22 January 2016

ગાંધીજી અને શિક્ષણ

તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૧૬નાં રોજ ખડસલી ગામે (અમરેલીના સાવરકુંડલા તાલુકાનું ગામ)  લોકશાળાના એક ઉત્સવમાં સહભાગી બનવાનું સદ્દભાગ્ય મળ્યું. મુઠ્ઠી ઉંચેરા સ્વ. લલ્લુભાઈ શેઠ, સ્વ. અમુલખભાઈ ખીમાણીની કર્મ ભૂમિમાં જવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું.

ભાવનગરમાં જયારે જિલ્લા શિક્ષણ અધિકારી હતો ત્યારે, આ ગામે જીલ્લાની માધ્યમિક શાળાનાં વ્યાયામ શિક્ષકોની તાલીમ યોજેલી. વ્યાયામ અને વ્યાયામ શિક્ષકોની શક્તિને પરખવાનો અવસર સાંપડેલો. તાલીમ બહું ફળદાયી બની રહેલી.

સ્વ. લલ્લુભાઈ શેઠ ગુજરાતનાં પ્રધાન હતાં. તે સમયે તેઓના પરિચયમાં આવવાનું બનેલું. સાવરકુંડલામાં તેઓની અનેક સેવાકીય પ્રવૃત્તિ અને અનેક શૈક્ષણિક સંકુલ ચાલતા. શિક્ષણ માટે ક્યારેય એક પણ ભલામણ નહિ. ઉલ્ટાનું શિક્ષણની કોઈપણ મુશ્કેલી હોય તો સાથ આપવા સદાય તત્પર રહેતા.  શિક્ષણમાં લેવાતા ડોનેશન વિરોધમાં મેં શરૂ કરેલાં આંદોલનમાં ખૂબ સહયોગ આપેલો. સમાજ સેવાના આ ભેખધારીને સતસત વંદન છે.

ખડસલી લોકશાળાનાં આ ઉત્સવમાં માન. મહામહિમ રાજ્યપાલશ્રી કોહલી સાહેબ પધારેલા. અતિ સરળ, સહજ, નમ્ર, વિવેકી અને પાછાં જ્ઞાની એવા કોહલી સાહેબને બીજી વખત સાંભળવાનું મળ્યું.

માન. રાજ્યપાલશ્રી કોહલી સાહેબના પ્રવચનના અંશ
  • શિક્ષણ એ વ્યક્તિ અને સમાજનાં રૂપાંતરણ માટે છે.
  • બુનીયાદી શિક્ષણમાં વ્યક્તિ અને સામાજિક રૂપાંતરણની અદ્દભુત શક્તિ રહેલી છે.
  • શિક્ષણ એ કેવળ શબ્દનો વ્યાપાર ન હોવો જોઈએ. 
  •  ગાંધી વિચાર એ આચરણનો વિષય છે. જીવનમાં ઉતારી શકાય તેવો વિચાર છે.
  • બુનીયાદી શિક્ષણ ગાંધી વિચારને આકાર આપવાનું કાર્ય કરી રહી છે.
  • એક નાનકડો દીપક પણ અંધકારને પરાજિત કરી શકે છે.
  • આઝાદી પછી શિક્ષણ માટે ઘણાં આયોગ રચાયા. સારી ભલામણો આવી. પરંતુ અમલમાં નથી આવતી.
  • ગાંધીજી શિક્ષણને કર્મ અને જીવન ઉપયોગિતા સાથે જોડવા માંગતા હતાં.
  • આજે જે શબ્દો વારંવાર બોલવામાં આવે છે, જેવાં કે, Skill Based Education, Vocational Education, Make In India  તે બધાં મૂળભૂત રીતે ગાંધી વિચારમાં સમાયેલા છે. આ બધાં શબ્દો ગાંધી વિચારને જ જુદી જુદી રીતે વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે.
  • ગાંધીજીએ જીવનમાં શ્રમની પ્રતિષ્ઠા કરી. 
  • સ્વાવલંબી જીવન માટે પરિશ્રમ ખૂબ જરૂરી છે. ગાંધીજી શ્રમ દ્વારા સ્વાવલંબન લાવવા માંગતા હતાં.
  • શ્રમ અને સ્વાવલંબન એ એક સિક્કાની બે બાજુ છે.
  • યુવાનો ગામડાને છોડી શહેરમાં જાય છે. પરંતુ તે સ્વાવલંબી બનતો નથી, માટે બેકાર બની ફરે છે.
  • ગાંધીજી સહયોગી સમાજ રચવા માંગતા હતાં.
  • આજનાં શિક્ષણ માટે કહેવાય છે કે તે વિદ્યાર્થીને લોભી બનાવી રહેલ છે. આ લોભ એ એક પ્રકારની હિંસા છે.
  • ગાંધીજી શિક્ષણ દ્વારા સમાજમાં સર્વોદય (સર્વનો ઉદય) લાવવા માંગતા હતાં.
  • આજનું શિક્ષણ એ એકાંગી છે, પરીક્ષાલક્ષી છે. ગાંધીજી સર્વાંગીણ શિક્ષણ ઇચ્છતા હતાં.
  • કૃષિ અને પશુપાલનથી ગ્રામ સમૃદ્ધ બનશે, આત્મનિર્ભર બનશે, સ્વાવલંબી બનશે.
  • બુનીયાદી શિક્ષણનાં પ્રયોગો સમાજની જાણમાં મુકવાની ખૂબ જરૂર છે. પબ્લીસીટીની અને ડોક્યુમેન્ટરીની ખૂબ જરૂર છે.
 

