સ્વાતંત્ર દિને બે દિવસ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલ એવા થવા ગામનાં ગ્રામ નિર્માણ કેળવણી મંડળનાં શૈક્ષણિક કેમ્પસમાં જઈ આવ્યો. આજનાં એક ઋષિ એવા ગાંધીવાદી ૮૨ વર્ષનાં માનસિંહદાદાને વંદન કરી આવ્યો. થવા આશ્રમમાં જઈ પાવન થઇ આવ્યો.
મારી માટે આ પ્રવાસ એક સુખદ યાત્રા બની રહી. મારાં ધન ઘડીને ધન ભાગ્ય. મારી હરેક પળ રળિયામણી બની રહી.
થવા વાલિયા એટલે GCERT અને DIET પરિવારનાં દિલને જીતીને યાદગાર બની રહેલું સ્થળ. અહીં અમે અમારી જાતને ઓળખવા ઘસવા અને ઉજળી કરવાં(કેપેસીટી બિલ્ડીંગ માટે) મળેલાં. અહીં અમે ડાંગના ઘેલુભાઈ નાયકને રૂબરૂમાં માણેલા. તેઓનું પણ એક અદ્દભુત વ્યક્તિત્વ હતું. આવા અનેક કારણે આ સંસ્થા સાથે આજે પણ ગાઢ નાતો બંધાયેલો છે. આ નાતે હું થવા આવી અહીની સાંજની પ્રાર્થના માણી આવ્યો અને રાષ્ટ્વંદનામાં પણ ભાગીદાર બની આવ્યો.
આગલી રાત્રે ધૂન ભજન અને પ્રાર્થના માણી. અદ્દભુત અદ્દભુત. બે ત્રણ હજાર આદિવાસી દીકરીઓના કંઠે ગવાયેલી એ પ્રાર્થનામાં શું મીઠાશ હતી! શું મીઠી હલક હતી! માત્રને માત્ર ઢોલકનો સાથ હતો. એકાદ બલ્બનો પ્રકાશ હતો. નીરવ શાંતી હતી. પુરબહારમાં પ્રકૃતિ ખીલી હતી. મસ્ત હવા હતી. માથે ચંદ્રમા ખીલીને પ્રકાશ પાથરી રહ્યો હતો. માઈક વિનાની આ પ્રાર્થના મનને પોષક બની રહી.
પ્રાર્થના એટલે હૃદયની કેળવણી. પ્રેમ કરૂણા દયાભાવ સત્ય અહિંસા આ બધું ત્યારે જ આવે જયારે હૃદયની કેળવણી હોય. શાળામાં સંગીત સાથેની પ્રાર્થના, સંગીતથી મઢેલા કાવ્યો, સાહિત્ય, કળા, સંસ્કૃત, રમત સાથેનું શિક્ષણ હોય ત્યારે જ હૃદયની કેળવણી પામી શકાય છે.
ગાય પ્લાસ્ટિક ખાતી ન હોય પણ મા એ બનાવેલી ગાય કુતરાની રોટલી ખાતી હોય. ઘરમાં ચકલાના માળા હોય, ચકલાને ચણ હોય અને પાણીના કુંડા હોય. કોઈ ગરીબની સેવામાં મન લાગતું હોય ત્યારે હૃદયની કેળવણી પામી શકાય છે.
આજે તો શહેરની શાળાઓમાંથી પ્રાર્થનાનો અસ્ત થવામાં છે. ગ્રામ્ય વિસ્તારમાં અને પ્રાથમિક શાળાઓમાં હજુ પણ તે કઈક જળવાઈ રહી છે. કોઈ કોઈ શાળાની પ્રાર્થના તો મનડું ચોરી જાય તેવી પણ છે.
