24 March 2017

વિશ્વ ચકલી દિન અને માનવતાની મહેક

સહુને નમસ્કાર.
આજે વિશ્વ ચકલી દિન છે.
માનવતા ઉપરાંત આ એક પ્રાયશ્ચિત દિન પણ છે.
આપણા માટે મોબાઈલ યુગ એ સુવર્ણ યુગ છે. પણ તેણે ચક્લીઓનો ભોગ લીધો છે. આપણને કૃષિમાં રસાયણ જરૂરી લાગ્યાં. પણ તેણે સમળી અને ગીધનો ભોગ લીધો છે. આજે તેનું પ્રાયશ્ચિત કરવાનો દિવસ છે. ભાવનગર રાજકોટ અને અનેક શહેર તેને માટે અનોખા કાર્યક્રમ કરી રહ્યું છે.
ભાવનગરમાં આજે અનેક જગ્યાએ ચકલીનાં માળા અને પાણીનાં કુંડાનું વિતરણ થશે. આજે કેટલીયે શાળાઓ અને સંસ્થાઓ માનવ સાંકળ અને મૌન રેલી યોજવાનાં છે.
ચકલીના માળા અને પાણીનાં કુંડા દ્વારા સન્માન એ આનંદધારાની આગવી પ્રણાલી છે. આની પાછળ પ્રાયશ્ચિત તો છે જ. સાથોસાથ માનવમુલ્ય અને મુલ્યલક્ષી શિક્ષણની સ્થાપના પણ સમાયેલી છે.
બે દિવસ પહેલાં સાવરકુંડલાનાં વતની અને પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી બાલાભાઈ વણજારાએ ચકલીના માળા અને પાણીનાં કુંડાનાં વિતરણ માટે પૂજ્ય બાપુના આનંદધારા યજ્ઞમાં રૂપિયા ૩૩૩૩ - ત્રણ હજાર ત્રણસો તેત્રીસ આપીને પોતાની આગવી ઓળખ પ્રસરાવી છે.
હાલમાં એકંદરે નબળી શારીરિક સ્થિતિ અનુભવતાં બાલાભાઈ વણજારા, પૂજ્ય બાપુએ સાવરકુંડલામાં શરૂ કરેલ પછાત બાળકો માટેની શાળાનાં કામથી ખૂબ પ્રભાવીત છે. મને પણ હું જયારે શિક્ષણાધિકારી હતો ત્યારે બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં પ્રશ્નપત્રો સાચવવામાં રાત્રીના ઉજાગરા કરીને ખૂબ સહયોગ કરેલ તે યાદ છે.
આનંદધારા મૂળભૂત રીતે માનવતાનો યજ્ઞ છે. આનંદધારા સાથે દિલથી જોડાયેલાં શિક્ષક મિત્રો પણ મીટીંગમાં આવે ત્યારે કોઈપણ પકારનું ભથ્થું લેતા નથી. આ ગુરુજીઓ પણ ચકલીના માળા અને પાણીનાં કુંડાનાં વિતરણ દ્વારા વિદ્યાર્થીમાં માનવતાનાં બીજનું વાવેતર કરવામાં સહયોગ કરીને માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.
લેવા કરતાં આપવામાં મજા છે. આ છે ભારતીય સંસ્કુતિ અને સંસ્કાર. આવાં યજ્ઞો આપણા હાથે થતાં રહે તેવી પ્રાર્થના છે.

દફતરનો ભાર દૂર કરીએ

ડો. નલિન પંડિત
પૂર્વ શિક્ષણ નિયામક, GCERT - ગાંધીનગર
તા. 15-03-2019

માન. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગર
માન. નિયામકશ્રી, GCERT - ગાંધીનગર

વિષય : વિદ્યાર્થીઓ ઉપર દફતરના બેસૂમાર ભાર ઘટાડવા કાયદો ઘડવા વિનંતી
સંદર્ભપત્ર  : આપશ્રી ઉપરનો મારો તા. ૨૪-૦૮-૨૦૧૬નો સંદર્ભપત્ર