19 January 2016

લેખકોની પરીક્ષા

ભણતર તો ઘડતર માટે છે, આનંદ માટે છે. પરંતુ આજનાં ભણતરને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યાં છે. આ આજનું નગ્ન સત્ય છે. શું આને ભણતર કહી શકાય?


આ આત્મહત્યા માટે માબાપને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. ભલે આ સાચું લાગે, પરંતુ આ અર્ધસત્ય છે –

  • આ આત્મહત્યા માટે જવાબદાર તો આજનાં ઘાતક પુસ્તકો છે, આવાં ઘાતક પુસ્તકોની નીતિ ઘડનારાઓ છે, તેનાં લેખકો છે, તેના સમીક્ષકો છે, અને કેટલાંક સંચાલકો પણ છે.
  • આ આત્મહત્યા માટે વિશેષ જવાબદાર તો 'આ સ્પર્ધાનો યુગ, આ સ્પર્ધાનો યુગ' એવું સતત રટણ કરનારાઓ છે. આ રટણ થકી જ માબાપ ગેરમાર્ગે દોરવાયા છે. આ રટણ થકી જ વિદ્યાર્થીઓ અને માબાપોમાં તણાવ પેદા થયો છે. આ રટણથી જ કેટલાયનાં ઝુપડા મહેલોમાં બદલાયા છે. પરંતુ આત્મહત્યાના નિસાસાથી ઊભા થઇ રહેલાં આ મહેલો સુખ નહિ જ આપે તેમ કર્મની થીયરી કહે છે.

 

આત્મહત્યા નિવારણ માટે કેટલાંક સરળ અને સચોટ ઉપાયો છે.

૧. એક વિજ્ઞાનનાં બદલે બે વિજ્ઞાનનો અમલ શરૂ કરી દો.

૨. એક ગણિતનાં બદલે બે ગણિતનો અમલ શરૂ કરી દો.

૩. બધાં જ વિષયોમાં બે-ત્રણ લેખક/જૂથના બે-ત્રણ પુસ્તકોનો અમલ શરૂ કરી દો.

૪. પુસ્તકોના પાનાની સંખ્યા નક્કી કરી દો.

વર્ષો પહેલાં આ નીતિ અમલમાં હતી. જે શાળાને જે લેખકનું પુસ્તક વાપરવું હોય તેને તે વાપરવાની છૂટ હતી. પરંતુ પૂરતા કારણો હતાં અને સમયની માંગ હતી તેથી આ નીતિ રદ થયેલી.