અત્યારનું શિક્ષણમાં તો માત્ર સ્વાર્થીઓને પેદા કરવાનાં અને લુખા મગજને તૈયાર કરવાનાં કારખાનાં માત્ર બની રહ્યાં છે. હે, મેકોલે, તું જ્યાં હો ત્યાં, પણ સાંભળ. તારી કારકુનો પેદા કરવાની કરામતને અમારા IAS સાહેબો સરસ રીતે આગળ ધપાવી રહ્યાં છે. તારે બીજો અવતાર લેવાની જરૂર નથી. હા અમારાં સંચાલકો પણ તેને સાથ આપી રહ્યાં છે. હવે પછી તારે એકેય અવતાર લેવાની જ જરૂર નથી.
હા, અહીં મારે બે IAS અધિકારી સાહેબોને ખાસ યાદ કરવાં છે. જેઓ શિક્ષણ સચિવ હતાં. ખૂબ સારું અને અસરકારક કામ કર્યું. બન્ને સાહેબોની એક વિશેષતા હતી. સહુને પૂછીને તેમાંથી માખણ તારવીને નિર્ણય કરતાં. નિર્ણયનો અમલ કરવામાં પણ નીચેના અધિકારીઓને પુરતી સહાય કરતાં. આ નિરાભિમાની સાહેબો એટલે માન. શ્રી સુધીર માંકડ સહે બ અને બીજા માન. બી બી સ્વેન સાહેબ. તેઓને મારી સલામ.
આજનું શિક્ષણ હૃદય વિનાનાં માણસો પેદા કરી રહ્યું છે. રોબોટ પેદા કરી રહ્યું છે. આવુંને આવું ચાલ્યું તો ભવિષ્યમાં આપણને રોબોટીયા સાહેબો કે રોબોટીયા CEO જ મળવાના છે. પણ અરે રે રોબોટીયા રાજકારણીઓ પણ મળશે ત્યારે શું થશે? વળી ગુલામ બની જઈશું.
ગાંધીજી રોજ સમીસાંજનાં પ્રાર્થના કરતાં. વૈષ્ણવ જન... તેનું પ્રિય ભજન. જેવું આ ભજન તેવું જ ગાંધીબાપુનું આચરણ. આટલી અમસ્થી પ્રાર્થનામાંથી તેઓ અજબગજબની શક્તિ મેળવી લેતાં.
ગાંધીબાપુનું લશ્કરમુક્ત ભારતનું સ્વપ્ન હતું. આજે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ વચ્ચે કોઈ ગાંધીબાપુને પાગલ પણ ગણે. તો સંભાળો કાન દઈને સાંભળો. આજે યુરોપમાં કેટલાયે એવા દેશો છે જ્યાં લશ્કર નથી. પડોશી દેશ સાથે મિત્રાચારીના કરાર છે. આ દેશોના GDP કે HAPPINESS INDEX ખૂબ ઊંચા છે. સૌ ગજબની પ્રગતી કરે છે અને સુખ શાંતીથી જીવે છે.
ગાંધીબાપુની વાત માની હોત તો દેશના ભાગલા જ ના પડ્યા હોને? તો ભારત પણ લશ્કરમુક્ત દેશ બની શક્યું હોત. સોનેકી ચીડીયાનો સમય પાછો લાવી શક્યા હોત. આઝાદી સમયે આ શક્ય હતું. કારણ આપણી પાસે વિશ્વનાં યુગ પુરુષ( ગત હજાર વર્ષનાં) ગાંધીબાપુ હતાં.
આજે તો હવે યુદ્ધ વિના આરો દેખાતો નથી. સતાના ખેલ નિરાળા છે. એક યુદ્ધ એટલે દશકાઓનો પછડાટ. GDP કે HAPPINESS INDEXનો ભાંગીને ભુક્કો બોલી જાય. ગરીબો માટે સોનાનો દિવસ ક્યારેય ના ઉગે. હે ગોડસે, મારાં ભાઈ, તું થોડો વિચારશીલ કેમ ના બન્યો?
