ગૌરવ ન. પંડિત
જર્સી સીટી, ન્યુ જર્સી
યુ. એસ. એ
તા. 29-07-2014
શ્રાવણ માસ.
લાઈફટાઇમ એચીવમેંટ એવોર્ડ
(11 જુલાઈ, 2014)
સન્માન ભાવ - પ્રતિભાવ વંદના
પરમ પૂજ્ય ભાઈશ્રી.
શ્રી સાન્દીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર.
આપશ્રીને સાદર વંદન કરું છું.
આપશ્રીની સંસ્કૃત અને સંસ્કૃતિનાં સંવર્ધન માટેની તપશ્ચર્યાને વંદન કરું છું.
આપશ્રી જે ભૂમિ પર સાધના કરી રહ્યા છો, તે તપોભૂમિને પણ વંદન કરું છું.
પૂજ્ય ભાઈશ્રી, આપશ્રીએ મને ‘લાઈફટાઇમ એચીવમેંટ એવોર્ડ’થી સ્વીકાર્યો, મારી શિક્ષણ અને કેળવણીની કાચીપાકી સમજણ મુજબના કર્મની ભાવવંદના કરી આશીર્વાદ આપ્યા, તે માટે હું અને મારો સમગ્ર પરિવાર આપશ્રીને વંદન કરીએ છીએ. અમે સદાય આપશ્રીના ઋણી રહીશું.
સાચું કહું તો હું એક અતિસામાન્ય વિદ્યાર્થી હતો. રમતગમતમાં મસ્ત રહેતો. નિમ્નમધ્યમ વર્ગમાં ઉછર્યો. માતાપિતા, ભાઈબહેનો અને દાદાજીનો અસીમ પ્રેમ પામ્યો. ઋષિકુળસમા કુટુંબના સંસ્કારને પામ્યો. સદ્દનસીબે એક શિક્ષક બન્યો. શિક્ષણ કેડરમાં વર્ગ એકના અધિકારી તરીકે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો. બિન તાલીમી શિક્ષકમાંથી ધીમે ધીમે શિક્ષણ નિયામક સુધીની યાત્રા સદ્દનસીબ થઇ.
મારા માટે શિક્ષણ એક યજ્ઞ છે, એક યાત્રા છે. આ યાત્રાએ મને લાખો પ્યારા વિદ્યાર્થીઓ અને જેનું મારા ઉપર ઋણ છે તે સમાજની સેવા કરવાની ઉમદા તક આપી. આ યાત્રા થકી જ હું અનેક શ્રેષ્ઠ શિક્ષકો, પ્રાધ્યાપકો, શિક્ષણશાસ્ત્રીઓ, મોભીઓ અને સંસ્થાઓના સંપર્કમાં આવી શક્યો. આ સહવાસે મને ખૂબ ઘડ્યો. આ સર્વેનું હું ઋણ સ્વીકારું છું.
પૂજ્ય ભાઈશ્રી, આમ તો હું આ સન્માન સ્વીકારવાનો ન હતો!!! ખૂબ સંકોચ અનુભવ્યો છે. મન સતત એવું કહેતું હતું કે શું હું આ ભાવવંદનાને લાયક છું ખરો? પરંતુ આ સન્માન થકી મને આપશ્રીના જે આશીર્વાદ મળવાના હતા તે લોભને હું રોકી ન શક્યો. આજની આ પળે જ મને આપશ્રીના આશીર્વાદની તાતી જરૂરત હતી. આપશ્રીએ તે સહૃદયપૂર્વક આપ્યા. મારું જીવન ધન્ય બની ગયું.
આપશ્રીના આશીર્વાદ થકી મારી અંદરની ધખધખતી વેદનાને સાંતત્વ મળશે. આ વેદના થકી જ મેં અને મિત્રોએ શરુ કરેલી એક બહુ આયામી ચળવળને બહુ મોટું બળ મળશે.
મારો સંઘર્ષ અને મારી ચળવળ...
ભાર વિનાના ભણતર માટેની છે.
હૃદયની કેળવણી માટેની છે.
ભ્રષ્ટાચાર સામેની છે.
જુઓને, આજના મોટાભાગના બાલમંદિરોમાં ભણતરનો કેટલો બેસુમાર ભાર ઘૂસી ગયો છે?
નાની ઉમરે દાખલ કરવા, લખાવવું, હોમવર્ક, બીજી ભાષા... આ ભાર તો ભુલકાઓના બાળપણને મારી રહ્યું છે.
શિક્ષણનાં ખમીસનું પહેલું બટન જ ખોટું બંધ થઇ રહ્યું છે.
આજના શિક્ષણમાં બીજો ભાર માતૃભાષાના દ્રોહનો છે. મિડીયમ ઈંગ્લીશનો છે.
મહાત્મા ગાંધીજીએ તો ઢોલ પીટી પીટીને કહ્યું કે માતૃભાષાનો દ્રોહ એ દેશદ્રોહ છે. 140 દેશના શિક્ષણ સલાહકાર અને એક વખતનાં યુનેસ્કોના શિક્ષણ નિયામક આદરણીય ડૉ. રવીન્દ્રભાઈ દવેસાહેબ કહે છે કે માતૃભાષાનો દ્રોહ એ પાપ છે. મહાન વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામ સાહેબ અને ગરવા ગુજરાતી વૈજ્ઞાનિક ડૉ. પંકજભાઈ જોશી કહે છે કે માતૃભાષા વિના વિજ્ઞાન સમજી જ કેવી રીતે શકાય? યુનેસ્કો તો વિશ્વમાં સહુકોઈને પોતપોતાની માતૃભાષા બચાવવા અપીલ કરી રહ્યું છે. યુનેસ્કો સહુકોઈને પોતપોતાની માતૃભાષાની ઉજવણી કરવા પ્રેરી રહ્યું છે. યુનેસ્કોએ તો જાહેર કરી દીધું છે કે ગુજરાતી ભાષા ભૂંસાઈ રહી છે!!! આ કેટલું દુઃખદ છે?
