તા. ૨૧ જાન્યુઆરી,
૨૦૧૬નાં રોજ ખડસલી ગામે (અમરેલીના સાવરકુંડલા તાલુકાનું ગામ) લોકશાળાના એક ઉત્સવમાં સહભાગી બનવાનું
સદ્દભાગ્ય મળ્યું. મુઠ્ઠી ઉંચેરા સ્વ. લલ્લુભાઈ શેઠ, સ્વ. અમુલખભાઈ ખીમાણીની કર્મ ભૂમિમાં
જવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું.
ભાવનગરમાં જયારે
જિલ્લા શિક્ષણ અધિકારી હતો ત્યારે, આ ગામે જીલ્લાની માધ્યમિક શાળાનાં વ્યાયામ
શિક્ષકોની તાલીમ યોજેલી. વ્યાયામ અને વ્યાયામ શિક્ષકોની શક્તિને પરખવાનો અવસર
સાંપડેલો. તાલીમ બહું ફળદાયી બની રહેલી.
સ્વ. લલ્લુભાઈ
શેઠ ગુજરાતનાં પ્રધાન હતાં. તે સમયે તેઓના પરિચયમાં આવવાનું બનેલું. સાવરકુંડલામાં
તેઓની અનેક સેવાકીય પ્રવૃત્તિ અને અનેક શૈક્ષણિક સંકુલ ચાલતા. શિક્ષણ માટે ક્યારેય
એક પણ ભલામણ નહિ. ઉલ્ટાનું શિક્ષણની કોઈપણ મુશ્કેલી હોય તો સાથ આપવા સદાય તત્પર
રહેતા. શિક્ષણમાં લેવાતા ડોનેશન વિરોધમાં
મેં શરૂ કરેલાં આંદોલનમાં ખૂબ સહયોગ આપેલો. સમાજ સેવાના આ ભેખધારીને સતસત વંદન છે.
ખડસલી લોકશાળાનાં આ
ઉત્સવમાં માન. મહામહિમ રાજ્યપાલશ્રી કોહલી સાહેબ પધારેલા. અતિ સરળ, સહજ, નમ્ર,
વિવેકી અને પાછાં જ્ઞાની એવા કોહલી સાહેબને બીજી વખત સાંભળવાનું મળ્યું.
માન. રાજ્યપાલશ્રી કોહલી સાહેબના પ્રવચનના અંશ
- શિક્ષણ એ વ્યક્તિ અને સમાજનાં રૂપાંતરણ માટે છે.
- બુનીયાદી શિક્ષણમાં વ્યક્તિ અને સામાજિક રૂપાંતરણની અદ્દભુત શક્તિ રહેલી છે.
- શિક્ષણ એ કેવળ શબ્દનો વ્યાપાર ન હોવો જોઈએ.
- ગાંધી વિચાર એ આચરણનો વિષય છે. જીવનમાં ઉતારી શકાય તેવો વિચાર છે.
- બુનીયાદી શિક્ષણ ગાંધી વિચારને આકાર આપવાનું કાર્ય કરી રહી છે.
- એક નાનકડો દીપક પણ અંધકારને પરાજિત કરી શકે છે.
- આઝાદી પછી શિક્ષણ માટે ઘણાં આયોગ રચાયા. સારી ભલામણો આવી. પરંતુ અમલમાં નથી આવતી.
- ગાંધીજી શિક્ષણને કર્મ અને જીવન ઉપયોગિતા સાથે જોડવા માંગતા હતાં.
- આજે જે શબ્દો વારંવાર બોલવામાં આવે છે, જેવાં કે, Skill Based Education, Vocational Education, Make In India તે બધાં મૂળભૂત રીતે ગાંધી વિચારમાં સમાયેલા છે. આ બધાં શબ્દો ગાંધી વિચારને જ જુદી જુદી રીતે વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે.
- ગાંધીજીએ જીવનમાં શ્રમની પ્રતિષ્ઠા કરી.
- સ્વાવલંબી જીવન માટે પરિશ્રમ ખૂબ જરૂરી છે. ગાંધીજી શ્રમ દ્વારા સ્વાવલંબન લાવવા માંગતા હતાં.
- શ્રમ અને સ્વાવલંબન એ એક સિક્કાની બે બાજુ છે.
- યુવાનો ગામડાને છોડી શહેરમાં જાય છે. પરંતુ તે સ્વાવલંબી બનતો નથી, માટે બેકાર બની ફરે છે.
- ગાંધીજી સહયોગી સમાજ રચવા માંગતા હતાં.
- આજનાં શિક્ષણ માટે કહેવાય છે કે તે વિદ્યાર્થીને લોભી બનાવી રહેલ છે. આ લોભ એ એક પ્રકારની હિંસા છે.
- ગાંધીજી શિક્ષણ દ્વારા સમાજમાં સર્વોદય (સર્વનો ઉદય) લાવવા માંગતા હતાં.
- આજનું શિક્ષણ એ એકાંગી છે, પરીક્ષાલક્ષી છે. ગાંધીજી સર્વાંગીણ શિક્ષણ ઇચ્છતા હતાં.
- કૃષિ અને પશુપાલનથી ગ્રામ સમૃદ્ધ બનશે, આત્મનિર્ભર બનશે, સ્વાવલંબી બનશે.
- બુનીયાદી શિક્ષણનાં પ્રયોગો સમાજની જાણમાં મુકવાની ખૂબ જરૂર છે. પબ્લીસીટીની અને ડોક્યુમેન્ટરીની ખૂબ જરૂર છે.
No comments:
Post a Comment