ગાંધીબાપુ ભલેને ગયા પણ ગાંધી વિચાર તો રહ્યો છે. તે ક્યાં મરવાનો છે? દિવસે દિવસે ગાંધી વિચારનો નાદ મોટો થતો જાય છે. સમગ્ર વિશ્વને ગાંધી વિચારમાં ભીંજાયા વિના આરો જ નથી. જૂઓને, એક માત્ર સ્વચ્છતાની વાત પકડી મોદીસાહેબ દેશમાં કેવો જુવાળ પ્રગટાવી શક્યા! હવે તેઓ ખાદીનો પ્રચાર કરી રહ્યાં છે. આનંદો. લગે રહો.
૭૫માં સ્વાતંત્ર દિવસનું પ્રભાત આદિવાસી ગામ થવામાં મજાનું બની રહ્યું. પ્રભાત થતામાં તો પ્રભાત ફેરી નીકળી. દીકરીઓને માથે આસોપાલવના પર્ણથી શોભતા ગરબા હતાં અને તેમાં દીપક હતાં. તો દીકરાઓનાં હાથમાં મશાલ હતી. સહુ બોલતાં જાય કે ....જાગો રે જાગો, સવાર પડી.
થવામાં પહેલાં સરકારી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કર્યું. બગીચાવાળી સુંદર શાળા. વિવેકસભર ગુરુજીઓ. ભોળા ભોળા ભૂલકાઓ. એક બાળક દ્વારા ધ્વજવંદનની કાર્યવાહી થઇ. સુંદર સુત્રો બોલાયા. બધું જ હૃદયભાવન બની રહ્યું. તે પછી માધ્યમિક વિભાગ અને ત્યારબાદ સમગ્ર તાલુકાનું ધ્વજવંદન થયું. સરકારી તંત્રે આ આ આશ્રમને પસંદ કર્યો તે માટે જાહેરમાં અભિનંદન આપ્યા.
લીલીછમ પ્રકૃતિ, મસ્તમજાની ગીરીમાળા, વચ્ચે આશ્રમ અને તેમાં ધ્વજવંદન. તે પણ તાલુકાનો. તાલુકાના અધિકારીઓ સહૃદયી. મુંબઈ સુરત ડાંગના મહેમાનો પણ સહૃદયી અને અનોખા.
આ સમારોહમાં રાજ્ય અને રાષ્ટ્રમાં ખેલાડી તરીકે પસંદ પામેલાં વિદ્યાર્થીઓનું સન્માન થયું. મે પ્રવચનમાં ફિનલેન્ડને યાદ કર્યું. ફિનલેન્ડ શિક્ષણમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. તેનું એક કારણ છે કે ત્યાં રમત ફરજીયાત છે.
વિદ્યાર્થીઓએ આપેલાં કાર્યક્રમો અનોખા બની રહ્યાં. ગુરુજીઓની મહેનત રંગ લાવી. સુરતથી આવેલાં મહેમાનોએ મહેંદી કોર્ન આપીને દીકરીઓનાં દિલ જીતી લીધા. તાલુકાનાં પોલીસ અધિકારી ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણ અનુસ્નાતક! વરસાદની સાક્ષીએ સ્વાતંત્ર પર્વ બરાબર છવાયું. ખૂબ મજા આવી.
મહેમાનો મારી માટે વંદન યોગ્ય બની રહ્યાં. મુંબઈથી ૮૧ વર્ષના વડીલ શ્રી મધુસુદનભાઈ વોરા પધારેલા. આ સંસ્થાને તેમનાં મોટા બહેન હંસાબહેન મહેતાએ અને બનેવી સ્વ. બાલકૃષ્ણભાઈએ ૮૦ લાખ જેવી માતબર રકમની સહાય કરી છે, અને હજુ કરતાં રહે છે. તેઓની સાથે તેઓનાં અનેક મિત્રો પણ મુંબઈથી આવે છે. સહુ સંસ્થા જોઈ ખૂબ ખુશી અનુભવે છે. મધુસુદનભાઈ તો અવારનવાર અહીં આવતાં રહે છે. તેઓને મન આ આશ્રમ તીર્થસ્થાન બની રહ્યું છે.