આજના શિક્ષણમાં અસહ્ય ભાર દફતરનો છે. હોમવર્કનો છે. ટ્યુશનનો અને ટાઈ-કોટનો છે. ગોખણીયા શિક્ષણનો છે. ગરબડીયા અને થોથા જેવડા પુસ્તકોનો અને તેના લેખકોનો છે. તેના નીતિધારકોનો છે. માબાપની ગેરસમજણનો છે. શિક્ષણના તંત્રની અને કેટલાયે શાળા સંચાલકોની તો વાત જ શું કરવી?
આ બધાએ હૃદયની કેળવણીને તો કારાવાસ દઈ દીધો છે, ગળે ટુંપો દઈ દીધો છે. તેઓને તો બસ પરીક્ષા પરીક્ષા અને પરીક્ષા... સ્પર્ધા, સ્પર્ધા અને સ્પર્ધા...આ સિવાય શિક્ષણમાં કઈ સમજાતું જ નથી, કઈ દેખાતું જ નથી. એક સાંધીએ ત્યાં તેર તૂટે તેવી દર્દનાક સ્થિતિ છે, શું કરવું?
આજનું શિક્ષણ એટલે બસ વાંચો.. લખો… ગોખો…. અને ઓકો….!!! જે પરીક્ષામાં વધારે ઓકે તે વધુ હોશિયાર, પછી ભલે ને તે કેટલીયે બાબતોમાં ઢગલાનો ઢ હોય!! ગોખવા સિવાય કશું જ બચવા પામ્યું નથી. આ શિક્ષણે વિદ્યાર્થીઓને આપઘાત કરવા મજબૂર બનાવ્યાં છે. આજનાં આ શિક્ષણે વિદ્યાર્થીઓની સર્જનશક્તિને ખતમ કરી નાખી છે.
વિશ્વની શ્રેષ્ઠ 200 યુનીવર્સીટીમાં ભારતદેશની એક પણ યુનીવર્સીટી નથી! આ સાંભળી માથું શરમથી ઝુકી જાય છે. બાલમંદિરમાં બાળપણ મરી રહ્યું છે! મધ્યમાં વિદ્યાર્થીઓને આપઘાત કરવા મજબુર બન્યા છે!! તો યુનીવર્સીટીઓમાં તો યુવાનીનો વ્યય જ થઇ રહ્યો છે!!! આપણી આવતીકાલ ખતરનાક છે.
આ શિક્ષણ એક તણાવયુક્ત સમાજને જન્માવી રહ્યું છે. તામસી ગુણોને બહેકાવી રહ્યું છે. યુદ્ધખોરીને જન્મ આપી રહ્યું છે. ભવિષ્યમાં સમાજ ઘડવૈયાઓએ શૈક્ષણિક સંકુલોના બદલે વિશાળ પાયામાં વૃદ્ધાશ્રમો ખોલવા પડશે. ફરી એક વખત કહીશ કે આપણી આવતીકાલ ખતરનાક છે.
આજનું આ શિક્ષણ તો ‘મેકોલેબ્રાંડ શિક્ષણ’ને પણ સારું કહેવરાવશે. આટલા માટે જ અમે કેટલાક મિત્રોએ ‘મેકોલેબ્રાંડ શિક્ષણ’ કરીને એક લેખમાળા શરુ કરી છે, જે ઘણાને નથી ગમતું. પણ સત્યને ક્યાં સુધી છુપાવી શકશો?
શું આ સમસ્યાનો કોઈ ઉપાય છે ખરો? હા, છે. જરૂરથી છે. આજે પણ એવી કેટલીક સંસ્થાઓ બચી જવા પામી છે, જેની પાસે આ સમસ્યાનો નક્કર ઉપાય છે. સરકારની મીઠી નજર નથી. છતાં તેઓ આ દિશામાં નક્કર કામ કરવા મથી રહ્યા છે, સતત ઝઝૂમી રહ્યા છે. તે પૈકીની મહતમ સંસ્થાઓ બુનિયાદી શિક્ષણની છે. પણ આ સમજે છે કોણ?
બુનિયાદી શિક્ષણ એટલે શું તેની સમજ તો શિક્ષકને ભણવામાં ક્યાં આપવામાં આવી હતી? પૂજ્ય ગાંધીજી, પદ્મશ્રી નાનાભાઈ ભટ્ટ, સ્વ. શ્રી મનુભાઈ પંચોલી - આ સર્વેના કાર્યોની વાત પણ ક્યાં હતી? કે પછી લોકભારતી સણોસરા, આંબલા, મણાર કે તેના જેવી સંસ્થાઓની કોઈ વાત પણ એમ. એડ. સુધીના ભણતરમાં ક્યાં હતી? તે વિના સાચો શિક્ષક ઘડાય ક્યાંથી? તે વિના સાચું શિક્ષણ આવે ક્યાંથી?
