02 December 2015

શિક્ષણને લકવો લાગ્યો છે


શિક્ષણને લકવો લાગી ગયો છે - આ કહ્યું છે, આપણા મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ!!

વિક્રમ સારાભાઈએ સને ૧૯૬૩માં આમ કહ્યું. તેઓ ત્યારના શિક્ષણથી ખૂબ દુઃખી હતાં. તેઓ યુનિવર્સીટીનાં અભ્યાસક્રમમાં સમૂળગો બદલાવ લાવવા માંગતા હતાં. આ માટે તેઓએ ગુજરાત યુનિવર્સીટીનાં ઉપકુલપતિ તરીકે ઉમેદવારી પણ કરી....પણ હારી ગયા.

સને ૧૯૬૩નાં ગાળામાં હું હાઇસ્કુલમાં ભણતો હતો. તે પછી હું વિજ્ઞાન શિક્ષક પણ હતો અને વિજ્ઞાન નિરીક્ષક/ સલાહકાર પણ હતો. અમારાં સમયનાં શિક્ષણ કરતાં તો આજનું શિક્ષણ સાવ કથળી ગયું છે. તેવું અમે સ્પષ્ટ અનુભવી રહ્યાં છીએ.

આજનાં શિક્ષણ વિશે રાષ્ટ્રીય અભ્યાસક્રમના ચેરમેન માન.યશપાલજી કહે છે કે આજનું શિક્ષણ ખાડે ગયું છે.

હવે તમે જ કહો કે, સર્વશ્રી વિક્રમ સારાભાઈ આજે જો હયાત હોત તો -
·        આજનાં શિક્ષણ વિશે શું કહેત?
·        આજની શાળાઓની પ્રયોગશાળાઓને તાળા લાગેલાં જોઈને શું કહેત?
·        આજનાં ગોખાનીયા શિક્ષણને જોઈને શું કહેત?
·        વિદ્યાર્થીઓને નકામાં શિક્ષણનાં ભારથી આપઘાત કરતાં જોઈને શું કહેત?
સર્વશ્રી વિક્રમ સારાભાઈ યુનિવર્સીટીનાં અભ્યાસક્રમમાં બદલાવ કરી શક્યા હોત તો -
·        તો આજનું શિક્ષણ કેવું હોત? 

    વિક્રમસારાભાઈ જીવનની છેલ્લી ભૂમિકામાં શિક્ષક બની રહેવા ઇચ્છતા હતાં.
સને ૧૯૬૩ સુધીનાં શિક્ષણ ઉપર તો મેકોલેની અસર હતી. તે સમયનાં શિક્ષણશાસ્ત્રીઓ પણ મેકોલેબ્રાન્ડ પદ્ધતિની અસર હેઠળ હશે. તેથી લકવાગ્રસ્ત શિક્ષણ હતું. તે સમજી શકાય છે. તો પણ બુનીયાદી શિક્ષણ બચી જવા પામેલ.
પણ આજે કોની અસર હેઠળ શિક્ષણ ખાડે ગયું.

મારું માનવું છે કે આજનાં શિક્ષણમાં IAS અને GAS  કેડરના અધિકારીઓની મહત્તમ ચંચૂપાત છે. સચિવાલયની સંપૂર્ણ પકડ છે. બંનેને શિક્ષણની સમજ નથી નથી અને નથી. આ મુખ્ય કારણો છે.  તેઓને સોનાની લગડી જેવું બુનીયાદી શિક્ષણ પણ સમજાતું નથી અને શિક્ષણમાં સ્વાયતત્તા પણ સમજાતી નથી.

અધૂરામાં પૂરું અમારી શિક્ષણ કેડરને પણ પાંગળી બનાવી દેવામાં આવી. તેઓમાંથી કેટલાકને આજનાં શિક્ષણનાં મૃત શરીરને ચૂથવામાં મજા આવી રહી છે. એક સંતને પણ નહિ મૂકવાનો એક પ્રસંગ મારી માટે બહું વેદનાપૂર્ણ છે.

આજનાં શિક્ષણમાં IAS અને GAS કેડરના અધિકારીઓએ સ્પર્ધાનો સેતાન દાખલ કરી દીધો છે. શિક્ષણશાસ્ત્રીઓમાંથી કેટલાયે આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ રહ્યાં છે. શિક્ષણમાં સ્પર્ધા ના હોય. જુઓ શિક્ષણમાં વિશ્વપ્રસિદ્ધ ફીનલેન્ડનું શિક્ષણ. IAS અને GAS  કેડર સ્પર્ધા સીવાય બીજું વિચારી પણ શું શકે? વાંક આ કેડરનો નથી. વાંક આ કેડરને શિક્ષણમાં લાવનારાઓનો છે.
'ડૉ. વિક્રમ સારાભાઈ' આ નામે એક પુસ્તિકા બહાર પાડીને 'વિચારવલોણું' સામયિકે ખૂબ કલ્યાણનું કામ કરેલ છે. આ પહેલાં પણ વિશ્વપ્રસિદ્ધ ફીનલેન્ડનાં શિક્ષણ ઉપર 'વિચારવલોણું' સામયિકે ખૂબ મૂલ્યવાન માહિતી પીરસી હતી.

'વિચારવલોણું'  સામયિકનો ખૂબ ખૂબ આભાર.

No comments:

Post a Comment