25 March 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૭

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

અમેરિકા હતો ત્યારે એક ઘાતક સમાચાર વાંચ્યા. રશિયા પાસેના યુક્રેન પાસેથી પસાર થઇ રહેલાં મલેશિયાનાં એક વિમાનને મિસાઇલથી તોડી પાડવામાં આવ્યું. અમે પણ અમેરિકા આવ્યાં ત્યારે યુક્રેનની આસપાસમાંથી જ પસાર થયાં હતાં. તેથી સમાચાર તરફ વિશેષ ધ્યાન ગયું. આ જ દિવસે અને આજ સમયગાળામાં માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આટલામાંથી જ ક્યાંક પસાર થવાના હતાં. તેઓના રૂટમાં કે સમયમાં બદલાવ કરવામાં આવ્યો હતો તે પણ જાણ્યું. આતંકવાદથી ક્યારેક હેબત ખાઈ જવાય છે. શું ઉકેલ? ઉકેલ છે. અમને ભણવામાં આવતું કે -
વેર ના સામે વેરથી,
વેર સમે અવેરથી.
પૂજ્ય મહાત્મા ગાંધીજી યાદ આવી ગયાં. તેઓનું એક સ્વપ્ન હતું કે આઝાદ ભારતને લશ્કરમુક્ત ભારત બનાવવું. સહુ સાથે પ્રેમથી જીવવું અને સહુને પ્રેમથી જીતવા. પડોશી દેશ પણ લશ્કર ન રાખે. બધાં દેશ લશ્કર પાછળનો ખર્ચ દેશનાં ગરીબી દૂર કરવામાં વાપરે.
કોઈ માઈનાં લાલને આ શેખચલ્લીના વિચાર લાગે. ગાંધીને ન ઓળખનારો ગાંધીને ગાંડો કહેવા સુધી કે ગાળો ભાંડવા સુધી પણ જાય. પરંતુ વીસમી સદીના આ મહામાનવને વાયા યુરોપ જ સમજી શકીશું. યુરોપના ઘણાં દેશ લશ્કર રાખતાં નથી. તેઓને પડોશી દેશ સાથે શાંતિ કરાર કર્યા છે. બધાં શાંતીથી જીવે છે અને પડોશી દેશને શાંતીથી જીવવા દે છે. એટલે તો આ બધાં દેશ પ્રગતિ સાધી શક્યા છે. દશ દિવસની લડાઈ પણ દેશને એક દશકો પાછળ ધકેલી દે.
સમ્રાટ અશોક અને શહેનશાહ અકબરના વખતમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જ ન હતું. હિંદુ મુસ્લિમ બધાં ભાઈચારાથી રહેતાં અને સાથે પ્રગતિ કરતાં. મારી યાદદાસ્ત મુજબ અકબરના શાસનમાં ગૌવધ પર પ્રતિબંધ હતો. તેના શાસનમાં હિંદુ મંદિર સુરક્ષિત હતાં. શહેનશાહ અકબર તો હિંદુ મંદિરને પણ ઘણી મદદ કરતો. અંગ્રેજોએ ઘાલેલો વિવાદ જેટલો વહેલો ઠમશે, જેટલો વહેલો સમજાશે તેમાં સહુનું કલ્યાણ છે.
અમેરિકામાં સિનીયર સીટીઝનો અને વિકલાંગોને સરકાર બહુ માનપાનથી સાચવે. હોસ્પિટલ અને દવાઓના ખર્ચાથી માંડીને મોબાઈલ ફોન પણ મળે! સ્વૈચ્છિક સંસ્થાઓ ઘણું પ્રદાન કરે. આ સંસ્થાઓને સરકાર તમામ મદદ કરે. વિકલાંગોનું રોજેરોજનું ધ્યાન આ સ્વૈચ્છિક સંસ્થાઓ રાખે. વિકલાંગોને તેડવા મૂકવા રોજ વાહન આવે. સાથે સહયોગી પણ આવે. વિકલાંગો પૈડાવાળી ખુરશીથી સરળતાથી હરીફરી શકે એવી રીતે જ રસ્તાઓ અને ફૂટપાઠો તૈયાર કરવામાં આવે. આ માનવીઓ દુકાનો થીયેટર બસ કે  ટ્રેઈનમાં પોતાની જાતે  પૈડાવાળી ખુરશીઓથી કોઈની પણ મદદ વિના જઈ શકે એવી વ્યવસ્થા કરવાનાં  કડક કાયદાઓ પણ ખરાં! બસ અને ટ્રેઈનમાં મોટી ઉંમરના કે વિકલાંગો કે માંદા કે સગર્ભાઓ માટે અગ્ર બેઠકોની વ્યવસ્થા. વિશેષ બાબત તો એ છે કે અન્ય મુસાફરો જાતે ઉભા થઇને એમને પહેલા બેસવા દે.
સિનીયર સીટીઝનો અને અપંગોની બાબતમાં ગુજરાત પણ ઘણું સારું થઇ રહ્યું છે. અનેક અનેક નામધારી સ્વૈચ્છિક સંસ્થાઓ વડીલો અને વિકલાંગોની સારી સેવા કરી રહી છે. આવી કેટલીક સંસ્થાઓને હું નજદીકથી ઓળખું છું.
છતાં પણ સરકારીતંત્રનો એક દાખલો આપું. આપ ચોંકી ઉઠશો. 85 - 90 વરસના એક સ્વાતંત્ર સેનાની અને તેમના પત્નીનો આ કરુણ દાખલો છે. આ વયોવૃધ્ધે દેશની આઝાદી માટે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માન. સ્વ.રતુભાઈ અદાણી સાથે રહી સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધેલો. સર્વ કુરબાન કરી, જીવ જોખમમાં મૂકી દેશ સેવા કરેલી.
દેશ આઝાદ થયો ત્યારે તેઓ સુખી હતાં. તેથી સ્વાતંત્ર સેનાનીઓને મળતું પેન્શન ના લીધું. હવે સંતાન વિહોણાં આ બુજર્ગનો સમય બદલાયો છે. શરીર સાથ દેતું નથી. પૈસાની તાતી જરૂરત છે. સહુનાં કહેવાથી આ સ્વાતંત્રવીરે દુઃખી હૃદયે પેન્શન માટેની અરજી કરી. અનેક વાંધા વચકા કાઢવા ટેવાયેલું તંત્ર કોઈને કોઈ બહાને અરજી પાછી ધકેલે છે. આ બાજુ પત્ની સખત બીમાર છે.
આ કેસમાં સહૃદયી સાંસદશ્રીએ પણ ખૂબ સારો રસ દાખવ્યો. પોતાનાં પક્ષની સરકારને પેન્શન આપવા લખી જણાવ્યું. ભાગ્યે જ કોઈ સાંસદ લખે તેવો સંવેદનાથી ભરેલો પત્ર લખ્યો. સાંસદને પત્ર લખ્યાને પણ આજે ત્રણ ચાર વર્ષ થયાં. તો પણ હજુ પેન્શન મળતું નથી. હવે આ સ્વાતંત્ર સેનાનીએ પેન્શન બાબતે માંડી વાળ્યું છે. આવુ નીંભર તંત્ર ક્યારે અને કોનાથી સુધરશે?
મને પણ એક કડવો અનુભવ થયેલો. અમરેલીની આ ઘટના. મારાં માતુશ્રી અને ભાઈ ગુજરી જતાં વડીલોપાર્જિત ભૂમિમાંથી તેઓનું નામ બાદ કરાવવાનું હતું. ઓફિસની બદદાનત ઓળખી ગયેલો. બહું ધક્કા ખાધા. છેલ્લે પૈસા નહિ પણ પુસ્તક આપ્યા ત્યારે વાત બની. પુસ્તકમાં એક પુસ્તક ‘કર્મનો સિધ્દ્ધાંત’ પણ આપ્યું છે! જો ભ્રષ્ટાચારીનાં મનની કંઇક સફાઈ થાય તો? એક બીજો પણ કડવો અનુભવ થયો છે. તેની વાત કરતાં હું મારી જાતને જ માફ કરી શકું તેમ નથી. તેથી નથી કરતો.