‘મૂછાળી મા’નું બિરુદ પામેલા ગીજુભાઈ બધેકા, તેમના સાથી પદ્મભુષણ સ્વ. તારાબેન મોડક અને ‘વેડછીના વડલો’નું બિરુદ પામેલા જુગતરામભાઈ દવેની બાબતે પણ આવું જ થયું છે. તેઓને સમજીએ નહિ ત્યાં સુધી બાલ શિક્ષણ કે બાલ મનોવિજ્ઞાન સમજાય જ કેવી રીતે?
મારા સદનસીબે ભાવનગરમાં મારા સેવાકાળ થકી હું આ બધું નજદીકથી જોઈ શક્યો. કઈક પામી શક્યો. મૂછાળી માની દિશા પકડી તો GCERT એક દિશા પામી શકી. તો ગુજરાત પ્રો. યશપાલજીના આશીર્વાદ પામી શક્યું. તો ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ હરોળનું સ્થાન પામી શક્યું. ચિલ્ડ્રન યુનીવર્સીટી સ્થાપવાનો અને ચિલ્ડ્રન એન્સાયક્લોપીડિયા રચવાનો વિચાર જ સહુ પ્રથમ ‘મૂછાળી મા’ ને આવ્યો હતો! તેમણે તો એ દીવસોમાં આ અંગેનું કામ શરુ પણ કરી દીધેલું. પણ…. ભૂલાયેલો આ વિચાર GCERTએ રમતો મુક્યો હતો. ‘મૂછાળી મા’ ગીજુભાઈ બધેકાનું આટલું ઋણ તો આપણે સ્વીકારવું જ પડશે. ક્યારે સ્વીકારીશું?
મારા સદ્દનસીબે હું આ સર્વે મહાન કેળવણીકારોને અને તેઓએ સ્થાપેલી સંસ્થાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પામ્યો છું. તે થકી જ ખુબ ઘડાયો છું. આ બધું સમજીશું તો જ પરિશ્રમના અને પ્રાર્થનાના મહિમાને કે હૃદયની કેળવણીને સમજી શકીશું. તો જ ખતરનાક ભાવીમાંથી બચી શકીશું.
હું તો આજના આ શિક્ષણથી આખે આખો સળગી રહ્યો છું. આવા સમયે મને મળેલા આપશ્રીના આશીર્વાદ અમૃત સમા છે. આપશ્રીના આશીર્વાદ મારી નિસ્વાર્થ ચળવળને જરૂર સફળ બનાવશે. લાખો કરોડો બાળકોને આજના આ નકામા અને ભારથી લથબથ શિક્ષણમાંથી બચાવમાં મદદરૂપ થશે. આવું ધારીને મેં આ સન્માન યાને કે કર્મ-ભાવવંદનાને સ્વીકારવા મન મનાવ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી, સદ્દભાગ્યે મને 37 જેટલા વરસ શિક્ષણની સેવા કરવાની તક સાંપડી છે. ખૂબ આનંદ પામ્યો છું. ખૂબ સંતોષ પામ્યો છું. આ સમયગાળામાં મારી સામે અનેક લપસણી તકો પણ આવી. પણ ઋષિકુલ સમા કુટુંબના સંસ્કાર થકી અને આપશ્રી સમા સંતોના આશીર્વાદ થકી હું એક પણ ડાઘ વિના પાર ઉતરી શક્યો છું. આને હું ઈશ્વરનો મોટો પાડ માનું છું.
આ તકે, હું કેટલાક અનુભવો કહેવા માટે મારાં મનને રોકી શકતો નથી. જે પ્રથમ નજરે તેમાં માત્ર મારી આત્મશ્લાઘા જ દેખાશે. પરંતુ મારા ઉપર પરમ કૃપાળુ પરમાત્માની કૃપા સદાયે કેવી કેવી વરસતી રહી છે તેના તેમાં અચૂક દર્શન થશે.
ભાવનગરમાં પ્રૌઢ શિક્ષણ અધિકારી તરીકે 30 જેટલા ગામોને 100% સાક્ષરી બનાવ્યા. યુવાટીમ, સ્વાધ્યાય પરિવાર, સ્વામીનારાયણ સંપ્રદાય, દીર્ઘદ્રષ્ટા જીલ્લા પંચાયત આ સર્વેના સહયોગ થકી એક અશક્ય કામને શક્ય બનાવ્યું. ભાવનગરમાં જીલ્લા શિક્ષણ અધિકારી તરીકે પ્રવેશ સમયના ડોનેશનને નાબુદ કર્યું. જાહેર પરીક્ષાની શુદ્ધિ કરી. એક તબ્બકે તો સરકારી અધિકારી હોવા છતાં જાહેરમાં ઉપવાસ કર્યા. શિક્ષકોની ભરતી અને બદલીમાં થતાં ભ્રષ્ટાચારને નાબુદ કર્યો. આવા તો કેટલાયે સત્કર્મ થયા.
પરંતુ આવા કર્મોને કારણે લીધે મારે ભારે વિરોધનો સામનો કરવા પડ્યો. કુટુંબ અને દીકરાને ખૂબ સહન કરવું પડ્યું. વિરોધ કરવામાં કેટલાયે રંગો કામે લાગ્યા. મારી બદલી તાત્કાલિક પોરબંદર કરી રામબા બી.એડ. કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે મૂક્યો.
પરંતુ બદલી કરનાર કે કરાવનારાઓને ક્યાં ખબર હતી કે આ કોલેજ તો મારી માટે તપોભૂમિ હતી. આ કોલેજમાં તો હું ભણ્યો અને ગણ્યો હતો. અહીં જ હું ભણતરની સાચી દિશા પામ્યો હતો. ભણતરમાં પ્રેમ કેવો ચડિયાતો છે તે ગુરુજીઓ પાસેથી અહી જ શીખ્યો હતો. અહીંથી જ હું માનવતાનાં પારાવાર ગુણો પામ્યો હતો. જેણે મારામાં આમૂલ પરિવર્તન કર્યું.
