણ કરે.  

બાપુ સહુનાં કલ્યાણમાં દિવસ રાત રચ્યાપચ્યા રહે. શાળાઓમાં વેકેશનમાં હોય કે રજાઓ હોય. બાપુ આ સમયગાળાનો ખૂબીપૂર્વક સદ્દપયોગ કરે. શિક્ષકો માટે આગવી તાલીમનું આયોજન કરે. આયોજન જ એવું કે આસપાસનાં ગામોના શિક્ષકમિત્રો તેમાં હરખભેર જોડાય. ભાડાભથ્થા... તો કહે રામ રામ! સહુ ઘરેથી લાવેલું ટીફીન સાથે બેસીને જમે અને ભણે. આમ બાપુની પ્રેમની અને જ્ઞાનની અનોખી પાઠશાળા ચાલે.

બાબાપુરની પાસે ચારેક કિલોમીટર દૂર શેત્રુંજી નદીના કાંઠે તરવડા નામે એક ગામ. આ  ગામને સામે કાંઠે રહેઠાણની એક અવાવરું જગ્યા. આ જગ્યાએ રહીને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સ્વ. રતુભાઈ અદાણીએ અને અનેક સ્વાતંત્રવીરોએ સ્વતંત્રતાની ચળવળ કરેલી. આ જગ્યાએ પ્રવીણબાપુએ અસહાય બાળકોને રાખીને તેનું અનોખું શિક્ષણકાર્ય સંભાળેલું.

બાપુને સાયકલ ચલાવતા મેં કદી જોયા નથી. કદાચ આવડતી જ નહિ હોય. આથી બાપુ રોજ સવાર સાંજ તરવડા ચાલીને જાય અને આવે. બાળકોને ભણાવે તેની સંભાળ રાખે. રસ્તામાં આવતાજતા કોઈ ખેડૂત કે ખેતમજુર મળે તે બાપુને મળી હરખઘેલા થાય. આવું પ્રેમાળ  બાપુનું વ્યક્તિત્વ.

અધ્યાપનકાર્યમાંથી સમય કાઢી ખાદીધારી બાપુ ખભે થેલી નાંખી આજુબાજુના ગામોની નિશાળમાં ચાલીને નીકળી પડે. નિશાળે નિશાળે જઈ બાળકો અને શિક્ષકોની પાસે જ્ઞાનનો ધોધ વહાવે. બાપુ એટલે ગોળનું ગાડું. સહુ બાપુને એટલા પ્રેમથી વધાવે કે તેનું શબ્દોમાં વર્ણન કરવું મારાં માટે શક્ય નથી.

બાબાપુરમાં બાપુ પાસે એક દિકરી ભણી ગયેલી. જંગલ વિસ્તારમાં શિક્ષિકાની નોકરી કરે. ઘોડે બેસી ખભે બંદુક રાખી આસપાસનાં વિસ્તારનાં માથાભારે માણસોનાં છક્કા છોડાવે. આ દિકરી બાપુના શબ્દને ક્યારેય ઉથાપે નહિ. બાપુની આ પણ એક આગવી ઓળખ.

બાપુને ત્રણ દિકરી અને એક દિકરો. મોરના ઈંડા કાંઇ ચીતરવા થોડાં પડે તે કહેવતને સાર્થક કરે તેવાં ઉજળા ઉજળા સંતાનો. તે પૈકીની એક દિકરી કૃતિકાબહેન, ભાવનગરનાં મૂંઠી ઉંચેરા માનવતાવાદી બાળરોગ નિષ્ણાત ડો. આઈ.કે. વીજળીવાળાને પરણ્યા છે. આ સબંધને પણ ખુલ્લા દિલથી સ્વીકારનારા માનવી તે બાપુ.

પત્ની વિમુબહેને બાબાપુરની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા બજાવી પોતાનું આગવું સ્થાન બનાવેલું. વિમુબહેન પણ બાપુની જેવાં જ નખશીખ શિક્ષિકા, સરળ, સાદા અને ઉચ્ચ વિચાર ધારક. ખૂબ જાણીતા લેખક અને ભાષાંતરકાર શ્રી મોહનભાઈ દાંડીકરનાં તેઓ બહેન. બાપુને મળવા તો ક્યાંય ક્યાંયથી કેટલાયે કોઈ પણ સમયે આવતાં રહેતા જ હોય. પણ સહુ કોઈને વડીલ બહેન વિમુબેન અને સંતાનોનો મીઠો આવકારો મળે મળે અને મળે જ.

