29 December 2015

શિક્ષણની ગુણવત્તા - પત્ર



શિક્ષણની ગુણવત્તા


ડૉ. નલિન પંડિત
(nalin.pandit@gmail.com)
પૂર્વ નિયામક, GCERT ગાંધીનગર
તા. ૨૯ December, ૨૦૧૫

પ્રતિ,
માન. મુખ્ય મંત્રીશ્રી - ગુજરાત રાજ્ય,
માન. શિક્ષણ મંત્રીશ્રી - ગુજરાત રાજ્ય,
માન. રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી - ગુજરાત રાજ્ય,
માન. મુખ્ય સચિવશ્રી - ગુજરાત રાજ્ય,
માન. શિક્ષણ સચિવશ્રી - ગુજરાત રાજ્ય,
માન. પ્રબુધ્ધજનો

પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બાબતે સરકારથી માંડી સહુ કોઈ ખૂબ ચિંતીત છે. પરંતુ તેનો ઉપાય શું?
શિક્ષણમાં ગુણવત્તા સુધારવી સરળ છે. ગુણવત્તા સુધારવાનાં બે સરળ અને સચોટ ઉપાય છે.

૧. શૈક્ષણિક ઉપાય

  • પ્રાથમિકમાં ભણતાં 20% થી 25% બાળકો ડિસ્લેક્સિક છે. પંચાયતની શાળાઓમાં તેનું પ્રમાણ વધારે છે.
  • ડિસ્લેક્સિઆ એ કોઈ બિમારી નથી. કુદરતી ઉણપ છે.
  • ડિસ્લેક્સિક બાળક સામાન્ય બાળક જેટલો કે તેનાથી પણ વધારે બુધ્ધિઆંક ધરાવે છે. ક્યારેક પ્રતિભાશાળી પણ હોય છે.
  • ડિસ્લેક્સિક બાળકને વધુ ભણાવવાથી તે ભણવામાં વધુ નબળા પડે છે, એવું સંશોધનો કહે છે.
  • ગુણોત્સવમાં ડિસ્લેક્સિક બાળકોને નબળા કે ઠોઠ ગણી તેના ઉપર જ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે!!

૨. વહીવટી ઉપાય

  • કેળવણી નિરીક્ષક થકી ગુણવત્તામાં સારો સુધારો લાવી શકાશે. વિશ્વાસ રાખો. પશ્ચિમનાં દેશોમાં ઇન્સ્પેક્શન, સુપરવિઝન કે મોનીટરીંગ ઉપર જ વિશેષ ધ્યાન આપવામાં આવે  છે.
  • કેળવણી નિરીક્ષકની ખાલી રહેલી જગ્યાઓ તુરત ભરો. એટલું જ નહિ આ કેડરની  જગ્યામાં શક્ય તેટલો વધારો કરવો ખૂબ જરૂરી છે.
  • આજે કેટલાયે કેળવણી નિરીક્ષકો સારા છે. તેમ છતાં અત્ર તત્ર સર્વત્ર સામાન્યતઃ કેળવણી નિરીક્ષકની કેડર પ્રત્યે સહાનુભૂતિ નથી. પરંતુ તેનો ઉપાય છે જ. કેળવણી નિરીક્ષકની ફરજ અને ટ્રાન્સપરંસી અંગે નવેસરથી નિયમો બનાવી શકાય.
  • આ કેડરનું સશક્તિકરણ થવું ખૂબ જરૂરી છે.

- નલિન પંડિત

24 December 2015

અભ્યાસક્રમ અંગે સુચનો : સતપથને ટેકો આપજો


તાજેતરમાં MHRD - નવી દિલ્હી નિયુક્ત નવી શિક્ષણ નીતિ માટે રચાયેલી કમિટી ગાંધીનગર આવી ગઈ. કમિટી દ્વારા ગુજરાત અને આસપાસનાં રાજ્યોના શિક્ષણ સાથે જોડાયેલાઓ પંદર વીસ મહાનુભાવોને ચર્ચા અને સુચનો માટે બોલાવવામાં આવેલાં. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છું કે મને પણ નિમંત્રણ આપ્યું.  પણ ગયો નહિ.!! સરકાર મને માફ કરે.  


આ અગાઉ ચારેક વરસ પહેલાં, MHRD/NCERT દ્વારા નિયુક્ત પ્રો. યશપાલજીની અધ્યક્ષતાવાળી ૧૫-૨૦ સદ્દ્સ્યોની થીંક ટેંકમાં મારો સમાવેશ કરેલો, પણ સાભાર અસ્વીકાર કરેલો. કારણો હતા.