રાજ્યની આ ઐતિહાસિક કોલેજમાં હું મારા ગુરુજીઓનું ઋણ ચુકવવા જાગૃતપણે કામે લાગી ગયો. અમારી કોલેજ ટીમ ઘણી સક્ષમ હતી, સમજદાર હતી. અમારી ટીમ પ્રાર્થના, રમત, પ્રવાસ, રામ-ચાય અને પરિશ્રમની સાથોસાથ ગાંધીજીના મુલ્યોને પણ પ્રાધાન્ય આપી રહી હતી. સુપરવિઝન વિહીન પરીક્ષાના પ્રયોગો કરી રહ્યા હતા. ત્યાં સરકાર બદલાઈ અને મને તાત્કાલિક ગાંધીનગરની ઓફિસમાં નાયબ નિયામક તરીકે હાજર થવા આદેશ થયો.
ગાંધીનગરનાં આ સમયગાળામાં વિશ્વબેંક અને નેધરલેન્ડ્સની સહાય થકી એક મજાની યોજના આવી. યોજના ગુજરાતનાં નિમ્ન સાક્ષર ત્રણ જીલ્લાઓમાં પ્રાથમિક શિક્ષણની શિકલને સમુળગી બદલાવવા માટેની હતી. આ માટે વિશ્વબેન્કે 100 કરોડ રૂપિયા ફાળવેલા. યોજનાનું સુકાન મને સોપવામાં આવ્યું. આવડી મોટી રકમ અને તે વાપરવાના તમામ અધિકાર પણ હોદાની રુએ મને. રાજ્ય સરકારે કોઈ જ ચંચુપાત નહિ કરવાનો તેવી વિશ્વબેંકની શરત હતી!!!
મારા માટે તો આ પ્રભુએ આપેલ અણમોલ સેવાની એક તક બની રહી. ગુજરાતને નજદીકથી ઓળખવાનનો એક અનેરો અવસર બની રહ્યો. પ્રોજેક્ટ પૂર્ણ થયો. 100 કરોડ રૂપિયાનું ઓડીટ થયું. ઓડીટ દરમિયાન મારી બદલી ગાંધીનગરની શૈક્ષણિક સંસ્થાન GCERT (NCERTનું રાજ્ય સ્વરૂપ) માં થયેલી. બેક માસ ઓડીટ ચાલ્યું હશે. જે પૂરું થતા ઓડીટરગ્રુપ મને ખાસ મળવા આવ્યું. યોજનામાં એક પણ પૈસાનો ગેરવહીવટ નહિ અને એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર પણ નહિ! અને યોજનાનું સવાયું પરિણામ!! ઓડીટર ગ્રુપ માટે આ આશ્ચર્યજનક હતું. આ માટે જ તેઓ ખાસ અભિનંદન આપવા આવ્યા હતા.
GCERT અને જીલ્લા શિક્ષણ ભવનોની અનેરી અને મોટી ટીમ હતી. આ સહુ થકી અનન્ય કામ થયું. દર વર્ષે 1000 જેટલા પ્રાથમિક શિક્ષકો સંશોધન કરવા લાગ્યા. ગુજરાતની બધી જ યુનીવર્સીટીઓ, IIM-A, Unicef, સ્ટેટ રિસોર્સ ગ્રુપ સહીત અનેક રિસોર્સ સાથે મળ્યા. ટીમવર્કની એક નવી જ વિભાવના ખીલી. સહુ સાથે મળી સંશોધન અને અભ્યાસક્રમ નવરચનામાં લાગી પડેલા. વિડીઓ કોન્ફરન્સ, પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ આવા તો અનેક અનેક નવતર પ્રયોગ કર્યા.
GCERTમાં વિકલાંગ બાળકો માટેની પણ એક ખૂબ સુંદર યોજના હતી. આ યોજના સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલતી. જેમાં કેટલીક સંસ્થાઓ અણીશુધ્ધ અને કેટલીક સંસ્થાઓ કહેવાતા મોટા માથાઓની. આ કહેવાતા માથાઓ બહારથી તો ખૂબ રૂડારૂપાળા પણ મનથી વિકલાંગ. તેઓ દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે. આ ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે રોક્યો. પરંતુ તેણે મારી જિંદગીને સંઘર્ષમય બનાવી મૂકી.
મને કાયમ માટેની એક સુટેવ હતી. મારી પાસે આવતી કોઈ પણ ફાઈલનો તુરતોતુંરત નિકાલ કરી દઉ. ભ્રષ્ટાચારને રોકવામાં કેટલેક અંશે આ ટેવ કારગત બનતી. દિવસે બાકી રહી ગયેલી ફાઈલોના નિકાલ માટે ઓફિસમાં મોડે સુધી કામ કરતો રહું. આ સમયે ઓફિસમાં માત્ર હું અને માત્ર એક સેવક જ હોઈએ.
એક દિવસ સાંજના સાતેક વાગે બે મોટા પરંતુ માથાભારે માણસો ઓફિસમાં આવ્યા. બંને રાજકીય બળ ધરાવે. તે પૈકીના એક તો મારામારી માટે પણ બહુ જાણીતા. શરીરે બંને પહાડી અને સશક્ત. બંને રિવોલ્વરધારી. કમરે રાખેલી રિવોલ્વર બતાવતા બતાવતા તેઓ મારી સામે બેસી ગયા. વિકલાંગ બાળકોની યોજનામાં ચાલતા એક ભ્રષ્ટાચારનાં કેસને બંધ કરવા કહ્યું.