અમેરિકામાં સ્વચ્છતા માટે ઘણી કાળજી લેવામાં આવે છે. રેસ્ટોરંટ, હોટેલ, મોલ કે દુકાનોના ટોઇલેટ પણ એકદમ ચોખ્ખા. પ્લેનમાં તો ટોઇલેટ સફાઈ સારી હોય જ. તો પણ પ્લેનમાં જો આપણાં એશિયન પ્રવાસી વધારે હોય તો ટોઇલેટ ગંધરું થયું જ સમજવું. ભારતનાં એરપોર્ટ ઉપરનાં સેનિટેશનની સ્વછતા કરતાં અમેરીકાના રોડ ઉપરનાં જાહેર સેનિટેશનની સ્વછતા વધારે સારી છે.
સ્વચ્છતા બાબતે આઝાદી પછીનાં એક ખૂબ સારા સમાચાર છે, ખૂબ આવકારવાદાયી સમાચાર છે. માનનીય વડાપ્રધાનશ્રી મોદીસાહેબે સ્વચ્છ ભારતની વાત છેડી છે, 100% સેનિટેશનની વાત છેડી છે. ભારતીય રેલ્વેએ પણ આ બાબતે કમર કસી છે. આ સારી નિશાની છે. આ થવું જ જોઈએ. પરંતુ આ બાબત કીધે નહિ ચાલે, એક વખત સાવરણો લેવાથી નહિ ચાલે. જાતે સતત અને સતત રીતે જોડાઇ રહેવું પડશે. ગાંધીજીનું નામ સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડ્યું છે, તો હવે રોજ સાવરણો લેવો પડશે.
સ્વચ્છ ભારત અભિયાન સંદર્ભે હમણાં એક સમાચારપત્રમાં એક દાદુ કાર્ટુન જોયું. એક નેતા હાથમાં સાવરણો લઈને ઊભા છે. ફોટોગ્રાફર સામે જ ઉભો છે પણ ફોટો પાડતો નથી. નેતા ફોટોગ્રાફરને ફોટો લેવાં કહી રહ્યાં છે. ફોટોગ્રાફર નેતાને કહી રહ્યો છે કે ‘આખી શેરી સાફ કરો પછી જ ફોટો પાડીશ’!
સ્વછતા અભિયાનમાં મહાન ખેલાડી સચિન તેન્ડુલકરે સહીત અનેક નામી હસ્તીઓએ હાથમાં સાવરણો લઇ સફાઈ શરૂ કરી છે. આમેય સચીન સાચા દિલનો માણસ છે. આ સહુને માટે માન ઉપજે છે. જો સહુ સાચા દિલથી અને કાયમી રીતે જોડાઈ રહેશે તો એક દિવસ જરૂરથી શેરી, ગામ, શહેર અને દેશ સ્વચ્છ થશે.
મને અહીં ફરીવાર બુનીયાદી શિક્ષણ યાદ આવે છે. આ શિક્ષણ આપતી સંસ્થાઓમાં પરિશ્રમ ફરજીયાત છે. અહીં કેળવણીનાં એક ભાગ સ્વરૂપે પરિશ્રમ અને સફાઈને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. આ સંસ્થાઓમાં ક્યારેય પણ જશો તો તેની સફાઈ આખે વળગી જશે. માત્ર મેદાની સફાઈ જ નહિ પણ શૌચાલયની સફાઈ પણ ખૂબ સારી હોય છે. આ સંસ્થાઓમાં ગુરુજીઓ અને આચાર્યો પણ સફાઈમાં સાથે જોડાય છે. એટલું જ નહિ, આગેવાની પણ લે છે.
ગુજરાતની સરકારી 33,000 જેટલી પ્રાથમિક શાળાઓમાં પણ સફાઈનું કામ દાદુ હોય છે. આ સફાઈ પણ ગુરુજીઓ અને વિદ્યાર્થીઓ જાતે કરે છે. અહીં પટ્ટાવાળા આપવામાં આવતાં નથી. આ સારું છે. પટ્ટાવાળા નથી માટે વિદ્યાર્થીઓ અને ગુરુજીઓ જાતે સફાઈ કામ કરે છે. પરિશ્રમ કરે છે અને તામસીગુણોને ઘટાડે છે.
શહેરમાં રહેતા કે ધનાઢ્ય લોકો કે થોડુંકેય ભણેલાં લોકો જાતે સફાઈકામ કરવાને હલકું કામ ગણે છે. આ તેઓની બૌદ્ધિક ગરીબી છે.
અમેરિકાની મજા એ છે કે ત્યાં રસ્તામાં ક્યાંયે રખડતાં કૂતરા કે ઢોર જોવા મળતાં નથી. તેમ છતાં કૂતરાઓનો કોઈ પાર નથી. જ્યાં જુઓ ત્યાં કૂતરા જ કૂતરા. એક પણ રખડતું કૂતરું નહી! પણ બધાંજ પાળેલા. કોઈના હાથમાં એક તો કોઈના હાથમાં બે કે ત્રણ. એવું લાગે કે અહીં સંતાનો કરતાં કૂતરાઓની સંખ્યા વધુ છે.
અહીં કૂતરાઓની શાંતિ આશ્ચર્યજનક છે! રસ્તામાં કે બગીચામાં કૂતરાઓ એકબીજા પાસેથી પસાર થાય ત્યારે પણ ભસીને એકબીજા સાથે લડવા ઝગડવાની કે ઘુરકિયા કરતા નથી. જાણે અહિંસાના પુજારી ના હોય?
કુતરા ભલે શાંતિ ચાહક લાગે પણ અમેરિકા જો શાંતિ ચાહે તો આંખું વિશ્વ શાંત થઇ જાય. પણ તેની માટે શું આપણે ત્રીજા વિશ્વ યુદ્ધ સુધી રાહ જોવી પડશે? કોઈ ચિંતકને પૂછવામાં આવેલું કે ત્રીજું વિશ્વ યુદ્ધ કેવું હશે? ચિંતકે બહું ગહન વાત કરી. તેણે કહ્યું કે હું તમને ત્રીજા નહિ પણ ચોથા વિશ્વ યુધ્ધની વાત કરીશ. આ ચોથું વિશ્વ યુદ્ધ પથ્થરથી લડાશે!
બહું વર્ષો પહેલાં એક જ્યોતિષીની આગાહી વાંચ્યાનું યાદ છે. તેણે કહેલું કે ત્રીજું વિશ્વ યુદ્ધ ઇસ્લામ અને ક્રિશ્ચિયન વચ્ચે લડાશે. જ્યોતિષીની આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. વિશ્વની હાલની પરિસ્થિતિ ઘણી સ્ફોટક છે. તેના માટે ઇસ્લામ અને ક્રિશ્ચિયનનાં કેટલાંક માનસિક અપંગ લોકો જવાબદાર છે.
જો કે પર્યાવરણવાદીઓની આગાહી સાવ અલગ પ્રકારની છે. તેઓ કહી રહ્યાં છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે! પાણી માટે? હા, પાણી માટે. જુવોને, ગુજરાત પાસે કેટલું બધું પાણી છે. કુદરતના ચારે હાથ છે. તો પણ ગામડા તરસ્યા છે. ગામડાનો ખેડૂત ખેતીનાં પાણી માટે વલખા મારે છે! ગામડાની સ્ત્રીઓ આજે પણ માથે બેડા લઈને ભર ઉનાળે બાળી નાખે તેવાં તાપમાં દૂર દૂર પાણી ભરવા જાય છે. એક વખતના હરિયાળા ગામડા આજે ભાંગી રહ્યાં છે.  
આથી ઉલટું હું જયારે ગાંધીનગરમાં હતો ત્યારે મારે સરકારી બંગલે ચોવીસ કલાક પાણી આવતું. એટલું જ નહિ, વધારામાં પાણીનો બોર પણ હતો. આપણે તો શહેરવાળાને પાણીનાં જલસા. મોટા માથાનાં વિસ્તારને તો વધુ જલસા. પછાત વિસ્તાર અને ગામડાવાળાઓને ડીંગો.
