24 May 2017

ભાવનગર રેલમછેલ


પ્યારાં ભાવનગરવાસીઓ

નમસ્કાર.

મારાં મનમાં ભાવનગર શહેર અને જિલ્લાને પાણીથી રેલમછેલ્ બનાવવાની કેટલીક યોજનાઓ બેઠી છે. જે આપ સહુનાં સમક્ષ મૂકું છું.

ભીકડા કેનાલ ઉપર મારી ઈકો ફ્રેન્ડલી વાડી છે. અહીં પરમાર્થીઓને આવકારતાં આનંદ થાય છે. આ વાડીમાં નવેમ્બર માસથી પાણીનું ટીપુંય નથી, મુશ્કેલીનો પાર નથી. જો કે વાડીમાં વરસાદનાં પાણીનો સંગ્રહ છે. રામ કૃપાથી પીવાનાં પાણી માટે અને પરબનાં પાણી માટે ચિંતા નથી.

રામનું નામ લેતા લેતા આ વિસ્તારને પીવાનું અને ખેતીનું પૂરતું પાણી કેમ મળે તે અંગેના વિચારો સ્ફૂરવા લાગ્યાં.

કેટલીક યોજનાઓ ધ્યાને આવી.

આ યોજનાઓ માત્ર શેન્ત્રુજી ડેમના હેઠવાસ માટે જ છે તેમ વિચારતો હતો. પરંતુ વધુ વિચારતા સમજાયું કે આ યોજનાઓથી તો ભાવનગરવાસીઓ માટે પાણીની રેલમછેલ્ સમાન છે.

મારાં મનમાં બેઠેલી યોજનાઓમાં પૈકી, દહેજ ઘોઘા દરિયામાં પાણીની પાઈપ લાઈનવાળી યોજના તો કમાલની યોજના છે. 

આ યોજના થકી માત્ર ભાવનગર જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના જળાશયો ભરી શકાય. આ યોજના ખૂબ સસ્તી અત્યંત સરળ અને ટૂંકાગાળામાં પૂર્ણ કરી શકાય તેવી છે.

પ્રબુદ્ધ અને પ્યારાં ભાવનગરવાસીઓ વિચારો. રામનું નામ લો... પ્રાર્થના કરો.

સલામ - અભિનંદન: તાજેતરમાં જ ઘોઘા દહેજ દરિયા માર્ગે પુલ બનાવવાની યોજના વિશે સમાચારપત્રમાં વાંચ્યું. આનંદો. વિચારકમિત્રોને સલામ. આ માટે મારી પણ પ્રાર્થના છે.

----

પાણી માટે એક નહિ પણ અનેક યોજનાઓ થઇ શકે તેમ છે.

(૧) પાલીતાણા શેત્રુંજી ડેમનું પાણી છલકાય ત્યારે તે પાણી ભીકડા કેનાલમાં અને ત્યાંથી બોરતળાવમાં લાવી શકાય. આ માટે બે યોજના શક્ય છે.

  • શેત્રુંજીની ભીકડા નજદીકની કેનાલને માત્ર પાંચ દશ કિલોમીટર સુધી લંબાવી તેમાં પાણી લાવી તેને ભીકડા ડેમમાં અને ત્યાંથી બોર તળાવમાં લાવી શકાય.
  • શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેરને પાણી પૂરું પાડતી ત્રણ પાઈપ લાઈન મોજુદ છે. બે તદન બિન ઉપયોગી છે. તેનો ઉપયોગ કરી તેમાં પાણી લાવી ભીકડા ડેમમાં અને ત્યાંથી બોર તળાવમાં લાવી શકાય.


(૨) સિદસર પાસેથી પસાર થઈને પાણીનું ટીપું પણ આપ્યા વિના બીજા જિલ્લામાં/ ઉદ્યોગમાં માટે લઇ જવાયેલ ખૂબ જ મોટી પાઈપ લાઇનનું પાણી બોરતળાવમાં અને અન્યત્ર આપી શકાય.