આ અગાઉ બેક વરસ પહેલાં, ગુજરાત સરકારે મને ભાવનગર જિલ્લા માટે નરેગા યોજના માટે લોકાયુક્ત નીમેલો, પણ સાભાર અસ્વીકાર કરેલો. કારણ હતું.


આ વખતે પણ ન જવા પાછળનાં કારણો હતા. તે આપ સહુને જણાવું.

અભ્યાસક્રમ તો સારો બને છે. પરંતુ ભૂલ તે પછીના અમલીકરણમાં થાય છે. અમલીકરણમાં હું કે તમે કશું જ કરી શકીએ તેવી પરિસ્થિતિ નથી. હું અગાઉ પણ હોદ્દાની રૂએ આ પ્રક્રિયામાં જોડાયેલો હતો. તેથી આધારભૂત રીતે કહી શકું તેમ છું.


મારાં અનુભવે અમલીકરણમાં જે ભૂલો થાય છે, તે કઈક આવી છે :

(૧) અભ્યાસક્રમમાં માતૃભાષામાં શિક્ષણ, સંગીત, પ્રાર્થના, પરિશ્રમ, સમૂહ જીવન, રમત, સ્કાઉટ-ગાઈડ,

    એનસીસી, યોગ, પ્રવાસ, પ્રયોગ, શારીરિક શિક્ષણ, અનુભવ, અનુબંધ વિગેરે હૃદયની કેળવણી

   આપતાં વિષયોનો સમાવેશ થયેલો હોય છે. પરંતુ સિલેબસ બનાવતી વખતે હૃદયની કેળવણીને

   મહત્તમ ભાર આપવાને બદલે, તેને કોર સબ્જેક્ટ ગણવાને બદલે, હૃદયની કેળવણીને સબ્સીડરી-

   ગૌણ ગણી કાઢવામાં આવે છે.  

·        માતૃભાષામાં શિક્ષણ, સંગીત, પ્રાર્થના, પરિશ્રમ, સમૂહ જીવન, રમત, સ્કાઉટ-ગાઈડ, એનસીસી, યોગ, પ્રવાસ, પ્રયોગ, શારીરિક શિક્ષણ, સંસ્કૃત, અનુભવ, અનુબંધમાં જ ભારતની અસલી અસ્મિતા છૂપાયેલી છે, તે ભુલાય જાય છે.

( પૂર્વના વિકસિત દેશો પણ હવે આ તરફ વળી રહ્યાં છે. પૂર્વના વિકસિત અને ધનાઢ્ય દેશોમાં  તો પહેલેથી જ યુનિવર્સિટી સુધીનું શિક્ષણ માતૃભાષામાં જ છે.

આપણા મેકોલેબ્રાન્ડ અધિકારીઓ અને ભાંડુઓ સમજતા નથી તેનું દુઃખ છે. સમજશે ત્યારે વૃદ્ધાશ્રમમાં શરણ પામ્યાં હશે.)

·        આ વિષયોમાં જ હૃદયનું શિક્ષણ સમાયેલું છે. તે ભુલાય જાય છે.

વિદ્યાર્થીને માનવ બનાવવા બીજા કોઈ વિષયો નથી. તે ભુલાય ગયું છે.

(૨) સિલેબસ આધારિત બનતાં પુસ્તકો તેનો માર્ગ ભૂલી ગયા જાય છે.  


(૩) ગુજરાતી પાઠ્યપુસ્તકો ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહનાં પુસ્તકો અગડમ બગડમ છે.


(૪) પાઠ્યપુસ્તકો ભદ્રંભદ્ર અને બિનજરૂરી માહિતીથી ભરેલાં થોથા છે. સનિષ્ઠ શિક્ષકોને પણ

     ભણાવવામાં સમય ઓછો પડે છે. ખુદ શિક્ષકોને પણ સહેલાઈથી સમજી શકે તેમ નથી!! લેખકો     

     સમગ્ર પુસ્તકને સમજી શકતાં હશે કે કેમ? આ મોટો સવાલ છે!!


(૫) કેટલી બધી શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે? માથા વિનાની શિક્ષણ સંસ્થાઓ કેવી

    ચાલતી હશે? 


(૬) સરકારી અને ગ્રાન્ટેડ કેટલી બધી શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ છે? નક્કી કોઈક ચાલ છે.