કાયમી ખાદીધારી એવા ૮૫ વરસનાં પોતાનાં મોટીબહેનનાં ગાંધીજી પ્રત્યેનાં લગાવની, બહેને જાતે કાંતેલી સુતરની આટી ગાંધીજીને પહેરાવી હતી તે પ્રસંગની વાત, આજે પણ મધુસુદનભાઈને એવીને એવી યાદ છે. આ પ્રસંગે તેઓની ઉમર બાર વર્ષની હતી. બાપુને આટી પહેરાવતી વખતે તેઓ પણ ઉપસ્થિતિ હતાં. આ પ્રસંગને વર્ણવતા તેઓની આંખ ભીંજાઈ જાય છે.
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વસેલ જાફરાબાદ મોટા બહેન હંસાબહેનનું વતન છે. અહીં મહેતા કુટુંબે આઝાદીના સમયથી એક સુંદર મજાની સ્કૂલ શરૂ કરી છે. તે સમયથી તે સ્કીલ બેઝ્ડ છે. મે આ શાળાની અનેકવાર મુલાકાત લીધી છે. તેનું ઈન્સ્પેકશન પણ કર્યું છે. તેનો આનંદ છે.
આજે મુંબઈમાં જેનું કોઈ નહિ તેના બની રહીને આ હંસાબહેન મોટી સખાવત કરી રહ્યાં છે, તે જાણીને હૃદય ભીંજાયું. ટૂંકા પરિચયમાં પણ એક ગાંધી વિચારને વરેલા માનવી મધુસુદનભાઈ અને પરોક્ષ રીતે હંસાબહેનને મળીને હું ધન્ય બની રહ્યો.
બીજા મહેમાને થવા ગામથી નજદીક નેત્રંગ તાલુકામાં કાકડકુઈ ગામે વિદ્યાધામ ઉભું કર્યું છે. વિદ્યાભારતીને વરેલા છે. નિવાસી શાળા છે. હજુ તો શરૂઆત છે. અહીં નયનરમ્ય વૃક્ષારોપણ થઇ રહ્યું છે. હવે ટૂંક સમયમાં તેઓ આસપાસનાં વિસ્તારમાં જળસંચયનું મહાન કામ હાથ ધરવાનાં છે. જળ એ જ જીવન છે, તેની અદ્દભુત સમજદારી છે.
થવા અને કાકડકુઈ. આ બધું અનુભવતા લાગે છે કે ગુજરાતે બુનીયાદી શિક્ષણ કે વિદ્યાભારતીનો રાહ પકડીને ચાલ્યુ હોત તો આજનાં ગુજરાતની શિકલ જ જુદી હોત. આજે સેંકડો વિદ્યાર્થી આપઘાત કરે છે. આપઘાત એ આજનાં શિક્ષણનો વરવો અરીસો છે. બુનીયાદી શિક્ષણ કે વિદ્યાભારતીમાં વિદ્યાર્થીઓની સર્જન શક્તિ ખીલે ઉઠે છે.
આજની શિક્ષણ પદ્ધતિમાં અને તે પણ અંગ્રેજી માધ્યમમાં પ્રેમ વિના ભણેલાં, તણાવ હેઠળ ભણેલાં રોબોટ પણ રામ રામ તો ભજવાનાં છે. પણ મુખમે રામ બગલમે છુરી પણ હોઈ શકે.
બુનીયાદી શિક્ષણમાં તૈયાર થતો વિદ્યાર્થી તક મળી કે માલિક બનવા સર્જાયો છે. હા, માલિક બનવાં. આજનાં મેકોલેબ્રાન્ડ ગોખણીયા શિક્ષણમાં ઉપલા દશ ટકામાં આવતાં વિદ્યાર્થીઓ આ માલિકનાં મેનેજર બનવા જન્મ્યા છે. બીચારા. અહીં મેનેજર તરીકે તેને શાળામાં પરાણે ગળે વીંટાળેલ ટાઈ કોટ અને ચકમકતા શુઝ જરૂર કામ લાગે છે. અહીં તેને પોપટિયું અંગ્રેજી પણ બે પાંચ ટકા કામે લાગે છે.
