24 December 2015

અભ્યાસક્રમ અંગે સુચનો : સતપથને ટેકો આપજો


તાજેતરમાં MHRD - નવી દિલ્હી નિયુક્ત નવી શિક્ષણ નીતિ માટે રચાયેલી કમિટી ગાંધીનગર આવી ગઈ. કમિટી દ્વારા ગુજરાત અને આસપાસનાં રાજ્યોના શિક્ષણ સાથે જોડાયેલાઓ પંદર વીસ મહાનુભાવોને ચર્ચા અને સુચનો માટે બોલાવવામાં આવેલાં. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છું કે મને પણ નિમંત્રણ આપ્યું.  પણ ગયો નહિ.!! સરકાર મને માફ કરે.  


આ અગાઉ ચારેક વરસ પહેલાં, MHRD/NCERT દ્વારા નિયુક્ત પ્રો. યશપાલજીની અધ્યક્ષતાવાળી ૧૫-૨૦ સદ્દ્સ્યોની થીંક ટેંકમાં મારો સમાવેશ કરેલો, પણ સાભાર અસ્વીકાર કરેલો. કારણો હતા.


આ અગાઉ બેક વરસ પહેલાં, ગુજરાત સરકારે મને ભાવનગર જિલ્લા માટે નરેગા યોજના માટે લોકાયુક્ત નીમેલો, પણ સાભાર અસ્વીકાર કરેલો. કારણ હતું.


આ વખતે પણ ન જવા પાછળનાં કારણો હતા. તે આપ સહુને જણાવું.

અભ્યાસક્રમ તો સારો બને છે. પરંતુ ભૂલ તે પછીના અમલીકરણમાં થાય છે. અમલીકરણમાં હું કે તમે કશું જ કરી શકીએ તેવી પરિસ્થિતિ નથી. હું અગાઉ પણ હોદ્દાની રૂએ આ પ્રક્રિયામાં જોડાયેલો હતો. તેથી આધારભૂત રીતે કહી શકું તેમ છું.


મારાં અનુભવે અમલીકરણમાં જે ભૂલો થાય છે, તે કઈક આવી છે :

(૧) અભ્યાસક્રમમાં માતૃભાષામાં શિક્ષણ, સંગીત, પ્રાર્થના, પરિશ્રમ, સમૂહ જીવન, રમત, સ્કાઉટ-ગાઈડ,

    એનસીસી, યોગ, પ્રવાસ, પ્રયોગ, શારીરિક શિક્ષણ, અનુભવ, અનુબંધ વિગેરે હૃદયની કેળવણી

   આપતાં વિષયોનો સમાવેશ થયેલો હોય છે. પરંતુ સિલેબસ બનાવતી વખતે હૃદયની કેળવણીને

   મહત્તમ ભાર આપવાને બદલે, તેને કોર સબ્જેક્ટ ગણવાને બદલે, હૃદયની કેળવણીને સબ્સીડરી-

   ગૌણ ગણી કાઢવામાં આવે છે.  

·        માતૃભાષામાં શિક્ષણ, સંગીત, પ્રાર્થના, પરિશ્રમ, સમૂહ જીવન, રમત, સ્કાઉટ-ગાઈડ, એનસીસી, યોગ, પ્રવાસ, પ્રયોગ, શારીરિક શિક્ષણ, સંસ્કૃત, અનુભવ, અનુબંધમાં જ ભારતની અસલી અસ્મિતા છૂપાયેલી છે, તે ભુલાય જાય છે.

( પૂર્વના વિકસિત દેશો પણ હવે આ તરફ વળી રહ્યાં છે. પૂર્વના વિકસિત અને ધનાઢ્ય દેશોમાં  તો પહેલેથી જ યુનિવર્સિટી સુધીનું શિક્ષણ માતૃભાષામાં જ છે.

આપણા મેકોલેબ્રાન્ડ અધિકારીઓ અને ભાંડુઓ સમજતા નથી તેનું દુઃખ છે. સમજશે ત્યારે વૃદ્ધાશ્રમમાં શરણ પામ્યાં હશે.)

·        આ વિષયોમાં જ હૃદયનું શિક્ષણ સમાયેલું છે. તે ભુલાય જાય છે.