અમેરિકાએ પાણી માટે જે નેટવર્ક ઉભું કરેલ છે તે દાદુ છે. દરેકે દરેક વિસ્તારને ચોવીસે કલાક પાણી. ઘરના કે બહારનાં કોઈપણ નળમાંથી પાણી પીઓ. તે પીવા લાયક જ હોય! ઘરમાં પણ પીવા માટે અને વાપરવા માટે નોખા નોખા નળ નહિ. એક જ નળ. પાણી વપરાશ માટે મીટર લગાડેલા છે. પાણીની સુવિધાને કારણે અમેરિકામાં ઘરેઘરે બગીચાઓની મજા છે. મસ્ત મજાના બગીચા. શહેરમાં પણ થોડા થોડા અંતરે નાનામોટા બગીચા છે.
અમે જર્સી સિટીની બાજુમાં આવેલાં મજાનાં લીબર્ટી પાર્કમાં બે ત્રણ વાર ગયેલાં. પાર્કની એક બાજુ ન્યૂયોર્ક દેખાય તો એક બાજુ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાય. ચારે બાજુ મિજબાની ચાલતી હોય. ચારે બાજુ નાના મોટા સહુ સાથે મળી રમતાં હોય. પાર્કની એક બાજુ દરિયા કાંઠો અને બીજી બાજુ નદી કાંઠો. મસ્ત હવા. બાંકડા ઉપર બેસવાની મજા. ફરતાં રોડ ઉપર કોઈ દોડતું હોય, કોઈ સાયકલ ચલાવતું હોય તો કોઈ પતંગ પણ ઉડાવતું હોય.




અહીં ફ્લાઈંગ ડીશ રમવાની બહું મજા આવતી. થોડું પણ રમતાં ત્યાં શરીરે પરસેવો વળી જતો. લોથપોથ થઇ જતાં. કારણ દાળભાતયુ અને પરિશ્રમ વિનાનું જીવન.
કેરાલામાં જેનાં માતાપિતાને તરતા આવડતું હોય તેનાં બાળકોને શાળાઓમાં પ્રથમ એડમિશન. પંજાબમાં જેનાં માતાપિતા હોકી કે ફૂટબોલનાં પ્લેયર હોય તેનાં બાળકોને પ્રથમ એડમિશન. અને આપણા ગુજરાતમાં જેનાં માતાપિતાનું ખિસ્સું ભારે હોય તેને પ્રથમ એડમિશન. શિક્ષણ સેવાનું ક્ષેત્ર ગણાતું તેના બદલે નાણા કમાવાનું ક્ષેત્ર બની રહ્યું છે. કોઈને કઈ શરમ નથી. સરકારી નિયમો તો ઘણાં સારા છે, પણ અમલ ક્યાં? અમલ કરાવનારો સ્ટાફ જ સાવ ઘટાડી નાખવામાં આવ્યો છે.
મારાં જીવનમાં એડમિશન બાબતે એક કડવી ઘટના ઘટેલી. હું ભાવનગરમાં શિક્ષણાધિકારી હતો. પ્રજાનાં મૂલ્યવાન આગેવાનો અને જિલ્લાનાં એક બાહોશ IAS અધિકારીનો સાથ મળતાં એડમિશનમાં લેવાતા ફરજીયાત ડોનેશન સામે જંગ છેડેલો. સમગ્ર ભાવનગરે સ્વયંભુ બંધ પાળીને જબરો સાથ આપેલો. અરે, દૂધવાળાઓ પણ દૂધ વેચવાથી દૂર રહેલા. વકીલોએ પણ કોર્ટથી દૂર રહી જબરો પ્રતિસાદ આપેલો. એક જ દિવસમાં એક અપવાદરૂપ સંસ્થાને બાદ કરતાં બધી જ શાળાઓએ લીધેલું ડોનેશન ચેકથી પાછું આપી દીધું. પરંતુ અપવાદરૂપ સંસ્થાએ અને ગાંધીનગરમાં બેઠેલાં સર્વોચ્ચ IAS અધિકારી સાહેબે મને થકવી દીધેલો. એટલું જ નહી પણ આ કારણે મારે, મારાં કુટુંબે અને ખાસ કરીને  દીકરા ગૌરવને પરીક્ષામા ખૂબ સહન કરવું પડેલું. અમે સહન કરી લીધું પણ જરા સરખીયે દાદ નહિ  આપેલી.
લોકશાહી દેશ અમેરિકામાં ઘણાં નિયમો છે. આ નિયમોનું કડકાઈથી પાલન થાય છે. નિયમોનું પાલન માટે જરૂરી પૂરેપૂરો સ્ટાફ છે. કોઈની પણ સાડીબારી રાખ્યાં વિના અમલ થાય છે. સહુ નિયમોનાં અમલ બાબતે ખૂબ જ જાગૃત છે. પ્રત્યેક નાગરિક નિયમોનું સ્વયં પાલન કરતો નજરે પડે છે.
અહીનાં માનવતાને છાજે તેવાં નિયમોની વાત કરું. સામાન્ય રીતે, તમારે ચાલીની રસ્તો ઓળંગવો હોય તો તે માટેની નિયત જગ્યાએથી અને જયારે ઓળંગવાની લાઈટ ચાલુ થાય ત્યારે જ કરાય. છતાં પણ, તમે ભૂલથી પણ રસ્તો ક્રોસ કરતાં હો તો બધાં જ વાહનો તમારાથી દૂર ઊભા રહી જશે. કોઈ તમારાં પ્રત્યે નફરત નહિ કરે. કોઈ હોર્ન નહિ મારે. શાળાનું વાહન નીકળે તો તેને પણ પ્રથમ અગ્રતા આપશે. બધાં જ વાહનો તેનાથી દૂર રહી તેને પ્રથમ પસાર થવા દે. લાખો વાહનોમાંથી ભાગ્યે જ જો એકાદનું હોર્ન વાગે તો. હોર્ન મારવાને અહીં અસભ્યતા ગણવામાં આવે છે.
જયારે સમગ્ર ભારતમાં હોર્ન મારીને વાહન ચલાવવું તે છાતી ફુલાવવા જેવી વાત ગણાય છે. પરંતુ આ  સારી વાત નથી. પશ્ચિમના દેશો પાસેથી આ વાત જેટલી વહેલી શીખીએ તેટલું સારું છે. અવાજનું પ્રદુષણ જે નુકશાન કરે છે તેની આપણને કલ્પના જ નથી.
અમે ચારેક કુંટુંબ બેક સાલ પહેલાં હિમાલયમાં ઉત્તરાંચલમાં ફરવાં ગયેલાં. ઉત્તરાંચલમાં ગામેગામ અને ડુંગરે ડુંગરે શિક્ષણ છે. વિદ્યાર્થીઓની હાજરી ઘણી સારી છે.
હિમાલયનાં આ રાજ્યમાં પ્લાસ્ટિક વાપરવા ઉપર પ્રતિબંધ છે. તેનું ચુસ્તતાથી પાલન પણ થાય છે. કચરો ભાગ્યે જ દેખાય. અમે અહીં સવારના પહોરમાં ભરમોર ગામનાં અતિ પ્રાચીન એવા ચોર્યાસી મંદિરના દર્શને ગયેલાં. એક બાબતે અમારું દિલ જીતુ લીધું. આ ગામમાં સહુ કોઈ સવારે ઉઠીને પોતાનાં ઘરનું આગણું તો સાફ કરે, પરંતુ સાથોસાથ આંગણાની આગળનો શેરીનો ભાગ પણ સાફ કરે. તેની ઉપર પાણી છાંટીને દીવો કરી ભૂમિપૂજન પણ કરે. આ અદ્દભૂત દ્રશ્ય જોઈ અમે સહુ ડોલી ઉઠતાં. પર્યાવરણની આવી હૃદયસ્પર્શી ભાવના મેં ગુજરાતમાં ક્યાંયે જોઈ નથી! આ માટે ઉત્તરાંચલમનાં સંસ્કારી લોકોને લાખ લાખ વંદન છે. આપણે તો તુલસી ક્યારે પણ દીવો કરવાનું ભૂલી ગયા છીએ.