કોણ માલિક બને અને કોણ મેનેજર બને, તેનું સુરત અદ્દભુત ઉદાહરણ છે. સુરતમાં ઓછું ભણેલાં માનવીઓ માલિક છે અને અને ટોપર બધાં તેમની નીચે કામ કરે છે. ઓછું ભણેલાં માલિકનું રુદય ચાલે છે તેથી સેવાનાં ભેખધારી છે. અને મેરિટમાં આવેલાનું પૈસા માત્ર મગજ ચાલે છે. એક પાસે રુદયની કેળવણી છે બીજા પાસે લુખા મગજનું શિક્ષણ છે. મેરીટ મેરીટ અને મેરીટ, સ્પર્ધા સ્પર્ધા અને સ્પર્ધાનું રટણ કેટલું ખોખલું અને ભ્રામક છે તેની અહીં પોલ ખૂલી જાય છે.
મને યાદ છે કે એક વખતનાં મારા IAS બોસ કહેતા હતાં કે, ગુજરાતનું શિક્ષણ નબળું છે માટે અહીંથી IAS થતાં નથી. ત્યારે મે કહેલું કે એવું નથી. ગુજરાતનાં વિદ્યાર્થીઓનું સ્વપ્ન IAS બનવાનું નથી, પરંતુ માલિક બનવાનું હોય છે. તેથી જ આવાં માલિકને ત્યાં IAS જોડાયેલાં છે. રીલાયન્સ કે અદાણી જેવાં ઉદાહરણ મોજુદ છે. સર, આ ગુજરાત છે. જો આ માલિક અને મેનેજેરની વાત પકડી શકાય તો કલ્યાણ થઇ જાય.
વિદ્યાભારતીને વરેલા અને માત્ર એક બે ચોપડી ભણેલાં આ કાકડકુઈનાં મહેમાનનું ઉદાહરણ જુઓ. સીધા સાદા. પોતાની મીઠી મધુરી ગ્રામ્ય બોલીમાં બોલતા આ વડીલે કરોડો રૂપિયાનું દાન કર્યું છે અને હજુ કરે જાય છે. અંગ્રેજી માધ્યમની ઘાતક અસરને તેઓ બરાબર સમજી શક્યા છે. તેઓની જીવદયા અને દેશનિષ્ઠા વંદનને યોગ્ય છે. ગઢડા પાસેના વતની અને હાલમાં સુરતવાસી આ સહૃદયી વડીલનું નામ ભૂલી જવા બદલ ક્ષમા માંગું.
કાકડકુઈમાં મે વાત કરી કે તમારાં સુરતમાં જ એક શાળા એવી છે જ્યાં દશ ધોરણ સુધી પરીક્ષા નથી પુસ્તક નથી હોમવર્ક નથી ટ્યુશન રાખવાની મનાઈ છે અને મેરિટની વાતને ક્યાંય સ્થાન નથી. અહીં ડોક્ટર એન્જીયર સીએ અને જાણીતા શિક્ષણશાસ્ત્રીઓના બાળકો ભણી રહ્યાં છે. છેલ્લા બે વર્ષનું ધોરણ દશમાં ધોરણનું પરિણામ ૧૦૦ % છે.
આ વાતને વધાવીને એ વડીલે કહ્યું કે તેઓના ધ્યાનમાં પણ એક શાળા છે. જ્યાં સાત ધોરણ સુધી પરીક્ષા નથી. હું આ વાતને યોગ્ય રીતે પકડી ના શક્યો. કારણ મારું મન ભાવનગર પહોંચવા તલપાપડ હતું. દેવી નાનકડાં ફ્રેક્ચરથી પીડાતી હતી. મારે સાત ધોરણ સુધી પરીક્ષા નથી તે વાતને પકડવી ખૂબ જરૂરી હતી.