(૭) હૃદય શિક્ષણ માટેનાં વિષયોનાં શિક્ષકોની ભરતી જ બંધ કરી દેવામાં આવી છે. યાદ કરો મેકોલેને!


(૮) શિક્ષણ સંસ્થાઓને જોનારું, તપાસનારુ, માર્ગદર્શન આપનારું કોઈ રહ્યું નથી. જોનારા પૈકી કેટલાયે

    ભૂતકાળમાં બદનામી વહોરી છે. તેથી શું? તેઓને કન્ટ્રોલ કરવાની સતા તો શિક્ષણ વિભાગનાં

     હાથમાં જ હતી.   


(૯) શિક્ષણ બિન અનુભવીઓ અધિકારીઓના હાથમાં જઈ પડ્યું છે. આ અધિકારીઓ પાસે નીતિરીતિ

     ઘડવાની સત્તા અને અમલ કરવાની મહત્તમ સત્તા છે. શિક્ષણ સીવાયના અધિકારીઓ દ્વારા,

    શિક્ષણની કેડરને નબળી બનાવી દેવામાં આવી છે.

(10) સ્વાયતત્તા એ શિક્ષણનો પ્રાણ છે. સરકારનાં સ્વપ્નમાં પણ સ્વાયતત્તા આવતી નથી!!

આજે જયારે રોબોટ પેદા કરતાં વિષયોની બોલબાલા છે, આજે જયારે ગોખાણીયા શિક્ષણની બોલબાલા છે, આજે જયારે વિદ્યાર્થીઓ આપઘાત કરે છે અને જવાબદાર મોજ કરે છે, તેવો ઘાતકી સમય છે, ત્યારે  સહુ પ્રત્યે સન્માનની ભાવના રાખીને પણ ના છુટકે આ લખવું એને હું મારી ફરજ સમજુ છું.


આ બધું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણને વિશેષ લાગુ પડે છે

 

આવી દુઃખદ સ્થિતિમાં પણ,

પ્રાથમિક પ્રશિક્ષણને લગતી સંસ્થાનો માટે આનંદના સમાચાર જાણ્યા અને માણ્યા!!


તાજેતરમાં ગુજરાતમાં પ્રશિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાના પ્રાચાર્યોની ત્રણ દિવસીય બેઠક મળી. બેઠકની શરૂઆત સણોસરા લોકભારતીમાં થઇ. ગુજરાત અને દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવી શકે તેવી આ સંસ્થામાં શુભ શરૂઆત થઇ. તેનો આનંદ છે. ખૂબ આનંદ છે.


સણોસરા લોકભારતીમાં માત્ર તમે માત્ર હરોફરો, શાંતીથી બધું જુઓ અને સમજો એટલે પણ હૃદયનું શિક્ષણ કોને કહેવાય તેની ઝલક પામી શકો!! લોકભારતી એ સૌરાષ્ટ્રની 'એ ગ્રેડ' પામેલી સંસ્થા છે. લોકભારતી એ આજનાં શિક્ષણની કોઇપણ સમસ્યાનો સચોટ ઉકેલ આપતી સંસ્થા છે.

આ બેઠકમાં જેને ગઈકાલ સુધી PTC કહેતા હતાં અને આજે જેને Di. El. Ed. (ડીએલએડ) કહેવાય છે, તે અંગે થોડા સુચનો કરવાનો અવસર મળ્યો.


અહીં મેં ભારપૂર્વક જણાવ્યું કે ­_


પ્રાથમિક શિક્ષણની મુખ્ય અને એક માત્ર જવાબદારી વિદ્યાર્થીને માનવતાવાદ્દી બનાવવાની છે.

કારણ ... 

 વિદ્યાર્થીને માનવતાવાદ્દી બનાવવાની મહત્તમ તક પ્રાથમિક શિક્ષણ સમયે જ મળે છે.

વિદ્યાર્થીને માનવતાવાદ્દી બનાવવા માટે પ્રાથમિક શિક્ષણમાં હૃદયની કેળવણીને પ્રાધાન્ય આપવું જ જોઈશે.

જ્ઞાન માટે તો વિદ્યાર્થી પાસે માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કોલેજ, યુનિવર્સિટી આ બધું જ છે. અનેક વરસોનું શિક્ષણ છે.

જો જો આવો રૂડો અને મંગલકારી અવસર ચૂકાય ના.

