08 February 2017

માતૃભાષાની કમાલ

અમારી સાડા ત્રણ વર્ષની પૌત્રી. નામ તેનું તાશી. તાશીનો અર્થ થાય શુકનિયાળ કન્યા. બૌધિ નામ. માતાપિતાએ શોધ્યું. માતાપિતા બન્ને અમેરિકાનાં ન્યૂયોર્કનાં જાણીતા વિસ્તાર મેનહટનમાં રહેતા. આથી તાશીનો જન્મ મેનહટનમાં.
તાશીનાં માતાપિતા બંને બાર ધોરણ સુધી માતૃભાષા ગુજરાતીમાં ભણ્યાં. કોલેજનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં હતું તેથી તેમાં લીધું. બન્નેનું ગુજરાતી ફાંકડું અને અંગ્રેજી દાદુ.
તાશીનાં માતાપિતા બંનેના સાત પેઢીનાં DNA ગુજરાતીના. તાશી ગુજરાતી જાણે તો અંગ્રેજીમાં પૂરબહાર ખીલી શકે તેવી સ્પષ્ટ વૈજ્ઞાનિક સમજ ધરાવે. કુંટુંબ પ્રેમ પામે તો સોનામાં સુગંધ ભળે તે પણ સારી રીતે સમજે. આથી રાજીનામું આપી અમેરિકાથી ભાવનગર આવ્યાં. સવા વર્ષ અમારી સાથે આવીને રહ્યાં. અત્યારે અમેરિકા.
તાશી અમારી સાથે ભાવનગર રહી. નાના-નાની સાથે અમરેલી રહી. માસા-માસીની ટેણીઓ સાથે રાજકોટ રહી. કાકા-કાકી સાથે મુંબઈ રહી. બધે જ ગુજરાતી ગીતો, વાર્તા, રમતોની મજા કરી. ગરબે ઘૂમી. સહુ સાથે રહી ભરપેટે કુંટુંબ પ્રેમ લણી આવી. ફ્લેટના દોસ્તારો સાથે દિવસ રાત પણ રમી.
રોજ અમારા ઇકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસમાં સાથે આવે. વાડીનાં કૂતરાને રોટલા નાખે. સફેદ કબૂતરોને ચણ નાખે. નાના છોડવાઓને પાણી પાતી જાય પલળતી જાય અને આનંદ લેતી જાય. વાડીનાં સાથીનાં ફળિયામાં ચૂલે રોટલા થતાં હોય ત્યાં બેસી જાય. પાટલી વેલણ લે, લોટ લે અને રોટલો ઘડવા મથે. સાથીને ત્રણ સંતાનો. તેની સાથે રમે અને જમે. તેની સાથે રહી તળપદી ગુજરાતી (બોલી) પણ બોલે.
સવા વર્ષમાં હરતાં ફરતાં મોજ કરતાં તાશી મસ્ત ગુજરાતી બોલતા શીખી ગઈ. અમે સહુ ખૂબ પ્રેમ પામ્યાં, સ્વર્ગ પામ્યાં.
તાશીની મમ્મી શીતલનાં માતાપિતા બન્ને અમરેલીમાં ડોક્ટર. શીતલની કારકિર્દી ઘણી ઉજ્જવળ. અમેરિકામાં જઈ કમ્પ્યુટર સાયન્સ ગ્રેજુએટ થઇ. ત્યાંની એક અગ્રીમ ફાઈનાન્સ કંપની ગોલ્ડમેનસેસમાં સોફ્ટવેર એન્જિનયર તરીકે ઉચ્ચ હોદા પર ફરજ બજાવતી. તાશી માટે રાજીનામું આપી ભાવનગર આવી. અત્યારે અમેરિકા પરત ફરી એક સરસ કંપનીમાં જોડાઈ ગઈ છે.
તાશીના પિતા એટલે મારો પુત્ર ગૌરવ. મેડીકલમાં એડમિશન મળેલું તે ઠુકરાવ્યું. કેમિકલ એન્જિનિયર બની રિલાયન્સમાં જોડાયો. રાજીનામું આપ્યું. ઈમ્ફોસીસમાં સોફ્ટવેર એન્જિનયર તરીકે જોડાયો. ઈમ્ફોસીસ થકી અમેરિકાની જાણીતી ફાઈનાન્સ કંપનીમાં જોડાયો. દીકરીને વધુ સમય આપી શકાય માટે ત્યાંથી પણ રાજીનામું આપ્યું. ઘરે રહીને કન્સલ્ટીંગ શરૂ કર્યું. રાજીનામું આપી તાશીને લઇ ભાવનગર આવ્યા. અત્યારે અમેરિકા પરત ફરી વિશ્વની નામાંકિત કંપની ગુગલમાં જોડાયો ગયો છે.
તાશીને અમેરિકા કેલિફોર્નિયા ગયાને હજુ તો છ જ મહિના થયાં છે. તાશી ત્યાનાં પ્લે-હાઉસમાં જાય છે. ત્યાં આવતાં ટેણિયાઓની સાથે રહીને ચીની અને અંગ્રેજી બોલતાં શીખી ગઈ છે. કાકી સાથે રહી હિન્દીનાં શબ્દો પણ બોલી લે.
સાડા ત્રણ વર્ષની તાશી. ત્રણ ભાષા બોલતી તાશી. ભવિષ્યમાં કેટલીયે ભાષા પૂરા વિશ્વાસ સાથે શીખશે. ભવિષ્ય ઘણું ઊજળું બની રહેવાનું છે. 
આ છે માતૃભાષાની કમાલ.
~~~~
બાળક ઉપર માતૃભાષા કરતાં જુદી ભાષા લાદવી એને હું માતૃભાષા સામેનો અપરાધ ગણું છું.  - મહાત્મા ગાંધીજી

~~~~

જે લોકો નાનપણથી બાળકો ઉપર અંગ્રેજી ભાષા લાદે છે તેઓ પાપ કરી રહ્યાં છે. 
ગુજરાતી માતૃભાષાની અવગણના કરીને અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ છીએ તેને લીધે ૨૧મી સદીમાં ભાષાની કટોકટી સર્જાણી છે. ૧૯મી સદી પછીની આ દ્વિતીય કટોકટી આવી છે. આ કટોકટીને માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરીને નિવારવી જોઈએ.
- ડૉ. રવીન્દ્રભાઈ દવે (૧૪૦ વધુ દેશોનાં સલાહકાર, પૂર્વ શિક્ષણ નિયામક - UNESCO)

~~~~

વિજ્ઞાન માતૃભાષામાં ભણો તો સરખું સમજાય. - ડૉ. એ પી જે અબ્દુલ કલામ
~~~~

માતૃભાષાનાં અસ્તિત્વ ઉપર જ સસ્કૃતીનું અસ્તિત્વ છે. - UNESCO

~~~~

ગુજરાતમાં જેટલાં IAS - IPS કે વૈજ્ઞાનિકો થયાં તેમાંથી લગભગ  લગભગ બધાં જ માતૃભાષા ગુજરાતીમાં જ ભણેલાં છે. - એક સર્વે

~~~~

શિક્ષણનાં માધ્યમની ચર્ચા દુનિયાના કોઈ દેશમાં ચાલતી નથી. - સંશોધન

~~~~

શિક્ષણમાં આનંદ તો માતૃભાષાથી જ મળે. - રવીન્દ્રનાથ ટાગોર

No comments:

Post a Comment