હા, સુરતની એક બીજા છેડાની વાત પણ કરું. સુરતવાસીઓને અને સમગ્ર સૌરાષ્ટ્રના વાલીઓને અંગ્રેજી માધ્યમના રવાડે ચડાવનાર પણ સુરત જ છે. (હા, સૌરાષ્ટ્રમાં રાજકોટ પણ ખરું.જ) વાલીઓને ભ્રમમાં નાખવા વળી અહીં એસી શાળાઓ પણ શરૂ કરી. તાલ માટે તેલ વહેચનારા આ અજબગજબના માણસો છે.
કાકડકુઈની આ શાળામાં એક બીજા યુવાનને પણ મળવાનું થયું. તેઓ પણ ધ્વજવંદનમાં ઉપસ્થિત હતાં. તે અને તેમની સેવાભાવી ટીમ જે કોઈ શાળાઓને છાત્રાલયની જરૂરિયાત હોય ત્યાં પોતાનાં ખર્ચે છાત્રાલય બાંધી આપવાં માટે કટીબદ્ધ છે. આ મિત્રોને ભેટવાનું મન થાય છે.
પાટણનો એક બનાવ બન્યો અને તાલીમી સંસ્થાઓમાં છાત્રાલયને બંધ કરી દેનાર સરકાર અને તેના IAS અધિકારીઓએ ગજરાતના શિક્ષણને ભારે નુકશાન કર્યું છે. કેળવણી કોને કહેવાય તે સમજવામાં વારસો લાગે છે. IAS અધિકારીઓ શુદ્ધ મનથી જ નિર્ણયો લેતા હશે તો પણ ભારે ભૂલ કરી બેસે છે. સરકારે IAS અધિકારીઓનાં હાથમાં જ શિક્ષણનું સુકાન સોંપી દીધું છે. તેનું ભારે દુઃખ છે.
પાટણનાં પ્રસંગ પછીનાં સમયમાં થવા આશ્રમમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં સણોસરા લોક્ભાભારતીથી ડૉ. અરુણભાઈ દવે પણ ઉપસ્થિત હતાં. તેઓએ છાત્રાલયનાં મહિમાની માંડીને વાત કરી હતી. અહીં ઉપસ્થિત એક વડીલ પત્રકારશ્રીએ કબુલ્યું હતું કે અમે આજ સુધી આ સત્યને સમજી જ શક્યા નથી અને ખોટી માન્યતાને આધારે છાત્રાલય વિરુદ્ધમાં અનેક લેખ છાપી માર્યા છે.
આજે સ્વચ્છતાની બાબતમાં પણ આવું બની રહ્યું છે. સ્વછતા એ પરિશ્રમનો એક ભાગ છે. પરિશ્રમ એ કેળવણીનો મહત્વનો ભાગ છે. પરિશ્રમ વિનાનું શિક્ષણ પાંગળું છે એકાંગી છે તે સમજ્યા વિના આજે મીડિયાનાં કેટલાંક મિત્રો વિદ્યાર્થીઓનાં પરિશ્રમને મજુરી ગણાવીને ફોટા અને વિડીયો ક્લીપ બતાવી ભારે નુકશાન કરી રહ્યાં છે.
ગુજરાતનું સદનસીબ સમજો કે પંચાયતની પ્રાથમિક શાળાઓમાં સ્વછતા માટે એક પણ સેવક નથી. તેથી વિદ્યાર્થીઓ જાતે વાળવાઝુડવાનું કામ કરી રહ્યાં છે. બગીચામાં માળી નથી એટલે ઝાડને પાણી પાવાનું કામ કરી રહ્યાં છે. ગુરુજીઓ પણ જોડાઈ રહ્યાં છે. બધાં હોંશે હોંશે કરી રહ્યાં છે. આ કામ એ હરગીજ મજુરી નથી. આ પરિશ્રમ છે.
