(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)
ભારતની જેમ અમેરિકામાં પણ ઉત્સવો જોવા મળે છે. ન્યૂ જર્સીમાં અમારાં ઘરની બાજુમાં અમેરિકામાં વસતા કરેબીયનોનો એક ઉત્સવ યોજાયેલો. તે માણવાની મજા પડી. નાચગાનથી ભરપૂર કાર્યક્રમ. સ્ટેજ ઉપરથી ગીતો ચાલે અને સમગ્ર ઓડિયન્સ પોતપોતાની જગ્યાએ ડાન્સમાં જોડાય. કરેબીયનો પૂરી મસ્તીથી નાચતા કરેબીયનોને જોવા તે અદભુત લ્હાવો છે. જેમાં હાકલા પડકાર પણ થાય. આપણી જેમ જ ત્યાં પણ ખાણીપીણી અને કરેબીયનોને ગમતા સોંદર્ય પ્રસાધનોનાં સ્ટોલ નાખેલા જોયા.
આ ઉત્સવમાં કઈક તોફાન થયું. બેચાર મિનિટમાં તો પોલીસની દશ બાર ગાડીઓ આવી ગઈ. ચારે બાજુ સાયરન વાગે. મહિલા પોલીસ પણ પૂરતા પ્રમાણમાં આવી. પોલીસે જરા પણ વિલંબ વિના સમગ્ર સ્થિતિને કાબુમાં લઇ લીધી. આ છે અમેરિકા. કાયદો કાયદાનું કામ કરે જ. કાયદો બધાં માટે સમાન છે તે આપણે જોઈ શકીએ.
હડસન નદીની આપને યાદ આપું. બેક વર્ષ પહેલાં અહી એક પ્લેનમાં ખામી ઊભી થતાં તેના પાયલોટે પ્લેનને હડસન નદીમાં જ ઉતારી દીધું. સહુ કોઈને બચાવી લીધેલાં. કટોકટીમાં અહીં રસ્તા ઉપર પ્લેન ઉતારી દીધાના પણ કિસ્સાઓ છે. સારું છે કે આપણા અહીનાં રસ્તાઓની આવી કસોટી થતી નથી. નહિ તો...!!
(Photograph by Greg L - Licensed under CC BY 2.0)
અમેરિકામાં મોટરસાયકલ ચાલકોની એક અલગ દુનિયા છે. મોટીમસ અને ભારેખમ મોટરસાયકલો. કાન ફાડી નાખે તેવો અવાજ. સ્પીડમાં પણ જબરી. ગમે તેવાં વાહનોને પાછળ રાખી દે. આવી બાઇક હવે ભારતમાં પણ મળવા લાગી છે.
અમેરિકામાં કાયદાના શાસનને કારણે અકસ્માતોની ટકાવારી નહીવત છે. પણ ભારતમાં ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન કરવામાં કોઈને શરમ નથી આવતી. તેમાં પણ સતાધારી કે પૈસાદારના સંતાનો કાળોકેર વર્તાવવાનો પરવાનો ધરાવતા હોય તેમ વાહનો હંકારે છે.
મુંબઈમાં રહેતો નાનો દિકરો વૈભવ બાઇક ચલાવવાનો બહું શોખીન છે. તે લેહ લડાખ પણ બાઇક ઉપર ફરેલો. તેની એક મિત્ર પણ બાઇકની ભારે શોખીન. તે પુના હાઇવે ઉપર બાઈક ઉપર જતી હતી અને અકસ્માતમાં મૃત્યુ પામી. એક બહાદુર અને સાહ્સીય દિકરીને આપણે ગુમાવી. ભારતમાં તો આવા તો રોજે કેટલાંયે જીવો જાય છે.
મને યાદ છે GCERT દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ રાજ્ય વિજ્ઞાનમેળામાં વિદ્યાર્થીઓએ રોડ ઉપરથી પસાર થતાં દરેક વાહનની આગળ પાછળ રીફ્લેકટર લગાવી દેવાનું અભિયાન ચલાવેલું. જો દરેક શાળા પોતાનાં સ્ટાફનાં અને વિધાર્થીઓનાં વાહનો માટે આવું અભિયાન ચલાવે તો કેવું સારું! શાળાનાં બાળકો પણ આનું અનુકરણ કરશે અને કેટલાયની જિંદગી બચી જશે. વિદ્યાર્થીઓને તો આવું કરવું બહું જ ગમે. આ દ્વારા તે ટ્રાફિકના નિયમો અને શિસ્ત પણ સમજતો થઇ જશે. પણ અભ્યાસક્રમમાં નથી, એટલે કેમ કરાવવું? જો હોય તો પણ ગોખવા માટે હોય. ગોખીને સ્પર્ધા કરવાં માટે હોય. કઈ સમજવા માટે કે અમલ કરવાં માટે થોડું હોય? આ છે આપણું બેહાલ શિક્ષણ.
