માતૃભાષા વંદના
ભાવનગર ઘોષણાપત્ર
જાગતે રહો
UN -રીપોર્ટમાં દુનિયાની ભૂંસાઈ રહેલી ભાષામાં
ગુજરાતીભાષાનો પણ
સમાવેશ થયો છે.
સમગ્ર વિશ્વમાં, ૨૧મી ફેબ્રુઆરીને માતૃભાષા ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે.
અનુક્રમણિકા
- ડૉ. નલિન પંડિત ભાવનગર ઘોષણાપત્ર વિશે
- ડૉ. રવીન્દ્રભાઈ દવે માતૃભાષા સંવર્ધન ભાવનગર ઘોષણાપત્ર
- ડૉ. પ્રવીણભાઈ શાહ દફતર મુક્ત બાલમંદિર /બાળપણ બચાવો
- પ્રા. ભારતભાઈ પાઠક ગિજુભાઈ બધેકા (મૂછાળી મા)
- એક ગુણાત્મક સંશોધન શિક્ષણમાં માધ્યમનો પ્રભાવ
- સંકલન માતૃભાષા વિશે મહાનુભાવોના શાશ્વત ઉદ્દગારો
- ગિજુભાઈ બધેકા પ્રકાશિત પુસ્તકો નૂતન બાલશિક્ષણ સંઘ-ભાવનગર
- લોકપ્રિય બાલગીતોની સીડી નૂતન બાલ શિક્ષણ સંઘ-ભાવનગર
- UN રિપોર્ટ ગુજરાતી ભાષા ભૂંસાઈ રહી છે.
ભાવનગર ઘોષણાપત્ર વિશે
- ડૉ. નલિન પંડિત
પ્રમુખ, ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ.
(પૂર્વ નિયામક – GCERT, ગાંધીનગર.)
Mobile: +91 94289 96622 | Email: nalin.pandit@gmail.com
ભાવનગર એટલે વિદ્યાનગરી,
ભાવનગર એટલે કલાનગરી,
ભાવનગર એટલે સંસ્કારનગરી.
ભાવનગરને વિદ્યાનગરી સ્વરૂપે ઘડવામાં 'દક્ષિણામૂર્તિ' સંસ્થાના સ્થાપક, ‘પદ્મશ્રી’ નાનાભાઈ ભટ્ટ, તેના સાથીઓ શ્રી ગિજુભાઈ બધેકા(મૂછાળી મા) અને શ્રી હરભાઈ ત્રિવેદી, એવી કેળવણીકાર ત્રિપુટીનો દીર્ઘ ફાળો રહ્યો છે. આ વિદ્યા થકી કલા પણ ખીલી અને સંસ્કાર પણ સિંચાયા.
માતૃભાષા સંવર્ધન માટે યોજાયેલી પ્રવચનમાળા સમયે જ, ભાવનગરમાં પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ૧૦૦મી, સંત સમા દીવાનશ્રી પ્રભાશંકર પટ્ટણીજીની ૧૫૦મી અને સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી હતી. તેથી આ ત્રણે મહાનુભાવોને માતૃભાષા વંદના કાર્યક્રમ અર્પિત કરી સહુ ધન્ય ધન્ય બન્યાં હતાં.
વિદ્યાનગરી ભાવનગરમાં બાળકોના વકીલ શ્રી ગિજુભાઈ બધેકા સ્થાપિત ‘નૂતન બાલશિક્ષણ સંઘ’, બાલશિક્ષણના અનેકવિધ કાર્યો કરી રહેલ છે. જેનાં ભાગ સ્વરૂપે બે જુદા જુદા સમયે અને પ્રસંગોએ ‘જરા હટકે’ એવા બે પ્રવચનો પ્રયોજાયા હતાં. આ બન્ને પ્રવચનો બહોળા સમાજ સમક્ષ મૂકવાની ભલી લાગણી અનેક આત્મીય સ્નેહીશ્રીઓએ વ્યક્ત કરી હતી.
આ બન્ને પ્રવચનો, શિક્ષણની પ્રવર્તમાન ઘાતક સમસ્યાઓનો સાંગોપાંગ ચિતાર આપી તેને જડમૂળથી ઉખેડી ફેંકી દે તેવાં નિરાકરણો આપે છે. જે પૈકીનું એક પ્રવચન, આંતરરાષ્ટ્રીય કેળવણીકાર અને ગરવા ગુજરાતી સર્વશ્રી ડૉ. રવીન્દ્રભાઈ દવેસાહેબે આપ્યું છે.
ડૉ. દવેસાહેબે, પોતાનાં પ્રવચનને ‘ભાવનગર માતૃભાષા સંવર્ધન ઘોષણાપત્ર’ એવું નામ આપવાં સૂચન કરેલું. જેને અમે ગૌરવપૂર્વક સ્વીકારી આ પુસ્તિકાનું નામ જ રાખી દીધું!! તેઓશ્રીનાં અમે કાયમી ઋણી રહીશું.
બીજુ પ્રવચન, ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણને ભાર-વિનાનું બનાવવામાં જેમનો સિંહ ફાળો છે અને જેઓ બાલવાર્તાનાં માહિર છે, તે શ્રી ડૉ. પ્રવીણભાઈ શાહ(બાપુ)એ આપેલું છે. બાપુએ સર્વશ્રી રવીન્દ્રનાથ ટાગોરની શાશ્વત અને ‘જરા હટકે’ એવી એક વાર્તા કહીને, સહુ કોઈની આંખ ખોલી નાખી હતી. તેઓનું ઋણ પણ સદાય અમારાં ઉપર રહયું છે.
આ નાનકડી પુસ્તિકામાં જેઓ ‘બાલ દેવો ભવ’ની ધૂણી ધખાવીને એડવોકેટમાંથી “મૂછાળી મા” બન્યાં તેવાં, ગિજુભાઈ બધેકાની આછેરી ઝલક આપવાનો પણ (સૂર્ય સામે બેટરી ધરવાનો કોઈ અર્થ નથી, છતાં) પ્રયાસ કરેલો છે. સાથોસાથ બાળસાહિત્યના બ્રહ્માનાં વરદ્દ હસ્તે સ્થાપિત ‘નૂતન બાલશિક્ષણ સંઘ’ના કાર્યની ઝલક આપવાનો પણ પ્રયાસ કરેલો છે.
આ પુસ્તિકાનો નાદ માતૃભાષા સંવર્ધનનો જ છે. તેથી અહીં રાજકોટવાસી ડૉ. હર્ષદભાઈ પંડિતને યાદ કરવા જ રહ્યાં. ગુજરાત રાજ્યનાં પશુપાલન વિભાગમાં ઉચ્ચ પદ્દ પર રહીને નિવૃત્ત થયેલાં આ અધિકારીએ માતૃભાષા સંબંધી એક કિટ બહાર પાડી!! રૂ.૧૦૦/-થી પણ વધુ પડતર કિંમતની આ કિટ ઉપર તેઓએ છપાવેલું કે : “રાહત ભાવે માત્ર રૂ. ૩૦/-માં, આપને સંતોષ ન થાય તો રૂ.૪૦/-પરત!!” અહીંથી જ નહિ અટકતાં, કિટમાં મુકેલી એક નાનકડી પુસ્તિકાની ઉપર એવું છપાવ્યું છે કે : "માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ બાળક, કુંટુંબ, સમાજ અને દેશના હિતમાં છે. આ વિચારને ખોટો પૂરવાર કરનારને રુ. એક લાખનું ઇનામ!!!”
હજુ સુધી કોઈ માઈના લાલે આ પડકાર ઉપાડ્યો નથી, કે નથી કોઈ પેલી કિટ પાછી આપવા આવ્યું!!! તેઓનાં મંત્રમુગ્ધ બનાવી દેતાં સાહિત્યનો વાચક ડૉ. હર્ષદભાઈનાં અભિયાનમાં જોડાયા વિના રહી શકતો નથી. તેઓનું સાહિત્ય આજે તો અનેક ભાષાઓમાં ભાષાંતર પામ્યું છે. હવે તો અમેરિકાના વતનપ્રેમીઓ પણ તેઓની સાથે જોડાયાં છે. તેઓ ભાવનગરમાં સ્વખર્ચે આવીને હરહંમેશ જોશદાયી સહયોગ આપતાં રહ્યાં છે. પોતાની લાખો રૂપિયાની બધી જ બચત આ અભિયાનમાં અર્પિત કરી દેનારા ડો. હર્ષદભાઈ પંડિત, એક દાદુ માનવીને સહકુટુંબ વંદન.
