05 April 2017

હવે તો ઉપવાસ એ જ કલ્યાણ

આજે હનુમાન જયંતિ છે. રામનવમી પણ હમણાં જ ગઈ. સંસ્કૃતિની સાક્ષીએ આપ સમક્ષ દિલની એક વાત કરવી છે. વાત છે ભારેખમ દફતર સંબંધી.

મૂળે આપણા શિક્ષણમાં દફતર તો ક્યાંયે હતું જ નહિ. ત્યારે શિક્ષણ ઉપરાંત કેળવણીને પ્રાધાન્ય હતું. કેળવણી જીવન કૌશલ્યતાથી અને આનંદથી ભરેલી ભરેલી હતી.

જે આપણી પાસે હતું તે આજે વિશ્વનાં વિકસિત દેશો પાસે છે. ત્યાં ક્યાંયે દફતર નથી. પરીક્ષાને પણ કોઈ મહત્વ નથી. ત્યાંનું શિક્ષણ કૌશલ્યતાથી ભરેલું ભરેલું છે. શિક્ષણ માતૃભાષાના ખોળામાં રમી રહ્યું છે. ત્યાંનો માનવ અને દેશ ભ્રષ્ટાચારમુક્ત છે. સહુ કોઈ પ્રગતિ પ્રકૃતિની સાથે સુખની નીંદર લઇ રહ્યાં છે.

જયારે આપણે ત્યાં તો આજે ભારેખમ દફતરથી બાળક અને વિદ્યાર્થીઓ બિચારાં મજૂર બની રહ્યાં છે. બાલમંદિરથી જ બની રહ્યાં છે. ‘બની રહ્યાં છે’ તેમ કહેવું એ જ હળાહળ જૂઠું છે. સાચું તો એ છે કે તેઓને પરાણે મજૂર બનાવવામાં આવી રહ્યાં છે.

તેઓની સર્જકતાનો નાશ કરવામાં આવી રહ્યો છે. બાળક અને વિદ્યાર્થીઓ રોબોટ બની રહ્યાં છે. આપણે સહુ કોઈ તણાવમાં જીવી રહ્યાં છીએ.

નવાઇ તો જૂઓ. જેનાં હાથમાં થોકબંધ પુસ્તકો હોવા જોઈએ તે કોલેજ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ એક નાનકડી નોટ લઇને ભણી રહ્યાં છે! જયારે બાર ધોરણ સુધીનાં વિદ્યાર્થીઓના ખભે/હાથમાં પુસ્તકોનાં થપ્પેથપ્પા છે/ભારેખમ દફતર છે. દફતર તો હવે બાલમંદિરમાં પણ ઘૂસી ગયું છે. પહેલું બટન જ ખોટું બિડાયું છે. બધું જ સાવ ઊલટ સુલટ. થઇ ગયું છે.

વિશ્વનાં વિકસિત દેશોમાં વિદ્યાર્થીઓ કે માતાપિતાને સાંભળીને શિક્ષણનાં નિર્ણયો કરવાનો કાયદો છે. પરંતુ આપણને ત્યાં આવો માનવીય રિવાજ કે કાયદો નથી. શરમ છે, શરમ છે!!

હું પણ ભારેખમ દફતર સામે ઘણાં સમયથી જંગ લડી રહ્યો છું. પરિણામ મળતું નથી. ભાવનગરના નામાંકિત બાળરોગ નિષ્ણાત ડોક્ટરસાહેબોએ પણ અનન્ય સહયોગ કર્યો. પરિણામ આવ્યું નહિ. રાજ્યનાં સત્તાધિશોને સતત વિનંતી કરતો રહ્યો છું. તોયે

પરિણામ મળતું નથી. તો શું ભારેખમ દફતર સામેનો જંગ બંધ કરવો?

સદ્દનસીબે ગાંધીબાપુ, નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા(મૂછાળી મા) મારાં ગુરૂઓ છે. હાલમાં હું ગાંધીબાપુનાં ‘સત્યના પ્રયાગો’ ફરીફરીને વાંચી રહ્યો છું. બેક દિવસ પહેલાં મુંબઈમાં ‘GANDHI THE MUSICAL’ નામે એક અદ્દભુત નાટક જોયું.

યુવાનોએ ભજવેલું આ નાટક બહું સ્પર્શી ગયું. નાટક દરમ્યાન સમગ્ર ઓડિયન્સ રડતું રહ્યું.

હવે મને ભારેખમ દફતર સામેનાં જંગનો કલ્યાણકારી અને સર્વોત્તમ માર્ગ મળી ગયો છે.

તે છે ઉપવાસ ...ઉપવાસ... અને ઉપવાસ. 

સત્ય પ્રેમ અને અહિંસાનો પાવનકારી માર્ગ. હવે તો ઉપવાસ એ જ કલ્યાણ.

આ પત્ર સરકારશ્રીને અને તેના પ્રતિનિધિઓને પણ મોકલી રહ્યો છું. આપ સમા સુજ્ઞ, વિચારક અને બૌદ્ધિક સમુદાયનાં માનવંતા સભ્યોશ્રીઓને પણ મોકલી રહ્યો છું. આપ સર્વેનો સાથ મળશે. પૂજ્ય સંતોનાં પણ આશીર્વાદ મળશે. પૂરો વિશ્વાસ પૂરી શ્રદ્ધા છે.

લોકશાહીમાં બોલે તેના બોર વેચાય. આપ પણ સરકારને અને સમાન વિચારધારા ધરાવતાં મિત્રોને જણાવશો તો મોટી કૃપા સમજીશ. આપણા બાળકો ખુશખુશાલ થશે. બાળકો બાળપણને માણશે. માનવતાસભર સમાજનું ઘડતર થશે.

ઉપવાસનું સ્થળ ભાવનગર હોય તે સ્વાભાવિક છે. પ્રકૃતિ અને એકાંત ગમે છે. તે માટેનું ઉત્તમ સ્થળ અમારી “સાહિબની વાડી” (ઉપરવાળાની વાડી) છે. ત્યાં હું અને મારી પત્ની દેવી અરસપરસનાં સહયોગમાં રહી ઉપવાસ કરીશું.

સહુનાં પ્રતિભાવ મળે અંતરાત્માનાં અવાજને સાંભળી તારીખ નક્કી કરીશું.

| બાલ દેવો ભવ |

સ્નેહાધિન
નલિન પંડિત (પૂર્વ શિક્ષણ નિયામક, GCERT - ગાંધીનગર)
4૦2 , સફલ એપાર્ટમેન્ટ, આતાભાઈ ચોક, ભાવનગર – 364002
nalin.pandit@gmail.com. MO : +91 9428 99 66 22

No comments:

Post a Comment