જર્સી સિટીમાં અમે ફરવાં નીકળેલા. ત્યાં સામેથી એક વડીલ બહેન ચાલતા આવે. તે રસ્તામાં ઝાડ ઉપરથી તાજા ખરેલા પાંદડા અને મારાં જેવાં કોઈ મુરખે નાખેલાં કચરાને જાતે ઉપાડી ઉપાડી બાજુની કચરા ટોપલીમાં નાખતા આવે. ગુજરાતમાં આપણે આવું ક્યારેય કરશું? ઉલટાનું આવી વ્યક્તિની હાંસી ઉડાવીશું. કોઈ સ્વભાવગત મને કહેશે કે ભાઈ તું તારું કરને! મને તો મારી માએ નાનપણથી સુટેવ પાડી છે. મને મારી ઓફિસનો કે આસપાસનો કચરો ઉપાડી લેતા પણ ક્યારેય શરમ આવી નથી. આભાર મારી માનો. કોઈ કામ નાનું નથી તેવી કેળવણી મારી માએ અમને નાનપણથી જ આપેલી.
હાલમાં હું જૂનાગઢ જિલ્લાના ચાપરડાના સંત પૂજ્ય મુક્તાનંદબાપુ સાથે 'આનંદધારા' નામથી જાણીતા એક મહત્વાકાંક્ષી અને બહુમૂલ્ય પ્રોજેક્ટમાં જોડાયો છું. યજ્ઞ સમા આ પ્રોજેક્ટ હેઠળ 30 ગામોને આદર્શ બનાવવાનો સંકલ્પ છે. શિક્ષણ અને સ્વછતા તેનો ભાગ છે. પૂજ્ય બાપુ ગામેગામ ગ્રામસભાઓ કરી રહ્યાં છે, ગ્રામવાસીઓને સ્વચ્છતાનું મુલ્ય સમજાવી રહ્યાં છે. બાપુ ગ્રામજનોને કહે છે કે હું પણ તમારી સાથે તમારા ગામમાં સાવરણો લઈને ગામ સફાઈમાં સામેલ થઈશ. આને કહેવાય સંત.
સંત જ્ઞાનેશ્વરજીનો અને ગોળ ખાતા બાળકનો પ્રસંગ યાદ આવી જાય છે. કીધે કઈ થતું નથી. કઈક જાતે કરી બતાવીએ ત્યારે જ પરિણામ આવે છે.
અમેરિકામાં તો રાત્રીના સમયે મશીન વડે રોડ સાફ થઇ જાય. ઘરની બહાર મૂકી દીધો હોય તે કચરો પણ રાત્રીના લઇ જાય. ભીનો કચરો અલગથી રાખવાનો ફરજીયાત. હા, રસ્તાની સફાઈ બાબતે સુરતને જેટલાં પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે. સુરત આપણું આદર્શ બની શકે તેમ છે.
ભાવનગરનાં એક સારા વિસ્તારના ફ્લેટમાં રહેતા લોકોની વાત કરું. ફ્લેટમાં સફાઈ માટે અને કચરો લઇ જવા સેવકો આવે. આ સેવકો ફ્લેટમાં રહેતા સહુને ભીનો કચરો અલગથી રાખવા વારંવાર વિનંતી કરે. છતાં પણ બેક કુંટુંબો સમજતા જ નથી. શું કરવું? આ બધાં પાછાં બહું ભણેલાં છે! કેવું ભણેલાં હશે? બળ્યું આ ભણતર.
આપણા ભણતરની આ જ મુખ્ય ખામી છે. જે ભણવાનું છે તે ભણવા મળતું નથી અને કચરા જેવાં ભણતરનો કોઈ પાર નથી. કચરા જેવી નકામી પરીક્ષાનો પણ કોઈ પાર નથી. હવે યુનિટ ટેસ્ટનો ધંધો કરી સહુને છેતરી રહ્યાં છે.
હા, કચરાનો તો કૈંક ભાવ પણ આવે! આપણા તો કેટલાયે Ph.D. થયેલાંઓ પણ બેકાર બેઠાં છે. કચરાથી પણ નકામાં શિક્ષણનાં ભારથી વિદ્યાર્થીઓ બીચારા આપઘાત કરે છે. કચરાથી પણ નકામાં શિક્ષણનાં કારણે આપણી યુનિવર્સિટીઓનું વિશ્વમાં કોઈ સ્થાન નથી. મૂળ દોષ આપણા નીતિધારકોનો છે, જેમાં ઉચ્ચ અધિકારીઓનો અસહ્ય ચંચૂપાત છે.
અમેરિકામાં અભ્યાસક્રમ નક્કી કરવામાં વાલીઓની સામેલગીરી ફરજીયાત છે. તેઓ અભ્યાસક્રમ ઘડવામાં અમૂલ્ય ફાળો આપે છે. ત્યાનું શિક્ષણ જરૂરિયાત આધારિત, વિસ્તાર આધારિત અને સંશોધન આધારિત હોય છે. જયારે અહીં તો સરકારે સમગ્ર દેશમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી રચી છે. પણ અપવાદને બાદ કરતાં હજુ તે પરિણામદાયી બની શકી નથી. તેમ છતાં આપણી સરકારનો આ પ્રયાસ ખૂબ આવકાર્ય છે.
મે એક ખુલ્લા આક્રોશમય લેખમાં લખેલું કે કર્મયોગી તાલીમ સમયે લેવાતી શિક્ષકોની પરીક્ષામાં ખુદ શિક્ષકોને ચોરી કરવી પડે છે. કેટલાંક લેખકોએ અને સમીક્ષકોએ એવા તો અગડમ બગડમ પુસ્તકો લખ્યાં છે કે ખુદ શિક્ષકોને પણ સમજાતું નથી. આથી મે આવા લેખકોને, તેઓએ જે ધોરણનું જે વિષયનું પુસ્તક લખ્યું છે તેની જાહેરમાં પરીક્ષા આપવાં લખેલું. પણ હજી સુધી કોઈ માઈનો લાલ આ માટે તૈયાર થયો નથી. આ છે આજના પુસ્તકો. આ છે આજનું શિક્ષણ. હવે તમે ક્યારે જાગશો? શું તમે તમારુ બાળક કઈક અઘટિત કરી બેસે તેની રાહ જુઓ છો?
અમેરિકામાં ગ્રેજ્યુએટ થનારા જૂજ છે. તો પણ ઓછું ભણેલાં માલિક છે અને પરદેશી મોટી મોટી ડીગ્રી ધારકો તેના કર્મચારીઓ છે. વાસ્તવિક દર્શન આ છે. આ સત્ય આપણે સ્વીકારવું જ પડશે. સ્વીકારીશું તો શિક્ષણને સુધારવાનો કોઈક માર્ગ મળશે. બાકી રામ રામ.

18 March 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૬

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

દુઃખમાંથી સુખમાં આવીએ. મુંબઈનાં નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. અદ્યતન ટેકનોલોજીની સાથોસાથ મનમોહક ડીઝાઈન પણ ખરી. આંતરરાષ્ટ્રીયકક્ષાએ નોંધ લેવી પડે તેવું આ એરપોર્ટ ભારતની શાન બની રહ્યું છે. પહેલાં પ્લેનમાં બેસતાં પહેલાંની પ્રક્રિયામાં પુષ્કળ સમય જતો.  હવે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બે પાંચ મિનિટમાં પૂરી થઇ જાય છે.