 


આપણે મોટી મોટી વાતો કરીએ છીએ  --

·       ભારતીય અસ્મિતાની

·       ગાંધીજી, વિનોબા અને રવીન્દ્રનાથજીના શિક્ષણની

·       ચારિત્ર્ય, નીતિ, મુલ્ય અને કૌશલ્યથી ભરેલાં શિક્ષણની

આ બધી જ વાતો સંપૂર્ણપણે સાચી છે

તો પણ આજનું શિક્ષણ ખાડે કેમ જઈ રહ્યું છે?!

કારણ હૃદયની કેળવણી નથી.

 આજનાં સમયની માંગ છે હૃદયની કેળવણીની.


હૃદયની કેળવણી માટે

સંગીત, પ્રાર્થના, પરિશ્રમ, સમૂહ જીવન, રમત, યોગ, પ્રવાસ, પ્રયોગ, શારીરિક શિક્ષણ, સંસ્કુત  જીવન કૌશલ્યો વિગેરેને કોર સબ્જેક્ટ ગણવા જ પડશે.

અન્યથા દેશ અને ગુજરાત હજુ પણ વધારે ખાડે જશે.


મને આનંદ છે કે, GCERT નિયુક્ત, Di. El. Ed. અભ્યાસક્રમ કમીટીએ અભ્યાસક્રમમાં આ વિષયોને આવરી લીધા છે. સહુને લાખ લાખ અભિનંદન.


તેમ છતાં મારી એક વિનંતી છે કે, આ વિષયોને સબ્સીડરી ન ગણતા કોર વિષય તરીકે જ સ્થાન પામે તે માટે પૂરતા પ્રયત્ન કરજો.

આવો અવસર ફરી ફરીનેનહિ મળે.


મને GCERT અને તેની થીંક ટીમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.

મને DIETનાં અધ્યાપકમિત્રો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.

મને વર્ષો જૂની કે બુનીયાદી શિક્ષણની PTC સંસ્થાનો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.

તેઓ સહુ કોઈ આ સતપથને ટેકો આપશે જ.


GCERT, DIET અને PTCનાં સંગાથી મિત્રો, આપણે સાથે મળીને ભૂતકાળમાં આ તરફની દિશા પકડી હતી, પણ ....


મને ખાતરી છે કે શિક્ષણને સમજનારા સહુ કોઈનો પણ

હૃદયની કેળવણીનાં સતપથને ટેકો મળશે જ.

 


આ વરસની છેલ્લી સલામ.

૨૦૧૬ની સાલ ગુજરાતનાં બાળકો માટે અને આપણા સહુ માટે મંગલકારી બની રહે તેવી પ્રાર્થના.


| બાલ દેવો ભવ |

 

02 December 2015

શિક્ષણને લકવો લાગ્યો છે


શિક્ષણને લકવો લાગી ગયો છે - આ કહ્યું છે, આપણા મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ!!

વિક્રમ સારાભાઈએ સને ૧૯૬૩માં આમ કહ્યું. તેઓ ત્યારના શિક્ષણથી ખૂબ દુઃખી હતાં. તેઓ યુનિવર્સીટીનાં અભ્યાસક્રમમાં સમૂળગો બદલાવ લાવવા માંગતા હતાં. આ માટે તેઓએ ગુજરાત યુનિવર્સીટીનાં ઉપકુલપતિ તરીકે ઉમેદવારી પણ કરી....પણ હારી ગયા.

સને ૧૯૬૩નાં ગાળામાં હું હાઇસ્કુલમાં ભણતો હતો. તે પછી હું વિજ્ઞાન શિક્ષક પણ હતો અને વિજ્ઞાન નિરીક્ષક/ સલાહકાર પણ હતો. અમારાં સમયનાં શિક્ષણ કરતાં તો આજનું શિક્ષણ સાવ કથળી ગયું છે. તેવું અમે સ્પષ્ટ અનુભવી રહ્યાં છીએ.

આજનાં શિક્ષણ વિશે રાષ્ટ્રીય અભ્યાસક્રમના ચેરમેન માન.યશપાલજી કહે છે કે આજનું શિક્ષણ ખાડે ગયું છે.

હવે તમે જ કહો કે, સર્વશ્રી વિક્રમ સારાભાઈ આજે જો હયાત હોત તો -
·        આજનાં શિક્ષણ વિશે શું કહેત?
·        આજની શાળાઓની પ્રયોગશાળાઓને તાળા લાગેલાં જોઈને શું કહેત?
·        આજનાં ગોખાનીયા શિક્ષણને જોઈને શું કહેત?
·        વિદ્યાર્થીઓને નકામાં શિક્ષણનાં ભારથી આપઘાત કરતાં જોઈને શું કહેત?
સર્વશ્રી વિક્રમ સારાભાઈ યુનિવર્સીટીનાં અભ્યાસક્રમમાં બદલાવ કરી શક્યા હોત તો -
·        તો આજનું શિક્ષણ કેવું હોત? 