હંમેશની માફક પ્રૂફ જોવામાં દેવી પંડિતનો સહયોગ હોય જ છે. પરંતુ નૂતન બાલશિક્ષણ સંઘને હરહંમેશ તન-મન-ધનથી હૃદયપૂર્વકનો સહયોગ આપતી અનેક અનેક સંસ્થાઓનો આભાર માનતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. આ સંસ્થાઓના નામ લખવા બેસીએ તો ભૂલકણાપણાનો દોષ ધ્યાનમાં આવી જાય. પણ હા, એક વાત તો ગૌરવપૂર્વક કહી શકાય કે, આ નિઃસ્વાર્થ પ્રેમ એ પણ ભાવનગરની એક આગવી ઓળખ છે.
‘નૂતન બાલશિક્ષણ સંઘ’, નહિ નફો-નહિ નુકશાનનાં ધોરણે કામ કરી રહ્યો છે. ‘ભાવનગર ઘોષણાપત્ર’ વિનામૂલ્યે પ્રકાશિત કરવાનું કારણ, મહાત્મા ગાંધીજી પ્યારાં અને મેડમ મોન્ટેસરીનાં પ્રેમ ભરેલાં શબ્દો પામેલાં બાળકોના વકીલ સ્વ. ગિજુભાઈ બધેકા અને આપણી અમૃતસમી માતૃભાષા ગુજરાતી પ્રત્યે ઋણ અદા કરવાનો જ છે.
|| બાલ દેવો ભવ્ ||
માતૃભાષા સંવર્ધન - ભાવનગર ઘોષણાપત્ર
- ડૉ. રવીન્દ્રભાઈ દવે
પૂર્વ નિયામક, શિક્ષણ સંસ્થાન - UNESCO, જર્મની.
પૂર્વ ડીન અને હેડ - NCERT, ન્યૂ દિલ્હી.
૧૪૨ દેશના શિક્ષણ સલાહકાર.
(જ્ઞાનની આરાધના માટેનો પવિત્ર દિવસ એટલે વસંત પંચમી. સવંત ૨૦૬૭ની વસંત પંચમી, ૨૮મી જાન્યુઆરી–૨૦૧૨ના દિવસે હતી. આ પાવન દિવસે નૂતન બાલશિક્ષણ સંઘ-ભાવનગરના વડપણ હેઠળ ભાવનગરની અનેક સંસ્થાઓના સહયોગથી એક પ્રવચનમાળાનું આયોજન થયુ. ‘માતૃભાષા સંવર્ધન’ નામે યોજાયેલી આ પ્રવચનમાળા ભાવનગરની સુપ્રસિદ્ધ સંસ્થા ‘અક્ષરવાડી’ના સુસજ્જ સત્સંગ હોલમાં આયોજીત થઇ હતી.
આ પ્રવચનમાળાનું મુખ્ય પ્રવચન આંતરરાષ્ટ્રીય સંસ્થા UNESCO-નાં શિક્ષણ વિભાગનાં પૂર્વ નિયામક અને વિશ્વના ૧૪૨ જેટલાં દેશોમાં શિક્ષણની અનેરી સેવા પ્રદાન કરી આંતરરાષ્ટ્રીય કેળવણીકાર તરીકે પહેચાન બનાવનાર અને ગરવા ગુજરાતી સર્વશ્રી ડૉ. રવીન્દ્રભાઈ દવેસાહેબ દ્વારા અપાયું.
આ પ્રવચનમાળામાં માતૃભાષાના પ્રહરી અને 'પ્રગતિશીલ શિક્ષણ' નામે પ્રસિદ્ધ થતાં શૈક્ષણિક સામયિકના અનેરાં તંત્રીશ્રી ડૉ. પી.જી.પટેલસાહેબે પણ વિશિષ્ટ વક્તા તરીકે ઉપસ્થિત રહીને માતૃભાષાની મહત્તા વિષેની અનેરી વાતો કરી. 'અક્ષરવાડી'ના સ્વામીજી પ.પૂ.સોમપ્રકાશ સ્વામીજીએ પણ, આ દિવસ ‘શિક્ષાપત્રી’નો પ્રાગટ્યદિન પણ છે, તેમ જણાવી માતૃભાષાને વંદના કરી આશીર્વાદ આપ્યા હતાં.
ડૉ. રવીન્દ્રભાઈ દવેસાહેબે, પોતાનાં પ્રવચનને ‘ભાવનગર માતૃભાષા સંવર્ધન ઘોષણાપત્ર’ એવું નામ આપવાં સૂચન કરેલું. જેને અમે ગૌરવપૂર્વક સ્વીકાર્યું છે. આવું અનેરું અર્થસૂચક નામ સૂચવવા બદલ અમે ડો. દવેસાહેબના ઋણી છીએ.)
પ્રવચન :
૧૯મી સદીમાં વડોદરામાં મહારાજા ખંડેરાવનું ગાયકવાડનું રાજ્ય હતું. તેમણે એક કાયદો દાખલ કર્યો કે ‘પ્રજાભાષા ભલે ગુજરાતી હોય, પણ વહીવટી ભાષા, રાજભાષા અને શિક્ષણની ભાષા મરાઠી રહેશે.’
આ કાયદાની સામે કવિશ્રી દલપતરામે, મહારાજા ખંડેરાવને એક પત્ર લખ્યો કે તમે જે કરી રહ્યાં છો તે ખોટું છે. આ કાયદો પાછો ખેંચો. પરંતુ મહારાજા તરફથી કોઈ જવાબ મળ્યો નહિ.
કવિશ્રી દલપતરામે બીજો પત્ર લખ્યો જેમાં તેઓએ મહારાજાને આ કાયદાને લીધે ગુજરાતી ભાષા નષ્ટપ્રાય થશે, માટે કાયદો પાછો ખેંચો. તે કાગળનો પણ કોઈ જવાબ ન મળતાં દલપતરામ પોતે જ આમંત્રણ વગર મહારાજા ખંડેરાવની સભામાં પહોંચી ગયાં.
મહારાજા : આપ કોણ છો?
દલપતરામ : હું રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
મહારાજા : શા માટે આવ્યા છો?
દલપતરામ : આવ્યો આપ આગળ ઉચ્ચારવા અપીલ છું.
મહારાજા : તમારો કેઈસ શું છે?
દલપતરામ : ગરવી ગુજરાતી તણાં પિયરની ગાદી પામી,
મુખ્ય તો મરાઠી માની દેખી દુઃખી દિલ છું.
ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી,
લૂંટી અલંકાર કુટી કીધી ગુનેગાર શી!
દિલગિ રહે ગુર્જરી સજે નહિ શણગાર,
તેનું દુઃખ ઉચ્ચારવા આવ્યો છું હું આજ.
કવિશ્વર દલપતરામની અપીલથી મહારાજા શ્રીખંડેરાવજીએ દરેક માટે મરાઠીના બદલે ગુજરાતી ભાષા કરી. ગામડે ગામડે શાળા બનાવી, ગુજરાતી ભણાવવાની વાત કરી. અને દરેક શાળામાં પુસ્તકાલય શરૂ કર્યું. આવી રીતે કવિશ્રી દલપતરામે ઓગણીસમી સદીની પ્રથમ ભાષાકીય કટોકટી ટાળી હતી.