(૩) દહેજ પાસે દરિયામાં જતું નર્મદા મૈયાનું પાણી ઘોઘા કાંઠે લાવવામાં આવે. સરકાર દરિયામાં હજારો કિલોમીટરની પાઈપ લાઈન નાખી આરબ દેશોનું ક્રુડ ઓઈલ ગુજરાત કાંઠે લાવવાની છે. આ રીતે જ દરિયામાં માત્રને માત્ર વીસેક કિલોમીટરની પાઈપ લાઈન નાખી દહેજ પાસેથી દરિયામાં જતું નર્મદા મૈયાનું પાણી ઘોઘા કાંઠે લાવી શકાય. ઘોઘા કાંઠેથી પાણી સમગ્ર જિલ્લાને આપી શકાય.

આભાર.

08 May 2017

ભાર વિનાનું દફતર - ભાવનગરની શૈક્ષણિક સંસ્થાઓની આગવી પહેલ




ભાર વિનાનાં દફતર અંગેની એક બેઠક ભાવનગરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ (spei)મા તા. ૦૫-૨૦૧૭નાં રોજ યોજાઈ ગઈ.
આ બેઠક અનેક રીતે આગવી પહેલ સમાન બની રહી.
  • બેઠક અગ્રણી સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ spei દ્વારા આયોજિત હતી.
  • બેઠકમાં અન્ય નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, સમન્વય, P4P, આચાર્યસંઘ, અન્ય નામાંકિત સંસ્થાઓ અને જાગૃત વાલીઓ જોડાયા હતાં.
  • બેઠકને ગુજરાતનાં નામાંકિત બાલરોગ નિષ્ણાત ડૉ.આઈ કે વીજળીવાળાસાહેબે માર્ગદર્શિત કરી હતી. આંતરરાષ્ટ્રીય હકીકતો, સંશોધનો અને જાત અનુભવ ભરેલી કહાની ખૂબ જ હૃદયદ્રાવક બની રહી.
  • વીજળીવાળાસાહેબે અનેક દેશોનાં મજુરોએ વહન કરવાનાં ભાર અંગેના ધોરણો જણાવ્યાં. કમનસીબી અને કરુણતા એ છે કે આપણા બાળકો વય મુજબ મજુરો કરતાં પણ વધુ વજનનાં દફતરનો ભાર વહન કરી રહ્યાં છે.
  • લોકભારતી સણોસરાનાં ડૉ અરુણભાઈ દવેની ઉપસ્થિતિ વિશેષ બની રહી. તેઓએ દફતરનો ભાર ઘટાડવાની પહેલને આવકારી. દિશાદર્શન સાથે તમામ સહયોગની ખાતરી આપી.
  • સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ speiનાં સંવેદન ટ્રસ્ટી શ્રી જાગાણીસાહેબ અને સંસ્થાની કટિબદ્ધતાએ સહુ કોઈને ખૂબ પ્રોત્સાહિત કર્યા.

બેઠકની ફલશ્રુતિ
  • ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ- spei અને બીજી પાંચેક સંસ્થાઓએ ખુલતા વેકેશનથી ભાર વિનાનાં દફતર અંગે પોતાની કટિબદ્ધતા દર્શાવી.
  • સંચાલક મંડળના પ્રયાસોથી ટૂંક સમયમાં ભાવનગરની નામાંકિત સંવેદનશીલ સંસ્થાઓ જોડાશે.
  • પ્રચાર અને પ્રસાર માટે ડૉ.આઈ કે વીજળીવાળાસાહેબ પોતે એક ડોક્યુમેન્ટરી બનાવી આપશે.
  • પ્રચાર અને પ્રસાર માટે એક પુસ્તિકા / પેમ્ફલેટ તૈયાર કરવાનું નક્કી થયું.  

વિશેષમાં
  • અમરેલી જીલ્લાની ધારી તાલુકાની એક પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાએ દફતર મુક્ત શાળા બનાવવાનો સંકલ્પ જાહેર કરેલ છે.
  • ભાવનગરના તળાજા તાલુકાની એક માધ્યમિક શાળાનાં આચાર્યશ્રીએ પોતાની શાળામાં દફતરનો ભાર ઘટાડવા બાર ધોરણ સુધી સ્લેટ પેનના પ્રયોગની સફળ કહાની પ્રસ્તુત કરી.
  • ભાવનગર પેન્શનર મંડળે ઉપવાસમાં જોડવાની ખાતરી આપી.
સહુનાં સહિયારા પ્રયાસથી ચારે દિશાએથી શુભ સમાચાર મળી રહ્યાં છે.