05 April 2017

હવે તો ઉપવાસ એ જ કલ્યાણ

આજે હનુમાન જયંતિ છે. રામનવમી પણ હમણાં જ ગઈ. સંસ્કૃતિની સાક્ષીએ આપ સમક્ષ દિલની એક વાત કરવી છે. વાત છે ભારેખમ દફતર સંબંધી.

મૂળે આપણા શિક્ષણમાં દફતર તો ક્યાંયે હતું જ નહિ. ત્યારે શિક્ષણ ઉપરાંત કેળવણીને પ્રાધાન્ય હતું. કેળવણી જીવન કૌશલ્યતાથી અને આનંદથી ભરેલી ભરેલી હતી.

જે આપણી પાસે હતું તે આજે વિશ્વનાં વિકસિત દેશો પાસે છે. ત્યાં ક્યાંયે દફતર નથી. પરીક્ષાને પણ કોઈ મહત્વ નથી. ત્યાંનું શિક્ષણ કૌશલ્યતાથી ભરેલું ભરેલું છે. શિક્ષણ માતૃભાષાના ખોળામાં રમી રહ્યું છે. ત્યાંનો માનવ અને દેશ ભ્રષ્ટાચારમુક્ત છે. સહુ કોઈ પ્રગતિ પ્રકૃતિની સાથે સુખની નીંદર લઇ રહ્યાં છે.

જયારે આપણે ત્યાં તો આજે ભારેખમ દફતરથી બાળક અને વિદ્યાર્થીઓ બિચારાં મજૂર બની રહ્યાં છે. બાલમંદિરથી જ બની રહ્યાં છે. ‘બની રહ્યાં છે’ તેમ કહેવું એ જ હળાહળ જૂઠું છે. સાચું તો એ છે કે તેઓને પરાણે મજૂર બનાવવામાં આવી રહ્યાં છે.

તેઓની સર્જકતાનો નાશ કરવામાં આવી રહ્યો છે. બાળક અને વિદ્યાર્થીઓ રોબોટ બની રહ્યાં છે. આપણે સહુ કોઈ તણાવમાં જીવી રહ્યાં છીએ.

નવાઇ તો જૂઓ. જેનાં હાથમાં થોકબંધ પુસ્તકો હોવા જોઈએ તે કોલેજ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ એક નાનકડી નોટ લઇને ભણી રહ્યાં છે! જયારે બાર ધોરણ સુધીનાં વિદ્યાર્થીઓના ખભે/હાથમાં પુસ્તકોનાં થપ્પેથપ્પા છે/ભારેખમ દફતર છે. દફતર તો હવે બાલમંદિરમાં પણ ઘૂસી ગયું છે. પહેલું બટન જ ખોટું બિડાયું છે. બધું જ સાવ ઊલટ સુલટ. થઇ ગયું છે.

વિશ્વનાં વિકસિત દેશોમાં વિદ્યાર્થીઓ કે માતાપિતાને સાંભળીને શિક્ષણનાં નિર્ણયો કરવાનો કાયદો છે. પરંતુ આપણને ત્યાં આવો માનવીય રિવાજ કે કાયદો નથી. શરમ છે, શરમ છે!!

હું પણ ભારેખમ દફતર સામે ઘણાં સમયથી જંગ લડી રહ્યો છું. પરિણામ મળતું નથી. ભાવનગરના નામાંકિત બાળરોગ નિષ્ણાત ડોક્ટરસાહેબોએ પણ અનન્ય સહયોગ કર્યો. પરિણામ આવ્યું નહિ. રાજ્યનાં સત્તાધિશોને સતત વિનંતી કરતો રહ્યો છું. તોયે

પરિણામ મળતું નથી. તો શું ભારેખમ દફતર સામેનો જંગ બંધ કરવો?

સદ્દનસીબે ગાંધીબાપુ, નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા(મૂછાળી મા) મારાં ગુરૂઓ છે. હાલમાં હું ગાંધીબાપુનાં ‘સત્યના પ્રયાગો’ ફરીફરીને વાંચી રહ્યો છું. બેક દિવસ પહેલાં મુંબઈમાં ‘GANDHI THE MUSICAL’ નામે એક અદ્દભુત નાટક જોયું.

યુવાનોએ ભજવેલું આ નાટક બહું સ્પર્શી ગયું. નાટક દરમ્યાન સમગ્ર ઓડિયન્સ રડતું રહ્યું.

હવે મને ભારેખમ દફતર સામેનાં જંગનો કલ્યાણકારી અને સર્વોત્તમ માર્ગ મળી ગયો છે.