પહેલાં મુંબઈથી અમેરિકાનાં ન્યુયોર્કના ન્યૂઆર્ક એરપોર્ટ સુધી પહોચવાની મુસાફરીમાં 20 થી 22 કલાક જતાં હતાં. તે પછી 18 કલાક થયાં. હવે માત્ર 15 કલાક થાય છે. શું ભવિષ્યમાં આ મુસાફરી માત્ર બે-ચાર કલાકની થઇ શકે ખરી? હા, શક્યતા છે. પૂરેપૂરી છે! ઉપગ્રહને છોડતા લોન્ચરની સાથે પ્લેનને જોડીને આ શક્ય બની શકે. આવું પ્લેન એક કલાકમાં 15,000 પંદર હજાર કિમી અંતર કાપી શકે. આવું તાજેતરમાં એક ટીવીમાં જોયું. આનંદો.
મુંબઈથી અમેરીકાના પૂર્વ કાંઠે આવેલાં ન્યૂઆર્ક જવા માટે ઉપડેલું પ્લેન કરાંચી, કંધાર, મશાદ અને મોસ્કોની પાસેથી પસાર થાય છે. સીટની સામે રહેલાં ટીવી સ્ક્રીનમાં પ્લેનની બહારનું ઉષ્ણતામાન માઈનસ 54 ડીગ્રી સેલ્સિયસ, ઊંચાઈ 40,000 ફૂટ અને સ્પીડ 940 કિલોમીટર દર્શાવે ત્યારે દિલ અનેરી ધડકન અનુભવે છે. મન અનેરો હૃદય આનંદ અને આશ્ચર્ય બન્ને અનુભવતું રહે છે.
તો પણ આ મુસાફરી થકવી દેનારી હોય છે. ઉપરથી દિવસ રાતનો તફાવત પડે તે પણ મુશ્કેલી ઊભી કરે. મોડી રાતે પ્લેનમાં બેઠા હોઈએ અને ૧૫ ૨૦ કલાકની મુસાફરી કરીએ તો પણ પહોંચો ત્યાં સ્વર પાડવામાં હોય!
બીજા ગોળાર્ધમાં જઈએ એટલે જે શરીર રાત માટે ટેવાયેલું હોય, ઊંઘ આવતી હોય તે શરીરને તે સમયે દિવસ મળે, સૂવું અનુકૂળ ન પડે. આથી ઉલટું પણ બને. તેથી અનુકુલન સાધવામાં મુશ્કેલી પડે છે. આને જેટ લેગ કહે છે. એને કારણે સાંજના 4-5 વાગ્યામાં તો જોકા આવવા માંડે, અને સવારે 2-3 વાગ્યામાં આંખ ખુલી જાય. જેટ લેગમાંથી છૂટવામાં જ એકાદ અઠવાડિયું નીકળી જાય. તમે પરદેશ જાવ ત્યારે આ વાતને ગણતરીમાં લેજો. જોકે હવે તો જેટ લેગમાંથી વહેલા છુટકારો મેળવવા માટેની  ટેબ્લેટ પણ આવી ગઈ છે.
અમેરિકામાં આજે પણ દશક પધ્ધીતીના બદલે ફેરનહીટ, ફૂટ અને માઇલ ચાલી રહ્યાં છે! તમે જ કહો કોણ આગળ અને કોણ પાછળ છે? અમેરિકામાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ છે! હવે ભારતમાં પણ પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ બને તો ના નહિ. અમેરિકાની કેટલીક વાત આપણા મગજમાં ઉતારવી અઘરી છે.
અમેરિકામાં ઘણાં ઘરે બગીચા. ખૂબ સારી આવક છતાં પણ બાગકામ માટે માળી રાખવો પોષાતો નથી. મોટાભાગે લોકો જાતે જ બગીચાની માવજત કરે. પૂરા સન્માન સાથે જીવતા સિનિયર સીટીઝન પણ બગીચાની પ્રેમથી માવજત કરે.
બાગકામ એ મારો અને દેવીનો શોખનો વિષય. ગાંધીનગર રહેતાં ત્યાં ઘરમાં અને ઓફિસમાં બગીચો બનાવતાં અને ભાતભાતનાં કુંડામાં ફૂલછોડ વાવતાં. ઓફિસમાં પણ બગીચાની અને ઝાડપાનની જાળવણી અને માવજત માટે ઓફિસનાં મિત્રો ભાગીદારી કરતાં. સહુ પ્રેમથી જોડાતાં.
જર્સી સિટીમાં દીકરાનાં ઘરે પાછળનાં ભાગે સરસ બગીચો. તાશી સવારે ઉઠે એટલે બગીચામાં બેસાડીએ. તેની દેખતા સાવરણાથી સફાઈ કરીએ, ઝારાથી પાણી પાઈએ. તેને આ બધું બહું ગમે. તે પણ પોતાની પાસેનાં ખરેલાં પાનને મસ્ત રીતે પકડે અને ફેંકે! અમે પણ હરખાઈએ. બચપણમાં પડેલી આ ભાત જીવનભર ગુંથાયેલી રહેશે.
મને હાલમાં હું જ્યાં જોડાયેલો છું તે જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલની પાસે આવેલાં ચાપરડા આશ્રમ યાદ આવી ગઇ. ચાપરડા આશ્રમમાં અમેરિકાથી સુથારસાહેબ કરીને એક દાંતના ડોક્ટર આવે. સાથે અમેરિકાથી બગીચાના ભાતભાતનાં સાધનો પણ લેતા આવે. આશ્રમમાં જયારે જુઓ ત્યારે આ ડોક્ટરસાહેબ બાગકામ જ કરતાં હોય. ડોક્ટર પ્લમ્બિંગ કામ પણ જાણે. બે-ત્રણ દિવસમાં તો હોસ્ટેલની સોએક જેટલી દિકરીઓને પ્લમ્બિંગ કામ શીખવાડી દીધું!
અમેરિકાની આ વખતની મુલાકાતમાં પણ ભાવનગરથી થોડા પુસ્તકો લઇ ગયેલો. પસંદગીનાં થોડા ગુજરાતી પુસ્તકો દિકરાનાં ઘરમાં પણ છે.
અહીં ‘મહાત્મા અને ગાંધી’ પુસ્તક વાંચી ખુબ આનંદ થયો. ગાંધીજીને મે મારાં ગુરૂ માન્યા છે. ગાંધીજી ઉપરનાં ઘણાં પુસ્તકો વાંચ્યા છે. આ પુસ્તક દ્વારા ગાંધીજી વિશ્વ સ્તરે કેટલાં વ્યાપેલા હતાં તે ફરીવાર જાણ્યું. વિશ્વની અનેક પ્રતિભાઓએ તેઓની ઉપર ગાંધીજીની જબરી અસર હતી તે સ્વીકાર્યું છે.
બીજું એક પુસ્તક ‘સાત પગલાં સાથે’ વાંચ્યું. સુ. શ્રી. મીરાંબેન ભટ્ટનાં સિદ્ધ હસ્તે આ પુસ્તક લખાયેલું છે. તેની પ્રસ્તાવના સુ. શ્રી. કુન્દનિકાબેન કાપડીયાએ લખી છે. આ પુસ્તકની એક લીંટી મારાં દિલમાં કોતરાઈ ગઈ છે કે – “કોઈ અન્યનું જીવન વિકસે તો તેમાં હું પણ વિક્સું છું.”
આ પુસ્તકમાં ‘ફૂલનો જન્મોત્સવ’ કરીને એક સુંદર મજાનું પ્રકરણ છે. તે વાંચીને મને દેવીનો વૃક્ષપ્રેમ યાદ આવી ગયો. ફૂલઝાડની શોખીન દેવી જયારે કોઈ ફૂલછોડ લાંબા સમય સુધી ફૂલ ન આપે ત્યારે તે છોડની પાસે જઈ તેને પંપાળે. તેની સાથે પ્રેમથી વાતો કરે અને તેને ફૂલ આપવાં પ્રેમથી અર્જ કરે. અને જુઓ પાંચ દશ દિવસમાં છોડ ફૂલથી ભરેલો ભરેલો હોય. આવું તો અનેકવાર બન્યુ છે.