હું અમરેલીમાં શિક્ષણાધિકારી હતો. તે સમયગાળામાં એક વખત સાવરકુંડલા ગયેલો. મને જાણ થઇ કે આજે અહીં પ્રવીણબાપુનો વાર્તાનો જાહેર કાર્યક્રમ છે. આ સાંભળી હું પણ વાર્તા માણવા પહોંચી ગયો. સમગ્ર હોલમાં ક્યાંયે જગ્યા ના મળે. વાર્તાનાં મહત્વને પ્રથમ વાર સમજ્યો. વાર્તાની દુનિયામાં આ મારો પ્રથમ પ્રવેશ.

સમય બળવાન છે. બાપુએ બાબાપુર છોડી ભાવનગરને કર્મભૂમિ બનાવી. ભગવાને ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણનું અને તેમાં ભણતાં બાળકોનું કલ્યાણ ઈચ્છ્યું હશે. ભાવનગરમાં રહીને કે પછી જરૂર પડે રાજ્યના છેવાડાનાં ગામોમાં યોજાયેલાં સેમિનારો અને વર્કશોપમાં આવીને બાપુએ ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણનાં બદલાવમાં પોતાનાં અનુભવનો અનન્ય અર્ક પીરસી દીધો.

ગુજરાતમાં GCERT દ્વારા અભ્યાસક્રમ બદલાવ, નવો પાઠ્યક્રમ અને બાળભોગ્ય પાઠ્યપુસ્તક રચનાની જે કોઈ ક્રાંતિ થઇ તે સમગ્ર ક્રાંતિમાં આ વિદ્યાગુરુની અદ્દભુત ભૂમિકા રહી. તેઓના અદ્દભુત જ્ઞાન અને પ્રેમને ગુજરાતનાં રિસોર્સ ગ્રુપે ભરપેટે પીધો. ગુજરાતની તાકાતને સમગ્ર દેશ ઓળખતો થયો તેમાં બાપુની અનન્ય ભૂમિકા રહી, તે કેમ વિસરાય?

એક સમય હતો જયારે ગુજરાત પાસે ટીવીનાં માધ્યમથી શિક્ષણ આપવાનો ‘બાયસેગ’ નામે જાણીતો આજનો સ્ટુડિયો ન હતો. તે સમયે GCERTને અમદાવાદ સ્થિત ISROનાં સ્ટુડીયોનો  સહયોગ સાંપડેલો. અમે અહીંથી ‘રોજ નિશાળે જઈએ’ નામે એક ભાર વિનાનાં ભણતરનો વિશિષ્ટ કાર્યક્રમ પ્રસ્તુત કરેલો. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રિય કેળવણીકાર ડૉ.રવીન્દ્રભાઈ દવેસાહેબની ઉપસ્થિતિમાં પ્રવીણબાપુએ વાર્તાનું શાસ્ત્ર અને એક સુંદર બાળવાર્તા કહેલી. આ વાર્તા, વાર્તાલાપથી અને બાપુના જ્ઞાનથી દવેસાહેબ ખૂબ પ્રભાવિત થયેલાં.

એક સમયે પાલીતાણામાં ગુજરાતનાં હજારથી પણ વધુ રિસોર્સ પર્શનનો ચારેક દિવસનો એક વર્કશોપ. રાત્રીની વિશિષ્ટ બેઠકમાં તે સમયના શિક્ષણમંત્રી અને આજનાં મુખ્યમંત્રી શ્રી આનંદીબેનની ઉપસ્થિતિમાં બાપુએ દિલના રંગની અને શૈક્ષણિક મૂલ્યોથી ભરેલી ભરેલી જે વાર્તા કહેલી. તે કેમ વિસરાય?

આવો જ એક વર્કશોપ ફરી પાલીતાણામાં યોજાયેલો. તે સમયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ સમિતિના અધ્યક્ષ અને ISROનાં એક વખતના ચેરમેન સર્વશ્રી પ્રો. યશપાલ શર્માની ઉપસ્થિતિમાં ફરી એક વખત વાર્તા ચાલી. યશપાલજી આફરીન પોકારી ઉઠેલા.