તે છે ઉપવાસ ...ઉપવાસ... અને ઉપવાસ. 

સત્ય પ્રેમ અને અહિંસાનો પાવનકારી માર્ગ. હવે તો ઉપવાસ એ જ કલ્યાણ.

આ પત્ર સરકારશ્રીને અને તેના પ્રતિનિધિઓને પણ મોકલી રહ્યો છું. આપ સમા સુજ્ઞ, વિચારક અને બૌદ્ધિક સમુદાયનાં માનવંતા સભ્યોશ્રીઓને પણ મોકલી રહ્યો છું. આપ સર્વેનો સાથ મળશે. પૂજ્ય સંતોનાં પણ આશીર્વાદ મળશે. પૂરો વિશ્વાસ પૂરી શ્રદ્ધા છે.

લોકશાહીમાં બોલે તેના બોર વેચાય. આપ પણ સરકારને અને સમાન વિચારધારા ધરાવતાં મિત્રોને જણાવશો તો મોટી કૃપા સમજીશ. આપણા બાળકો ખુશખુશાલ થશે. બાળકો બાળપણને માણશે. માનવતાસભર સમાજનું ઘડતર થશે.

ઉપવાસનું સ્થળ ભાવનગર હોય તે સ્વાભાવિક છે. પ્રકૃતિ અને એકાંત ગમે છે. તે માટેનું ઉત્તમ સ્થળ અમારી “સાહિબની વાડી” (ઉપરવાળાની વાડી) છે. ત્યાં હું અને મારી પત્ની દેવી અરસપરસનાં સહયોગમાં રહી ઉપવાસ કરીશું.

સહુનાં પ્રતિભાવ મળે અંતરાત્માનાં અવાજને સાંભળી તારીખ નક્કી કરીશું.

| બાલ દેવો ભવ |

સ્નેહાધિન
નલિન પંડિત (પૂર્વ શિક્ષણ નિયામક, GCERT - ગાંધીનગર)
4૦2 , સફલ એપાર્ટમેન્ટ, આતાભાઈ ચોક, ભાવનગર – 364002
nalin.pandit@gmail.com. MO : +91 9428 99 66 22

04 April 2017

પૂજ્ય મોરારીબાપુએ ભાર વિનાનાં ભણતરને યાદ કર્યું


રામનવમી. તા. ૦૫-૦૪- ૨૦૧૭

હું હાલમાં મુંબઈમાં દીકરાનાં ઘરે છું. નવરાત્રી છે, હળવાશ છે અને મનને શાંતિ છે. આવા પાવન સમયે ભોપાલમાં ચાલી રહેલી

પૂજ્ય મોરારીબાપુની રામ કથા સાંભળી. ખૂબ સ્પર્શી ગઈ.

કથામાં પૂજ્ય મોરારીબાપુએ શિક્ષણ અંગે કેટલીક ચોટદાર વાતો કરી. પૂજ્ય બાપુએ -

૧. ભાર વિનાનાં ભણતરને યાદ કર્યું.
૨. ભારેખમ દફતરની વાત કરી.
૩. રાગ માલકોશ અને રાગ દરબારીની ગાયો અને સમુહમાં ગાન કરાવ્યું.
૪. ગુજરાતી ભાષાને નબળી અને અઘરી બનાવતી હ્રસ્વઇ અને દીર્ઘઈની વાત કરી.
૫. ચારે બાજુ ફેલાઈ ગયેલાં ભ્રષ્ટાચારની વાત કરી.
૬. હે યુવાનો તમે મને નવ દિવસ આપો, હું તમને નવજીવન આપીશ. તેવી હૃદયસ્પર્શી અપીલ કરી.

પૂજ્ય મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહેલાં આ કથનમાં ભારોભાર વેદના ભરેલી અનુભવી..

કથા નિરાંતે સાંભળી. મૌનનો સહારો મળ્યો. લાંબો સમય આંખો બંધ કરી વિચારમાં પડ્યો રહ્યો. રામકથામાં પૂજ્ય મોરારીબાપુએ ભાર વિનાનું ભણતર યાદ કર્યું તે ખૂબ ગમ્યું.

આજે તો ભાર વિનાનું ભણતર, પાર વિનાનું ભણતર બની ગયું છે. આજનું શિક્ષણ જીવનશિક્ષણ અને કૌશલ્યથી સાવ વિમુખ બની ગયું છે.