    વિક્રમસારાભાઈ જીવનની છેલ્લી ભૂમિકામાં શિક્ષક બની રહેવા ઇચ્છતા હતાં.
સને ૧૯૬૩ સુધીનાં શિક્ષણ ઉપર તો મેકોલેની અસર હતી. તે સમયનાં શિક્ષણશાસ્ત્રીઓ પણ મેકોલેબ્રાન્ડ પદ્ધતિની અસર હેઠળ હશે. તેથી લકવાગ્રસ્ત શિક્ષણ હતું. તે સમજી શકાય છે. તો પણ બુનીયાદી શિક્ષણ બચી જવા પામેલ.
પણ આજે કોની અસર હેઠળ શિક્ષણ ખાડે ગયું.

મારું માનવું છે કે આજનાં શિક્ષણમાં IAS અને GAS  કેડરના અધિકારીઓની મહત્તમ ચંચૂપાત છે. સચિવાલયની સંપૂર્ણ પકડ છે. બંનેને શિક્ષણની સમજ નથી નથી અને નથી. આ મુખ્ય કારણો છે.  તેઓને સોનાની લગડી જેવું બુનીયાદી શિક્ષણ પણ સમજાતું નથી અને શિક્ષણમાં સ્વાયતત્તા પણ સમજાતી નથી.

અધૂરામાં પૂરું અમારી શિક્ષણ કેડરને પણ પાંગળી બનાવી દેવામાં આવી. તેઓમાંથી કેટલાકને આજનાં શિક્ષણનાં મૃત શરીરને ચૂથવામાં મજા આવી રહી છે. એક સંતને પણ નહિ મૂકવાનો એક પ્રસંગ મારી માટે બહું વેદનાપૂર્ણ છે.

આજનાં શિક્ષણમાં IAS અને GAS કેડરના અધિકારીઓએ સ્પર્ધાનો સેતાન દાખલ કરી દીધો છે. શિક્ષણશાસ્ત્રીઓમાંથી કેટલાયે આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ રહ્યાં છે. શિક્ષણમાં સ્પર્ધા ના હોય. જુઓ શિક્ષણમાં વિશ્વપ્રસિદ્ધ ફીનલેન્ડનું શિક્ષણ. IAS અને GAS  કેડર સ્પર્ધા સીવાય બીજું વિચારી પણ શું શકે? વાંક આ કેડરનો નથી. વાંક આ કેડરને શિક્ષણમાં લાવનારાઓનો છે.
'ડૉ. વિક્રમ સારાભાઈ' આ નામે એક પુસ્તિકા બહાર પાડીને 'વિચારવલોણું' સામયિકે ખૂબ કલ્યાણનું કામ કરેલ છે. આ પહેલાં પણ વિશ્વપ્રસિદ્ધ ફીનલેન્ડનાં શિક્ષણ ઉપર 'વિચારવલોણું' સામયિકે ખૂબ મૂલ્યવાન માહિતી પીરસી હતી.

'વિચારવલોણું'  સામયિકનો ખૂબ ખૂબ આભાર.

19 November 2015

વાલી શિક્ષણ : શિક્ષણ સમજાતું નથી

એક સમય હતો જયારે હું ખુદ વાલી શિક્ષણની જરૂરિયાતને સમજી શકતો ન હતો. છતાં હું તે સમયે  શિક્ષણની નામાંકિત સંસ્થાન GCERTમાં અધિક નિયામક તરીકે ફરજ બજાવતો હતો!!!

આ પહેલાં હું શિક્ષક પણ હતો, હું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી અને પોરબંદરની નામાંકિત તાલીમી કોલેજનો પ્રિન્સીપાલ પણ રહી ચુકેલો. તો પણ મને વાલીશિક્ષણની અગત્યતા અને જરૂરિયાત સમજાણી ન હતી. (જો કે ત્યારે આજનાં જેવું તણાવયુક્ત અને ગોખણયુશિક્ષણ ન હતું અને છતાં પ્રગતી સારી થતી હતી.)