આ દિવસ સરસ્વતી પૂજનનો હોય, માતાજીનું સ્તુતિજ્ઞાન કરી ડૉ. રવીન્દ્રભાઈએ 'સરસ્વતી' શબ્દનું શબ્દભેદન કરતાં જણાવ્યું કે : સરસ્વતી શબ્દમાં ત્રણ શબ્દો સમાયેલા છે. સર, સ્વ અને સ્વત. જેનો અર્થ થાય છે કે મારી અંદર જે કઈ શ્રેષ્ઠતમ શક્તિ છે તે સામર્થ્યનું નામ સરસ્વતી છે. જેને આપણે જ્ઞાન, અભ્યાસ, બુદ્ધિ, શિક્ષણ કે કેળવણી કહીએ છીએ. આ જ્ઞાનની શ્રેષ્ઠતમ અવસ્થા પ્રતિ જતી પંચપદીને ક્રમશઃ અજ્ઞાનમ્, જ્ઞાનમ્, સંજ્ઞાનમ્, વિજ્ઞાનમ્ અને પ્રજ્ઞાનમ્...કહી શકાય.
માતૃભાષાને જન્મભાષા તરીકે ઓળખાવીને 'જનની જન્મભુમી સ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ' ના પ્રસિદ્ધ રામ-વાક્યમાં જન્મભાષા ઉમેરીને માતૃભાષાનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું.
ડૉ. રવીન્દ્રભાઈએ માતૃભાષા સંવર્ધન વિકાસના ક્રમશઃ છ વિરાટ પગલાંઓ રજૂ કરીને સહુનાં મનને માતૃભાષાથી તૃપ્ત કરી દીધા.
- માતૃભાષાની વિકાસ યાત્રાનું પ્રારંભબિંદુ માતાના ગર્ભમાં રહેલાં બીજનાં ચેતા વિકાસ સાથે જોડાયેલું છે. પ્રથમ ચાર અઠવાડિયા પછી માતા જે સાંભળે છે, જે વાતચીત કરે છે તેની છાપ ગર્ભ ઝીલે છે. ભાષા સંસ્કારના આ પ્રથમ સોપાનને માતૃભાષાનું મંડાણ કહે છે.
- માતૃભાષાની વિકાસ યાત્રાનું બીજું સોપાન ભાષાનું બંધારણ છે. વિવિધ સંસ્કારોથી ભાષાનું બંધારણ ઘડાય છે. તેથી જ ભાષાને જન્મભાષા પણ કહેવાય છે.
- ત્રીજા સોપાનમાં ભાષાની પ્રત્યાયન પ્રક્રિયા વિકાસ પામે છે. જે મૌખિક અને લેખિત અભિવ્યક્તિનાં વિકાસની પ્રક્રિયા છે. આ સોપાન માટે તેઓએ લોકભોગ્ય ઉદ્દાહરણ પેશ કર્યા.
- ચોથા સોપાન તરીકે ભાષા સર્જન અને
- પાંચમાં સોપાન તરીકે માતૃભાષા સમૃદ્ધિકરણની આજીવન પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
પ્રવચનમાળામાં ઉપસ્થિત સારસ્વત સમુદાય તરફથી મળી રહેલાં અનન્ય પ્રતિભાવને પારખીને આજે ડૉ. રવીન્દ્રભાઈ બરાબર ખીલ્યા હતાં. માતૃભાષા સંવર્ધનને એક ઊંચાઈ ઉપર લઇ જઈ તેઓએ કહ્યું કે :
‘વિશ્વ વિભૂતિઓએ પણ પોતપોતાનાં આગવા વિચારો અને સંશોધનો માટે પોતાની માતૃભાષાને જ અમૂલ્ય અને શ્રેષ્ઠ ગણાવી છે.’
આ માટે તેઓએ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામસાહેબનાં તથા E = mc2ની વિખ્યાત થિયરી આપનાર મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનાં ઉદાહરણો પેશ કર્યા.
આમ ડૉ. દવેસાહેબે માતાના ગર્ભથીમાં પડતી છાપથી માંડી, મહાશક્તિનાં સર્જન સુધીની વાતોને રજૂ કરી માતૃભાષા સંવર્ધન માટે જબરો માહોલ રચી દીધો.
અંતમાં આંતરરાષ્ટ્રીય કેળવણીકારે અંગ્રેજીકરણની ઘેલછા પર તાતા પ્રહારો કરતાં જણાવ્યું કે :
‘અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો અનુકરણિય બને છે, તેઓ સર્જનશીલ બની શકતા નથી!!! અંગ્રેજીભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે, પણ તેને શિક્ષણમાં વહેલાસર દાખલ કરીએ છીએ ત્યારે બાળકમાં વિકૃતિ અને વિકાર આવે છે. તેથી વિદ્યાર્થી અને સમાજનું અધપતન થાય છે. માતાપિતા અને સમાજની અંગ્રેજીમાધ્યમની વધુ પડતી અપેક્ષાના કારણે બાળકનું કુમળું માનસ તણાવથી ભરાય જાય છે. જે બાળકને અનેક શારીરિક બિમારી તરફ દોરી જાય છે.’
વધુમાં તેઓશ્રીએ કહ્યું કે –‘ગુજરાતી શબ્દો કાકા, મામા કે ફૂઆ માટે અંગ્રેજીમાં તો એક જ શબ્દ છે, અંકલ..અને કાકી, મામી કે ફૂઈ માટે પણ અંગ્રેજીમાં એક જ શબ્દ છે, આન્ટી. માટે અંગ્રેજી કરતાં માતૃભાષા સહેજ પણ ઉતરતી નથી. ઉલ્ટાનું આપણી ગુજરાતી ભાષા અંગ્રેજી કરતાં ઘણી દ્રષ્ટિએ સમૃદ્ધ છે. જે લોકો નાનપણથી બાળકો ઉપર અંગ્રેજી ભાષા લાદે છે, તેઓ પાપ કરી રહયા છે.
બાળકમાં, ગર્ભથી જ માતૃભાષાના મંડાણ અને બંધારો બંધાય છે. તેને આધારે જ બાળક પ્રત્યાયન-વાતચીત માટે તૈયાર થાય છે. તે સમયે જ તેના ઉપર અંગ્રેજી ભાષા ઝિકી દેવાથી બાળક મુરઝાય જાય છે. બાળક હોવાથી તે કઈ પણ બોલી શકતું નથી. પણ જો બોલી શકવા માટે સક્ષમ હોત તો ત્રણ વર્ષની ઉમરે તે સુપ્રીમ કોર્ટમાં જઈને કહેત કે આ લોકોએ મારું અપહરણ કરેલ છે!!!
માતૃભાષાથી જ સંસ્કાર સિંચન થાય છે, માતૃભાષાથી જ ભાવસૃષ્ટિનું નિર્માણ થાય છે. નાનપણથી જ બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકીને આપણે ભાવશૂન્ય અને સંસ્કારવિહોણા સમાજનું સર્જન કરી રહયા છીએ.
ગુજરાતી માતૃભાષાની અવગણના કરીને, અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ છીએ તેણે લીધે એકવીસમી સદીમાં ભાષાકીય કટોકટી(૧૯મી સદી પછીનીબીજી કટોકટી)સર્જાણી છે. આ કટોકટીને, માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરીને નિવારવી જોઈએ.’
નોંધ : ઘણાં વર્ષોથી ડૉ. દવેસાહેબ જર્મનીના હેમ્બર્ગ શહેરમાં રહે છે. ભારત સરકાર અને
ગુજરાત સરકારનાં તેઓ સલાહકાર અને માર્ગદર્શક છે તેથી જરૂરતના પ્રમાણે તેઓ
દેશમાં અને વતન ગુજરાતમાં આવે છે. ઉપરોક્ત પ્રવચનનો લાભ સદ્દનસીબે આવા
જ એક અવસરે પ્રાપ્ત થયો.
પ્રવચનમાળા બીજુ પ્રવચન :
પ્રવચનમાળામાં ઉપસ્થિત ગાંધીગિરા સમી ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણ મહાવિદ્યાલયના
પૂર્વાધ્યક્ષ ડૉ. પુરુષોત્તમભાઈ પટેલજીએ સમયનાં અભાવે કરેલાં ટૂંકા પ્રવચનનાં ઉદ્દગારો પ્રેરણાદાયી :
--- કેળવણીકાર ત્રિપૂટી થકી ભાવનગરભૂમિએ કેળવણીમાં કરેલાં વિશેષ
પ્રદાનને હું વંદન કરું છું.