અમારી વચ્ચે ખાસ્સી લાંબી ચર્ચા થઇ. મે બંનેને પૂરી શાંતિથી અને કોઈ પણ જાતની બીક રાખ્યા વિના સાંભળ્યા. તેઓને સમગ્ર કેસ સમજાવ્યો. મારી સત્યનિષ્ઠા બંને પદાધિકારીઓને સ્પર્શી ગઈ. તેઓએ કેસને યથાવત સ્વરૂપે જ સ્વીકારી લીધો. જતી વખતે પોતાના હથોડા છાપ હાથ મારી સાથે મિલાવ્યા. અને મારી સાથે દોસ્તીનો વાયદો કરતાં ગયા!
GCERTમાં મારી સામે 207 કરોડ, હા 207 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ થયેલો!!! બહુ મોટી રકમનો આક્ષેપ હોવાથી ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે બહુ આકરી અને લાંબી તપાસ કરી. તેઓએ ભાતભાતની વિગતો માંગી. જે માંગ્યું તે બધું જ આપ્યું. ચાર ચાર પેઢી સુધીના હિસાબ પણ આપ્યા. તપાસમાં એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર હાથ ન લાગ્યો.
આ તપાસ મારા કામમાં જબરો વિક્ષેપ પાડી રહી હતી. મેં ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને એક લેખિત આપ્યું કે આપ મારી સમગ્ર નોકરી દરમિયાનની પણ તપાસ કરી શકો છો. જો તેમાં પણ ક્યાય આપને એક પણ પૈસાનો અને તે પણ પુરાવા વિનાનો ભ્રષ્ટાચાર હાથ લાગે તો મને કહેજો. હું વગર પગારે નોકરી કરીશ અને સરકારનું પેન્શન પણ નહિ લઉ. તમે તપાસને જલ્દી પૂરી કરો. મને કામ કરવા દયો. તપાસમાં કશું જ ના મળ્યું. કેસ ફાઈલ થયો. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ કબૂલ કર્યું કે આવો કેસ અમે જોયો નથી. આ તો માત્ર કોઈની હેરાન કરવાની સાજીશ જ હતી.
હા, નોકરીના છેલ્લા વર્ષમાં પણ ભ્રષ્ટાચાર બાબતે બહુ મોટો સંઘર્ષ થયો. રાજ્યના એક બહુ મોટા માથા સાથે જબરી માથાકૂટ થઇ. તેણે મારી સામે અકલ્પ્ય અને સદંતર જુઠ્ઠો આક્ષેપ મૂક્યો. સત્ય મારે પક્ષે હતું. પછી મારે કોની બીક. મેં બરાબરની લડત આપી. ચાર ચાર IAS અધિકારીઓ કામે લાગ્યા. મેં દાદ ન જ આપી. મેં મુખ્યમંત્રીસાહેબને સત્યથી વાકેફ કરવાનો નિર્ણય લીધો. તેમના પી.એ.ને આ માટે મને સમય ફાળવવા વિનંતી કરી. પણ અસફળ નીવડ્યો!!
આ સમયગાળામાં પણ GCERT રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતી જ જતી હતી. હજુ તો કેટલાયે કામો થઇ શકે તેમ હતા. પરંતુ હવે મારો સમય શિક્ષણના નવતર કામને બદલે આવા ખોટા સંઘર્ષમાં જ વેડફાવા લાગ્યો હતો. અંતે મેં એક વર્ષ વહેલી નિવૃત્તિ લીધી.
પૂજ્ય ભાઈશ્રી, નિવૃત્તિ પછી હું ખુદ જ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો! આ માટે આજે પણ હું મારી જાતને માફ નથી કરી શકતો. શિક્ષણ અને ભ્રષ્ટાચાર માટે મારી વેદનાનો કોઈ પાર નથી. આ માટે એક યા બીજી રીતે સતત મથી રહ્યો છું. પરંતુ આ મથામણ મારા બેક સારા અને અંગત મિત્રોને ન ગમી! તેઓએ મારી સાથેનું અંતર જ વધારી દીધું. બહુ દુઃખ છે.
નિવૃત્તિ સુધીમાં આઠેક લાખ કિલોમીટરની મુસાફરી કરી. રાતે મુસાફરી અને દિવસે કામ. નિવૃત્તિ સુધીમાં ઘરમાં નાણાકીય કે અન્ય કોઈ જવાબદારી રહી ન હતી. બંને દીકરાઓ અમારી ખુબ ખેવના રાખે. ભરપુર પ્રેમ આપે. હા, જરૂર પડે ત્યારે કીધા વિના મદદ મોકલી આપે. અમને બંનેને જરૂર કરતા વધુ પેન્શન મળે. આ પેન્શનમાંથી જે કઈ વધે તે શિક્ષણજગતમાં વાપરીએ અને નિજાનંદમાં રહીએ છીએ..