વિદ્યાર્થીને માનવ બનાવવા બીજા કોઈ વિષયો નથી. તે ભુલાય ગયું છે.

(૨) સિલેબસ આધારિત બનતાં પુસ્તકો તેનો માર્ગ ભૂલી ગયા જાય છે.  


(૩) ગુજરાતી પાઠ્યપુસ્તકો ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહનાં પુસ્તકો અગડમ બગડમ છે.


(૪) પાઠ્યપુસ્તકો ભદ્રંભદ્ર અને બિનજરૂરી માહિતીથી ભરેલાં થોથા છે. સનિષ્ઠ શિક્ષકોને પણ

     ભણાવવામાં સમય ઓછો પડે છે. ખુદ શિક્ષકોને પણ સહેલાઈથી સમજી શકે તેમ નથી!! લેખકો     

     સમગ્ર પુસ્તકને સમજી શકતાં હશે કે કેમ? આ મોટો સવાલ છે!!


(૫) કેટલી બધી શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે? માથા વિનાની શિક્ષણ સંસ્થાઓ કેવી

    ચાલતી હશે? 


(૬) સરકારી અને ગ્રાન્ટેડ કેટલી બધી શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ છે? નક્કી કોઈક ચાલ છે.


(૭) હૃદય શિક્ષણ માટેનાં વિષયોનાં શિક્ષકોની ભરતી જ બંધ કરી દેવામાં આવી છે. યાદ કરો મેકોલેને!


(૮) શિક્ષણ સંસ્થાઓને જોનારું, તપાસનારુ, માર્ગદર્શન આપનારું કોઈ રહ્યું નથી. જોનારા પૈકી કેટલાયે

    ભૂતકાળમાં બદનામી વહોરી છે. તેથી શું? તેઓને કન્ટ્રોલ કરવાની સતા તો શિક્ષણ વિભાગનાં

     હાથમાં જ હતી.   


(૯) શિક્ષણ બિન અનુભવીઓ અધિકારીઓના હાથમાં જઈ પડ્યું છે. આ અધિકારીઓ પાસે નીતિરીતિ

     ઘડવાની સત્તા અને અમલ કરવાની મહત્તમ સત્તા છે. શિક્ષણ સીવાયના અધિકારીઓ દ્વારા,

    શિક્ષણની કેડરને નબળી બનાવી દેવામાં આવી છે.

(10) સ્વાયતત્તા એ શિક્ષણનો પ્રાણ છે. સરકારનાં સ્વપ્નમાં પણ સ્વાયતત્તા આવતી નથી!!

આજે જયારે રોબોટ પેદા કરતાં વિષયોની બોલબાલા છે, આજે જયારે ગોખાણીયા શિક્ષણની બોલબાલા છે, આજે જયારે વિદ્યાર્થીઓ આપઘાત કરે છે અને જવાબદાર મોજ કરે છે, તેવો ઘાતકી સમય છે, ત્યારે  સહુ પ્રત્યે સન્માનની ભાવના રાખીને પણ ના છુટકે આ લખવું એને હું મારી ફરજ સમજુ છું.


આ બધું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણને વિશેષ લાગુ પડે છે

 

આવી દુઃખદ સ્થિતિમાં પણ,

પ્રાથમિક પ્રશિક્ષણને લગતી સંસ્થાનો માટે આનંદના સમાચાર જાણ્યા અને માણ્યા!!


તાજેતરમાં ગુજરાતમાં પ્રશિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાના પ્રાચાર્યોની ત્રણ દિવસીય બેઠક મળી. બેઠકની શરૂઆત સણોસરા લોકભારતીમાં થઇ. ગુજરાત અને દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવી શકે તેવી આ સંસ્થામાં શુભ શરૂઆત થઇ. તેનો આનંદ છે. ખૂબ આનંદ છે.


સણોસરા લોકભારતીમાં માત્ર તમે માત્ર હરોફરો, શાંતીથી બધું જુઓ અને સમજો એટલે પણ હૃદયનું શિક્ષણ કોને કહેવાય તેની ઝલક પામી શકો!! લોકભારતી એ સૌરાષ્ટ્રની 'એ ગ્રેડ' પામેલી સંસ્થા છે. લોકભારતી એ આજનાં શિક્ષણની કોઇપણ સમસ્યાનો સચોટ ઉકેલ આપતી સંસ્થા છે.