--- સમગ્ર ગુજરાતમાં પ્રમાણભૂત ભાષા ભાવનગરની છે.
-- અંગ્રેજી શિક્ષણનાં અખતરાથી ભાવશુન્ય પ્રજા પેદા થાય છે.
--- બેસૂરી બની રહેલી માતૃભાષાને સંવેદનાનો સુર આપવો જ રહ્યો.
દફતર મુક્ત બાલમંદિર
- ડૉ. પ્રવીણભાઈ શાહ
(‘ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ’ની જવાબદારી ભાવનગરે સંભાળી તે અવસરે સને ૨૦૧૦માં યોજાયેલાં સંઘના રાજ્ય અધિવેશનમાં ‘જરા હટકે’ એવું આ પ્રવચન અપાયેલું.
ત્રિપુટી કેળવણીકારોનાં જન્મમાસ નવેમ્બરમાં આ પાંચ દિવસિય અધિવેશન દક્ષિણામૂર્તિની ટેકરીનાં પાવન પ્રાંગણમાં યોજવામાં આવેલું. આ એ જ દક્ષિણામૂર્તિ કે જ્યાં ગિજુભાઈ બધેકાએ ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સ્વપ્ન સેવેલું !!!
આ પ્રવચન સર્વશ્રી રવીન્દ્રનાથ ટાગોરની એક શાશ્વત વાર્તા આધારિત હતું. 'દફતર મુક્ત બાલમંદિર' વિષય ઉપર સહુ કોઈની આંખ ખોલી નાખે તેવું આ પ્રવચન નખશીશ ગુરૂ, ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણને ભાર-વિનાનું, આનંદદાયી અને પ્રવૃત્તિમય બનાવવામાં જેમનો સિંહફાળો છે અને જેઓ શિક્ષણજગતમાં ‘બાપુ’ના પ્યારાં નામથી જાણીતા છે તેવાં શ્રી ડૉ. પ્રવીણભાઈ શાહ દ્વારા અપાયેલું.)
બાપુ :
જે બાળકના વિકાસ માટે માતાના ધાવણની જરૂર છે, એ બાળકને ધાવણથી વંચિત રાખીને ચમચી-ચમચી દૂધપાકથી મોટું કરીએ તો શું થાય? આપણે દફતરિયા શિક્ષણમાં બાળકને ખેલકૂદ, ગીત, તોફાન કરવું, હરવું-ફરવું, સર્જવું વગેરે જેવી કુદરતી પ્રવૃતિથી વંચિત રાખીને, પુસ્તકનાં પાનાઓનું જ ધાવણ કરાવીએ તો બાળક એ જીરવી કેમ શકે?
કવિવર રવીન્દ્રનાથની "તોતા કહાની" વાર્તા આપણા સાહિત્યનું એક નવલું નજરાણું છે. તેમાં કવિવરે શિક્ષણ પ્રત્યે જબરો કટાક્ષ કર્યો છે, તો સાથે સાથે પોતાની અસહ્ય વેદનાને પણ ઠાલવી છે.
વાર્તા
રાજાએ પોતાનાં બગીચામાં પોપટનું નાનું એક બચ્ચું જોયું. બચ્ચું ગાતું હતું, ઉડતું હતું, એક ડાળથી બીજી ડાળ પર કૂદતું હતું અને બગીચાના કાચાપાકા ફળો ખાઈને ગુલતાન કરતું હતું.
રાજાએ એને જોયું અને રાજાની ભ્રમરો ખેચાણી, રાજાની આંખ લાલઘૂમ થઇ. તેને થયું : 'આ શી અજ્ઞાનતા! બગીચામાં ગાવાનું, કૂદવાનું, ઉડવાનું તે કાંઈ હોય? આ તે ભારે મોટી અશિસ્ત! આ નાચતા કૂદતાં પંખીને અદબવાળીને શિસ્તમાં રહેતા શીખવવું પડશે!'
રાજાએ પંખીની અશિસ્તની વાત પ્રધાનજીને કરી. નાનું પંખી નાચે કૂદે એ જાણીને પ્રધાનજીને પણ આશ્ચર્ય થયું. અશિસ્તની પાછળ અજ્ઞાનતા છે તેવી રાજાજીની વાતને તેમણે સમર્થન આપ્યું અને પંખીની અજ્ઞાનતાનું દૂર કરવા માટેની યોજના ઘડવાનું કામ રાજાજીના ભાણેજને સોપવાનું સૂચન કર્યું.
રાજાએ પોતાનાં સગા ભાણેજને પંખીને શિક્ષિત કરવાનું આયોજન સોપ્યું. પંખીને ભણાવવાના મોટા બજેટથી ભાણેજ પાણી પાણી થઇ ગયો!
ભાણેજે દેશ વિદેશના શિક્ષણવિદ્દોને ભેગા કર્યા. બધાએ ભેગા મળી ખૂબ વિચારવિમર્શ કર્યો. જૂથ ચર્ચાઓ કરી. સર્વસંમતિથી શિક્ષણવિદ્દોએ નિષ્કર્ષ કાઢ્યો કે પંખીની અજ્ઞાનતાનું કારણ તે સાવ નાનાં અને ગંદા માળામાં રહે છે તે છે.
એટલે પંખીની અજ્ઞાનતા દૂર કરવી હોય તો તેનો ભણાવવાનો કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં તેને રાખવાં માટે સારા Infrastructure-ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું જોઈએ. આવાં નાનાં અને ગંદા માળામાં રહેનારને વિદ્યા ક્યાંથી ચડે?
ભાણેજે તો ગામનાં સોનીને બોલાવ્યા. સોનીઓએ પંખી માટે શુદ્ધ સોનાનું, ચકચકિત એવું, એક મોટું પિંજરું બનાવ્યું! બાકીનું પણ કઈક કઈક Infrastructure ઊભું કર્યું. જોનારા તો મોઢામાં આંગળા નાંખી જાય તેવું અદ્દભૂત Infrastructure! દેશ-પરદેશથી લોકો પંખીના શિક્ષણ માટેનું Infrastructure જોવા આવવા લાગ્યાં! અદ્દભુત! આવું તો ક્યાંય જોયું નથી. Infrastructureનાં વખાણ ચારેકોર થવા લાગ્યાં.
ગામનાં લોકો વાતો કરવા લાગ્યાં : પંખી ખરું ભાગ્યશાળી છે! રહેવાં સરસ સોનાનું પિંજરું મળ્યું. હવે તેનું સરસ શિક્ષણ શરૂ થશે.
પણ કોઈ અદેખાને થયું, Infrastructure તો સરસ છે, પણ અંદરના પંખીનાં શિક્ષણનું શું?
(મોટા મોટા બિલ્ડીંગો, AC ક્લાસરૂમ, મોંઘા અને આકર્ષક યુનિફોર્મ...એ બધામાં અપાતા શિક્ષણને કોઈએ મૂલવ્યું છે ખરું?-ડૉ. પ્રવીણભાઈ)
ભાણેજે પંખીના અભ્યાસ માટે પંડિતોને તેડાવ્યા. માથે મોટી ચોટલી બાંધતા અને છીંકણી સૂંઘતા પંડિતો આવ્યા. પિંજરાની આજુબાજુ પડેલી પોથીઓ જોઈને ડોકું ધુણાવ્યું અને બોલ્યા : ના, આટલી બે ચાર પોથીઓથી પંખીનું શિક્ષણ શક્ય નહિ બને!
ભાણેજને પંડિતોની વાત ગળે ઉતરી ગઈ. પોતાનાં અને આસપાસનાં રાજ્યોમાંથી કેટલાયે લેખકોને ભેગા કર્યા. લેખકોએ કેટલીયે પોથીઓમાંથી આમ ઉતારા કર્યા, તેમ ઉતારા કર્યા. ઢગલાબંધ ગાઈડો તૈયાર કરી. પોપટના બચ્ચાના પિંજરાની આજુબાજુ તો પુસ્તકોના થપ્પેથપ્પા લાગી ગયાં. લેખકોને પુરસ્કારથી માલામાલ કરી દેવામાં આવ્યા.