તાશી માટે માતાપિતા ભાતભાતનાં સંગીત વાગે તેવાં રમકડા લાવે. સા-રે-ગ-મ પણ વાગે અને મજાની ટ્યુન પણ વાગે. અહીં આવડા નાનાં બાળકોને ગમે તેવી ભાતભાતની ચિત્રપુસ્તિકાઓ પણ મળે. બહું મજબૂત પાંકા પૂંઠાની. બાળક ગમે તેમ પુસ્તિકા. ફેંકે તો પણ ફાટે નહિ. પુસ્તિકામાં પ્રાણીઓનાં જે ચિત્રો હોય તેની સાથેનાં સંગીતના રમકડામાં તે જ પ્રાણીનો અવાજ પણ સાંભળવા મળે. બાળકને તો મજા પડે જ પણ આપણને પણ મજા પડે. આ રીતે નાની ઉમરે અવૈધિક શિક્ષણથી બાળક પશુપંખીની, રંગની, અવાજની, નાનામોટાની,જાડાપાતળાની એમ અનેક બાબતોની ઓળખ કરતું થઇ જાય છે.
એક વખત એવું બન્યું કે તીણી ચીસોથી ઘર ગજવતી દિકરી તાશીનો અવાજ એકદમ ઘોઘરા થઇ ગયો. તે ઘોઘરા અવાજે ઘૂ...ઘૂ ... કરવા લાગી. અમે બધાં ચિંતામાં પડ્યા કે આને શું થયું? ત્યાં અમારું ધ્યાન રસોડામાં શરૂ કરેલાં મિક્સર તરફ ગયું, અને ખબર પડી કે બેનબા તો આ મિક્સરનાં અવાજની નકલ કરી રહી છે! અમારી ચિંતા તાજુબીમાં પલટાઈ ગઈ. અમેરિકામાં એમ્બુલન્સની સેવા આપણા ૧૦૮ જેવી બેનમૂન છે. ઘર પાસેથી વારંવાર એમ્બ્યુલન્સ પસાર થાય અને એની સાયરન પણ સંભળાય. દિકરી તેની નકલ પણ તેટલા જ ઊંચા સુરમાં કરે.
બાળકોમાં અવલોકન અને અનુકરણશક્તિ ગજબની હોય છે. માટે જ નાનાં બાળક પાસે સદ્વર્તન જ થવું જોઈ, ખરાબ વર્તન ક્યારેય થાય નહિ તેની પુરતી કાળજી લેવી જોઈએ. નહિ તો બાળક ખરાબ વર્તન કરતાં સહજ રીતે શીખી જાય છે.
નાનપણમાં ઝગડતા માતાપિતાની કે વાતવાતમાં જુઠું બોલતાં માતાપિતાની કે ખરાબ વર્તન કરતાં કુટુંબીજનોની બહું ખરાબ અસર આ રીતે બાળકો ઉપર થતી હોય છે.
નાનાં બાળકોને સંગીત બહું ગમે. હાલરડા બહું ગમે. બાળગીતો બહું ગમે. તેની સાથે નાચવું કૂદવું બહું ગમે. બાળક પોતે પણ નાચે અને આપણને પણ નચાવે. સંગીતમય આ વાતાવરણ અને બાળક સાથે નાનાં થઇ જવાની મજાને કારણે મારો ડાયાબીટીસ પણ ઘટી ગયેલો.
સંગીત એ હૃદયની કેળવણી છે. સંગીતનાં કારણે આપણામાં માનવતાના ગુણો ખીલે છે. સંગીતથી એકાગ્રતા વધે છે. તેનાથી ભણવામાં ચિત લાગે છે.
આ સંગીતને આજનાં શિક્ષણમાંથી ફેંકી દેવામાં આવ્યું છે. પહેલાં વિદ્યાર્થીઓ શાળાઓમાં સંગીત શીખતા અને ધોરણ ૧૦/૧૨ માં સંગીતનો વિષય પણ રાખતા. પણ આજે?! બોર્ડમાં જ્યારથી શિક્ષણ સિવાયની કેડરનાં અધિકારીઓ ચેરમેનપદે આવવા લાગ્યાં છે ત્યારથી સંગીત અને કલાની દશા બેસી ગઈ છે.
દિકરો બાલઉછેર માટે ઘણું વાંચે. માત્ર વાંચે જ નહિ પણ પૂરી સમજદારી પણ દાખવે. દિકરાએ એની દિકરીના ઉછેર માટે શુકવારે કામ ન કરવાનાં ઓફિસ સાથે કોન્ટ્રક્ટ કર્યા. શનિ-રવિની તો રજા હોય જ. માતા-પિતા બન્ને તાશીને ખૂબ સરસ રીતે રમાડે અને સાચવે. બન્ને સરસ મજાનાં હાલરડાંઓ પણ ગાય. એક વખત એક હાલરડું ગાતા ગાતા દિકરો રડી પડેલો. હાલરડાના ભાવથી તે રડી પાડેલો. હાલરડાંનું એક આગવું મનોવિજ્ઞાન છે. હાલરડાંમાં બાલ ઉછેરની એક અદ્દભૂત તાકાત છે.
તાશીને સાચવવા આવતાં સૌરાષ્ટ્રવાસી એક બેન પણ ખૂબ માયાળુ. માત્ર ગુજરાતી જ જાણે. છતાં  સિટી બસ અને રેલ્વેનો પૂરા વિશ્વાસથી ઉપયોગ કરી જાણે. આ બહેન પણ સરસ મજાનાં ગુજરાતી ગીતો અને ભજનો ગાઈને તાશીને આનંદમાં રાખે. આમ તાશી સયુંકત કુટુંબથી દૂર છે તો પણ તે બચપણને સારી રીતે માણી રહી છે. તેમ છતાં સયુંકત કુટુંબ વિના થોડીઘણી ખોટ તો રહેવાની.
જે ઘર અને જે શિક્ષણ બાળકમાં અને વિદ્યાર્થીમાં પૂરતો વિશ્વાસ જન્માવે તે જ સાચું ઘર અને તે જ સાચું શિક્ષણ. આજનાં શિક્ષણની આ મોટી ખામી છે. આજનાં મોટાભાગનાં મા-બાપથી અને ગોખણીયા શિક્ષણથી બાળક સ્વાવલંબી નહિ પરંતુ પરાવલંબી બની રહ્યું છે.
અમેરિકા હતો ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સનાં ઐતિહાસિક મેદાન ઉપર ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી જે જોવાની મજા પડી. આ મેચ આપણે જીતી ગયાં. 28 વર્ષ બાદ આપણને લોર્ડ્સમાં જીત હાંસલ થઇ. તેથી ઠેર ઠેર આનંદનો માહોલ હતો. હું પણ ઝૂમી ઉઠેલો.
ક્રિકેટ માટે મને પહેલેથી ભારે લગાવ. કોલેજમાં હું ક્રિકેટનો કેપ્ટન હતો. વિજ્ઞાન શિક્ષક તરીકે બાબરાની સરકારી હાઇસ્કુલમાં જોડાયો ત્યારે ક્રિકેટનું મજાનું મેદાન બનાવેલ. વિદ્યાર્થીઓને ક્રિકેટ, વોલીબોલ, કબ્બડી, ખો-ખો, બેઝબોલ રમાડું અને રમું. સાથોસાથ યુવક મહોત્સવમાં પણ ભાગ લેવરાવું. શાળાએ સવારમાં જાઉં તે રાત્રે પાછો આવું. જમવાનું રામ ભરોસે.
ક્રિકેટમાં શાળા કક્ષાએ હીલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલે. અમારી શાળાએ તેમાં ભાગ લેવાનું શરૂ કરેલું. નાની અમથી એવી શાળામાંથી સારા ખેલાડી મેળવવા મુશ્કેલ, એટલે ફિલ્ડીંગમાં ભારે કૌશલ્ય શીખવાડેલું જે કારગત નીવડ્યું. આ ટુર્નામેન્ટમાં આજસુધીમાં કોઈએ સદી ફટકારેલી નહિ, પણ અમારાં ટીકુ નામનાં ખેલાડીએ સદી ફટકારી બાબરાનું અને અમારી શાળાનું નામ રોશન કરેલું. આ વાત આજે પણ યાદ છે.
