વળી એક વિદ્યાર્થીનાં આપઘાતનાં સમાચાર વાંચ્યા. વર્ષોથી સમાચારપત્રોમાં અને ઈ-મીડિયામાં શિક્ષણનાં કારણે વિદ્યાર્થીઓનાં આપઘાતનાં કિસ્સા આવે છે. વિદ્યાર્થીઓનાં આ આપઘાત એ માત્રને માત્ર શિક્ષણની ઘોર નિષ્ફળતા જ છે.
આપઘાતનાં આટઆટલાં કિસ્સાઓ છતાં આપણા કે શિક્ષણનાં જવાબદારોનાં પેટનું પાણી પણ કેમ હલતું નથી? પરદેશમાં આવો કોઈ એકાદપણ કિસ્સો બને તો સમાજ અને સરકાર બન્ને હલી જાય.
સરકારની પ્રથમ ફરજ જ એ છે કે પ્રત્યેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને તે પણ વિનામુલ્યે. જયારે અહીં તો એવું લાગે છે કે ખુદ સરકાર જ શિક્ષણની આ જવાબદારીમાંથી છૂટવા માંગે છે. આ કારણે શિક્ષણ એવું તો ચૂંથાયું છે કે વર્ષોથી વિદ્યાર્થીઓને આપઘાત કરવાં પડે છે.
પ્રથમ તો, સરકારે વહેલી તકે જે શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સતત આપઘાત કરે તેને વહેલી તકે બંધ કરી દેવી જોઈએ. નામદાર હાઇકોકોર્ટે ખુદે સુઓમોટો સ્વરૂપે કેસ દાખલ કરી તપાસ કમિટી નીમવી જોઈએ. આવું નહિ કરીએ ત્યાં સુધી મોત પરની મિજબાની ચાલતી જ રહેશે.
સરકારે વહેલામાં વહેલી તકે ફિનલેન્ડ દેશની કેળવણી કે કેળવણી સંબંધી યુનેસ્કોનાં રીપોર્ટને સમજવો પડશે. સરકારે વહેલામાં વહેલી તકે આ સમજદારીવાળા પદાધિકારીઓ અને અધિકારીઓને નિયુક્ત કરવાં પડશે. આવું નહિ થાય ત્યાં સુધી શિક્ષણ ચુંથાતું રહેવાનું અને સેંકડો વિદ્યાર્થીઓનાં ભોગ લેવાતા જ રહેવાનાં.
આજે પણ અંધશ્રદ્ધાનાં કારણે બાળકોના ભોગ લેવામાં આવી રહ્યાનાં સમાચારો આવે છે. અહીં તો જાહેરમાં સતત અને સતત વિદ્યાર્થીઓનાં ભોગ લેવાઈ રહ્યાં છે. આ મોત પરની મિજબાની નહિ તો બીજું શું?
આપ સંવેદનશીલ છો. ચાલોને સહુને જગાડવા, સાથે મળીને જાહેરમાં એક દિવસનો ઉપવાસ કરીએ. આપ સંવેદનશીલ છો. આપ પણ એક પત્તુ સરકારમાબાપને કે નામદાર હાઈકોર્ટને લખો તેવી વેદના ભરેલી વિનંતી છે.
Very Nice sir
ReplyDelete