ભાણેજે પિંજરાના રક્ષકો, પિંજરાના સફાઈ કામદારો, એ બધાં ઉપર સુપરવિઝન કરનારા અધિકારીઓ એમ કેટલાયે કર્મચારીઓની નિમણુંક કરી દીધી. પિંજરું રોજ ઘસાઈને ઉજળું રહેવા લાગ્યું. Infrastructureની માવજત માટે ભાણેજે લખલૂંટ ખર્ચ કર્યો.
કોઈક વાંક દેખાએ રાજાજીના કાને વાત નાંખી : Infrastructureની માવજત તો થાય છે, પણ પોપટના દાણાપાણીનું શું? એના શિક્ષણનું શું?
અને એક દિવસ રાજાએ પોપટનું શિક્ષણ કેવું થઇ રહ્યું છે તે જોવાનો મનસૂબો કર્યો. પ્રધાનજીને કહેવરાવ્યું. લાવલશ્કર સાબદું કર્યું.
અને રાજાજી પંખીના શિક્ષામંદિર આગળ ખડા થઇ ગયાં. રાજાજીની ફરતે સોનીઓના સગા, પંડિતોના સગા, પિંજરાની દેખભાળ કરનારાના સગા વગેરેની એક દીવાલ ખડી થઇ ગઈ. ડંકા નિશાન વાગ્યા, ઢોલ નગારા વાગ્યા, શરણાઈઓ ગૂંજી અને રાજાજીનો જયજયકાર થયો. શિક્ષામંદિરના પંડિતો મોં ફાડી ફાડીને શ્લોકગાન કરવા લાગ્યાં. ભાણેજે રાજાજીને કહ્યું : ' જોયું મહારાજ, પોપટનું શિક્ષણ કેવું સરસ થાય છે?
પોપટનાં શિક્ષણની વ્યવસ્થા જોઈને મહારાજ ધન્ય ધન્ય થઇ ગયા. ભાણેજના ગળામાં હીરાનો હાર પડ્યો.
મહારાજ હાથી ઉપર બેસવા જાય છે ત્યાં કોઈ વાંકદેખાએ ટીકા કરી : પણ મહારાજે પોપટનું શિક્ષણ ક્યાં જોયું છે!!
મહારાજ પોપટના શિક્ષામંદિર પર પરત ફર્યા. જોયું તો પંડિતો મોટે મોટેથી પોથી પઢીને, તેના પાનાની ગોળીઓ વાળી વાળીને પોપટના પેટમાં કલમના ગોદાથી પધરાવતા હતાં.
મહારાજે કહ્યું : અદ્દભૂત શિક્ષણ છે.
અને આ રીતે પોપટના બચ્ચાનું શિક્ષણ ચાલતું રહ્યું.
વસંતની એક સવારે સુંદર સૂર્યોદય થયો. મંદ મંદ પવન વહેવા લાગ્યો. ટેવ વશ થઈને પોપટના બચ્ચાએ પાંખો ફફડાવી. ચાંચ વડે પિંજરાના સળિયાને થપથપાવ્યા. ગળું તો પંડિતોએ નાખેલી કાગળની ગોળીઓથી ઠાંસોઠાંસ હતું, એટલે ગીત તો નીકળ્યું નહીં. પણ ગૂંગળામણ થોડી હવા સાથે બહાર નીકળી.
પહેરેગીરે આ જોયું. આ તે કેવી બેઅદબી! આટઆટલું શિક્ષણ મળવા છતાંય હજુય ઉડવાનું? હજુય સળિયા સાથે ન્હોર ભરાવવાના? આ ના ચાલે.
પગને પિંજરા સાથે બાંધ્યા. કાતરથી પાંખો કાપી નાંખી. પંખી જરાય અશિસ્ત ના કરે તેવો પાકો બંદોબસ્ત કરવામાં આવ્યો.
થોડા સમય પછી કોઈક વાંકદેખાંએ રાજાને ખબર આપી : પોપટ મરી ગયો.
રાજાએ તાબડતોબ ભાણેજને બોલાવ્યો, પૂછ્યું : હું આ શું સાંભળું છું?
ભાણેજે કહ્યું કહ્યું : ના મહારાજ ના, આ તો પોપટનું શિક્ષણ પૂરું થયું!!
મહારાજ : શું હવે તે ગાય છે?
ભાણેજ : ના.
મહારાજ : હવે તે અહીંથી તહીં ઉડ ઉડ કરે છે?
ભાણેજ : બિલકુલ નહીં.
મહારાજ : તે હવે દાણાપાણી માટે જીદ કરે છે?
ભાણેજ : ના રે ના.
મહારાજ : શાબાશ, શાબાશ. પોપટને અહીં લઇ આવો, મારે પોપટને જોવો છે.
પોપટને લાવવામાં આવ્યો.
રાજાએ પોપટને ચારેકોરથી જોયો. હા, બિલકુલ શિસ્તમાં છે.
પછી પેટને દબાવ્યું. અંદરથી ખસખસ ખસખસ ખસખસ અવાજ આવ્યો.
મહારાજ ખુશખુશ થઇ ગયાં!!!
(પોપટે કેવું અદ્દભુત શિક્ષણ મેળવ્યું !!.. ભલેને પોપટ મરી ગયો : પ્રવીણભાઈ)
આપણા દફતરિયા શિક્ષણનાં Infrastructureમાં પણ બાળકનું બચપણ મરી જાય છે. ગોખણીયું જ્ઞાન ભરપૂર ઠાંસવામાં આવે છે. બાળકના A To Z અને One To Hundred તેમજ ટ્વીન્કલ ટ્વીન્કલ લીટલ સ્ટાર...જેવાં જ્ઞાનથી અંજાયેલા વાલીઓ, બાળકોને નાનપણથી રેસના ઘોડા બનાવવા માટે, રોબોટ પેદા કરનારી સ્કૂલો પાસે લાઈનો લગાવે છે. પણ વાલીઓને એ ખબર નથી કે રેસના બધાંજ ઘોડાઓ પહેલે નંબરે હોતા નથી. પાછળ રહેલાં ઘોડાઓ હાંફી જાય છે. મોંએ ફીણ આવી જાય છે, અને જીવનનો મહામૂલો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.
શ્રી ગિજુભાઈ બધેકા (મૂછાળી મા) (૧૮૮૫-૧૯૩૯)
- ભારતભાઈ પાઠક
ઈ.સ. ૧૮૮૫ના નવેમ્બરની ૧૫મી તારીખે તેમનો જન્મ થયો હતો. વલ્લભીપુર તેમનું વતન. પ્રાથમિક શિક્ષણ વતનમાં, માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં અને વકીલાતનું શિક્ષણ મુંબઈમાં લઇ વકીલાત વઢવાણમાં કરી.
તેમને ઘરે પુત્ર જન્મ થયો. એ પુત્રને કેમ ઉછેરવો, કેવું શિક્ષણ આપવું એ અંગે તેઓ ખૂબ વિચાર કરતાં હતાં. બાળકને મારવાનું અને મારીમારીને ભય હેઠળ શિક્ષણ આપવાનું ગિજુભાઈને ગમતું ન હતું.
છેવટે એક દિવસ વકીલાત છોડી. ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થામાં આવીને શિક્ષક બન્યાં. શરૂઆતમાં હાઇસ્કૂલનાં મોટા બાળકોને ભણાવતા, પછી તેમણે બાલમંદિરમાં કામ શરૂ કર્યું. બાલમંદિરની શરૂઆત ૧૯૨૦ના ઓગસ્ટ મહિનામાં કરી. ટેકરી ઉપર બાલમંદિરનું મકાન બંધાયું. ૧૯૨૨માં પૂજ્ય કસ્તુરબાના વરદ્દ હસ્તે તેનું ઉદ્દઘાટન થયું.
જીવનમાં અને કેળવણીમાં કામ કરતાં કરતાં તેમને બાલશિક્ષણની નવી ફિલસૂફી અને નવા વિચારોનું દર્શન થયું. તેને તેમણે પોતાનાં જીવનમાં પ્રયોગોની સરાણે ચડાવ્યાં અને પોતાનાં કાર્યમાં તેનો સફળ અમલ કરી બતાવી તેને માટે એક સુંદર, સુવ્યવસ્થિત પદ્ધતિ અર્પતા ગયા.