બાપુ કેન્સરમાં સપડાયાં, તે પહેલાનો સમય. આજથી સાતેક વર્ષ પહેલાં તે વખતના મુખ્ય મંત્રી અને આજનાં વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબનાં શિક્ષણ સલાહકાર સ્વ. ડૉ. કિરીટભાઈ જોષીસાહેબ પણ બાપુને મળવા ખૂબ આતુર હતાં. એ મિલન ગાંધીનગરમાં થયું. ત્યારબાદની આ બન્ને વિદ્યાગુરુ વચ્ચે જામેલી દોસ્તીનો હું સાક્ષી છું.

ચિલ્ડ્રન યુનિવર્સિટી રચાઈ. યુનિવર્સિટીએ બાળવાર્તા ઉપર કામ શરૂ કર્યું. પ્રથમ બેઠક  ભાવનગરમાં અને બીજી બેઠક ભાવનગર જિલ્લાનાં પાલીતાણામાં થઇ. કારણ માત્રને માત્ર બાપુ!

છ સાત વર્ષ પહેલાં ‘મૂછાળી મા’ ગિજુભાઈ બધેકા સ્થાપિત નૂતન બાલ શિક્ષણનાં રાજ્ય અધિવેશનમાં ગુજરાતભરમાંથી આવેલાં મિત્રોને બાપુએ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘તોતાકી કહાની’ કહીને આજનાં શિક્ષણનાં છોતરા કાઢી નાખેલા. આજે પણ આ વાર્તાને સાંભળનારા ઘણાં મળે છે અને બાપુને યાદ કરે છે. આ વાર્તાની વિડીયો કેસેટની જબરી માંગ રહી. ‘તોતાકી કહાની’ નૂતન બાલ શિક્ષણ સંઘ દ્વારા પ્રકાશિત પુસ્તિકા ‘માતૃભાષા સંવર્ધન : ભાવનગર ઘોષણાપત્ર’ માં પણ મૂકી, તેની પણ જબરી માંગ છે.  

હાલમાં સુરતમાંથી નવતર અને અત્યંત જરૂરી એવું એક નવતર અભિયાન ‘Parenting For Peace’ નામે છેડાયું છે. આ અભિયાનને એક બાહોશ પોલીસ અધિકારી શ્રી હસમુખભાઈ પટેલનું નેતૃત્વ અને બાહોશ ટીમનું નેતૃત્વ સાંપડ્યું છે. આ શૈક્ષણિક આંદોલનમાં સહુએ જોડાવા જેવું છે. તેનાં બીજ ‘દર્શક’નાં પ્રવચનોવાળી એક પુસ્તિકા ‘વિશ્વ શાંતિની ગુરૂકિલ્લી’થી રોપાયેલાં છે. આ પુસ્તિકાનું સંપાદન પણ શ્રી મોહનભાઈ દાંડીકરની સાથે રહીને પ્રવીણબાપુએ કરેલું છે.

પૂજ્ય પ્રવીણબાપુએ શિક્ષણની ધૂણી ધખાવીને એક દીપકમાંથી અનેક દીપક પ્રગટાવ્યા છે. તેમના ગુરૂ સ્વ. ડૉ. બી.યુ.પારેખસાહેબ, વડીલશ્રી ડૉ. વસંતભાઈ દોશી તથા શ્રી જયંતભાઈ શુક્લનાં નામને ઉજાળ્યું છે. બાપુનો કર્મયોગ હરહંમેશ યાદ રહેશે.

બાપુનું ખોળિયું ભલેને ભરૂચમાં નર્મદામૈયાના ખોળે વિલીન થયું. પણ બાપુના નિષ્કામ કર્મો આપણી વચ્ચે જ છે અને રહેશે.    


- નલિન પંડિત
પ્રમુખ, ગુજરાત રાજ્ય નૂતન બાલ શિક્ષણ સંઘ
પૂર્વ શિક્ષણ નિયામક, જીસીઈઆરટી-ગાંધીનગર
94289 96622 |  |nalin.pandit@gmail.com

શિક્ષણમાં આપણું પછાતપણું અને ફિનલેન્ડ




(If you cannot read Gujarati fonts, please click here for PDF version)


મિત્રો,
નમસ્કાર.