 

પોતાનાં સંતાનો ઉપર અસહ્ય દબાણ લાવતા માબાપોને અને સમાજને મારે એક કેટલાંક સત્ય જણાવવાં છે.

  • શું તમે જાણો છો કે આજનાં પુસ્તકો કેવા ભદ્રંભદ્ર લખાયા છે? ખુદ શિક્ષકોને આ પુસ્તકો સમજવામાં અને સમજાવવામાં મુશ્કેલી પડી રહી છે. તમને જણાવું કે જયારે ખુદ શિક્ષકોની પરીક્ષા આ પુસ્તકોના આધારે લેવામાં આવી ત્યારે શું થયું? મહત્તમ શિક્ષકોએ ચોરી કરવી પડેલી!!
  • એક બીજું પણ સત્ય પણ તમને જણાવું - લેખકોએ વિદ્યાર્થીઓની વય જોયા વિના આ અગડમબગડમ થોથા (આને પુસ્તક ન કહેવાય) લખ્યાં છે. આ અણસમજથી થયું છે કે પૈસાની લાલચથી થયું છે તે સમજવું જરૂરી છે.

 

શિક્ષણશાસ્ત્રીઓની સલાહ મુજબ નીતિ ઘડવાને બદલે માત્ર બેક અધિકારીઓએ જ આવાં પુસ્તક રચવાની નીતિ ઘડી છે. તેનો હું સાક્ષી છું. ઘાતક હકીકત એ છે કે તેઓ શિક્ષણ કેડરના જ ન હતાં.


માન. શિક્ષણમંત્રીશ્રીએ કે માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શાળા પાઠ્ય પુસ્તક મંડળની એકેડેમિક કમિટીનો આ નીતિ ઘડવામાં કેટલો અભિપ્રયા લેવામાં આવ્યો તે મારી જાણમાં નથી.


આ અગડમબગડમ થોથા એવા તો લખાયા છે કે જો ખુદ આ લેખકસાહેબોની તેમણે પોતે જ લખેલા આ થોથા આધારિત એક પરીક્ષા લેવામાં આવે - અને તે પણ વિદ્યાર્થીઓની જેમ બધાં વિષયની - તો હમણાં જ નગ્ન સત્ય બહાર આવી જશે. પરિણામ નક્કી જ છે. નાપાસ - નાપાસની હારમાળા રચાઈ જશે. લેખકોની જેમ સમીક્ષકોની પણ પરીક્ષા લેવી જોઈએ.


ગુજરાતનાં ત્રણ ચાર શિક્ષણશાસ્ત્રીઓ, વિજ્ઞાન સ્નાતક એવા નામાંકિત આચાર્ય મિત્રો અને ટ્યુશન ક્લાસનાં સંચાલક મિત્રો પણ આવો જ અભિપ્રાય ધરાવે છે.

 


લેખકો અને સમીક્ષક મિત્રો, વિદ્યાર્થીઓની આત્મહત્યાએ મને આવું લખવાં મજબુર બનાવ્યો છે. આપણે બધાં વિદ્યાર્થીઓ પ્રત્યે ખૂબ જ નિષ્ઠુર બની ગયા છીએ. શિક્ષણની પથારી ફેરવી રહ્યાં છીએ. પાપ કરી રહ્યાં છીએ.


લેખક અને સમીક્ષકો મિત્રો, તમે વિદ્યાર્થીઓની ખાતર પણ પરીક્ષા આપજો જ. કારણ કે તેનાં ચોંકાવનારા પરિણામ જાણ્યા વિના હાલની ઘાતક નીતિમાં કોઈ ફેરફાર નહિ જ આવે.


લેખકો માટેની પરીક્ષાનો મારો આગ્રહ એટલા માટે છે કે આ પરિણામ પછી જ સાચુકલી નીતિ ઘડાશે. પછી કોઈ નિર્દોષ વિદ્યાર્થી આત્મહત્યા નહિ કરે.


આ હકીકત જેટલી વિજ્ઞાન પ્રવાહના પુસ્તકોને લાગુ પડે છે તેટલી જ સામાન્ય પ્રવાહનાં પુસ્તકોને પણ લાગુ પડે છે. સામાન્ય પ્રવાહનાં શિક્ષક મિત્રો ખુદ આ કહી રહ્યાં છે.

