ડો. નલિન પંડિત
પૂર્વ શિક્ષણ નિયામક, GCERT - ગાંધીનગર
માન. અગ્ર સચિવશ્રી – શિક્ષણ, ૭મો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર
વિષય : દફતર અને હોમવર્કનો ભાર ઘટાડવા કાયદો ઘડવા વિનંતી
મહોદય શ્રી,
આજે ગુજરાતનાં પ્રાથમિક શાળાનાં બાળકો દફતરનો અને હોમવર્કનો અધધધ... ભાર વહન કરી રહ્યાં છે. ખાસ કરીને આ ભાર ખાનગી શાળાઓમાં વિશેષ જોવા મળે છે. હા, કેટલીક જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તથા નગરપાલિકા કે કોર્પોરેશન શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં પણ આવો ભાર છે.
થોડા સમય પહેલાં ગુજરાતમાં બહોળી પ્રસિદ્ધિ ધરાવતાં સમાચારપત્રમાં તેમજ એક રાષ્ટ્રીય ચેનલમાં દફતરનાં ભાર અંગે વિસ્તૃત અને ચોંકાવનારો અહેવાલ પ્રસિદ્ધ થયેલો. એક સમાચારપત્રમાં આવેલું કે દફતરના ભારનાં કારણે સુરતમાં એક દીકરીનો હાથ ભાંગ્યો.
થોડા વર્ષો પહેલાં ભાવનગરનાં ખૂબ જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આઈ કે વીજળીવાળાસાહેબનો લેખ પ્રસિદ્ધ થયેલ. જેમાં દફતરનાં અને હોમવર્કનાં ભારથી બાળકોને થતાં નુકશાન અંગે સંશોધન આધારિત ચોકાવનારી હકીકતો દર્શાવવામાં આવી છે. જેને ભાવનગરના ખૂબ માનીતા કેટલાયે બાળરોગ નિષ્ણાત ડોક્ટરશ્રીઓએ પૂરતું અનુમોદન આપેલ.
દફતરનાં અધધધ....ભારનાં કારણે બાળકોને થતું ભારે નુકશાન:
- કરોડના હાડકાઓનાં વળાંકને નુકશાન થાય છે.
- કરોડરજ્જુની આજુબાજુના સ્નાયુઓ ખૂબ ખેચાણ અનુભવે છે, કુર્ચાને નુકશાન થઇ શકે છે.
- લાંબા સમયનો દુઃખાવો થાય છે,
- વાંકા વળવાની અને ફરવાની ક્રિયાને નુકશાન થાય છે,
- ઊઠવા બેસવા ચાલવામાં ઝાડા અને પેસાબમાં તકલીફ પડે છે.
- ખભાના સ્નાયુ અને હાડકાને નુકશાન થાય છે.
- મણકાની ગાદી વચ્ચે રહેલાં પ્રવાહીને નુકશાન થાય છે.
- નાની ઉમરે સ્પોન્ડીલાઇટીસ અને ઓસ્ટીઓઆર્થાઇટીસ થાય છે.
- ૬૦% જેટલાં બાળકોને કમરદર્દની પીડા થાય છે.
આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ
દફતરનું વજન બાળકના વજનના દશમાં ભાગનું હોવું જોઈએ!
હોમવર્ક, ધોરણ ગુણ્યા દશ મિનિટ હોવું જોઈએ!!
ઉપલા ધોરણોમાં વધુમાં વધુ બે કલાક હોમવર્ક હોવું જોઈએ!!!
સરકાર જ્યાં સુધી બધાં બાળકોને ટેબ્લેટ ના આપી શકે ત્યાં સુધી દફતર અને હોમવર્કનો ભાર ઘટાડવા અંગે કાયદો ઘડી ગુજરાતનાં લાખો બાળકોનાં ઉજળા ભવિષ્યને બચાવવું ખૂબ જરૂરી છે.
વિશેષ : બાલમંદિર અંગે કેરાલા હાઇકોર્ટનો ચૂકાદો અભ્યાસ યોગ્ય છે.
આભાર.
આપનો અને બાળકોનો
ડૉ. નલિન પંડિત
જાણ સારું: નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ - ગાંધીનગર અને નિયામકશ્રી, GCERT - ગાંધીનગર
No comments:
Post a Comment