આ બેઠકમાં જેને ગઈકાલ સુધી PTC કહેતા હતાં અને આજે જેને Di. El. Ed. (ડીએલએડ) કહેવાય છે, તે અંગે થોડા સુચનો કરવાનો અવસર મળ્યો.


અહીં મેં ભારપૂર્વક જણાવ્યું કે ­_


પ્રાથમિક શિક્ષણની મુખ્ય અને એક માત્ર જવાબદારી વિદ્યાર્થીને માનવતાવાદ્દી બનાવવાની છે.

કારણ ... 

 વિદ્યાર્થીને માનવતાવાદ્દી બનાવવાની મહત્તમ તક પ્રાથમિક શિક્ષણ સમયે જ મળે છે.

વિદ્યાર્થીને માનવતાવાદ્દી બનાવવા માટે પ્રાથમિક શિક્ષણમાં હૃદયની કેળવણીને પ્રાધાન્ય આપવું જ જોઈશે.

જ્ઞાન માટે તો વિદ્યાર્થી પાસે માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કોલેજ, યુનિવર્સિટી આ બધું જ છે. અનેક વરસોનું શિક્ષણ છે.

જો જો આવો રૂડો અને મંગલકારી અવસર ચૂકાય ના.

 


આપણે મોટી મોટી વાતો કરીએ છીએ  --

·       ભારતીય અસ્મિતાની

·       ગાંધીજી, વિનોબા અને રવીન્દ્રનાથજીના શિક્ષણની

·       ચારિત્ર્ય, નીતિ, મુલ્ય અને કૌશલ્યથી ભરેલાં શિક્ષણની

આ બધી જ વાતો સંપૂર્ણપણે સાચી છે

તો પણ આજનું શિક્ષણ ખાડે કેમ જઈ રહ્યું છે?!

કારણ હૃદયની કેળવણી નથી.

 આજનાં સમયની માંગ છે હૃદયની કેળવણીની.


હૃદયની કેળવણી માટે

સંગીત, પ્રાર્થના, પરિશ્રમ, સમૂહ જીવન, રમત, યોગ, પ્રવાસ, પ્રયોગ, શારીરિક શિક્ષણ, સંસ્કુત  જીવન કૌશલ્યો વિગેરેને કોર સબ્જેક્ટ ગણવા જ પડશે.

અન્યથા દેશ અને ગુજરાત હજુ પણ વધારે ખાડે જશે.


મને આનંદ છે કે, GCERT નિયુક્ત, Di. El. Ed. અભ્યાસક્રમ કમીટીએ અભ્યાસક્રમમાં આ વિષયોને આવરી લીધા છે. સહુને લાખ લાખ અભિનંદન.


તેમ છતાં મારી એક વિનંતી છે કે, આ વિષયોને સબ્સીડરી ન ગણતા કોર વિષય તરીકે જ સ્થાન પામે તે માટે પૂરતા પ્રયત્ન કરજો.

આવો અવસર ફરી ફરીનેનહિ મળે.


મને GCERT અને તેની થીંક ટીમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.

મને DIETનાં અધ્યાપકમિત્રો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.

મને વર્ષો જૂની કે બુનીયાદી શિક્ષણની PTC સંસ્થાનો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.

તેઓ સહુ કોઈ આ સતપથને ટેકો આપશે જ.


GCERT, DIET અને PTCનાં સંગાથી મિત્રો, આપણે સાથે મળીને ભૂતકાળમાં આ તરફની દિશા પકડી હતી, પણ ....


મને ખાતરી છે કે શિક્ષણને સમજનારા સહુ કોઈનો પણ

હૃદયની કેળવણીનાં સતપથને ટેકો મળશે જ.

 


આ વરસની છેલ્લી સલામ.

૨૦૧૬ની સાલ ગુજરાતનાં બાળકો માટે અને આપણા સહુ માટે મંગલકારી બની રહે તેવી પ્રાર્થના.


| બાલ દેવો ભવ |

 

No comments:

Post a Comment