શાળામાં સંગીત સાથેની પ્રાર્થના શરૂ કરેલી. મને જેવી તેવી વાંસળી આવડે. બસીર નામનો વિદ્યાર્થી ઢોલકી સરસ વગાડે અને ભજન પણ સરસ ગાય. આ બસીરનાં મોટાભાઈ હસન મીર સોલંકી ભજનનાં મોટા કલાકાર હતાં. રેડીઓ આર્ટીસ્ટ. બસીરને આ બધું તેનાં લોહીમાં.
શૈક્ષણિક સંસ્થાનોમાં માનવ ઘડતરમાં પ્રાર્થનાનો ફાળો અમૂલ્ય છે. માનવ ઘડતર માટે જ તો શિક્ષણ છે. તે વિનાની સંસ્થા નામ માત્રનું એક ખાલી ખોખું છે. હું ગાંધીનગર હતો ત્યારે મારી પાસે અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રિન્સીપાલનો વધારાનો ચાર્જ હતો. તે સમયે આજનો હાસ્ય કલાકાર સાઈરામ ત્યાં અભ્યાસ કરતો. સાઈરામને ઘડવામાં પ્રાર્થનાસભાનો મહત્વનો ફાળો છે.  બાળગીતોએ તેને સ્ટેજનો કલાકાર બનાવ્યો. આજે જુઓ, સાઈરામને માણવાની કેવી મોજ આવે છે! આ સાઈરામ હાસ્ય માટે ક્યારેય પણ નિમ્ન વાણીનો ઉપયાગ કરતો નથી. આ તેની સંસ્કારિતા છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં સંગીત અને રમત હોવા જ જોઈએ. આ વાત મને મારાં B.Ed. અને M.Ed.નાં અભ્યાસ દરમ્યાન આત્મસાત થયેલી. આ બન્ને કોર્સ મેં પોરબંદરની રામબા કોલેજમાંથી કરેલા. કોલેજ શરૂ થાય ત્યારે પ્રાર્થનાખંડમાં ‘Call of Valley’નું પ્રસિદ્ધ વાદ્યસંગીત વાગવાનું શરૂ થઇ જાય. સહુ સ્વયં મૌન ધારણ કરી પ્રાર્થનાખંડમાં ગોઠવાઈ જાય. શાંતીથી બેસી જાય. બંધ આંખે સંગીતને માણે અને ધ્યાનમાં બેસે. બધાં ગુરુજીઓ પણ વિદ્યાર્થીઓની સાથોસાથ પોતાનું સ્થાન લઇ લે.
દરિયા કાંઠે કોલેજ. પ્રાર્થનાખંડમાંથી સીધો દરિયો દેખાય. આવા આહલાદક માહોલમાં પ્રાર્થના થાય. પ્રાર્થનામાં રોજે બધાં ધર્મની એક પછી એક પ્રાર્થના બોલાય. કેટલીક સમુહમાં બોલાય તો કેટલીક કોઈકને કોઈક  વિદ્યાર્થી દ્વારા બોલાય. તે પછી એક ભજન અને પછી એક સામુહિક ધૂન. એક વિદ્યાર્થીનો વાર્તાલાપ, તેના ઉપર ગુરુજીઓની ટિપ્પણ. અઠવાડિયે કોઈક ને કોઈક મહેમાન હોય જેનો વાર્તાલાપ અને તેની સાથેની પ્રશ્નોતરી. સાંજે એકાદ કલાકની મેદાની અને ઇન્ડોર રમતો. આ બધાની મારી ઉપર ઘેરી અસર પડેલી.
આ અસર થકી જ મેં સંગીત, રમતગમત, પ્રવાસ પર્યટનને બાબરા હાઇસ્કુલનું શૈક્ષણિક પછાતપણું દૂર કરવાં પ્રાધાન્ય આપેલું. એક વખતના શૂન્ય પરિણામવાળી આ શાળા સારી પ્રગતી સાધી શકી. તોફાનમાં નામચીન આ શાળા સ્વયંશિસ્ત દાખવી શકી. આ છે શિક્ષણ. આ છે કેળવણી, હૃદયની કેળવણી, વિદ્યાર્થીને સારો માનવ અને સારો નાગરિક બનાવતી કેળવણી. આજનાં ખોખલા શિક્ષણની તો શું વાત કરવી?
જર્સી સિટીમાં દિકરાનો મિત્ર ઘરે મળવા આવેલો. લાખોમાં એક જેવો મિત્ર. તે વિશ્વની ઘણી મેરેથોન દોડમાં ભાગ લે. આજે પણ દર અઠવાડિયે 45-50 કિમી દોડે છે. આપણે રહ્યાં દાળભાતયાં અને વળી પાછાં વેપારી. તેથી ફદિયા સિવાયનું શિક્ષણ આપણને સમજાતું નથી.
અમેરિકામાં હતો ત્યારે મિશિગન યુનિવર્સિટીનું એક સંશોધન પ્રકાશિત થયેલું તે વાંચેલું. આ સંશોધને એ પુરવાર કર્યું છે કે જે વિદ્યાર્થી રમતગમતમાં ભાગ લે છે તે જીવનમાં સારી પ્રગતી કરે છે. ગુજરાતનાં શિક્ષણનાં નીતિધારકો, તમે અમારાં ખર્ચે પણ મિશિગન અને ફિનલેન્ડ જઈ આવો. તમારો ખર્ચ લેખે લાગશે.
આપણાં દેશમાં આ વરસે કબ્બડ્ડીએ ખૂબ રંગ જમાવ્યો. ફિલ્મ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ આ રમત જોવા આવ્યાં અને અદમ્ય ઉત્સાહ જગાડી ગયાં. સચિન તેન્ડુલકર અને અમિતાભ બચ્ચન સહિતના અનેક નામી રમતવીરો અને કલાકારો પણ આ કબડ્ડીની રંગત જોવા આવ્યાં. આ એક શુભ શરૂઆત થઇ છે.
શાળાઓમાં આવી ખર્ચ વિનાની દેશી રમતો રમાવી જ જોઈએ. શાંતિની રમતો પણ છે, તે પણ રમાવી જોઈએ. શિક્ષણમાં રમતો દ્વારા પણ શાંતિનો સંદેશ મળે છે. અંતે આપણે આપણા જીવનમાં શાંતિની તો ઝંખના કરીએ છીએ. યુદ્ધથી ત્રસ્ત સમગ્ર વિશ્વ પણ આજે શાંતિ માટે તો ઝઝૂમી રહ્યું છે. આ રમતો, આ સંગીત આ બધું તેનો સર્વોત્તમ માર્ગ છે.
મને યાદ આવે છે કે થોડા વર્ષો પહેલાં અમદાવાદની એક શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને શાળા મેદાનમાં દોડાવી રહ્યા હતાં. તેમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું. ભારે દેકારો મચી ગયો. શિક્ષકનો બિચારાનો ઘાણ કાઢી નાખેલો. વાલીઓએ દોડનો ભારે વિરોધ કરેલો. એક પણ મરદનો બચ્ચો બચાવમાં આવેલો નહિ.
ગત સાલ ભાવનગરનાં વલભીપુર તાલુકાની એક સરકારી પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયેલો. રસ્તામાં અકસ્માત થયો અને એક બાળકનું કરુણ મૃત્યુ થયું. મને હતું કે હવે શિક્ષકનું આવી બન્યું, હવે શિક્ષણખાતુ પણ શિક્ષકને નોટીસો આપીને હેરાન પરેશાન કરી મુકશે. પરંતુ ભારે અચંબા વચ્ચે મૃત્યુ પામેલાં બાળકના માતાપિતાએ આ કેસમાં શિક્ષકનો કોઈ દોષ જ નથી તેમ ભારપૂર્વક કહ્યું. ઉલટાનું, તેમણે શિક્ષકની પ્રવાસની ભાવનાને બિરદાવી! અધિકારીઓએ પણ ભારે સમજ દાખવી. આવું ન્યાયપૂર્ણ વલણ દાખવવા બદલ વાલી અને અધિકારી સહુકોઈને લાખ લાખ સલામ કરું છું. આજે શિક્ષકને સમાજ અને સરકારનો સહયોગ મળે તે ખૂબ જરૂરી છે. આવું બને તો જ શિક્ષક ખીલે અને બાળકને ખીલવવામાં પોતાનો જીવ લગાવી દે.