ગિજુભાઈનું બાલમંદિર સરસ રીતે ચાલવા માંડ્યું. પરંતુ આ એક બાલમંદિર સરસ રીતે ચાલે તેથી દેશના કરોડો બાળકોને કેટલો ફાયદો થાય? ગિજુભાઈ તો બાળકોના ગાંધી હતાં. તેમની નજર સમક્ષ કરોડો બાળકો તરવરવા લાગ્યાં.નૂતન બાલશિક્ષણ પદ્ધતિ વ્યાપક બન્ને અને તેનો લાભ વધારે ને વધારે બાળકોને મળે એ ભાવના એમના દિલને પ્રેરવા લાગી.
તેમણે કહ્યું :હું આપણા લાખો બાળકોનો વિચાર કરું છું. આપણી આંખ આગળ લાખો બાળકો રેંસાતા હોય અને આપણે તે ઊભા ઊભા જોયા કરીએ એ કેમ બને? અત્યારે તો એક જ વાત. આ બાળકોના ખૂન થતાં અટકે તે માટે શંખ ફૂંકો અને જેઓના કાન બહેરા થઇ ગયેલા છે તેમના કાનને ફોડી નાખે તેઓ અવાજ કરો. હું આજે એવો શંખ ફૂંકુ છું. નૂતન બાલકેળવણીનું એક મોટું મોજું ઉભું થઇ જય તો મારે બસ છે.
અને એમણે એવું મોજું ઉભું કર્યું પણ ખરું. પોતાનાં સહકાર્યકરોને તાલીમ આપી. સને ૧૯૨૫માં ગુજરાતનું પ્રથમ બાલ અધ્યાપન મંદિર શરૂ કરીને સેંકડો બાલશિક્ષકો તૈયાર કર્યા. માતાપિતાઓ અને વાલીઓની સભાઓ કરીને તથા તેમને માટે સાહિત્ય લખીને સમાજને તૈયાર કર્યો. પત્રિકાઓ અને સામયિકો ચલાવ્યાં. સને ૧૯૨૬માં નૂતન બાલશિક્ષણ સંઘની સ્થાપના કરીને ગુજરાત અને દેશમાં એક મોટું મોજું ઊભું કર્યું. સમગ્ર સમાજને બાળકો પ્રત્યે જોવાની, વર્તવાની નવી દ્રષ્ટી આપી અને પોતાની પાછળ અગણિત કાર્યકરોની મોટી વણજાર ઊભી કરી.
ગિજુભાઈએ સૌને કહ્યું : શિક્ષકોએ અને માબાપોએ કરેલી અને બાળકોના હક્ક માટે થયેલી લડત, ભલે ઇતિહાસમાં ન થઇ હોય, પણ આપણે તો કરીએ. આ યુદ્ધ આપણી સંકુચિતતા સામે, આપણા મતાગ્રહો સામે, આપણા અજ્ઞાન સામે, આપણી પોતાની ગુલામી સામે, આપણા ભેદભાવ અને આપણી નાસ્તિકતા સામે કરીએ.
આમ કહીને તેઓ આગળ ચાલ્યા અને સૌને પોતાની પાછળ ચાલવાનો આદેશ આપ્યો. બાલશિક્ષકોની અને બાલહિતચિંતકોની વણજાર તેમના કદમે કદમ મિલાવતી ચાલી નીકળી.
આવા હે ચૈતન્યપૂંજ ગિજુભાઈ, આપને વારંવાર વંદન કરીએ છીએ.
ભારતભાઈ પાઠક કૃત "ગિજુભાઈનું કેળવણીમાં પ્રદાન" પુસ્તકમાંથી સાભાર.
પ્રકાશક : આર.આર.શેઠની કંપની -૧૯૭૮
નોંધ :
- આજે પણ આ બાલમંદિર અને બાલ અધ્યાપન મંદિર ભાવનગરમાં સરસ રીતે ચાલે છે. કેળવણીના આ પાવનધામને જોવા જરૂરથી વખત કાઢજો. માનવ બનાવે તેવી હૃદયની કેળવણી. આ કેળવણી કોને કહેવાય તે જોવા મળશે.!!!
- ગિજુભાઈને મેડમ મોન્ટેસરીનાં બાલસાહિત્યમાંથી બાલશિક્ષણની દિશા સાંપડી હતી. મેડમનો ઋણ સ્વીકાર કરવા માટે, પોતે જ લખેલા બાલશિક્ષણની પદ્ધતિનાં અદ્દભૂત પુસ્તકને - 'મોન્ટેસરી પદ્ધતિ' એવું નામ આપ્યું!!!
- ગિજુભાઈ હંમેશ કહેતા :
બાળકને શિક્ષા, સ્પર્ધા અને લાલચથી દૂર રાખો.
પ્રવૃતિમાં મળતો આનંદ જ તેનું ઇનામ છે.
આનંદ ના આપનારી સ્પર્ધા નુકશાનકારક છે.
- છેલ્લા વર્ષોમાં ગિજુભાઈના પુસ્તકોનું વેંચાણ હજારોની સંખ્યામાં રહયું છે. ગિજુભાઈ લિખિત ‘દિવાસ્વપ્ન’તો અધ્યાપન મંદિરનાં અભ્યાસક્રમનો ભાગ બની ગયું છે. ‘દિવાસ્વપ્ન’ આધારિત નાટકો પણ લખાયા છે અને ભજવાયા છે. ગિજુભાઈના જીવનદર્શન ઉપર તો સુંદર મજાની નૃત્યનાટિકાઓ ભજવાણી છે. ISRO-અમદાવાદે ગિજુભાઈ ઉપર એક દ્સ્તાવીજી ફિલ્મ પણ બનાવી છે. ગિજુભાઈની શિક્ષણ પદ્ધતિનો આધાર લેવાથી, ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં મોટો અને સફળ બદલાવ સફળ બન્યો છે.
- નૂતન બાલશિક્ષણ સંઘ, ભાવનગર દ્વારા દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં ગવાતાં અને સહુ કોઈના દિલને જીતી લેતા બાળગીતોની એક ઓડિયો સીડી તૈયાર કરવામાં આવી છે, તેનું નામ છે : 'કિલકિલાટ'. ટૂંકા ગાળામાં જ તે ખૂબ લોકપ્રિય બની છે.
ગુણાત્મક સંશોધન - શિક્ષણમાં માધ્યમનો પ્રભાવ
(શિક્ષણનું માધ્યમ તથા કારકિર્દી અને જીવન પર તેનો પ્રભાવ)
ભાવનગર યુનિવર્સિટીનાં શિક્ષણશાસ્ત્ર ભવનનું આ ગુણાત્મક સંશોધન અપ્રિલ - ૨૦૦૯માં બહાર પડ્યું.
કુ.પટેલ ખ્યાતીએ પોતાનાં એમ.એડ.ના અભ્યાસ માટે આ લઘુ શોધનિબંધ તૈયાર કરેલો છે. એક તો આ ગુણાત્મક સંશોધન છે અને તેમાં પણ આ વણખેડાયેલું ક્ષેત્ર છે. આવાં વિશિષ્ટ સંશોધનનાં માર્ગદર્શક છે ડૉ. જયંત વ્યાસ માતૃભાષાના જબરા પ્રહરી અને પ્રચારક છે.
પ્રસ્તુત અભ્યાસમાં ભાવનગર શહેરનાં વિવિધ વ્યવસાયોમાં આગળ વધેલા ૨૧ પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ થયેલો છે. આ ૨૧ પૈકીનાં ૨૦ લોકોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે. તેઓનાં જીવન અને કારકિર્દીમાં શિક્ષણનાં માધ્યમે કેવો પ્રભાવ પડ્યો તે અંગેની અદ્દભૂત હકીકતો આ સંશોધન થકી પ્રકાશમાં આવી છે.