 

બીજી એક સત્ય હકીકત પણ ધ્યાન પર મૂકું - પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીને સારો માનવ અને સારો નાગરિક બનાવવા માટે છે. હાલમાં ગુજરાતનો પ્રાથમિક શિક્ષણનો જે પાઠ્યક્રમ છે તે યોગ્ય અને પૂરતો છે. પ્રાથમિક શિક્ષણ જે ઘટે છે તે છે વ્યાયામ, રમત, યોગ, સંગીત, સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ અને ડીસલેક્સીયા માટેની જાગૃતિ. અન્યથા તે આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે.

 

કોઈને દુઃખ લાગ્યું હોય તો હું ક્ષમા માંગુ છું. સહુના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.


03 January 2016

મોત પરની મિજબાની

વળી એક વિદ્યાર્થીનાં આપઘાતનાં સમાચાર વાંચ્યા. વર્ષોથી સમાચારપત્રોમાં અને ઈ-મીડિયામાં શિક્ષણનાં કારણે વિદ્યાર્થીઓનાં આપઘાતનાં કિસ્સા આવે છે. વિદ્યાર્થીઓનાં આ આપઘાત એ માત્રને માત્ર શિક્ષણની ઘોર નિષ્ફળતા જ છે.

આપઘાતનાં આટઆટલાં કિસ્સાઓ છતાં આપણા કે શિક્ષણનાં જવાબદારોનાં પેટનું પાણી પણ કેમ હલતું નથી? પરદેશમાં આવો કોઈ એકાદપણ કિસ્સો બને તો સમાજ અને સરકાર બન્ને હલી જાય.

સરકારની પ્રથમ ફરજ જ એ છે કે પ્રત્યેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને તે પણ વિનામુલ્યે. જયારે અહીં તો એવું લાગે છે કે ખુદ સરકાર જ શિક્ષણની આ જવાબદારીમાંથી છૂટવા માંગે છે. આ કારણે શિક્ષણ એવું તો ચૂંથાયું છે કે વર્ષોથી વિદ્યાર્થીઓને આપઘાત કરવાં પડે છે.

પ્રથમ તો, સરકારે વહેલી તકે જે શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સતત આપઘાત કરે તેને વહેલી તકે બંધ કરી દેવી જોઈએ. નામદાર  હાઇકોકોર્ટે ખુદે સુઓમોટો સ્વરૂપે કેસ દાખલ કરી તપાસ કમિટી નીમવી જોઈએ. આવું નહિ કરીએ ત્યાં સુધી મોત પરની મિજબાની ચાલતી જ રહેશે.

સરકારે વહેલામાં વહેલી તકે ફિનલેન્ડ દેશની કેળવણી કે કેળવણી સંબંધી યુનેસ્કોનાં રીપોર્ટને સમજવો પડશે. સરકારે વહેલામાં વહેલી તકે આ સમજદારીવાળા પદાધિકારીઓ અને અધિકારીઓને નિયુક્ત કરવાં પડશે. આવું નહિ થાય ત્યાં સુધી શિક્ષણ ચુંથાતું રહેવાનું અને સેંકડો  વિદ્યાર્થીઓનાં ભોગ લેવાતા જ રહેવાનાં.

આજે પણ અંધશ્રદ્ધાનાં કારણે બાળકોના ભોગ લેવામાં આવી રહ્યાનાં સમાચારો આવે છે. અહીં તો જાહેરમાં સતત અને સતત વિદ્યાર્થીઓનાં ભોગ લેવાઈ રહ્યાં છે. આ મોત પરની મિજબાની નહિ તો બીજું શું?

આપ સંવેદનશીલ છો. ચાલોને સહુને જગાડવા, સાથે મળીને જાહેરમાં એક દિવસનો ઉપવાસ કરીએ. આપ સંવેદનશીલ છો. આપ પણ એક પત્તુ સરકારમાબાપને કે નામદાર હાઈકોર્ટને લખો તેવી વેદના ભરેલી વિનંતી છે.