ખરેખર શિક્ષણને સમજવું બહું અઘરું છે અને તેમાંયે કેળવણીને સમજવી તો તેનાથી પણ અઘરી છે. શિક્ષક બનવાથી કે સંચાલક બનવાથી કે અધિકારી બની જવાથી કે કોઇપણ હોદ્દો ગ્રહણ કરી લેવાથી  શિક્ષણ સમજી જાતું નથી. આ કડવું સત્ય છે. એટલે લગભગ આ મિત્રો કે જેઓ અધૂરા ઘડા સમાન છે તેઓ શિક્ષણની અધોગતિ માટે જવાબદાર બની રહેતા હોય છે.

આજે જયારે PARENTING FOR PEACE (P 4 P)નું અભિયાન શરૂ થયું છે, સારી જાગૃતિ દાખવી રહ્યું છે, ત્યારે મને વડોદરાનાં સન્માનીય વડીલ શ્રી જયંતભાઈ શુક્લજી, પૂજ્ય સ્વ. પરાગજીબાપુ અને સાથીદારોએ શરૂ કરેલાં વાલીઓ માટેનાં અધ્યાપન મંદિરની યાદ આવે છે. આ વાત મને ત્યારે નહોતી સમજાતી. ખરું કહું તો હાસ્યાસ્પદ પણ લાગી હતી. જો એ વાત ત્યારે સમજાઈ હોત તો GCERTમાં રહીને વાળી જાગૃતિ માટે ઘણી મોટી સેવા કરી શકાય હોત.

ખેર, ભૂલ થઇ ગઈ. ભૂલનો સ્વીકાર કરવો જ રહ્યો.

આજે શિક્ષણ ગોથા ખાઈ રહ્યું છે તેનું કારણ શિક્ષણનો અનુભવ નહિ ધરાવતાં અને શિક્ષણની સમજદારી નહિ ધરવતા અધિકારીઓ અને પદ્દાધીકારીઓના હાથમાં સતા આવી ગઈ છે તે છે, તેવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આજે મારાં હાથમાં બાલશિક્ષણનું વડોદરાથી પ્રકાશીત થતું એક બેનમૂન સામયિક 'બાલમૂર્તિ' છે. તેમાં સન્માનીય જયંતભાઈ શુક્લનો લેખ છે, તેમાં તેઓશ્રીએ જે નિચોડ આપ્યો છે તે આપણા સહુ માટે અમૃત સમો છે. આ અમૃતમાં આપને ગિજુભાઈ બધેકા કે મેડમ મોન્ટેસરીનાં દર્શન અચૂક થશે.

·        જો બાળકને વખોડશો તો તે તિરસ્કાર કરતાં શીખશે.

·        જો બાળકનો વિરોધ કર્યા કરશો તો તે ઝગડાખોર બનશે.

·        જો બાળકને હસી કાઢશો તો તે શરમ અનુભવ્યા કરશે.

·        જો બાળકને અપમાનિત કરશો તો તે ગુનેગારની વૃતિ કેળવશે.

અને જો --

·        બાળકની સાથે સહનશીલ રહેશો તો તે ધીરજવાન બનશે.

·        બાળકને પ્રોત્સાહન આપશો તો તે આત્મવિશ્વાસ કેળવશે.

·        બાળકની પ્રશંસા કરશો તો તે બીજાની કદર કરતાં શીખશે.

·        બાળકની સાથે સમતોલ વ્યવહાર કરશો તો તે ન્યાયી બનશે.

·        બાળકને સલામતી આપશો તો તે નિર્ભય બનશે.

·        બાળકને મૈત્રીપૂર્ણ વ્યવહાર મળશે તો તેણે સમસ્ત વિશ્વમાં પ્રેમ દેખાશે.

આ બધું આપણે 'મૂછાળી મા' ગિજુભાઈ બધેકા નેવું વર્ષ પહેલાં કહી ગયા છે. તેમનું સાહિત્ય આજે પણ અમૂલ્ય છે. તેમનું સાહિત્ય આજે પણ વિશ્વસ્તરનું છે. આપ સહુને મનુભાઈ પંચોલી(દર્શક)ના વ્યાખ્યાનો લખેલું 'વિશ્વ શાંતિની ગુરુકિલ્લી' વાંચવા વિનંતી છે.

 

બાલશિક્ષણનાં સહુ સેવાભાવીઓને વંદન.

| બાલ દેવો ભવ |

27 July 2015

Maharashtra school bag weight rule - BBC News

Maharashtra states limits the school bag weight. Attached is the BBC news article.



--
Nalin Pandit