આ ૨૧ મહાનુભાવોમાં- આઠ પ્રાધ્યાપક/રીડર/પ્રિન્સીપાલ, છ વિવિધ ક્ષેત્રોના ડોક્ટરો, ચાર ઉચ્ચઅધિકારીઓ અને ત્રણ વૈજ્ઞાનિકોનો સમાવેશ થયો છે.
સમાજમાં પ્રતિષ્ઠાભરી જીંદગી જીવી રહેલાં આ મહાનુભાવોએ પોતાની ઉજ્જવળ કારકિર્દીમાં માતૃભાષામાં શિક્ષણ મળવાથી તેનો જિંદગી અને કારકિર્દી ઉપર કેવો પ્રભાવ પડેલો તેના વિષે નીચે મુજબ જણાવ્યું હતું. :
- કારકિર્દીની સફળતામાં માતૃભાષાનો ફાળો ઘણો જ મહત્વનો રહ્યો.
- માતૃભાષાના કારણે અભ્યાસ સરળ અને સહજ રહ્યો.
- માતૃભાષાના કારણે વિચારોની ખીલવણી અસરકારક રહી.
- વ્યવસાયમાં અન્ય લોકો જોડે તાલમેલ સાધવામાં માતૃભાષા અત્યંત મદદરૂપ નીવડી.
- માતૃભાષા જીવનમાં અન્ય લોકો સાથે ઉષ્માભર્યા સબંધો બનાવવામાં મદદરૂપ નીવડી.
- મિત્રવર્તુળ, કુંટુંબ અને સમાજ સાથે ઐક્ય સાધવામાં માતૃભાષાનો ફાળો અગત્યનો રહ્યો.
- જીવનની સફળતા માતૃભાષા થકી જ મેળવી શકાણી.
- માતૃભાષા સમાજનો પાયો રચે છે અને વ્યક્તિ સમાજ થકી જ સફળતા પ્રાપ્ત કરે છે.
- કુંટુંબ અને સમાજમાં ટકી રહેવાં માતૃભાષાના માધ્યમથી મેળવેલું શિક્ષણ અગત્ય બની રહયું.
- અરસપરસનું અંતર ઘટાડવા અને સંવેદનાઓ ઝિલવામાં માતૃભાષા મદદરૂપ નીવડી.
- માતૃભાષા થકી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થયો.
- પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ.
- પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ કાળ દરમ્યાન અંગ્રેજી માત્ર વિષય તરીકે ભણાવવું જોઈએ.
સંશોધનનું તારણ :
જીવનમાં સફળ થવું હોય તો અંગ્રેજીમાં જ શિક્ષણ લેવું અને શરૂ કરવું જોઈએ એ ખોટી અને ભ્રામક વાત છે. વાસ્તવિકતા તો એ છે કે એક વખત માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ શરૂ થાય અને પાયો મજબૂત બને, બાળકનું વાચન અને અનુભવ થોડો વિશાળ બને, પછી અન્ય જરૂરી ભાષાઓ તથા આવડતો ઘણી સરળતાથી ગ્રહણ કરી શકાય છે. જીવનનાં સર્વાંગી વિકાસમાં તે વધારે સરળતાથી આગળ વધે છે.
શિક્ષણનાં માધ્યમ અંગેની ચર્ચા દુનિયાના કોઈ દેશોમાં ચાલતી નથી. પોતાની માતૃભાષામાં શિક્ષણ પામવું એ પ્રત્યેક બાળકનો જન્મસિદ્ધ અને શિક્ષણસિદ્ધ અધિકાર છે. એને મૂળભૂત અધિકાર (FUNDAMENTAL RIGHT)નો દરજ્જો મળવો જોઈએ.
આપણે ત્યાં મા-બાપ, શિક્ષક, અધિકારી અને સમાજનાં ઉચ્ચ વર્ગ વ્યવસ્થાપન ધરાવતાં લોકો દ્વારા માતૃભાષાની અવગણના કરવામાં આવી રહી છે.
માતૃભાષા વિશે મહાનુભાવોના શાશ્વત ઉદ્દગારો
બાળકના દેહના વિકાસ માટે જેમ માતાનું દૂધ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે, એ વિષે મને લેશ માત્ર પણ શંકા નથી. એથી બીજું હોઈ જ કેવી રીતે શકે? બાળક શિક્ષણની શરૂઆત મા પાસેથી કરે છે. આથી માનસિક વિકાસ માટે તેમની માતૃભાષા કરતાં જુદી ભાષા લડવી એને હું માતૃભૂમિ સામેનો અપરાધ ગણું છું.
- ગાંધીજી
શિક્ષણનું અંગ્રેજી માધ્યમ એ ભારત પર બ્રિટનની મોટામાં મોટી બૂરાઈ હતી. એણે ગૌરવવંત પ્રજાને રંગલા-રંગલી જેવી આત્મગૌરવવિહીણી બનાવી દીધી.
- અંગ્રેજ કવિ કિટ્સ
મનુષ્યને નજદીકમાં જંગલ મળવું જોઈએ અને એ માતૃભાષાથી વંચિત ન રહેવો જોઈએ.
- માર્ગારેટ મીડ
માતૃભાષા કલ્પવૃક્ષ છે, તેની પાસે જે માંગવામાં આવે તે તુરત જ આપે છે.
- ચેપલ
National Curriculum Frame Work, 2005-NCERT માં ઘણાં વિશ્લેષણ છે અને ઢગલાબંધ સલાહ પણ છે. તેમાં વારંવાર કહેવાયું છે કે માતૃભાષા અત્યંત મહત્વનું માધ્યમ છે.
- પ્રો. યશપાલ શર્મા
શિક્ષણ તો આહાર જેવું છે, પહેલાં કોળીયે આનંદ મળવો જોઈએ તે માતૃભાષાથી જ મળે છે.
- રવીન્દ્રનાથ ટાગોર
માતૃભાષાના અસ્તિત્વ ઉપર જ સંસ્કૃતિનું અસ્તિત્વ છે. માટે જ યુનેસ્કોએ 'વિશ્વ માતૃભાષા દિન'ને અતિ મહત્વ આપ્યું છે.
-UNESCO
જે ગુજરાતી યુવાનો IAS - IPS - વૈજ્ઞાનિક થયાં છે, તેમાંથી લગભગ લગભગ બધાં જ પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ ભણેલાં છે.
- એક સર્વે
હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું તેનું કારણ એ છે કે હું મારી માતૃભાષામાં ભણેલો છું. વિજ્ઞાન તો માતૃભાષામાં જ સમજી શકાય.
- ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ
માતૃભાષાથી જ સંસ્કાર સિંચન થાય છે, માતૃભાષાથી જ ભાવસૃષ્ટિનું નિર્માણ થાય છે. નાનપણથી જ બાળકને અંગ્રેજી માધ્યમમાં મુકીને આપણે ભાવશૂન્ય અને સંસ્કારવિહોણા સમાજનું સર્જન કરી રહયા છીએ. ગુજરાતી માતૃભાષાની અવગણના કરીને, અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ છીએ તેણે લીધે એકવીસમી સદીમાં ભાષાકીય કટોકટી(૧૯મી સદી પછીની દ્વિતીય કટોકટી) સર્જાણી છે. આ કટોકટીને, માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરીને નિવારવી જોઈએ.
- ડૉ. રવીન્દ્રભાઈ દવે
નૂતન બાલશિક્ષણ સંઘ- ભાવનગર દ્વારા પ્રકાશિત
ગિજુભાઈ બધેકા પ્રકાશિત પુસ્તકો
- દિવાસ્વપ્ન (શિક્ષણ પ્રયોગની વાર્તા)
- બાળ શિક્ષણ મને સમજાયું તેમ
- પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણ
- પ્રાથમિક શાળામાં શિક્ષક
- માબાપોને
- આ તે શી માથાફોડ
- માબાપ થવું આકરું છે
- મોન્ટેસરી પદ્ધતિ
અન્ય :
- મૂછાળી મા : ગિજુભાઈનું જીવનચરિત્ર
- બાલદર્શન : ગિજુભાઈના વિચારોનું સંકલન
- ગિજુભાઈની શિશુકથાઓ : ગિજુભાઈએ સંપાદિત કરેલી બાળવાર્તાઓ
લોકપ્રિય ૫૩ બાળગીતોની સીડી
કિલકિલાટ
નૂતન બાલશિક્ષણ સંઘ, ભાવનગરની આ મનભાવન પ્રસ્તુતિ છે. દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં ગવાતાં અને સહુ કોઈના દિલને જીતી લેતા આ બાળગીતોની સીડીનું નામ છે : 'કિલકિલાટ'
આ પૈકીનાં કેટલાયે બાળગીતો પ્રાથમિક શિક્ષણમાં પણ સ્થાન પામ્યાં તેનો આનંદ છે. 'નિરીક્ષક' જેવાં પ્રતિષ્ઠિત સામયિકમાં તેની વિશેષ નોંધ લેવામાં આવી છે. 'નહિ નફો નહિ નુકશાન' થકી આ સીડીની કિમંત પણ નહીવત જ રાખી છે. સીડી શ્રી ચિંતન પંડ્યાનાં રંગે રંગાયેલ છે.
'કિલકિલાટ'માં સમાવિષ્ટ બાળગીતો :
- મજાની પેલી
- ધીમે ધીમે
- મોરલા રે
- ઢીંગલીનો દેશ
- ગાડી ગાડી રમીએ
- એક પીંછું ઉડતું
- આવ્યો શિયાળો
- આવો મેઘરાજા
- હારે દોસ્ત હાલો
- તું તો ઢીંગલી રે
- એક બળદનો એક્કો
- અમે નાનાં નાનાં બાળ
- ફૂલડે ફૂલડે ફરતું
- લાવી છું રંગબેરંગી
- ટપ ટપ ટપ ડાબલા
- અમે ગોળ ગોળ
- બાબો રમે બેબી રમે
- ચાંદામામા આવોને
- ઉંચે ઉંચે લાલ લાલ
- ઓ કાલીટોપીવાળા
- ડીગ ડીગ ચાલે
- એક મજાનો માળો
- હાલો રે મંકોડા
- સાયકલ મારી ચાલે
- થેંક્યુ મેન્શન નોટ
- આવ્યા છૂટ્ટીના દિવસો
- એક જ ડાળના પંખી
- ઢીંગલી તારા માંડવા રોપ્યા
- બોલો હાથી દાદા
- રાત પડીને થયું
- કૂચ...સાગ...સાગ
- એનું નામ છે વિમાન
- ઢીંગલી કેવી રૂપાળી, મારી ઢીંગલી કેવી રૂપાળી
- અરે ઓ ફૂગ્ગા વાળા
- પાટા ઉપર ગાડી
- લાકડાનો ઘોડો
- હાલો કેસુડાના ફૂલ
- આવો પારેવા આવો ને ચકલા
- અડકો દડકો
- ટીમ ટીમ તારા
- એક જાદૂગર એવો
- હાથીભાઈ ધમધમાધમ
- ઘીચી પીચી
- વાગે છે છમછમાછમ
- હરવાના ફરવાના
- ચાલો, ચાલો બાળક
- કૂચ કરતાં ચાલ્યા
- સાવજની સરદારી નીચે સેના ચાલી જાય
- અમે નાનાં નાનાં બાળ સહુ ભગવાનના
- અમે રેતીમાં રંગભેર
- કૂવાને કાંઠે સૂગરીનો માળો
- ફૂલ પરી તું
- મારી ચાલે ખબખબ ગાડી
કવિ અને સ્વરકાર :
ગિજુભાઈ બધેકા, ઝવેરચંદ મેઘાણી, સુરેશ દલાલ, અવિનાશ વ્યાસ, મહેન્દ્રભાઈ જોષી, મહમ્મદભાઈ દેખૈયા, ગોવિંદભાઈ પરીખ, ચંદ્રવદન મહેતા, ગુલભાઈ દૈખેયા, રક્ષાબેન દવે, તારલીકાબેન શાહ, જયમલ પરમાર, ચુનીભાઈ પટેલ, અનંત વ્યાસ અને દ્રુપદ પરીખ.
ગાયકવૃંદ:
સ્વાતી પાઠક, વિરેન્દ્ર ભટ્ટ, શરદ જોષી, મેહા, સંગતિ, વિહિત, નિર્ઝરિ, ગૌરમ અને વાણી.
વાદ્યવૃંદ:
કલાપી પાઠક, મોહન ડોડીયા અને ચિંતન પંડ્યા.
UN રિપોર્ટ - ગુજરાતી ભાષા ભૂંસાઈ રહી છે
હૃદયનાં ધબકારા ચૂંકી જવાય તેવાં ચોંકાવનારા આ UN રિપોર્ટની વાત પહેલાં ગિજુભાઈના સાકાર થયેલાં બે સ્વપ્નની વાત.
'ચિલ્ડ્રન યુનિવર્સિટી' સ્થાપવાનું સ્વપ્ન ગિજુભાઈ બધેકાએ સેવેલું. આ સ્વપ્નને ગુજરાત સરકારે સને ....માં સાકાર કર્યું. Children University સ્થાપીત કરવા માટે રાજ્ય સરકારને લાખ લાખ અભિનંદન.
હવે જો આ યુનિવર્સિટીનું નામાભિમાન 'ગિજુભાઈ બધેકા'નાં નામ સાથે સાંકળી શકાય તો ગુજરાતની અસ્મિતાને ચાર ચાંદ લાગી જાય!!!
ગિજુભાઈ બધેકાનું 'વિશ્વ બાલકોશ' તૈયાર કરવાનું એક બીજું સ્વપ્ન પણ હતું . આ સ્વપ્ન 'ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ' અમદાવાદનાં અણમોલ અનન્ય પ્રયાસને કારણે સાકાર થયું છે. આ ટ્રસ્ટને લાખ લાખ વંદન.
હવે ગુજરાત ઝંખી રહ્યું છે ભાષાનીતિને.
આઝાદીના આટલાં વર્ષો પછી પણ ગુજરાત પાસે માતૃભાષા, રાષ્ટ્રભાષા કે વેદભાષાને સમાવિષ્ટ કરતી કોઈ 'ભાષાનીતિ' જ નથી.!!! આ કારણે દુનિયાની ભૂંસાઈ રહેલી ભાષામાં ગુજરાતીભાષાનો પણ UN દસ્તાવેજમાં સમાવેશ થયો છે.
ગુજરાત સરકાર વિના વિલંબે ભાષાનીતિની ઘોષણા કરે, તે આજનાં સમયની તાતી માંગ છે.
પરિવર્તનના ઉંબરેથી
ભાવનગરમાં માતૃભાષાની મહત્તા અંગે સમાજને જાગૃત કરવાની કેટલાંક મિત્રોએ અહલેખ જગાવી છે. તેઓએ જ્યાં અને ત્યાં, જયારે જયારે જેવો પણ અવકાશ મળ્યો ત્યારે ત્યારે, સમાજમાં માતૃભાષાનું વિચારવલોણું ઘમરોળાતું રાખ્યું છે. શિક્ષણશાસ્ત્ર ભવનનાં પૂર્વ વડાથી માંડી શહેરની મોટી શાળાઓનાં સંચાલકો, આચાર્યો અને પ્રાથમિક શિક્ષકોએ પોતાનાં સંતાનોને માતૃભાષામાં શિક્ષણ આપતાં બાલમંદિર અને પ્રાથમિક શાળાઓમાં દાખલ કર્યા છે. આ બધી બાબત થકી, માતૃભાષા ગુજરાતી બાબતે ભાવનગરમાં જબરી અસર ઉદ્દભવી છે. ગુજરાતમાં માતૃભાષા વિષે જેટલી સભાનતા છે તેના કરતાં ભાવનગરમાં વધુ છે તેમ વિશ્વાસથી કહી શકાય તેમ છે.
નૂતન બાલશિક્ષણ સંઘ
શ્રી દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદીર,
ગિજુભાઈ બધેકા માર્ગ,
ફિલ્ટરવાળી ગલી, વાઘાવાડી રોડ,
ભાવનગર - ૩૬૦૦૧
ફોન : ૦૨૭૮ -૨૪૨૭૧૯૪ (સંસ્થા)
No comments:
Post a Comment