આજે આપ સહુને આપનાં બાળકો જે શિક્ષણ મેળવી રહ્યાં છે તે કેવું છે તેની કેટલીક વેદનાસભર વાતો કરવી છે. તે માટે વિશ્વના શિક્ષણથી આપણી શાળાઓનાં શિક્ષણ સુધીની સફર કરીશું.

વિશ્વમાં દેશોમાં ભારત દેશનું સ્થાન ક્યાં?
વિશ્વની શ્રેષ્ઠ ૨૦૦ યુનિવર્સીટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી.
આપણાં બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે.

આપણાં દેશનું શિક્ષણ કેવું?
દેશનું શિક્ષણ ખાડે ગયું છે.
આ NCERT / MHRDનાં ડોક્યુમેન્ટમાં સ્વીકારાયું છે!
આપણાં બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે.

તો પછી ગુજરાતનું શિક્ષણ કેવું?
ગુજરાતનું શિક્ષણ એટલે ગોખણીયું શિક્ષણ.
વાંચો, લખો, ગોખો અને પરીક્ષામાં ઓકોનું શિક્ષણ.
સેંકડો વિદ્યાર્થીઓ આપઘાત કરે છે.
આપણાં બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે.

જે દેશ પાસે વલ્લભી, નાલંદા અને તક્ષશિલા જેવી ત્રણ ત્રણ વિશ્વપ્રસિદ્ધ વિદ્યાપીઠો હતી, તે દેશ આજે શિક્ષણમાં પછાત કેમ રહી જવા પામ્યો છે?

જે ગુજરાત પાસે વલ્લભી વિદ્યાપીઠ ઉપરાંત દક્ષિણામૂર્તિ જેવી દાદુ સંસ્થા હતી, આંબલા અને  લોકભારતી જેવી દાદુ સંસ્થાઓ  છે, તે ગુજરાત આજે શિક્ષણમાં પછાત કેમ રહી જવા પામ્યું છે?


કારણ, બુશર્ટનું પહેલું બટન જ ખોટું બિડાયું છે.

ગુજરાતમાં બાલમંદિરનાં બાળકોને અસમજદારોએ દફતરઘારી બનાવી દીધા છે. દફતર આવ્યું એટલે ભણવાનું આવ્યું. ભણવાનું આવ્યું એટલે હોમવર્ક આવ્યું. આ બધું આવ્યું એટલે પરીક્ષા નામનો છળકપટી રાક્ષસ પણ આવ્યો. આ બધાં થકી નાનકડો બાળક તો જીવતો જ મુવો છે! આમ, બુશર્ટનું પહેલું બટન જ ખોટું બિડાયું છે. આ આપણને સમજાતું નથી.

ગુજરાતમાં યુનિવર્સિટીઓનું શિક્ષણ પણ ગુજરાતીભાષામાં જ મળે તે માટે ગુજરાત યુનિવર્સીટીની સ્થાપના થઇ હતી. તે ગુજરાતમાં આજે અત્ર તત્ર સર્વત્ર અંગ્રેજી માધ્યમ કેન્સરની જેમ પ્રસર્યું છે. અંગ્રેજી માધ્યમ પણ છળકપટી મોટો રાક્ષસ છે. તેણે તો અદ્દ્ર્શ્ય રહી સંસ્કાર અને સંસ્કૃતિ પર ઘા મારવાનું ચાલુ કર્યું છે. ભારત દેશને અન્ય રીતે ફરી ગુલામ બનાવવાનું શરૂ કર્યું છે. આ આપણને સમજાતું નથી.

શિક્ષણ તો મિત્રાચારીવર્ધક હોય. તેના બદલે મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં હરીફાઈ અને પરીક્ષાએ ઘોર ખોદી છે. હરીફાઈ અને પરીક્ષા મિત્રાચારીના બદલે દ્વેષ અને દુશ્મનીના બીજ રોપવાનું કામ કરી રહ્યું છે. હરીફાઈ અને પરીક્ષાએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને ખતમ કરી નાખી છે. આ આપણને સમજાતું નથી.