મજુરી અને પરિશ્રમ વચ્ચે હાથી ઘોડાનો તફાવત છે. પરિશ્રમ એ હૃદયનું શિક્ષણ છે. માનવતાનાં બીજ રોપવાનું શિક્ષણ છે. ઉચ્ચ નીચના ભેદ મિટાવવાનું શિક્ષણ છે. શિક્ષણનો જ એક અતિ સંવેદનશીલ ભાગ છે. આ પરિશ્રમનું મહત્વ આજે મેકોલેબ્રાન્ડ શિક્ષણમાં ભુંસાઈ ગયું છે. વાલીઓ ગેરમાર્ગે દોરવાઈ ગયા છે.
પત્રકાર મિત્રો શિક્ષણ જગતને તમારાં સાથ સહયોગની ખૂબ જરૂર છે. તમે ચોથી મહા સતા છો. તમારાં થકી સાચી દિશા પકડી શકાય તેમ છે.
સહિયારા પરિશ્રમના કારણે પ્યારાં માનસિંહદાદાનું શૈક્ષણિક સંકુલ-આશ્રમ પણ ખૂબ પ્યારું લાગે છે. અતિ સ્વચ્છ છે. સુંદર છે. મનભાવન છે.
આ આશ્રમમાં ત્રણેક હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેમાંથી મોટાભાગની દિકરીઓ છે. B.Ed. પણ છે અને BRS જેવો કોર્સ પણ ચાલે છે. BRS કે MRS થકી જ સ્માર્ટ વિજેલ કે સ્માર્ટ ખેડૂત ઊભા થશે. તેની પૂરી સમજ છે. પૂરતા વિદ્યાર્થીઓ છે. હા, ૫૦-૭૫% ઉપરાંતનો સ્ટાફ નથી. કા કરવું ખૂબ કઠિન બની રહ્યું છે. સરકાર તરફથી ઓક્સીજનને બદલે અંગારવાયુ મળતો રહ્યો. પરંતુ વર્ષો બાદ હમણાં હમણાંથી સરકાર સ્ટાફ ભરવાની મંજૂરીઓ આપી રહી છે તે ઘણી સારી વાત છે.
પ્રવેશ ઉત્સવે અધિકારીઓ અને પદાધિકારીઓનાં દિલમાં ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓ માટે પૂરી સંવેદના જગાડી છે. ઘણાં સમય પહેલાં આ સહુને આ બાબતે ભારે સૂગ હતી. તેનો હું સાક્ષી છું. આ માનસિક બદલાવ માટે માટે મોદીસહેબને અભિનંદન. જો કે હવે ચીલાચાલુ પ્રવેશ ઉત્સવથી શિક્ષણ જગત થાક્યું છે. તેમાં બદલાવની માંગ ઉઠી છે. હવે અધિકારીઓ અને પદાધિકારીઓને શીખવા મળે તે માટે તેઓને આવી શાળાઓમાં બે દિવસ મોકલવાની જરૂર છે.
ખોટી નીતિનાં કારણે ગુજરાતમાં આઠ નવ હજારમાંથી માત્ર બસોએક આવી શાળા બચવા પામી હશે. આવી સંસ્થાઓને સરકાર અને સમાજનાં સહયોગની તાતી જરૂરત છે.
મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને પણ આવી શાળાઓથી અવગત કરાવવાની તાતી જરૂર છે. પછી તે મસ્ત અદા અને મસ્ત અવાજમાં કહેશે કે --- યે ગુજરાતકી ખુશ્બુ હૈ. દો દિન તો બીતાઓ ગુજરાતમે!
થવા આશ્રમની પ્રભાતફેરીનો નાદ હજુ ગાજી રહ્યો છે,-- જાગો રે જાગો, સવાર પડી. આપણે ક્યારે જાગીશું?