નિવૃત્તિ પછી કામ કરતા રહેવાનો નિર્ણય કર્યો. પણ કામ કરવું પણ મુક્ત રહીને કરવું ક્યાય સીધી રીતે જોડાવું નહિ તેવો નિર્ધાર કર્યો. તેથી અદ્દાણીગ્રુપનાં શિક્ષણના કામમાં ના જોડાયો. એક અન્ય રાષ્ટ્રીય સંસ્થામાં પણ ના જોડાયો. રાજ્ય સરકારે ‘નરેગા’ યોજનામાં ‘લોકાયુક્ત’ તરીકે નીમ્યો. તેમાંથી પણ બેક અઠવાડિયામાં રાજીનામું આપી દીધું. NCERT નામની રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાએ પણ એક કોર કમિટીમાં જોડવા માટેનું નિમંત્રણ આપ્યું. તેનો પણ સવિનય અસ્વીકાર કર્યો.
પરંતુ ચાપરડાના મહંતશ્રી મુક્તાનંદ બાપુને ના ન કહી શક્યો. ભૂતકાળમાં પૂજ્ય મુક્તાનંદબાપુ સાથે શિક્ષણના બેક પ્રસંગોએ જોડાવાનું બન્યું હતું. આ બંને પ્રસંગો મારા માટે ખૂબ રોમાંચક હતાં. નિવૃત્તિ બાદ વળી એક પ્રસંગ બન્યો. અમે ભાવનગરમાં નૂતન બાલ શિક્ષણ સંઘનું એક રાજ્ય અધિવેશન યોજેલું. તેમાં ગુજરાતનાં બાલમંદિરોને દફતરમુક્ત બનાવવાની અને જરૂર પડે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન કરવું પડે તો તેમાં પણ જોડવાની અમે સહુને હાકલ કરી હતી. આ અધિવેશનમાં પૂજ્ય મુક્તાનંદબાપુ પણ પધારેલા. સહુના આશ્ચર્ય વચ્ચે પૂજ્ય મુક્તાનંદબાપુએ પોતે પણ આ ઉપવાસમાં જોડાશે તેવું જાહેર કર્યું !!! આવા સંત મહાત્માને કેવી રીતે ના પાડવી?
આથી હાલમાં, હું મહંત શ્રીમુક્તાનંદબાપુએ સમાજ માંગલ્ય માટે શરુ કરેલા ‘આનંદધારા’ નામથી જાણીતા ક્રાંતિકારી યજ્ઞ કાર્યમાં જોડ્યો છું. આનંદધારાનાં પ્રથમ તબ્બકામાં જ 30 ગામોને અને તેની 37 સરકારી પ્રાથમિક શાળાઓને આદર્શ બનાવવાનો બાપુએ સંકલ્પ કર્યો છે. આ યજ્ઞકાર્યમાં જીલ્લા પંચાયત, સરકાર, સમાજ અને શિક્ષકો સહુનો સારો સહયોગ મળી રહ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી, આજે મારે એક વિશિષ્ટ વાત પણ કરવી છે.
મારા લાંબા અનુભવે હું એટલું સમજી શક્યો છું કે, શિક્ષણને સાચી દિશા આપવી હશે તો શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયતત્તા બક્ષવી જ પડશે. સ્વાયતત્તા વિનાના શિક્ષણમાં નવતર પ્રયોગો શક્ય જ નથી. એક જ તોરતરીકાથી ચાલતું અને પ્રયોગો વિનાનું શિક્ષણ એક બંધિયાર પાણીથી વિશેષ કઈ જ નથી. આ પાણી માત્ર ગંધાતું જ નથી પણ રોગજન્ય પણ બની જાય છે.
પૂજ્ય મહાત્મા ગાંધીજી અને આચાર્ય વિનોબાજીને વાંચીને હું એ પણ સમજી શક્યો છું કે શિક્ષણમાં પરિશ્રમને વિશિષ્ટ સ્થાન આપવું જ પડશે. તેઓએ એક અદ્દભુત વાત કરી છે કે પરિશ્રમ કરવાથી તામસી ગુણોનું નિરસન થાય છે. તામસી ગુણોનું નિરસન થાય તો જ માનવતા જન્મે. પરિશ્રમ અને પ્રાથના પછી જ આધ્યાત્મિકતાની દિશા ખૂલે.
વિશ્વના જે કોઈ દેશ આજે શિક્ષણમાં આગળ છે ત્યાં ક્યાંય પણ આપણા જેટલો શિક્ષણનો ભાર નથી. ત્યાં સંગીત, કલા, રમતગમત, પ્રવાસ, પર્યટન, પ્રકૃતિ, અનુભવજન્ય શિક્ષણને પ્રથમ પ્રાધાન્ય છે. આ શિક્ષણમાં પરિશ્રમ અને હૃદયની કેળવણી સમાયેલી છે. ભારતનું શિક્ષણ તો આ બાબત થકી જ વિશ્વ ગુરુ હતું. શું ફરીને શિક્ષણને આવું ન બનાવી શકાય?
હા, બનાવી શકાય. જરૂરથી બનાવી શકાય. તે માટે પ્રથમ તો રાજકીય ઈચ્છાશક્તિ જોઇશે. અને પછી આ વાત IAS અધિકારીઓએ અને શિક્ષણ કેડરના અધિકારીઓએ ખાસ સમજવી પડશે. આજના નર્યા ગોખણીયા શિક્ષણ વચ્ચે આ સમજવી, સમજાવવી અને તેનો સ્વીકાર કરાવવો ખૂબ કઠિન છે. માટે આ બાબતની મુક્ત ચર્ચા કરવાનો સમય પાકી ગયો છે. અહી આપશ્રી અને આપ સમાં સંતોશ્રીઓ જરૂરથી દિશા દર્શન કરાવી શકે તેમ છો.