શિક્ષણ તો જીવનકૌશલ્ય માટેનું હોય. તેના બદલે આજનાં શાળા, કોલેજ અને યુનિવર્સિટી શિક્ષણને જીવનકૌશલ્ય શિક્ષણ સાથે સ્નાનસુતકનોય નાતો નથી. આ શિક્ષણે યુવાનોને પાંગળા અને પરાવલંબી બનાવી દીધા છે. યુવા અવસ્થાને બેહાલ કરી નાંખી છે. આ આજનું શિક્ષણ છે. આ આપણને સમજાતું નથી.

આ બધું થવા પાછળનાં અનેક અનેક કારણો છે. આ કારણો અને શિક્ષણનાં સાચા માર્ગને કોઈ IAS અધિકારીઓ પકડી ના જ શકે. (હા, એકાદ બે અપવાદરૂપ IAS અધિકારીઓ જરૂરથી જોયા છે, તેઓને સલામ) શિક્ષણમાં IAS અધિકારીઓને કોણે મૂક્યાં? આ આપણને સમજાતું નથી.

સાચા કારણો જાણવા માટે અને સાચો માર્ગ પામવા માટે સાચુકલાં શિક્ષણશાસ્ત્રીઓને પૂછવું પડશે. વિશ્વના ઉત્તમ શિક્ષણને જાણવું પડશે. આ આપણને સમજાતું નથી.

અન્યથા આ માર્ગ ટચુકડો એવો ફિનલેન્ડ નામનો દેશ પણ બતાવી શકે તેમ છે. સમગ્ર વિશ્વમાં શિક્ષણમાં નંબર વન દેશ ફિનલેન્ડ છે.

અમેરિકા ગયો ત્યારે ત્યાં વેકેશન ચાલતું હતું. તેથી ત્યાનાં શિક્ષણને પ્રત્યક્ષ તો જોવા ન મળ્યું. પરંતુ ત્યાં બેઠા બેઠા અમેરિકા ઉપરાંત વિકસિત દેશમાં કેવું શિક્ષણ ચાલે છે તેની મહત્વની માહિતી જરૂરથી પ્રાપ્ત કરી શક્યો. તેમાં ફિનલેન્ડનું શિક્ષણ મનને સ્પર્શી ગયું. (થોડા સમય પહેલાં ‘વિચાર વલોણા’ નામનાં સામયીકમાં પણ ફિનલેન્ડ દેશનાં શિક્ષણ વિશે વાંચી ખરેખર નાચી ઉઠેલો. ‘વિચાર વલોણા’ને સલામ.)
ફિનલેન્ડમાં શિક્ષણ સંપૂર્ણ સ્વાયત છે, અને છતાં, શિક્ષણની તમામ નાણાકિય જવાબદારી સરકાર અદા કરે છે! અહીં શિક્ષણ પરીક્ષાથી મુક્ત છે! છેને અદ્દભૂત! તો ચાલો જાણીએ આ ફિનલેન્ડ દેશના શિક્ષણ વિશે...  

: ફિનલેન્ડનું શિક્ષણ :
  • લોકશાહી દેશનું શિક્ષણ
  • દેશની સંસ્કૃતિને પોષતું શિક્ષણ    
  • સ્વાયત શિક્ષણ
  • 100 % સાક્ષરતા
  • બધી સંસ્થાઓને 100 % ગ્રાન્ટ
  • બાલમંદિર માટે એક વર્ષ
  • સાત વર્ષ પૂર્ણ થયે શાળા પ્રવેશ
  • શ્રેષ્ઠ 10 % ગ્રેજ્યુએટમાંથી જ શિક્ષકોની પસંદગી
  • શિક્ષકો માટે એમ. એડ. ફરજીયાત
  • શિક્ષક દર અઠવાડિયે બે કલાક પોતાનાં વ્યાવસાયિક વિકાસ માટે ફાળવે
  • સામાન્ય રીતે 300 વિદ્યાર્થીઓની શાળાઓ
  • અભ્યાસક્રમમાં માત્ર ગાઈડ લાઈન્સ
  • પરીક્ષા નહિ
  • હોમવર્ક નહિ
  • 75  મિનિટનાં પીરીયડ
  • 75  મીનીટની રીશેષ  
  • બાળકો બાળકો વચ્ચે સરખામણી નહિ, સ્પર્ધા નહિ
  • હોંશિયાર અને ઠોઠ બાળકો બધાં એક જ વર્ગમાં
  • પ્રથમ નવ વર્ષ બેઝીક શિક્ષણનો કોર્ષ   
  • 43% વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શિક્ષણમાં શાળામાં જાય
  • વ્યાવસાયિક અભ્યાસમાં પ્લમ્બિંગ અને કન્સ્ટ્રકશન ઉપર વિશેષ ભાર
  • એપ્લાઈડ સાયંસની 27 યુનિવર્સિટીઓ
  • શિક્ષકોનું ડોક્ટર વકીલો જેટલું જ માનપાન  
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે વાહન સુવિધા
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે ભોજન
  • બધાં વિદ્યાર્થીઓની વિનામુલ્યે આરોગ્ય જાળવણી
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક સાધનસામગ્રી
  • પ્રત્યેક વિદ્યાર્થીનું વિનામુલ્યે કાઉન્સેલિંગ