ગુજરાતમાં ભાર વિનાનાં ભણતરે પ્રાથમિક શિક્ષણમાં ઘણી સફળતા મેળવી. પરંતુ માત્ર સરકારી શાળાઓમાં જ. આ પદ્ધતિ અને તેના ઉપર થયેલાં અણમોલ સંશોધનોની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાયેલી. જો કે ખાનગી શાળાઓમાં સરકારનું નિયમન લગભગ શૂન્ય હોવાના કારણે તે યોગ્ય રીતે પ્રવેશી ન શક્યું.

સરસ રીતે ચાલતા આ ભણતરને એક ઉચ્ચ અધિકારીએ અણસમજમાં પછાડ્યું. તેણે રાષ્ટ્રકક્ષાનાં એક ચાલાક શિક્ષણવિદ્દ સાથે થોકબંધ પૈસા સાથે શિક્ષણનાં કરાર કર્યા. પરિણામ ઊલટું આવ્યું. આજે એ ઉચ્ચ અધિકારી અને એ શિક્ષણવિદ્દનો ક્યાંયે પત્તો નથી.

શિક્ષણનાં એક બીજા ઉચ્ચ અધિકારીને, ભાર વિનાનું ભણતર એ શબ્દ બહુ ગમી ગયેલો. તેણે તેનો ઊપયોગ પોતાની સતામાં આવતાં માધ્યમિક શિક્ષણ માટે કર્યો. ત્યાં પણ ઊલટું જ પરિણામ આવ્યું. ભાર વિનાનું શિક્ષણ પાર વિનાનું બની ગયું અને વગોવાયું. બાળકો આપઘાત કરવાં મજબુર બન્યાં. કરોડો બાળકોનું અને સમગ્ર ગુજરાતનું અહિત થયું.

ચાલાકીપૂર્વક ઘુસાડેલા પાર વિનાનાં શિક્ષણનો ભાર દફતર ઉપર પડ્યો. ભારેખમ દફતર બાળકનાં પગના તળિયાથી માંડી તાળવા સુધી પારાવાર નુકશાન પહોચાડી રહ્યું છે. આ ચિંતા દેશનાં ૧૫૦૦૦ જેટલાં બાળરોગ નિષ્ણાત ડોક્ટરો કરી રહ્યાં છે. પણ

સાંભળે કોણ? દફતરનું વજન, બાળકનાં વજનનાં દસમાં ભાગનું હોવું જોઈએ. આટલી અમસ્તી હકીકત નીતિ ઘડવૈયાઓ સમજી શકતાં નથી.

પૂજ્ય બાપુએ રાગ માલકોશ અને રાગ દરબારીની મજા કરાવી. આજે તો શિક્ષણમાં સંગીતનું સ્થાન જ રહેવા દીધું નથી. સંગીત વિનાનું શિક્ષણ એ ટહુકા વિનાનાં મોર સમાન છે. સંગીત વિદ્યાર્થીઓમાં માનવીય મુલ્યોનું સ્થાપન કરે છે. સંગીતની આ મહાનતા અને ગહેરાઈ છે. તે સત્ય પ્રેમ કરૂણાની જન્મદાત્રી છે. તેની પાલક છે. સંગીત એ હૃદયનું શિક્ષણ છે. શાળાઓમાં પ્રાર્થના પણ સંગીતનો જ એક મહત્વનો ભાગ છે. આજે સારી પ્રાર્થના કરતી શાળાઓને ગોતવા જવી પડે તેમ છે.

શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં સત્ય પ્રેમ કરુણાનાં સ્થાપન માટે સંગીત ઉપરાંત કલા કાવ્ય રમત સંસ્કૃત અને પ્રવાસનું પણ એક આગવું સ્થાન છે. આજે તો આપણું શિક્ષણ ઊલટી દિશામાં જ ફંટાઈ ગયું છે. આજનાં ગોખણીયા શિક્ષણ દ્વારા થકી માનવ નહિ માત્ર રોબોટ પેદા કરી રહ્યાં છીએ.

પૂજ્ય મોરારીબાપુએ હ્રસ્વઇ અને દીર્ઘઈનાં કારણે હાસ્યાપદ બનતાં શિક્ષણની અસરકારક વાત કરી. સત્ય હકીકત એ છે કે ભલભલા સાહિત્યકારો પણ હ્રસ્વઇ અને દીર્ઘઈની ભૂલભૂલામણીનાં ગોટે ચડે છે. તેઓએ પણ સાચી જોડણી લખવા માટે શબ્દકોશનો સહારો લેવો પડે છે. આમાં વિદ્યાર્થીઓ બિચારો શું કરે? આપણી માતૃભાષા નબળી પડી રહી છે તેનું આ પણ એક મુખ્ય કારણ છે.