પૂજ્ય ભાઈશ્રી, આપશ્રીનું શ્રી સાન્દીપનિ વિદ્યાનિકેતન સ્વાયત્ત છે. સંસ્કૃતમય છે. સંગીત, પ્રાથના અને પરિશ્રમય છે. અહી અત્ર, તત્ર, સર્વત્ર હૃદયની કેળવણીના દર્શન થાય છે. શ્રી સાન્દીપનિ વિદ્યાનિકેતનનું સર્વના હૃદયમાં અનેરું સ્થાન છે. સહુ માટે તે દીવાદાંડી સમાન છે. માટે જ કહું છું કે, પૂજ્ય ભાઈશ્રી આજે શિક્ષણમાં આપશ્રી અને આપશ્રી સમા સંતમહાત્માઓના આશીર્વાદની અને દિશા દર્શનની તાતી જરૂરત છે.
પૂજ્ય ભાઈશ્રી, આપશ્રીનું શ્રી સાન્દીપનિ વિદ્યાનિકેત અમને સાંતત્વ આપે છે. આપશ્રીનાં યજ્ઞકાર્યમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન સમાયું છે. આપશ્રીના શિક્ષણયજ્ઞમાં ભાર વિનાનું ભણતર, માનવતાથી ભરેલી ભરેલી હૃદયની કેળવણી અને ભ્રષ્ટાચાર સામેની અહિંસક લડતના દર્શન થાય છે. આ માટે હું ફરી ફરીને આપશ્રીને વંદન કરું છું.
આપશ્રીને મારી નમ્ર વિનંતી છે કે મારી જો કોઈ ભૂલ થતી હોય તો મને માફ કરી તે અચૂક બતાવશો અને માર્ગદર્શન આપશો. મારાથી જો કોઈ અવિવેક થયો હોય તો આપશ્રીની માફી માંગું છું અને સાથોસાથ આશીર્વાદ પણ માંગું છું.
પૂજ્ય ભાઈશ્રી, હું ઘણું જીવ્યો. ભરી ભરીને સહુનો પ્રેમ પામ્યો છું. હવે જયારે થોડું બાકી છે ત્યારે મારું લક્ષ છે -
ભાર વિનાનું ભણતર, માનવતાથી ભરેલી હૃદયની કેળવણી, અને હા, ભ્રષ્ટાચાર સામેની લડત તો ખરી જ. આ બધી લડતમાં મને આપશ્રીના આશીર્વાદ જરૂરથી ફળશે તેવી પૂરી શ્રદ્ધા છે.
આ બધું અમેરિકાથી લખી રહ્યો છું. અહી હું અને દેવી પૌત્રીને રમાડવા પૂરતાં આવ્યા છીએ. દેવીને પેન્ટિંગનો શોખ છે. તેને આ અંગેનું અહીંથી ઘણું બધું મળી જશે. પૌત્રીનું નામ તાશી છે. તાશીનો બહુ મજાનો અર્થ છે. મજાની આ ઢીંગલી સદાયે હસતી રહે છે અને અમને સહુને હસાવતી રહે છે. જબરી ખીલખીલાટ કરે છે. સીદીભાઈને…એવું નથી. ગૌરવ-શીતલ બાળમાનસને ધ્યાનમાં રાખી તાશીનો સરસ રીતે ઉછેર કરી રહ્યા છે. નાનો દીકરો મુંબઈમાં છે. તે પણ માનવતાવાદી, સર્જક અને કુટુંબપ્રેમી છે.
પ્રભુના અને આપ સર્વે સંતોના ખુબ ખુબ આશીર્વાદ છે. ખૂબ આનંદમાં છું. આનાથી વધુ શું જોઈએ?
હા, જે જરૂર છે તે આપશ્રીના આશીર્વાદની, જે આપશ્રીએ લાઈફટાઇમ એચિવમેંટ એવોર્ડ આપીને ભરી ભરીને આપ્યા છે.
હું અને મારો પરિવાર આપશ્રીના સદાયે ઋણી રહીશું.
આપના
નલિન પંડિતના
જયશ્રી કૃષ્ણ
એવોર્ડ સમારંભના ફોટોગ્રાફ્સ :
Congratulations Saheb. We are very happy. We feel lucky to have a person like you in our life. May God give you more than 100 healthful years to be helpful to this world and to play with Tashi!
ReplyDelete--Dr. Vijaliwala, Krutika
સર,
Deleteઆપની શુભેચ્છા મળી આનંદ થયો. તાશી સાથે પણ આનંદ માની રહ્યો છું.
100 વર્ષની શુભેચ્છા આપ જ આપી શકો, કારણ મને મારી પાછલી જિંદગીના એ વર્ષો યાદ આવે છે કે, જો એ સમયે આપે મને સંભાળી લીધો ના હોત તો મારા રામ રમી જવામાં જ હતા. એ પછી પણ શિક્ષણમાં પણ આપના લેખોએ અમને નવી તાજગી આપેલ છે.
પોરબંદરમાં એવોર્ડ સમારંભ પહેલા સવારની બેઠકમાં મારું પ્રવચન હતું. વિષય હતો "ભાર વિનાનું ભણતર." આ પ્રવચનમાં મેં આપના નામ ઉલ્લેખ સાથે દફતરના ભારથી થતું નુકશાન અને વધારે હોમવર્કથી થતું નુકશાન અંગે આપનો લેખ વાંચીને વિગતે છણાવટ કરેલી.
આમ આપ મારા જીવન અને કર્મ બંનેમાં સાથ આપી રહ્યા છો તેનો એક અનેરો આનંદ છે.