માન. નિયામકશ્રી
નમસ્કાર
ગુજરાતનાં બાળકો ઉપર બેસૂમાર દફતરનો ભાર વેઠી બાળપણ ગુમાવી રહ્યાં છે. આપશ્રીએ આ અંગે તુરતોતુરત કાયદો ઘડવો ખૂબ જરૂરી છે.
આજસુધી તો ગુજરાતનાં ખાનગી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ દફતરનો અને હોમવર્કનો અધધધ... ભાર વહન કરી રહ્યાં છે. હવે તો જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તથા નગરપાલિકા કે કોર્પોરેશન શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં પણ આવો ભાર જોવા મળી રહ્યો છે.
થોડા સમય પહેલાં ગુજરાતમાં બહોળી પ્રસિદ્ધિ ધરાવતાં સમાચારપત્રમાં તેમજ એક રાષ્ટ્રીય ચેનલમાં દફતરનાં ભાર અંગે વિસ્તૃત અને ચોંકાવનારો અહેવાલ પ્રસિદ્ધ થયેલો. એક સમાચારપત્રમાં આવેલું કે દફતરના ભારનાં કારણે સુરતમાં એક દીકરીનો હાથ ભાંગ્યો.
થોડા વર્ષો પહેલાં ભાવનગરનાં ખૂબ જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આઈ કે વીજળીવાળાસાહેબનો લેખ પ્રસિદ્ધ થયેલ. જેમાં દફતરનાં અને હોમવર્કનાં ભારથી બાળકોને થતાં નુકશાન અંગે સંશોધન આધારિત ચોકાવનારી હકીકતો દર્શાવવામાં આવી છે. ભાવનગરના ખૂબ માનીતા અને જાણીતા દશેક જેટલાં બાળરોગ નિષ્ણાત ડોક્ટરસાહેબોએ પણ આ હકીકતને ભારપૂર્વક જણાવી છે.
દફતરનાં અધધધ....ભારનાં કારણે બાળકોને થતું ભારે નુકશાન __
  • કરોડના હાડકાઓનાં વળાંકને નુકશાન થાય છે.
  • કરોડરજ્જુની આજુબાજુના સ્નાયુઓ ખૂબ ખેચાણ અનુભવે છે, કુર્ચાને નુકશાન થઇ શકે છે.
તેના કારણે -
 -  લાંબા સમયનો દુઃખાવો થાય છે,
 -  વાંકા વળવાની અને ફરવાની ક્રિયાને નુકશાન થાય છે,
 -  ઊઠવા બેસવા ચાલવામાં ઝાડા અને પેસાબમાં તકલીફ પડે છે.
  • ખભાના સ્નાયુ અને હાડકાને નુકશાન થાય છે.
  • મણકાની ગાદી વચ્ચે રહેલાં પ્રવાહીને નુકશાન થાય છે.
  • નાની ઉમરે સ્પોન્ડીલાઇટીસ અને ઓસ્ટીઓઆર્થાઇટીસ થાય છે.
  • ૬૦% જેટલાં બાળકોને કમરદર્દની પીડા થાય છે.

આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ –
દફતરનું વજન બાળકના વજનના દશમાં ભાગનું હોવું જોઈએ!

NCERTની ગાઈડ લાઈન મુજબ –
ઉપલા ધોરણોમાં વધુમાં વધુ બે કલાક હોમવર્ક હોવું જોઈએ!!!
વિશેષ :
  • બાલમંદિર અંગે કેરાલા હાઇકોર્ટનો ચૂકાદો અનુકરણ કરવાં યોગ્ય છે.
  • Z NEWSમાં મહારાષ્ટ્રનાં બે બાળકોએ પ્રેસ કોન્ફરન્સ કરી દફતરના કારણે તેઓને જે પીડા સહન કરવી પડે છે તેની કરુણ કથા પ્રસ્તુત કરી હતી આ વિદ્યાર્થીઓએ એ પણ કહ્યું કે હવે જો શાળા દફતરનો ભાર નહિ ઘટાડે તો તેઓ શાળાનાં દરવાજે બેસી વિરોધ કરશે.
Z NEWS રીડરે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર હાઇકોર્ટે ભારે દફતર અંગે આદેશ પણ આપ્યો છે કે દફતરનું વજન વિદ્યાર્થીનાં વજનના ૧૦% જેટલું જ હોવું જોઈએ.
સરકાર જ્યાં સુધી બધાં બાળકોને ટેબ્લેટ ના આપી શકે ત્યાં સુધી દફતર અને હોમવર્કનો ભાર ઘટાડવા અંગે કાયદો ઘડી ગુજરાતનાં લાખો બાળકોનાં ઉજળા ભવિષ્યને બચાવવું ખૂબ જરૂરી છે.

આભાર.
આપનો અને બાળકોનો   
ડૉ. નલિન પંડિત