સહુને નમસ્કાર.
આજે વિશ્વ ચકલી દિન છે.
માનવતા ઉપરાંત આ એક પ્રાયશ્ચિત દિન પણ છે.
આપણા માટે મોબાઈલ યુગ એ સુવર્ણ યુગ છે. પણ તેણે ચક્લીઓનો ભોગ લીધો છે. આપણને કૃષિમાં રસાયણ જરૂરી લાગ્યાં. પણ તેણે સમળી અને ગીધનો ભોગ લીધો છે. આજે તેનું પ્રાયશ્ચિત કરવાનો દિવસ છે. ભાવનગર રાજકોટ અને અનેક શહેર તેને માટે અનોખા કાર્યક્રમ કરી રહ્યું છે.
ભાવનગરમાં આજે અનેક જગ્યાએ ચકલીનાં માળા અને પાણીનાં કુંડાનું વિતરણ થશે. આજે કેટલીયે શાળાઓ અને સંસ્થાઓ માનવ સાંકળ અને મૌન રેલી યોજવાનાં છે.
ચકલીના માળા અને પાણીનાં કુંડા દ્વારા સન્માન એ આનંદધારાની આગવી પ્રણાલી છે. આની પાછળ પ્રાયશ્ચિત તો છે જ. સાથોસાથ માનવમુલ્ય અને મુલ્યલક્ષી શિક્ષણની સ્થાપના પણ સમાયેલી છે.
બે દિવસ પહેલાં સાવરકુંડલાનાં વતની અને પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી બાલાભાઈ વણજારાએ ચકલીના માળા અને પાણીનાં કુંડાનાં વિતરણ માટે પૂજ્ય બાપુના આનંદધારા યજ્ઞમાં રૂપિયા ૩૩૩૩ - ત્રણ હજાર ત્રણસો તેત્રીસ આપીને પોતાની આગવી ઓળખ પ્રસરાવી છે.
હાલમાં એકંદરે નબળી શારીરિક સ્થિતિ અનુભવતાં બાલાભાઈ વણજારા, પૂજ્ય બાપુએ સાવરકુંડલામાં શરૂ કરેલ પછાત બાળકો માટેની શાળાનાં કામથી ખૂબ પ્રભાવીત છે. મને પણ હું જયારે શિક્ષણાધિકારી હતો ત્યારે બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં પ્રશ્નપત્રો સાચવવામાં રાત્રીના ઉજાગરા કરીને ખૂબ સહયોગ કરેલ તે યાદ છે.
આનંદધારા મૂળભૂત રીતે માનવતાનો યજ્ઞ છે. આનંદધારા સાથે દિલથી જોડાયેલાં શિક્ષક મિત્રો પણ મીટીંગમાં આવે ત્યારે કોઈપણ પકારનું ભથ્થું લેતા નથી. આ ગુરુજીઓ પણ ચકલીના માળા અને પાણીનાં કુંડાનાં વિતરણ દ્વારા વિદ્યાર્થીમાં માનવતાનાં બીજનું વાવેતર કરવામાં સહયોગ કરીને માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.
લેવા કરતાં આપવામાં મજા છે. આ છે ભારતીય સંસ્કુતિ અને સંસ્કાર. આવાં યજ્ઞો આપણા હાથે થતાં રહે તેવી પ્રાર્થના છે.
No comments:
Post a Comment