અમેરિકામાં કરોડપતિઓનો કોઈ પાર નથી. આ અમીરો ઘરની હોડીઓ રાખે. વધુ અમીર પોતાનું પ્લેન પણ રાખે. નવરાશે હોડી અને પ્લેનની મોજ માણે.
ગુજરાતનાં અમીરો હવે ફાર્મહાઉસ બાજુ વળ્યા છે. આ શુભ નિશાની છે. આ કારણે તેઓ પ્રકૃતિની વચ્ચે રહેશે. શુદ્ધ હવા પામશે. ઝેરી પર્યાવરણથી બચશે. પણ બાકીનાનું શું? જેમ જેમ ઉદ્યોગો વધશે તેમ તેમ મોત બેઠું થવાનું છે. કુટીર ઉદ્યોગ આવકાર્ય છે. તેનાથી પર્યાવરણ તો બચે પણ સાથોસાથ ગામડું પણ બેઠું થાય. જોઈએ ગુજરાતનું શું થાય છે?
અમેરિકા મોટાભાગની તૈયાર વસ્તુઓનું પરદેશથી આયાત કરે છે. આવું કેમ? અમેરિકા બહું બુદ્ધિશાળી દેશ છે. તે પોતાનું પર્યાવરણ સારું રાખવા માંગે છે. પોતે કઈક ઉત્પાદિત કરે તો પોતાનું પર્યાવરણ બગડેને? બધું પરદેશથી મંગાવી લેવાનું. આથી નહિ કચરો, નહિ ધૂમાડો, નહિ ધરતીનો બગાડ, નહિ પાણીનો બગાડ. પર્યાવરણને શુદ્ધ બનાવી રાખવામાં અમેરિકા જે સફ્ળ રહ્યું છે તેનું આ પણ એક રહસ્ય છે.
હવે ગુજરાતમાં ઉદ્યોગની અને જમીનની નવી નીતિને કારણે અમેરિકા, ચીન કે અન્ય દેશોને ઉદ્યોગ સ્થાપવાની મજા પડી જશે. ગુજરાત સાબરમતીને પણ શુદ્ધ રાખી શકતું નથી. વટામણથી વડોદરા કોસ્ટલ હાઇવે ઉપરથી પસાર થઈએ ત્યારે કેમિકલથી ભરેલી સાબરમતી જોઈને ભારે દુઃખ થાય છે. ભારત પવિત્ર ગંગાને પણ શુદ્ધ રાખી શક્યું નથી. સુપ્રીમ કોર્ટ ભારે ખફા છે. ગુજરાત પણ અંકલેશ્વર વાપી કે વલસાડપટ્ટીનાં ઉદ્યોગોથી બગડેલા પર્યાવરણમાંથી બચી શક્યું નથી. ત્યારે હવે મુખ્ય પ્રશ્ન પર્યાવરણ બચાવવાનો છે. પર્યાવરણ બચાવી નહિ શકીએ તો ભાવી પેઢી આપણને કદીયે માફ નહિ કરે.
અમેરિકામાં ઘરની સામે જ ચર્ચ છે. ખૂબ મોટું અને સુંદર. તેનો મીઠો ઘંટારવ સંભળાય. રવિવારે ચર્ચમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયનો આવે. બધે જ નીરવ શાંતિ. મને પણ જવાનું મન થાય. પણ જઈ શકેલો નહિ.
હા, એક વખત પ્રવાસમાં દિવ અને ગોવાનાં ચર્ચ જોયેલા. ત્યાં પ્રાર્થનામાં પણ જોડાયેલો. ઘોઘા તાલુકામાં વાલેસપુર કરીને એક માત્ર ક્રિશ્ચિયનોનું ગામ છે . આ ગામે હું જયારે પ્રોઢશિક્ષણમાં હતો એ સમયે પ્રોઢશિક્ષણનાં વર્ગો શરૂ કરેલાં. મને ઈસુનો પ્રેમ બહું ગમે. મને કલકતામાં દીનદુઃખીયાવો સેવામાં સમર્પિત હતાં તે મધર ટેરેસા બહું ગમે.
આચાર્ય વિનોબાજીને વાંચું ત્યારે આ ધર્મ પ્રત્યે વિશેષ પ્રેમ જાગે છે. વિનોબાજીએ તો કુરાન અને બાયબલનું સાત સાત વાર પારાયણ કરેલું. ઈશુ તો સહુને પ્રેમ કરવાનું કહે છે પણ કોણ જાણે કેમ ધર્મપરિવર્તનમાં પાગલ બનેલાં કોઈક ક્રિશ્ચિયનો, ફાધર કે નનને જોઉ છું ત્યારે મનમાં ખૂબ ધૃણા ઉદભવે છે. આવાં લોકો વિના સમજે પોતાનાં પગ ઉપર કૂહાડો મારી રહ્યાં છે. બાઈબલમાં કોઈ જગ્યાએ ધર્મ પરિવર્તન કરાવવાનું લખેલું નથી. ખોટા અર્થઘટન શું કામના? ગાંધીજીએ ધર્મપરિવર્તન કરાવનારાઓને બહું કડવા વેણ કીધા છે.
ન્યૂયોર્ક શહેર ખરેખર તો મેનહટન ટાપુ છે. આ ટાપુના પાંચ ભાગ છે. જેમનો એક ભાગ તે ન્યૂયોર્ક શહેર. બીજા ચાર ભાગ એટલે બ્રુકલીન, ક્વીન્સ, બ્રોન્ક્સ અને સ્ટેટન આઈલેન્ડ.
ન્યૂયોર્ક સિટીનાં આ બાજુ જેમ હડસન નદી છે એમ બીજી બાજુ ઇસ્ટ રીવર છે. ઇસ્ટ રીવર ઉપર બે મોટા બ્રીજ છે. એકનું નામ બ્રુકલીન બ્રીજ, અને બીજાનું નામ મેનહટન બ્રીજ છે. બ્રુકલીન બ્રીજ પરથી મુખ્ય માળ પરથી વાહનો પસાર થાય, અને વચ્ચે લોકોને ચાલવા તથા સાયકલ ચલાવવાનો અલગથી રસ્તો છે.
મેનહટન બ્રીજ ઉપર ટ્રેઈન અને મોટરગાડીઓ માટે અલગ રસ્તાઓ! આ બ્રીજની નીચેથી પસાર થતી સ્ટીમરો જોવાની બહું મજા આવી. આસપાસનાં વિસ્તારનાં અલાયદી ડીઝાઈનનાં રહેણાંક બિલ્ડીંગ જોવા જેવાં છે. હા, અહીં મને થોડા ખરાબ રસ્તાનો પણ અનુભવ થયો!
આ બ્રીજ સને 1887માં બનેલો છે. સવાસો વરસથી વધુ જુનો બ્રીજ. આજે પણ સારો! આ અમેરિકા છે. ભારત પણ આવું બની શકે.
જૂઓને ગોંડલ નરેશ ભગવતસિંહજી બાપુનાં વખતમાં રોડ માટે 20 વરસની અને પુલ કે નાળા માટે 100 વર્ષની ગેરંટી લેવામાં આવતી. એ પૈકીના કેટલાયે રસ્તા, નાળા અને પુલ આજે પણ યથાવત છે. એટલું જ નહી, આજે પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. ભાવનગર રાજ્યમાં કે વડોદરા ગાયકવાડી રાજ્યનાં બાંધકામો આજે પણ પોલાદી અવસ્થામાં મોજુદ છે.
દિકરો અને પુત્રવધૂ અમારી જેમ વાંચનના ગજબના શોખીન છે. દિકરો એક દિવસ મેનહટનની એકદમ વચ્ચેના ભાગમાં આવેલી ન્યૂયોર્કની ખ્યાતનામ પબ્લિક લાયબ્રેરી જોવા લઇ ગયો. આ લાયબ્રેરી જોવા બહારથી ખૂબ પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ લઈને ભાતભાતની બસોની સતત આવનજાવન રહે છે.
એક વખતના તળાવના ખરાબાની જગ્યામાં સને 1911માં ઊભી થયેલી આ લાઇબ્રેરી બહુ વિશાળ છે. પાંચેક માળની આ લાયબ્રેરીમાં દશ જેટલી સબ બ્રાંચ છે. 43 જેટલાં વિભાગો છે. સંશોધનકારો માટે અત્યંત આધુનિક સુવિધાઓ છે. તેઓ માટે ઓડીઓ વિડિઓ અને ફિલ્મોની પણ સુવિધાઓ છે. સહુથી ઉપરના માળ પર એક વિશાળ રૂમ જે વાંચવા માટે છે. લાઇબ્રેરીની પાછળના ભાગમાં મોટો બગીચો. ઉપર બગીચો અને નીચે લાયબ્રેરી. એક આખેઆખો ગ્રાઉન્ડ ફ્લોર બાળકોની લાઇબ્રેરી માટે! યાદ રહે કે બાળકો માટે ગ્રાઉન્ડ ફ્લોર રાખવામાં આવ્યો છે.
Rose Research Room - New York Public Library
( Photo by DAVID ILIFF. License: CC-BY-SA 3.0 )
બાળકોની લાઇબ્રેરીમાં 1787નાં સમયની પોકેટ બુક મોજુદ છે. 1963નાં સમયના શિક્ષણને લગતા સુત્રો અને વિચારો, અંગ્રેજીભાષાનાં સ્વરની મજા કરાવતા ડોલતા અને બોલતાં રમકડા, અમર ચિત્રકથા, વિષ્ણુ અવતારના ચિત્રો અને તેની કથા, સંતોમહંતોના ચિત્રો અને તેની વાતો, હમ્ટી-દમ્ટી, જૂની બાલ ફિલ્મો, લાકડાની અદ્દભૂત કોતરણીવાળી રંગબેરંગી છત, રજવાડામાં જોવા મળે તે કક્ષાનાં બાળચિત્રો, રમકડાં, અને લાઈબ્રેરીને બતાવવા તથા સમજાવવા માટે ગાઈડ. માત્ર નજર નાંખી એટલામાં જ અમારાં ત્રણેક કલાક પસાર થઇ ગયાં.
મે મારાં Ph.D.નાં અભ્યાસ માટે ભાવનગર યુનિવર્સિટીનાં શિક્ષણ ભવનની લાઈબ્રેરી, વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની લાઈબ્રેરી, વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની લાઈબ્રેરીની તથા ગુજરાત વિદ્યાપીઠની લાઈબ્રેરી મુલાકાત લીધી છે. પરંતુ ન્યુયોર્કની પબ્લિક લાઈબ્રેરી જોયા પછી પૂર્ણ લાઈબ્રેરી અને તેમાં પણ બાળકોની લાઈબ્રેરી કોને કહેવાય તે પ્રથમવાર સમજાયું.
મને અમદાવાદનાં ટાઉનહોલ પાસે આવેલી એમ. જે. લાઈબ્રેરી અને તેના હોનહાર લાઈબ્રેરિયન શ્રી છગન ભૈયા યાદ આવી ગયાં. તેઓનો પરિચય હું જયારે રાજ્ય પરીક્ષા બોર્ડમાં સેક્રેટરી તરીકે હતો ત્યારે થયેલો. અત્યંત મૃદુભાષી, જ્ઞાની અને વિવેકી. જેને મળવા સતત મન તલશે તેવાં માનવી. ધૂની પણ એવા જ! હતાં તો માત્ર લાઇબ્રેરીના પટ્ટાવાળા, પણ પોતાની આવડત થકી ગુજરાતની એક ઉત્તમ લાઇબ્રેરીના ડિરેક્ટર બન્યાં. પટાવાળા હતાં ત્યારે ધૂળ ચઢેલાં પુસ્તકોને ફરી ગોઠવવાની ધગશ ચડી. તેમાંથી તેમણે પુસ્તક વર્ગીકરણની એક આગવી પદ્ધતિ શોધી જે આજે લાઈબ્રેરિયનનાં કોર્સમાં ‘છગન ભૈયા પદ્ધતિ’ નામે ભણવવામાં આવે છે. અમદાવાદનાં આ પુસ્તકાલયમાં દર અઠવાડિયે સાહીત્યકારોની બેઠક મળે. તેઓ મને લાઇબ્રેરીના ભોયરામાં લઇ ગયેલાં જ્યાં અત્યંત સુરક્ષિત રીતે રાખેલ કેટલાંયે અલભ્ય પુસ્તકો જોયા. કેટલાક તો સોનાની છાંટવાળા. તેઓએ તે દિવસોમાં અમદાવાદમાં ફરતું પુસ્તકાલય પણ શરૂ કરેલું.
ગુજરાતને એક નમુનેદાર બાળ લાઇબ્રેરી મળે તે માટે ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં ચિંતકોએ ન્યુયોર્કની પબ્લિક લાઈબ્રેરીનો અભ્યાસ કરવાં જેવો છે.
ન્યૂયોર્કની આ લાઈબ્રેરીની પાછળ મજાનો બગીચો છે જેને બ્રાયન્ટ પાર્ક કહે છે. અહીં ખાણીપીણીની સારી સુવિધા છે. બગીચામાં ફિલ્મ બતાવવા માટે એક મોટો પડદો છે. ઉનાળામાં દર અઠવાડિયે અહીં ફિલ્મ બતાવવામાં આવે છે. ઉનાળામાં સંગીત અને ખાસ તો પિયાનોના જાહેર જનતા માટે પ્રોગ્રામ થાય, અનેરું સંગીત પીરસાય. અને પાછુ સપ્તાહના એક દિવસે તો યોગાસનો પણ શીખવાડવામાં આવે. જેને જોડાવું હોય એને છૂટ. કોઈ ફી નહિ. 500 થી 1000 કાળિયા, ધોળિયા, ભારતીયો અને બીજા ભાતભાતના લોકો આનો લાભ લ્યે!
બ્રાયન્ટ પાર્કની સામે જ દિકરાની ઓફીસ છે. તે ઓફીસ પણ જોઈ. તેની આધુનિકતા સ્પર્શી ગઈ. ઓફીસમાં કામ કરતાં સહુ વચ્ચે ભાઈચારાની ભાવના જોઈ ખૂબ આનંદ થયો.
ન્યુયોર્ક સમગ્ર શહેરમાં સાયકલ ઉપર ફરવાં માટે એક કમ્પની દ્વારા એક નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. આ કમ્પનીની સાયકલ શહેરનાં અનેક ભાગમાંથી મળે. કોઈપણ જગ્યાએથી તમે સાયકલ લઇ શકો. બધી સાયકલો સ્ટેન્ડમાં લોક હોય. તમારે માત્ર બેંક કાર્ડ નાખવાનું. કાર્ડ નાખો એટલે ભાડાની રકમ પેટે લેવાની થતી રકમ આપોઆપ વસુલ થઇ જાય. સાયકલ સ્ટેન્ડમાંથી લોક ખૂલી જાય. સાયકલ ઉપર ફરી તમે શહેરનાં કોઈપણ ભાગમાં સાયકલ જમા કરાવી શકો. સાયકલ જમા કરાવવી એટલે સાયકલને જાતે સ્ટેન્ડનામાં ભરાવી દેવાની. તે આપોઆપ લોક થઇ જાય. સમગ્ર કામમાં ક્યાંયે કોઈ કરતાં કોઈ માણસ ના હોય.
વરસો પહેલાં મોટો દિકરો જયારે બેંગ્લોરમાં ઈન્ફોસીસ કંપનીમાં જોડાયેલો ત્યારે અમે તેનું કેમ્પસ જોવા ગયેલાં. ખૂબ મોટું અને સુંદર કેમ્પસ. આ કેમ્પસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાયકલો રાખેલી. બધી જગ્યાએ છત્રી રાખેલી. જરૂર મુજબ બધું જ જાતે લેવાનું અને જાતે મુકવાનું, ખૂબ ગમેલું.
હમણાં સાંભળ્યું હતું કે અમદાવાદમાં BRTSનાં બસ સ્ટેન્ડ ઉપર આવો પ્રયોગ કરવામાં આવેલો. આપણે વહેલી તકે આ દિશામાં વિચારવું પડશે.
અહીં વોશિંગ્ટન સ્ક્વેર પાર્ક નામે એક ખૂબ જાણીતો બગીચો છે, તેની પણ મજા માણી. ચારેબાજુ સંગીતની ટુકડીઓ સંગીતના સૂર રેલાવે. સહુ પોતપોતાની મોજમાં સંગીત વગાડે. પસાર થતાં સહુ કોઈ પણ સંગીતની મોજ લૂંટે. અહીં એક માણસ તેનાં બન્ને હાથમાં પક્ષીઓ માટેનું ચણ રાખીને ઉભેલો. તેનાં હાથ ખભા અને માથા એમ ચારેબાજુ કબૂતરો, ચકલા અને ખીસકોલા ચણ ચણતાં હતાં. પક્ષીઓને આવી રીતે નિર્ભીક બની ચણતાં જોઈ અપાર આનંદ માણ્યો. વચ્ચે ફુવારો પણ ખરો, જેમાં ઉનાળાની ગરમીમાં નાના ભૂલકાઓ પાણીની મજા લુટે.
વોશિંગ્ટન સ્ક્વેર પાર્ક
મને આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતી 'અક્ષય પાત્ર' નામની દાદુ યોજના યાદ આવી ગઈ. શાળામાં રોજ એક વર્ગના બાળકો એક મુઠ્ઠી કે બાકસનાં ખોખામાં સમાય તેટલું ચણ લાવે અને શાળા પ્રાંગણમાં નાખે. કબૂતરો, ચકલા, પોપટ, લેલા, ખીસકોલા સહુ આવે અને સાથે રહીને ચણે. આ શિક્ષણ માનવતાને વાવી રહ્યું છે. આ યોજના થકી શાળાનાં બાળકો આનંદ મેળવે, જીવદયાને પામે, મુલ્ય શિક્ષણ પામે, સંસ્કૃતિનું જતન શીખે, પર્યાવરણનું જતન શીખે, અહિંસાના પાઠ શીખે. અને તે પણ હોંશે હોંશે. આને કહેવાય ભણતર. આને કહેવું ભાર વિનાનું ભણતર. આને કહેવાય હૃદયનું શિક્ષણ. આ બધું મોટા મોટા અધિકારીઓ, શિક્ષણનાં નીતિધારકો, કેટલાયે લેખકોની સમજ બહારનું છે. તેનું જ દુઃખ છે. તેની જ વેદના છે. આ લોકોને તો ટકાવારી અને સ્પર્ધા સીવાય બીજું કઈ દેખાતું જ નથી.
આ વોશિંગ્ટન પાર્કની જગ્યાએ વરસો પહેલા અહીના મૂળ વતની એવા રેડ ઇન્ડિયનો વસતાં હતાં. ડચ (વલંદા) લોકોએ એમના પર ચડાઈ કરી. તેમને મારી ભગાડીને અહી ખેતીવાડી કરી. એના અમુક સમય પછી આ જગાનો મૃતદેહો દફનાવવા માટે પણ ઉપયોગ થવા લાગેલો. 20,000 જેટલાં મૃતદેહ અહીં દફનાવાયાં હશે એવું એક અનુમાન છે. સમય કેવો બળવાન છે? આજે અહીં લોકો હરે રામા હરે ક્રિષ્ણાની ધૂન લઇ રહ્યાં છે.
1889માં આ પાર્ક બન્યો. તેના કલાત્મક દરવાજા ઉપર લખેલું છે કે "આપને એવું કરીએ કે જેથી સારા અને સનિષ્ઠ માણસો દુરુસ્ત થાય." અહીં ફટાફટ સરસ મજાની રંગોળી કાઢનારાં કલાકારો પણ છે અને અહીં સરસ મજાના મકાઈના ડોડા પણ મળે છે. આપણને ગુજરાતીઓને બસ ખાવાનું મળે એટલે મજા જ મજા.
અમેરિકાની યુનિવર્સિટીઓની વિશેષતા એ છે કે તે કોઈને કોઈ ક્ષેત્રમાં કે વિષયમાં નિપુણતા ધરાવતી હોય. છે. અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો સાથે કે સંશોધન કરતી પ્રયોગશાળાઓ સાથે સીધી રીતે જોડાઈને સંશોધનો કાર્યમાં જોડાય છે. અહીં નકામું શિક્ષણ નથી. માટે તો અમેરિકાની યુનિવર્સિટીઓનું આગવું નામ છે.
જર્સી સિટીના ઘરમાં તાશી સાથે મજા. દિકરા અને પુત્રવધુ સાથે મજા. દિકરાનાં અદ્યતન લેપટોપ દ્વારા નવુંનવું શીખવાની મજા. દિકરો મારો ગુરૂ. પસંદગીની ફિલ્મો અને ક્લિપ્સ જોવાની મજા અને સાથોસાથ વાંચવાની પણ મજા.
એક દિવસ જેલમ હાર્દિક દ્વારા અનુવાદિત ‘જેનિનની સવાર’ (Original English Title “Mornings in Jenin” by Susan Abulhawa) નામનું નાનકડું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું.
જેરુસલામ પાસે નાનકડું એવું એક ગામ. નામ એનું જેનિન. ‘જેનિનની સવાર’ એ એક નાનકડી છોકરીની આપવીતી કહેતી અને પોતે જ લખેલી એક સત્ય કહાની છે.
નાનકડી છોકરીના પિતાને દ્રાક્ષ અંજીર બદામ અને ઓલિવની વાડી. પિતા સરસ મજાની વાંસળી વગાડતા. મા ઘર અને સંતાનોને સંભાળ લેતી. તેવામાં લડાઈ થઇ. 1982નાં ઇઝરાયેલ સાથે થયેલાં યુધ્ધની આ કરુણ કહાની છે. પિતા બોમ્બમારામાં માર્યા ગયાં. મા ગાંડી અને જડ બની ગઈ. મરી ગઈ. નાનાભાઈને સૈનિકો ઉપાડી ગયાં.
સૈનિકોના આક્રમણ વખતે ત્રણ અસહાય નાનકડી છોકરીઓ અંધારા ભોયરામાં પુરાઈ રહી. ત્યાં એક બોમ્બ પડ્યો. એક છોકરીનું મોત થયું. બીજી છોકરીને બંદૂકની ગોળી વાગી. કમર પાસેથી માંસનો લોચો નીકળી ગયો.
બચી જવા પામેલો ભાઈ યાસેર અરાફતના સંગઠનમાં જોડાઈ ગયો. અપંગ દિકરી અનાથાશ્રમમાં દાખલ થઇ. અનાથાશ્રમમાં એક શાળા હતી.
આ યુધ્ધમાં 17,000 થી વધુ લોકો મરાયા. 40,000 જેટલાં ઘવાયાં. પાંચ લાખ લોકો બેકાર થયાં. દુશ્મન સૈનિકો ગ્રામજનોને પકડતાં અને પુરુષવર્ગને તેઓનાં જ સંતાનો અને સ્ત્રીઓ સામે નગ્ન કરી ઢોરમાર મારતાં. ઇઝરાયેલે આ યુદ્ધને 'શાંતિ મિશન' એવું નામ આપેલું.
હોસ્પિટલો ઉપર બોમ્બમારો થતો. યુધ્ધમાં નાનકડાં બાળકો ભડકે બળતા. બાળકીઓ મૃત અવસ્થામાં માંની છાતીએ ચોંટેલી મળી આવતી. પતિનાં મરણ પાછળ રડતી પત્નીના પેટમાં રહેલું બાળક માને સાંતત્વ આપવાં જોરથી લાત મારતું.
ફાટેલાં કપડાંવાળી, બળાત્કારનો ભોગ બનેલી અને પછી રહેંસી નાખેલી સ્ત્રીઓની ચારેબાજુ ચીસો સંભળાતી. પેટ ચીરીને જેના ગર્ભને રહેંસી નાખેલી હોય તેવી સ્ત્રીઓની પણ ચીસો સંભળાતી. તેઓ ચિત્કારી ઉઠતી અને કહેતી હતી કે નર્કમાં જાય આ બધાં લોકો.
સોળ વરસની છોકરીને લાકડીથી મારી. તેના બે પગ વચ્ચે લાકડી ઘુસાડી દીધી. એક છોકરાને એટલો માર્યો કે કાયમ માટે બોલતો જ બંધ થઇ ગયો. તે મોટો થયો. ચિત્રકાર બન્યો. જિંદગીભર શહીદીના ચિત્રો જ દોર્યા.
'જેનીનની સવાર' એ 1937થી 2002 સુધીનાં આરબ અને યહુદીઓ વચ્ચેના જંગની સત્ય કહાની છે. જેરુસલામ સાથેના કારમાં યુધ્ધની હૃદયદ્રાવક કહાની છે. સમાચારપત્રોએ છુપાવી રાખેલા સત્યોની આ કહાની છે. સૈનિક ઉપાડી ગયા હતાં તે છોકરાની રહસ્મય કહાની છે. અનાથાશ્રમમાં ભણીને આગળ વધેલી છોકરીની આ કહાની છે.
લેખિકા હાલમાં વિશ્વનાં અનેક યુદ્ધગ્રસ્ત દેશોમાં છાવણી નાખીને નિસહાય બાળકો માટે કામ કરી રહી છે. તેણે યુધ્ધની બરબર્તાની અને પોતાની સમગ્ર કહાની www.aprilblossms.com વેબ્સાઈટ ઉપર મૂકી છે.
'જેનીનની સવાર' હું એકી બેઠકે વાંચી ન શક્યો. આ પુસ્તિકા વાંચતા હું અંદરથી હચમચી ઉઠ્યો. યુદ્ધખોર કોઈ દેશ સારો નથી. યુધ્ધની વિનાશકતાએ મારાં મનને દુઃખથી ભરી દીધું.
યુધ્ધની આ અને આવી અનેક કરુણ ઘટનાઓ જ અમેરીકાના WTC ઉપરનાં 9/11 નાં હુમલાઓનું કારણ નહિ હોય ને? શું વિશ્વયુધ્ધના મંડાણ આમ જ થતાં હશે?
યુદ્ધ અને વેરઝેરની વાત આવે એટલે ગાંધીજી યાદ આવી જાય. ભગવાન બુધ્ધ યાદ આવી જાય. ભણવામાં આવતો પેલો પાઠ ફરી યાદ આવી ગયો -
વેર ના સમે વેરથી.
વેર સમે અવેરથી.
ભણવામાં આવો પાઠ લખનાર મુકનારન અને સમીક્ષકને સલામ.
દુનિયાને પ્રેમ અને અહિંસાના માર્ગે ગયાં વિના છૂટકો નથી. પણ સમયાંતરે દુર્યોધ્ધન અને રાવણ જન્મે જ જાય છે તેનું શું કરવું? મદદનાં ઓથા હેઠળ મદદ કરતાં દેશોની મુરાદ પણ બહું ખરાબ હોય છે. તે પહેલાં મદદના બહાને પરાવલંબી બનાવે અને પછી દાદાગીરી કરે. આ દેશોનું શું કરવું? શું ત્રીજું વિશ્વયુદ્ધ નિવારી નહિ જ શકાય?
'જેનીનની સવાર' પુસ્તિકાની લેખિકાને અભિનદન. ‘જેનિનની સવાર’ પુસ્તિકા માટે 'વિચાર વલોણા' મેગેઝીનને સલામ. આ મેગેઝીને આવી તો અનેક ચિંતક પ્રેરક અને વાસ્તવિકતણું દર્શન કરાવતી પુસ્તિકાઓ આપી છે અને આપી રહી છે.
મિત્રો, આ સામયિક સાથે જોડાવા જેવું છે. 'વિચાર વલોણા' ઉપરાંત કચ્છમાંથી પ્રકાશીત થતા 'શાશ્વત ગાંધી' નામનાં સામયિક સાથે પણ જોડવા જેવું છે. આ બધાં સામયિકો તંદુરસ્ત સમાજનાં ઘડતરમાં સિંહફાળો આપી રહ્યાં છે. ગુજરાતની આ પણ ખરી ખુશ્બુ છે. જરા માણો તો ખરા!
એક નિષ્ઠાવાન પ્રામાણિક, વિચારક અને વિદ્યાભારતી સાથે જોડાયેલાં પ્રોફેસર મિત્રએ કહેલી વાત જાણવા જેવી છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતા ગાંધીજીને લગતા એક અભ્યાસક્રમમાં જોડાયેલાં. અહીં તે ગાંધીને વિશેષ સ્વરૂપે સમજ્યા. ત્યારબાદ તેઓની ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધામાં જે વધારો થયો છે તે દાદુ છે.
વિશ્વની અનેક નામાંકિત યુનિવર્સિટીઓની જેમ ચીને પણ હવે ગાંધી વિશે ભણાવવાનું શરૂ કર્યું છે. હવે તો આપણે અહીં પણ મહાત્મા ગાંધી વિશે વાત કરવાનું શરૂ થયું છે. કોઈક દિવસ તો આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. શ્રદ્ધા રાખીએ.
'વિચાર વલોણા'એ મને આ પહેલાં પણ એક પ્રસંગે ઢંઢોળી નાખેલો. આજનાં મેકોલેબ્રાન્ડ, ઘાતક, ગોખણીયા અને બાળકોમાં રહેલી કુદરતી સર્જકતાને ખતમ કરી નાખતાં શિક્ષણ સામે અમારાં મિત્રોનું 'ભાર વિનાનું ભણતર' કે ‘મેકોલેબ્રાન્ડ શિક્ષણ’ નામે એક અભિયાન ચાલે છે.
આ અભિયાનમાં 'વિચાર વલોણા'માં આવેલો એક લેખ બહું મદદરૂપ બનેલો છે. આ લેખ ભાર વિનાનાં ભણતરમાંથી મુક્તિ કેમ મેળવવી તે માટેનો રસ્તો બતાવી રહ્યો છે.
વિશ્વમાં શિક્ષણક્ષેત્રે જેનો પ્રથમ નંબર છે તે ફિનલેન્ડ દેશનાં શિક્ષણનો આ લેખ છે. સામાન્ય રીતે હું શિક્ષણનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી વાકેફ રહેવા શક્ય કોશિષ કરતો રહું છું. તો પણ હું ફિનલેન્ડનાં શિક્ષણથી સાવ અજાણ હતો. ફિનલેન્ડ કમાલનો દેશ છે. કમાલની તેની શિક્ષણ પ્રથા છે. મેં અમેરિકામાં ફૂરસદના સમયમાં ફિનલેન્ડ દેશના શિક્ષણની જે કઈ હકીકતો જાણી. તે આપને કહેવી છે.
લોકશાહી દેશ
100% સાક્ષરતા
બધી શાળાઓને 100% ગ્રાન્ટ
શિક્ષણ સંસ્થાઓને સ્વાયતતા
શ્રેષ્ઠ 10% ગ્રેજ્યુએટમાંથી જ શિક્ષકોની પસંદગી
શિક્ષકો માટે એમ.એડ. ફરજીયાત
સામાન્ય રીતે 300 વિદ્યાર્થીઓની શાળાઓ
સાત વર્ષ પૂર્ણ થયે શાળા પ્રવેશ
અભ્યાસક્રમમાં માત્ર ગાઈડ લાઈન્સ
પ્રથમ નવ વર્ષ બેઝીક શિક્ષણનો કોર્ષ
પરીક્ષા નહિ
હોમવર્ક નહિ
બાળકો બાળકો વચ્ચે સરખામણી નહિ,
સ્પર્ધા નહિ
બાલમંદિર માટે એક વર્ષ
હોંશિયાર અને ઠોઠ બાળકો બધાં એક જ વર્ગમાં
43 % વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શાળામાં જાય
વ્યાવસાયિક અભ્યાસમાં પ્લમ્બિંગ અને કન્સ્ટ્રકશન ઉપર વિશેષ ભાર
એપ્લાઈડ સાયંસની 27 યુનિવર્સિટીઓ
75 મિનિટનાં પીરીયડ, 75 મીનીટની રીશેષ
શિક્ષક અઠવાડિયે બે કલાક પોતાનાં વ્યાવસાયિક વિકાસ માટે ફાળવે
શિક્ષકોનું ડોક્ટર વકીલો જેટલું જ માનપાન
બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે વાહન સુવિધા
પ્રત્યેક વિદ્યાર્થીને વિનામુલ્યે ભોજન
પ્રત્યેક વિદ્યાર્થીની વિનામુલ્યે આરોગ્ય જાળવણી
પ્રત્યેક વિદ્યાર્થીને વિનામુલ્યે શિક્ષણ સાધનસામગ્રી
પ્રત્યેક વિદ્યાર્થીનું વિનામુલ્યે કાઉન્સેલિંગ
આપણને આવું બધું ક્યારે સમજાશે? આપણા રાજ્યમાં શિક્ષણ વિશે અધકચરું સમજતા સંચાલકો, ઉચ્ચ અધિકારીઓ અને નીતિધારકો પણ છે. શિક્ષણનાં કે શૌચાલયનાં 'શ' ની પણ ખબર નથી તેઓનો શિક્ષણમાં અકલ્પ્ય ચંચૂપાત છે.
જુઓ તો ખરા. આપણી તો ચિલ્ડ્રન યુનિવર્સિટી અને શિક્ષક યુનિવર્સિટી પણ સ્વાયત નથી. તો પછી શાળાઓને સ્વાયત્તા મળે તેવાં સ્વપ્ના પણ ક્યાંથી આવે? સ્વાયતત્તા વિનાનું શિક્ષણ બંધિયાર પાણીની જેમ ગંધાય ન ઉઠે તો શું થાય!
એક બાજુ શિક્ષકના ત્રાસથી આપઘાત કરનાર બાળકનાં સમાચાર માત્રથી હચમચી જતો ગુજરાતનો સંવેદનશીલ સમાજ છે. તો બીજી બાજુ સરકારી નીતિને કારણે આપઘાત કરતાં સેંકડો બાળકો માટે લાચારી અનુભવતો પણ આ જ સમાજ છે.