ફિનલેન્ડને જેમ સમજવાની  કોશીષ કરું છું તેમ મને  ફિનલેન્ડના અદ્દભૂત શિક્ષણમાં આપણી આઝાદી કે તેના આસપાસનાં સમયની દક્ષિણામૂર્તિ, ઘરશાળા, આર્યકન્યા ગુરુકુળ, સાંદીપની ગુરુકુળ, સી. એન. વિદ્યાલય, શ્રેયસ, વેડછી, આંબલા કે આ વિચારધારાની અનેક સંસ્થાઓ, શાંતિનિકેતન કે ત્રણે પુરાતન વિશ્વ વિદ્યાપીઠનાં દર્શન થાય છે.

ફિનલેન્ડના શિક્ષણમાં મને મહાત્મા ગાંધીજી, સર્વશ્રી જે. કૃષ્ણમૂર્તિજી, ગુરૂવર્ય ટાગોરજી, મહર્ષિ અરવિંદજી, પૂજ્ય વિનોબાજીથી માંડી માન. યશપાલજી કે પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનજી કે અબ્દુલ કલામ સાહેબનાં શિક્ષણ વિચારોનું ક્યાંક ને ક્યાંક દર્શન થાય છે.

આ બધું આપણું જ હતું. આપણી પાસે જ હતું.  છતાં કેમ ગુમાવ્યું? આ આપણને સમજાતું નથી.

જુઓ તો ખરાં! આપણી ચિલ્ડ્રન યુનિવર્સિટી અને શિક્ષક યુનિવર્સિટીને પણ સ્વાયત નથી. તો પછી આપણી શાળાઓને સ્વાયતત્તા મળે તેવાં સપના તો ક્યાંથી સેવવા? સ્વાયતત્તા વિનાનું શિક્ષણ, બંધિયાર પાણીની માફક ગંધાય જ ઉઠે. આ આપણને સમજાતું નથી.

એક બાજુ શિક્ષકના ત્રાસથી આપઘાત કરનાર બાળકનાં સમાચાર માત્રથી હચમચી જતો ગુજરાતનો સંવેદનશીલ સમાજ છે. તો બીજી બાજુ શિક્ષણની નીતિને કારણે આપઘાત કરતાં સેંકડો બાળકો માટે લાચારી અનુભવતો પણ આ જ સમાજ છે.

આપણા રાજ્યમાં શિક્ષણ વિશે અલ્પ અને એકાંગી સમજણ ધરવતાં નીતીધારકો છે. જેને શિક્ષણનાં કે શૌચાલયનાં 'શ' ની પણ ખબર નથી તેનો શિક્ષણમાં અકલ્પ્ય ચંચૂપાત છે. આ આપણને સમજાતું નથી.

આ માર્ગ ફિનલેન્ડ નામનો ટચુકડો દેશ બતાવી શકે તેમ છે. આ લેખ આપને ગમે તો, આપનાં મિત્રોની વચ્ચે વિતરણ કરવા નમ્ર વિનંતી છે.

|| બાલ દેવો ભવ ||


નલિન પંડિત
પૂર્વ નિયામક, GCERT                          
ભાવનગર
94289 96622 | nalin.pandit@gmail.com