ખુબ ખુબ આભાર સાહેબ.
Many many congratulations Sir, I am so glad that I have learnt the true meaning of Education from you and through you only I had the previlage to have the guidance of various true educationalists. Also feeling privileged to work for many years under your guidance and also getting your guidance in my present work. You are the best one to have the Life Time Achievement Award. Feeling proud to have you as my GURU. Congratulations to Gaurav and Sheetal to have God's gift - TAASHI and regards to Deviben.
ReplyDeleteવૈશાલીબેન,
Deleteઆભાર.
શિક્ષણ અને કેળવણીને સમજવું ખુબ મુશ્કેલ છે, તે વાત સાચી. મારા માટે આનંદની વાત એ છે કે તમે પણ આ બાબતે સારી સિદ્ધિ ધરાવો છો. તમે અમદાવાદની "શ્રેયસ સંસ્થાન" પસંદ કરી અને તમારા બંને બાળકો માટે જે વિચારો ધરાવો છો અને અમલમાં મુકો છો, તે તેના પુરાવા છે. આ બંને વાત મેં મારા ઘણા પ્રવચનોમાં કરી છે.
તમે જે રીતે મથી રહ્યા છો તેનો આનંદ વ્યક્ત કરું છું.
GCERTના શૈક્ષણિક સંશોધનોમાં તમારું પ્રદાન આજે પણ યાદ આવે છે. તમે એક દિવસ શ્રેયસની સાથોસાથ સમગ્ર સમાજને દિશાદર્શન કરાવવા માટે મશાલ હાથમાં લેશો તેવી શ્રદ્ધા. તે દિવસની પ્રતીક્ષામાં છું
અભાર
નલીન પંડિત .
નમસ્કાર..સાહેબ..આપનો પત્ર બ્લોગ માં વાંચ્યો .અમે આપના કાર્ય માંથી પ્રેરણા મેળવીએ છીએ .સાંદિપની અવોર્ડ એ આપના કાર્ય ની નોંધ નું પ્રતિક છે..પણ ;સાહેબ; થોડા દિવસ બસ તાશી ને જ રમાડો ,,,જલસા કરો..ભાવનગર આવી ને બધું છેજ,,,ઓ.કે.સાહેબ ,,મળતા રહીશું ,,આવજો......
ReplyDeleteભાઈશ્રી પરેશભાઈ
Deleteજલાશા અને અભિનંદન બંને મળ્યા, આનંદો !
ભાઈ તમે પણ શિક્ષણ માટે કેટલું બધું કરી રહ્યા છો !સમગ્ર ભાવનગર તમારા અનોખા કામનું સાક્ષી છે અને એટલે જ તો આપણી દોસ્તી છે.!!
આપની મિત્રતા બની રહે.
પુત્રી તાશી સાથે જલાશા પડે છે. તાશી મને બાલ શિક્ષણને સમજાવી રહી છે.
હાલમાં તમે અને મિત્રો પેરેન્ટિંગ બેઠક માટે પૂરો મથી રહ્યા છો તે જાની ખુબ આનંદ થયો.
આ લાંબા ગાળાનું કામ છે, ધીરજ માંગી લે તેવું કામ છે.
સમયની માંગ છે.
મારી શુભેચ્છા.
નલીન પંડિત
મહેન્દ્ર રાવલ ૨.૮.૨૦૧૪
ReplyDeleteનમસ્કાર ..સાહેબ, બ્લોગ વાંચી આપની શેક્ષણિક યાત્રા ,અને અનુભવનું ભાથું જાણ્યું . જે અમને પ્રેરણારૂપ બની રહેશે .
મહેન્દ્રભાઈ
Deleteતમારા નમસ્કાર ગમ્યા!
સારા માણસો અને સારા કામ બધાને ગમે.
તમે તે માટે સતત કઈકને કઇક કરતા રહો છો, મથતા રહો છો તેનો આનંદ છે.
ભાવનગરમાં યોજાઈ રહેલા પેરેન્ટિંગ સેમિનારમાં તમે પણ હિસેદાર હશો જ, તેવી પૂરી ખાતરી છે.
આ માટે સર્વેને શુભેચ્છા પાઠવું છું.
મળતા રહીએ।
maniy pndit saheb
ReplyDeleteaapne aewod malyo ae jani khub aannd thyo chhe aapni shikshn na darek star ane vibhagoma puri nishtha thi kareli seva ne sadhnanu prinam chhe aapne ane aewod aapnar ne khub khub abhinndan
aape navo balog shru kryo te uttm kary kryu chhe aapna gujratma shikshn vahivt ma privrtnni atynt jarurchhe
aeva samye aap nava balog marfte vishvvstare aapna anubhavo sari rite prasravi shksho aava pvitr kamma maro tan mn ane dhan thi kaym sath ane shkar malto rheshe
aapna privane aashirvad hu pan amerika chhu emel thi sprkma rheva vinnti
aapno
pratapbhai pandya
pramukh gujrat pustk parb vadodra
ગુરુજી વંદન !
ReplyDeleteખોટા અવોર્ડ સમારંભોમાં બહુ ખોટ્ટી તાળીઓ પાડી છે ;પરંતુ સાચા અવોર્ડ સમારંભમાં સાચો અવોર્ડ મળતો હોય અને સાચી તાળીઓ પાડવાની તક પેલીવાર મળી. ધન્ય થઇ ગયા અમે તે ક્ષણે !
આપના સાનીધ્યનું સુખ હર હંમેશ મળતું રહે તેવી શીવ-કામના !!!
Congratulations sir
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete