26 February 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૩

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

હડસનનાં કાંઠે પાછાં ફરીએ. હડસનનાં બન્ને કાંઠે બહું મજાનાં રસ્તા છે. રસ્તે ચાર પૈડાના વાહનો ચલાવવાની મનાઈ છે. રસ્તામાં થોડા થોડા અંતરે બાગબગીચા. વચ્ચે વચ્ચે લાકડાથી મઢેલા સુંદર મજાનાં ઓપન એર થીયેટર. થીયેટરમાં સમૂહ ડાન્સ ચાલે. આસપાસની મ્યુઝીક સ્કૂલનાં વિદ્યાર્થીઓ પણ અહીં જાહેરમાં પરફોર્મ કરવાં આવે. ખુલ્લી જ્ગ્યોઓમાં કવાયત અને યોગાસનો થતાં જોવા મળે. યુવાનોની સાથે સીતેર-એંસી વરસના વડીલો પણ કવાયત અને યોગાસનો કરતાં નજરે પડે. ક્યાંક ક્યાંક સ્કેટિંગ રિંગ હોય. યુવાનો તાલબદ્ધ રીતે અહીં ધબધબાટી બોલાવતા હોય. સાયકલ સવારોનો તો કોઈ પાર નહિ. નાનાં મોટા સહુ ભાતભાતની સાયકલ લઈને આનંદ લુંટતા હોય.
મારી જેવાં દાળભાતીયા કે વેપારી માનસવાળા આ બધું જોયા કરે. અહીં સર્વત્ર બેસવા માટે સરસ મજાનાં બાંકડાઓ છે. અમે અહીં બેસીએ. બીજું કરીએ પણ શું?
શિક્ષણમાં પરિશ્રમ, વ્યાયામ, રમતગમત, સંગીત, કલા, પ્રકૃતિ આ બધાનું ખૂબ જ મહત્વ છે. પણ આ વાત દાળભાતખાઉં ગુજરાતીઓને નથી સમજાતી. આપણે તો આ બાબતે બુદ્ધિને તાળા જ મારી દીધા છે.
યૂરોપમાં એક નાનો ટચુકડો દેશ આવેલો છે. ઉત્તર ધ્રુવની નજદીકનો દેશ છે. જેનું નામ છે ફિનલેન્ડ. સમગ્ર વિશ્વમાં તે દેશ શિક્ષણમાં પ્રથમ સ્થાને છે. આ દેશનાં શિક્ષણમાં પરિશ્રમ, વ્યાયામ, રમતગમત, સંગીત, કલા, પ્રકૃતિ આ બધાને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ભાવનગર અને ગાયકવાડી રાજમાં રજવાડાઓ તરફથી વિદ્યાર્થીઓ અને યુવાનોને શારીરિક રીતે ખડતલ બનાવવા ઉપર ખૂબ જ ભાર આપવામાં આવતો. ભાવનગરનાં પ્રજા વત્સલ રાજા કૃષ્ણકુમારસિહજી, દીર્ઘદ્રસ્તા દીવાન પટ્ટણીસાહેબ અને સ્વાતંત્ર સેનાની વિર પૃથ્વીસિંહ આઝાદે ૧૦૮ અખાડા શરૂ કરેલાં.  
ભાવનગરમાં રાજાઓ તરફથી માત્ર અખાડા જ નહિ પણ કલા, સંગીત, સાહિત્યને પૂરેપૂરું પ્રોત્સાહન મળતું. તેની અસર આજે પણ જોવા મળી રહી છે. એટલે જ તો ભાવનગર કલાનગરી કે સંસ્કૃતિ નગરી તરીકે ઓળખાય છે.
મારું કોલેજ સુધીનું ભણતર અમરેલીમાં થયેલું. ત્યાં સમર્થ વ્યાયામ મંદિર કરીને એક સરસ મજાનો અખાડો. હું આ અખાડામાં સાતેક વર્ષ ગયો હઈશ. અહીં અમને સમૂહ કવાયત, દંડ બેઠક, તલવાર દાવ, ભાલા દાવ, બરછી દાવ, લેઝીમ, ડમ્બેલ્સ, કુસ્તી, કબ્બડી, ખો-ખો આવું બધું જ શીખવવામાં આવતું. આ બધાં થકી હું સ્પોર્ટ્સમેન સ્પિરીટ પામેલો છું. જીતમાં ગુમાન નહિ કરવાનું અને હારને પચાવવાનું શીખેલો. કોઈ પણ પડકારને પહોંચી વળવાનું પણ શીખેલો. (હા, નોકરીના છેલ્લા વરસોમાં એક બે બાબતે લાંબી લડત પછી પણ જુઠાઓ સામે હથિયાર હેઠુ મુકવું પડેલું, તેનું ભારે દુઃખ છે)
શારીરિક શિક્ષણનું મહત્વ અને પરીશ્રમનું મહત્વ આપણે ગુજરાતીઓ ક્યારેય સમજ્યાં નથી. બાળકને રમવું, પ્રવૃત્તિ કરવી, થાકવું આ બધું બહું જ ગમે છે. તે થકી વિદ્યાર્થીનું સાચું ઘડતર થાય છે. આ બધું જ આપણે છીનવી લીધું છે. જે શિક્ષણ સાવ નકામું છે તેની બોલબાલા કરી દીધી છે!
ફિલ્મ કલાકાર આમીરખાનને TVમાં ‘સત્યમેવ જય તે’ કે પછી ‘મુમકીન હૈ’ જેવાં એપિસોડ આપવાં માટે જેટલાં પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે. ઓક્ટોબર ૨૦૧૪ માસનો એપિસોડ રમતગમત ઉપર આપીને તેણે અને તેની ટીમે કમાલ કરી. તેમાં કપિલદેવ, સચિન અને અનેક નામી રમતવીરોનો જોરદાર સાથ મળ્યો. દિલ્હીના મંત્રી પણ ટેલીવિઝન ઉપર આવીને રમતના મહત્વ વિશે એક રાગે ગીત ગાયાં.
ગુજરાત માટે અને દેશ માટે ઓક્ટોબર ૨૦૧૪નો માસ મજાનો રહ્યો. માન. મુખ્યમંત્રી સુ.શ્રી આનંદીબહેન ખેલકુંભ મહોત્સવમાં ભાવનગર આવેલાં. તેઓશ્રીએ જાહેર પ્રવચનમાં કહ્યું કે તેઓ ભણતાં ત્યારે અચ્છા રમતવીર હતાં. હવે તો તેઓશ્રી મુખ્યમંત્રી છે. તેઓમાં નિર્ણય લેવાની જબરી તાકાત છે તેવો મારો ખુદનો વર્ષોનો અનુભવ છે. સુ. શ્રી આનંદીબહેન ગુજરાતનાં બાળકો માટે રમતના દ્વાર ખોલી આપશે તેવી આશા રાખીએ.

વધુ મજા તો ત્યારે આવી જયારે ઓસ્ટ્રેલિયા ગયેલાં આપણા માનનીય વડા પ્રધાન શ્રી મોદીસાહેબે જાહેરમાં કહ્યું કે મને ઓસ્ટ્રેલિયા પાસેથી સ્પોર્ટ્સમેન સ્પિરીટ શીખવા મળેલ છે, ‘આ સ્પિરીટ સ્પોર્ટ્સ વિના શક્ય નથી’. મોદીસાહેબ ગુજરાત અને દેશનાં બાળકો માટે રમતના દ્વાર ક્યારે ખોલી આપશે?

19 February 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૨

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

સાંજ પડે એટલે દાદો અને દાદી તાશીને સ્ટ્રોલરમાં બેસાડી શેરીના નાકે ફરવાં લઈ જઈએ. બે મિનિટ ચાલીએ ત્યાં જ એક મોટો રસ્તો ક્રોસ થાય. અમારાં રસ્તાનું નામ ગ્રાન્ડ સ્ટ્રીટ. ક્રોસ થતાં રસ્તાનું નામ વોશિંગ્ટન સ્ટ્રીટ. ખુબ જાળવીને રસ્તો ક્રોસ કરીએ. કારણ કે રસ્તામાં પગે ચાલનારા કોક જ અને વાહનોની સંખ્યાનો કોઈ પાર નહિ. અમે જાળવીને ચાલીએ તે કરતાં રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અમારી વધારે જાળવણી કરતાં! આ અમેરિકાની એક ભાત છે, શીખવા જેવી છે. આપણે ભારતમાં તો બાપરે… ભગવાન બચાવે!
કહેવાય શેરીનું નાકું. પણ આ નાકું એટલે ગ્રાન્ડ સ્ટ્રીટનો છેડો. આ છેડો એટલે પ્રખ્યાત હડસન નદીનો પૂર્વનો કાંઠો. અમારાં ઘરથી અડધો કિમી પણ દૂર નહિ. ઘરમાંથી બહાર નીકળી હડસન તરફ નજર નાખો એટલે સામે જ ન્યૂયોર્ક શહેર અને તેનો વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર(WTC) દેખાય.




આ એ જ WTC જેને આતંકવાદીઓએ પ્લેનથી તોડી પાડી અમેરિકાનું નાક કાપી નાખેલું. આતંકવાદીઓએ પહેલાં બે પ્લેન હાઇજેક કર્યા અને પછી WTC સાથે ભટકાડીને WTCને તોડી પાડેલ. હવે તો ડોલરિયા દેશ અમેરિકાએ આ નાશ પામેલાં WTCની જગ્યાએ જ નવું મજાનું નાક ઉગાડી દીધું છે. અહીં હવે એક જબરું મોટું અને આકર્ષક બિલ્ડીંગ ઉભું કરી દેવામાં આવ્યું છે, જેનું નામ આપ્યું છે Freedom Tower (ફ્રીડમ ટાવર). તેમાં મરણ પામેલાં માનવીઓની યાદમાં બનાવેલ સ્મૃતિખંડ સહિતની અનેક યાદો પણ મૂકવામાં આવેલ છે.
રોજ સાંજે અમે બન્ને અમારી લાડલીને હડસનના કાંઠે ફરવાં લઈ જઈએ. ત્યાં સુધી પહોચતાં જ રસ્તામાં જ્યાં જ્યાં બે રસ્તાની ચોકડી પડે ત્યાં ત્યાં નાના પણ મજાના બગીચા આવે. તેની પાસે બેસવાના કલાત્મક બાંકડા. બાંકડાની આસપાસ કબૂતરો ચણતાં હોય, સસલા જેવડા ખીસકોલા પણ કઈક ખાતા હોય. ત્યાં વળી કોઈક બાજુમાંથી પોતાનાં કૂતરાઓને લઈને પસાર થાય. દીકરીને આ બધું જોઈને ખૂબ આનંદ આવે. અમારે માટે બસ આ જ દીકરીનું અવૈધિક શિક્ષણ, આ જ મસ્ત બાળપણ.
હડસનનાં કાંઠા સુધી પહોચતા સુધીમાં તો સિટી બસનું સ્ટોપ પણ આવે અને વચ્ચે રેલ્વેનાં પાટા પણ આવે. રસ્તાની વચ્ચેથી જ રેલવેના પાટા પસાર થાય તો પણ રેલ્વે ફાટક જ નહિ. પણ દુરથી દેખાય તેવાં સિગ્નલ ખરા. ત્યાં સુધી ચાલીને પહોચીએ એટલામાં તો એક બે ટ્રેન પસાર થઇ જ હોય. નોખા ભાતની વીસલ વગાડતી પસાર થઇ જાય. દીકરીને આ બધું જોઈને અને વીસલ સંભાળીને ખૂબ મજા પડે. બસ આ જ અવૈધિક શિક્ષણ, આ જ મસ્ત બાળપણ.




કાંઠે પહોંચતાં જ એક સ્મારક આવે. WTC તોડી પડાયું ત્યારે જર્સી શહેરના પણ માનવીઓ મૃત્યુ પામેલાં. તેઓની સ્મૃતિમાં અહિયાં એમનાં નામ અને WTCનો એક બેવડો વાળી ગયેલો મોટોમસ લોખંડનો સ્તંભ મૂકવામાં આવ્યાં છે. જોઈને સહુનાં દિલ હલી જાય, મસ્તક નમી જાય.




હડસન નદીનો કાંઠો એટલે કે રીવર ફ્રન્ટ બહું જ મજાનો છે, બહું આનંદ આપે તેવો છે. નદી કિનારે કોરિયાની લડાઈમાં શહીદ થયેલા અમેરિકન સૈનિકોના પુતળાઓ, તેને લગતાં સ્મારકો અને તેનો ઇતિહાસ મુકેલા છે. અમેરિકાએ કેવાં કેવાં સંઘર્ષો કરેલાં અને કોણે કોણે કેવો ભોગ આપ્યો તેની અહીં આબેહુબ ઝાંખી થાય. આને કહેવાય શિક્ષણ. સમજણનું શિક્ષણ. આ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની કઈ જરૂર ખરી?
અજબનો નદીનો આ કાંઠો ગજબનો મોહક છે. કાંઠે પહોંચતાં જ દુનિયાની અજાયબી દેખાવાનું શરૂ થઇ જાય. સવાથી દોઢ કિમી પહોળી આ હડસન નદીનાં આ કાંઠે જર્સી સિટી અને સામા કાંઠે ન્યૂયોર્ક સિટી છે. સામે કાંઠે WTCની આજુબાજુ જુઓ તો જગપ્રસિદ્ધ ફાઈનાન્સ કંપનીઓની અદ્યતન ઓફીસો દેખાય. ઊંચી ઊંચી ઈમારતો, તેની મનમોહક નીતનવી રચનાઓ. આ બધી જ ભવ્યતા આ કાંઠેથી દેખાય. આ ભવ્યતાની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરનારા અનેક દેશી પરદેશીઓ અહીં જોવા મળે.
જર્સી સિટીનો અમારી તરફનો પૂર્વ કાંઠો પણ ભવ્ય છે. જમણી બાજુ જુઓ એટલે કોલગેટની વિશાળ ઘડિયાળ દેખાય જે આ શહેરના ઈતિહાસની યાદગીરી માટે રાખેલી છે. નજરને થોડીક આગળ લંબાવો ત્યાં જ એક ટાપુ જેવો વિસ્તાર દેખાય અને એમાં વિશ્વ પ્રસિદ્ધ સ્વાતંત્ર દેવીનું સ્ટેચ્યુ એટલે કે ‘સ્ટેચ્યુ ઓફ લીબર્ટી’ દેખાય.




કાંઠે બેસી આ નઝારો જોવાની ખૂબ મજા પડે. ઉપર આકાશમાં પ્લેન સતત ઉડતા જ હોય. પ્લેન વિનાનું આકાશ ક્યારેય જોવા જ ન મળે. ન્યૂયોર્ક સિટી ઉપર ટ્રાફિક કંટ્રોલ માટે કે પછી CNN જેવી ચેનલોનાં ત્રણ ચાર હેલીકોપ્ટર પણ સતત ઉડતાં દેખાય. હડસન નદીમાં ચાર પાંચ પેસેન્જર બોટ સતત આવતી જતી જ હોય.
હડસન પાણીથી છલોછલ ભરેલી જ હોય. બે કિમી પછી તો દરિયામાં ભળી જાય. નદીનો કાંઠો માઈલો સુધી બાંધેલો છે તેથી ચાલવાની મજા પડે. દરિયાની ભરતી વખતે હડસનનાં મોજા કાંઠે ભટકાઈને જોશથી ઉછળતા હોય. તે વખતે પાણીની થાપટો અને છાલકો માણીને મન હળવું હળવું બની જાય.
નદીને જોઈને આપણું સહુનું મન પ્રફુલ્લિત બને જ, કારણ કે આપણું શરીર જે પાંચ પંચમહાભૂતનું બનેલું છે તેમાં પાણી પણ એક મહાતત્વ છે. આપણા શરીરમાં 50-75% જેટલું પ્રવાહી છે. તેથી ઝરણાં નદી કે દરિયાનાં પાણી પાસે જયારે પણ આપણે જઈએ છીએ ત્યારે આ પ્રવાહ અને આપણા શરીરનાં પ્રવાહી વચ્ચે એક પ્રકારની સુસંવાદિતા સ્થપાય છે, જે આપણને અવનવી તાજગી આપે છે, નવી સ્ફૂર્તિ આપે છે.
અહીં મને બાળકોનાં જાણીતા ડોક્ટર ડૉ.વીજળીવાળાસાહેબે કરેલી વાત યાદ આવે છે. તેમની પાસે એક બેન તેના નાનકડાં રડતાં બાળકને લઈને દવાખાને આવેલાં. ડોક્ટરે તુરત બાળકની માને બાળકને છાતીના ડાબા ભાગે તેડવા કહ્યું. જેવું માએ બાળકને છાતીના ડાબા ભાગે લીધું એવું એ રડતું બંધ થઇ ગયું. ડૉકટરે આનું કારણ સમજાવ્યું. બાળક જયારે માના પેટમાં હોય છે ત્યારે તે માના હૃદયના  ધબકારાને દિવસરાત સાંભળતું રહેતું હોય છે. છાતીનાં ડાબા ભાગે હૃદય આવેલું છે. બાળકને છાતીનાં ડાબા ભાગે રાખતાં જ તેની માના ધબકારા સંભળાવા લાગે છે. બાળકને થાય છે કે મારી મા તો મારી પાસે જ છે, તે પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે અને શાંત થઇ જાય છે.
મા અને બાળક વચ્ચે અજબગજબના તાણાવાણા છે. માથી છુટું પડવું કોઈ બાળકને ગમતું નથી. આ મા તેનાં ભૂલકાને પ્લે-હાઉસમાં ધકેલી મૂકે છે તે કોઈપણ બાળકને ગમતું નથી, તેને તો માના ખોળામાં રમવું છે. માનો ખોળો તો વિશ્વની સહુથી મોટી અને સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે. આ પ્લે-હાઉસ તો તેને નર્ક સમું લાગે છે. પરંતુ બાળક બિચારું કરે શું?
આજની પ્રત્યેક મા બાળકને પ્લે-હાઉસમાં દાખલ કરે છે. મા ને એમ લાગે છે કે પોતે પોતાનાં બાળકના કલ્યાણ માટે કેટકેટલો ભોગ આપે છે. પરંતુ આ સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક છે. બાલ મનોવિજ્ઞાનની વિરુદ્ધનું પગલું છે.
પ્લે-હાઉસમાં અસુરક્ષા અનુભવતાં બાળકનાં અર્ધજાગૃત મન ઉપર તેની વિકૃત અને ઘાતક અસર પડે છે. આ અસર કાયમી રહેવાં પામે છે. બાળક જયારે મોટું અને સ્વાવલંબી થાય ત્યારે આ અસર જાણેઅજાણે પણ બહાર આવે છે. મા-બાપે બાળકને પ્લે-હાઉસમાં ધકેલ્યું, તો બાળક હવે મા-બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલશે. આજનાં વધતાં વૃદ્ધાશ્રમો તેની સાક્ષી પુરે છે.
માતાપિતાએ સમજવું પડશે કે વધુ પડતું હોમવર્ક, મોટુમસ દફતર, મીડીયમ ઇંગ્લીશ, રેસના ઘોડાની જેમ દોડાવતી આજની બિનજરૂરી સ્પર્ધાઓ - આ બધું બહું ઘાતક છે. તેનાં પરિણામ પણ ઘાતક જ આવે. આ કારણે જ બાળક મા-બાપનું કહ્યું માનતો નથી, તોડફોડ કરે છે.
અમેરિકા પાસેથી આપણે ભણતરની બાબતે ઘણું શીખવા જેવું છે. ત્યાં નથી દફતરનો ભાર કે નથી હોમવર્ક ભાર કે નથી ભણતરનો ભાર. બાળક હોંશે હોંશે ભણે છે. જીવનમાં ઉપયોગી હોય તે ભણે છે. અનુભવ કરતું કરતું ભણે છે. અમેરિકામાં કોઈ મા પોતાનાં બાળકનું દફતર ભારેખમ હોય એ ઉપાડીને સ્કૂલ બસમાં મૂકવા જતી હોય એવું જોવા નથી મળતું.
ગુજરાતનાં મોટા શહેરનાં કેટલાયે ધનાઢ્ય કુટુંબોમાં સંતાનોની ન કહી શકાય તેવી જે સમસ્યાઓ સર્જાયેલ છે તેમાં આ ભારે ભણતર અને ઇંગ્લીશ મીડિયમનું કારણ વધુ જવાબદાર છે. મા-બાપોએ જેવું વાવ્યું તેવું લણી રહ્યાં છે. સંતાનોનો કોઈ જ દોષ નથી.

હમણા સમાચાર વાંચા કે CBSE હેઠળની શાળાઓમાં ધોરણ આઠ સુધીનાં બાળકોને હોમવર્કમાં રાહત આપવામાં આવી રહી છે. CBSEને લાખ લાખ સલામ. ગુજરાત ક્યારે સમજશે? ગુજરાતમાં જે સરકારી શાળાઓ છે તેમાં આ ભારણ નથી. જે ભારણ છે તે કહેવાતી મોટી શાળાઓમાં છે. સરકારી શાળાઓની જેમ ખાનગી શાળાઓની ગુણવત્તા પણ નિમ્ન છે. આ ‘પ્રથમ’ નામની એક રાષ્ટ્રીય સંસ્થાનો રીપોર્ટ કહી રહ્યો છે. આ હકીકત છે. અંગ્રેજી માધ્યમની શાળાઓની ગુણવત્તા પણ મધ્યમ જ છે.

13 February 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૧

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

મોટા દિકરાને ઘરે દિકરી આવી. દીકરીનો જન્મ 2014માં ગણેશ ચતુર્થીનાં દિવસે અમેરીકાનાં ન્યૂયોર્ક શહેરમાં થયો.
મોટા દીકરાનો જન્મ અમરેલીમાં થયેલો. તે વખતે હું બાબરામાં શિક્ષક હતો અને સૌરાષ્ટ્રની એક વખતની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શારદાગ્રામમાં શિક્ષકોનાં એક સેમિનારમાં હતો. નાના દીકરાનાં જન્મ વખતે અમરેલી જિલ્લાના બાબાપુર અધ્યાપન મંદિરમાં એક નિરીક્ષક તરીકે નિરીક્ષણ કરી રહ્યો હતો! બન્ને પ્રસંગોએ ગેરહાજર. પરંતુ પૌત્રીનાં જન્મ સમયે તેનાં પિતા પણ હાજર અને ભાવનગરથી છેક ન્યૂયોર્ક પહોચેલી તેની દાદીમા પણ હાજર. હા, પણ આ દાદો તો ભાવનગર ફાર્મ હાઉસમાં જ.
અમેરિકાની હોસ્પિટલની સેવા ખૂબ વખણાય છે. તેની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે તેવી હોય છે. પૌત્રીની ડીલીવરી બાબતે અમે બધાં નિશ્ચિંત હતાં. છતાં દેવી ન્યૂયોર્ક પહોંચી, દાદીમાની મીઠી ભૂમિકા અદા કરવાં. દાદી જેવું પૌત્રીને વ્હાલ કોણ કરે? સાસુ વિના પુત્રવધુને ગિર ગાયનાં ઘીમાંથી બનાવેલું કચરયું કોણ ખવરાવે?
હું નિવૃત્તિ પછી પણ બાળકેળવણીની વાત કરવાં સમગ્ર ગુજરાતમાં ભમતો હોઉં છું. આ વાતમાં સયુંકત કુટુંબની બાળક ઉપર કેવી હકારાત્મક અસર થાય છે તે પણ અચૂક કહું. એક વાત તો ભારપૂર્વક કહું જ કે, દરેક બાળકને દાદા દાદીનો પ્રેમ મળવો જ જોઈએ.
પૌત્રીનો જન્મ એક સામાન્ય ડીલીવરીથી થયો. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકામાં સામાન્ય ડીલીવરી અત્યંત સહજ અને સામાન્ય છે! ત્યાં સિઝેરિયન અસામાન્ય છે! ત્યાંની હોસ્પિટલ, ત્યાંની માવજત, ત્યાંના ડોક્ટર સહીત સમગ્ર સ્ટાફ દ્વારા દાખવવામાં આવતાં વિનયવિવેક કેવાં હોય તે અંગેની વાત દેવી પાસેથી જાણી ત્યારે લાગે છે કે આપણા દેશમાં દર્દીઓની માવજત અને તથા તેના સગાવહાલાઓ સાથે કરવામાં આવતાં વર્તન બાબતે હજુ કેટલોયે પંથ કાપવાનો બાકી છે.
અમેરિકામાં બાળકનાં જન્મ પૂર્વે માતાપિતાને બાળસંભાળની તાલીમ આપવામાં આવે છે. હોસ્પિટલ ખુદ આ ફરજ અદા કર છે. બાળકનાં જન્મ પૂર્વે, જન્મ સમયે અને જન્મ બાદ માતાપિતાએ કેવી કેવી કાળજી લેવાની થાય છે તેનું દાદુ  શિક્ષણ આપવામાં આવે છે. આ તાલીમનાં કારણે દિકરો અને પુત્રવધૂ ખૂબ જ સ્વસ્થ હતાં. તેથી અમે પણ લગભગ લગભગ નિશ્ચિંત હતાં.
માતાપિતાએ પૌત્રીનું નામ પાડ્યું ‘તાશી’. તાશીનો અર્થ થાય છે “શુભ” અથવા “શુકનિયાળ કન્યા”. દિકરો તથા પુત્રવધૂ દીકરીનું નામ ચિત્ર વિચિત્ર કે અંગ્રેજી રાખવાનાં મોહમાં ના પડ્યા તે ગમ્યું.
તાશી હજુ તો માત્ર બે માસની જ હતી ત્યાં જ અમેરિકાથી ભાવનગર આવેલી. પુત્રવધૂ શીતલ ઘણી બાહોંશ અને હિંમતવાન, તેથી મા દિકરી 15,000 કિમીની લાંબી હવાઈ મુસાફરી કરી અમારી સાથે બેક મહિના રહી ગયેલાં.
પછી દીકરા અને પુત્રવધૂના પ્રેમને કારણે દાદા-દાદી પૌત્રી તાશીને રમાડવા અમેરિકા ગયા.
આ વખતનો અમેરિકા પ્રવાસ ત્રીજી વખતનો હતો. જતાં પહેલાં દિકરા સાથે એક શરત કરેલી કે અમેરિકા આવીએ પણ આ વખતે આપણે ઘરની બહાર ક્યાંય જશું નહી. આમેય તમે અમને ભરપેટે અમેરિકા બતાવ્યું છે, હેલીકોપ્ટરમાં પણ બેસાડી પ્રવાસ કરાવ્યો છે. હવે વધારે જોવાની કોઈ તાલાવેલી નથી. આ વખતે તો બસ તાશી અને માત્ર તાશી.
તાશીના જન્મ સમયે દિકરો હડસન નદીના કાંઠે વસેલા જગવિખ્યાત ન્યૂયોર્ક સિટીના મેનહટન વિસ્તારમાં રહેતો. માતબર અને પ્રસિદ્ધ વિસ્તાર. પરંતુ હવે પુત્રીને વધુ સુવિધા મળે તે માટે હડસન નદીનાં સામા કાંઠે વસેલા જર્સી સિટી નામનાં ખૂબ સુરત સહેરમાં ઘર બદલાવ્યું છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોરવાળું અત્યંત સુવિધાવાવાળું સુંદર ઘર મળી ગયું છે. સંપૂર્ણ ઘર સફેદ રંગથી રંગાયેલું છે. ખૂબ શાંતિ મળે તેવું અને નયનરમ્ય ઘર છે.
દિકરો અને પુત્રવધૂ જાણતાં હતાં કે બાળક ઉપર ઘર, ઘરની આસપાસનાં પડોશીઓ, આસપાસનાં માનવીઓ, આસપાસનો વિસ્તાર અને તેના પર્યાવરણની ઘેરી અસર થતી હોય છે. આ કારણે તેઓએ ઘર બદલાવવાનો જે નિર્ણય લીધો તે ખુબ ગમેલો.
વિશ્વ પ્રવાસી દીકરા ગૌરવે અને પુત્રવધુ શીતલે દૂર સુધી ફરવાં નહિ જવાનું વચન પાળ્યું. અમે ઘરમાં જ પૌત્રીની સાથે મજાનો સમય પસાર કરતાં.