પૂજ્ય બાપુએ વેદનાપૂર્વક ભ્રષ્ટાચારની વાત કરી. ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. રાજકુમારીની જેમ દિવસે ના વધે તેટલો રાત્રે વધે છે અને રાત્રે ... સહુ કોઈ ભોગ બની રહ્યાં છે. સહુ લાચાર છે. કાયદા છે પણ તેના ચુકાદા માટે કોર્ટમાં વર્ષો લાગી જાય છે.

સમાજને લૂણો લાગી રહ્યો છે.

વિશ્વમાં આજે ફિનલેન્ડ નોર્વે સિંગાપોર જેવાં કેટલાયે દેશ ભ્રષ્ટાચારથી લગભગ લગભગ મુક્ત છે. ત્યાં વિશ્વ કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ છે. શિક્ષણમાં ભારતનું ક્યાંયે સ્થાન નથી. આ દેશોમાં શિક્ષણ તેની માતૃભાષામાં જ છે. ભ્રષ્ટાચારથી મુક્ત રહેવામાં માતૃભાષા કેટલી મૂલ્યવાન છે તે આ દેશો પાસેથી શીખવા જેવું છે. વેપારી માનસધારી સંચાલકોની માયાજાળ આપણને રામરાજ્ય તરફ જવામાં અડચણરૂપ બની રહ્યાં છે.

આમ છતાં ગુજરાત એક બાબતે જરૂરથી ગૌરવ લઇ શકે તેમ છે. વિશ્વમાં શિક્ષણ ક્ષ્રેત્રે અગ્રણી દેશોનું શિક્ષણ અને લોકભારતી સણોસરાના શિક્ષણની વચ્ચે ગહેરો સંબંધ છે. ઘણી સામ્યતા છે. આ એક સત્ય છે. લોકભારતી ગાંધીબાપુના બુનિયાદી શિક્ષણનું સર્વ શ્રેષ્ઠ સ્થાન છે. પૂજ્ય નાનાભાઈ અને દર્શકની તપોભૂમિ છે. ગુજરાત નસીબદાર છે કે ગુજરાતમાં કઈ નહિ તો આશરે બસો ત્રણસો જેટલી બુનિયાદી શિક્ષણની સારી સંસ્થાઓ છે. રામરાજ્યનો માર્ગ અહીં સમાયેલો છે.

બાપુ, આપ યુવાનો માટે નવજીવન બક્ષે તેવી શિબિર યોજવાનું વિચારી રહ્યાં છો. આ વાત ખૂબ જ સ્પર્શી ગઈ.

આ શિબિરમાં પૈસો નહિ પણ સેવા જેનો મંત્ર છે તેવાં યુવા સંચાલકો અને શિક્ષણશાસ્ત્રીઓ, યુવા બહેનો, માતૃભાષા સંસ્કૃત અને સંસ્કૃતિ જેનો શ્વાસ છે તેવાં યુવા સંત મહાત્માઓ, ભ્રષ્ટાચારથી મુક્ત રહી શકેલા અલ્પ અધિકારીઓને આ શિબિર સ્પર્શી જાય તો રામસેતુ બની જાય.

પૂજ્ય મોરારીબાપુને લોકભારતી સણોસરા અને પૂજ્ય ગાંધીબાપુ બહું જ પ્રિય છે. બાપુની યુવા શિબિર લોકભારતીમાં યોજી શકાય તો સોનામાં સુગંધ ભળશે. પ્રાર્થના કરું છું.

શ્રી કિશોરીલાલ મશરૂવાળા જેવાં મહાન ચિંતકે કહ્યું છે કે આપણે યુગોથી આપણા મૂળભૂત તત્વને ગુમાવી બેઠા છીએ. આપણે મન, ઘરકી મુરગી દાલ બરાબર છે. આજે પણ આપણે ગુલામી માનસથી જીવી રહ્યાં છીએ. ત્યારે બાપુની શિબિર વિશ્વ માનવ માટે ઝંખતી આપણી માનવતાસભર સંસ્કૃતિને જરૂરથી ઉજાગર કરશે.

પૂજ્ય મોરારીબાપુને એક વિનંતી છે :

બાપુ, આ શિબિર પછી આ નવયુવાનોને ફિનલેન્ડ જેવાં અગ્રણી દેશોની યાત્રાએ લઇ જઈ શકાય શકે તો વધુ સારું. જ્ઞાન સાથે અનુભવ ભળશે. ગુજરાતનાં દોઢ કરોડ વિદ્યાર્થીઓનું અને ગુજરાતનું મંગલ થશે.

નલિન પંડિત
પૂર્વ શિક્ષણ નિયામક GCERT