11 March 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૫

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

હડસનનાં કાંઠે જર્સી સિટીની નજદીકમાં સ્ટીવન્સ નામની એક કોલેજ આવેલી છે. કાંઠા ઉપરનાં ટેકરા ઉપર આવેલી આ યુનિવર્સીટીનાં વિધાર્થીઓ કેટલાં સુંદર માહોલમાં ભણતાં હશે!


ઉનાળાના દિવસોમાં હડ્સનનાં કાંઠે માનવોની સવાર-સાંજ ભીડ હોય. ભીડ વચ્ચે પણ શાંતિનો અહેસાસ થાય. અહીં કોઈ એકબીજાને ખલેલ પહોંચે તેમ મોટેથી બોલતાં નથી, અત્યંત ધીમે બોલે. મોબાઈલ ઉપર પણ બહું ધીમેથી વાતો કરે. સહુકોઈ શાંતિ રાખવાં જાગૃતપણે પ્રયાસ કરતાં નજરે પડે. મોટેથી બોલવું તે અહીં અશિસ્ત અને અમાનવીય ગણાય છે.
કાંઠે પહોચીને તાશી ખુશખુશ થઇ જાય. રસ્તામાં અને કાંઠે પણ અમારાં તાશીબેનની ચીચીયારીનો તો કોઈ પાર નહિ. એનાં મસ્તી ભરેલાં અગડમબગડમ ગીતો સહુનું ધ્યાન ખેંચે. સહુ હસીને તાશીને વધાવે. તાશીબેનની ચીચીયારી એટલી મોટી હોય કે ન્યૂયોર્કથી બોટમાં આવી રહેલી તેની માને પણ તે ક્યારેક દૂરથી સંભળાય. આ કાંઠો તે મા-બેટીના સાંજના મિલનનું મીઠું મધુરું સ્થળ. થોડીવાર થાય ત્યાં તાશીના પિતાજી પણ આવે. આ હડસન નદી તાશીને કેવી મીઠી લાગતી હશે! તેના અજાગૃત મન ઉપર તેની જિંદગીભર હકારાત્મક અસર રહેવાની. અમને બધાને તાશી તેનું બાળપણ મસ્તીથી માણી રહ્યાનો અનેરો આનંદ છે. તેનો મીઠોમધુરો ઓડકાર આવી રહ્યો છે..
મને આમેય ઓડકાર ખાવાની ભારે ટેવ. ખાતા ખાતા કે ખાધા પછી ઓડકાર તો આવે જ. આપણા માટે ઓડકાર ખાવો તે પરિતૃપ્ત થયાની નિશાની. પણ અમેરિકામાં ઓડકાર ખાવો તે અસભ્યતા ગણાય છે. હું ગમે તેટલી કાળજી રાખું તોય ક્યારેક તો ભૂલમાં ઓડકાર ખવાય જ જાય. ઓડકાર સાંભળી આસપાસમાં બેઠેલાંઓનું મોઢું બગડી જાય. આપણાથી દૂર ચાલ્યા જાય. અમેરિકનો આ વાતે નોખી ભાતના છે. તેની કેટલીક વાતો સમજવી મુશ્કેલ છે.
16મી જુલાઈ, 2014 નાં રોજ મુંબઈથી નાના દિકરા વૈભવના ઘરેથી યુનાઇટેડ એરલાઈંસમાં રાત્રીના સવા અગિયાર વાગે અમેરીકાનાં ન્યૂઆર્ક એરપોર્ટ જવા નીકળેલાં. નોનસ્ટોપ 15 કલાકની મુસાફરી. આ 15 કલાકમાં તો પૃથ્વીના બીજા ગોળાર્ધમાં પહોંચી ગયાં.પાતાળમાં પહોંચી ગયાં.
અમેરીકાનાં આ પ્લેનમાં પણ અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ સુચના આપવામાં આવે છે. તેથી વળી પાછો નજદીકના ભૂતકાળમાં સરી પડ્યો.
અમે અમેરિકા જવા ભાવનગરથી નીકળ્યાં તે પહેલાં પોરબંદરમાં, સાંદીપની વિદ્યાનિકેતમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મને ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનવામાં આવેલ. ત્યાં મેં ‘ભાર વિનાનું ભણતર’ એ વિષય ઉપર એક પ્રવચન આપેલું. તેમાં પ્રત્યેક વિક્ષિત દેશમાં તેનું શિક્ષણ તેની માતૃભાષામાં જ આપી રહી છે તેની વાત ભારપૂર્વક જણાવેલી.
સન્માન વખતે મને ખુશી એ વાતની થઇ કે પૂજ્ય ભાઈશ્રીએ પણ માતૃભાષામાં ભણતરને બહું જરૂરી ગણાવ્યું. આને હું માતૃભાષાને મળેલાં મોટા આશીર્વાદ સમજુ છું. સંતોની દ્રષ્ટિ બહું લાંબુ જોઈ શકે છે અને તેમની વાત લોકો સહજ રીતે સ્વીકારી લે છે.
મે સાંદીપની વિદ્યાનિકેતમાં દફતરના અસહ્યભારની વાત પણ ઠોસપૂર્વક કરી હતી. અમે જયારે મુંબઈ પહોંચ્યા ત્યારે NDTV ચેનલ ઉપર દેશના મોટા શહેરોમાં બાળકો ઉપર દફતરનો કેવો કારમો ભાર છે તે વિગતે દર્શાવવામાં આવી રહ્યું હતું. સાથોસાથ ચેનલ દ્વારા શિક્ષણશાસ્ત્રીઓ અને ડોક્ટરોનાં અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યાં હતાં. આ બધા જ એકી અવાજે દફતરના ભારને વખોડી રહ્યાં હતાં. તેને અમાનવીય, અવૈજ્ઞાનિક અને ઘાતક ગણાવી રહ્યાં હતાં.
કેરાલા હાઇકોર્ટે KGમાં લેવામાં આવતી પરિક્ષા અને હોમવર્ક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મે આ ચુકાદા અંગે સમાચારપત્રમાં આવેલા લેખની 20.000 પત્રિકા છપાવી છે અને વહેંચી રહ્યો છું. અમે ગિજુભાઈ બધેકાએ સ્થાપેલાં ‘નૂતન બાલ શિક્ષણ સંઘ’નાં મિત્રો ‘દફતર વિહિન બાલમંદિર’નું અભિયાન ચલાવી રહ્યાં છીએ. તેમાં આ ચુકાદાએ અમૃતસમું કામ કર્યું છે.
હવે આ કેરાલા હાઇકોર્ટનાં આ આદેશને સમગ્ર દેશમાં લાગુ પાડવા માટે સુપ્રીમકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.
આપને નવાઇ લાગશે કે સુપ્રીમકોર્ટમાં પણ આ કેસ ભારતદેશનાં 15,000 બાળરોગ નિષ્ણાંત ડોક્ટર્સનું એસોસિએશન જ લડી રહ્યું છે. ડોક્ટર્સ એસોસિએશનની આ માંગણી સંપૂર્ણપણે મનોવિજ્ઞાન, શરીરશાસ્ત્રને અનુરૂપ અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની છે. પ્રગતિશીલ દેશોમાં આ ધારાધોરણે જ શિક્ષણ કાર્ય થઇ રહ્યું છે, જયારે આપણે તો બાલમંદિરથી જ કાળોકેર વર્તાવી રહ્યાં છીએ. દેશનું ભાવી ખુબ દુઃખદ છે.
સુપ્રિમકોર્ટનો ચૂકાદો દેશનાં કરોડો બાળકોનાં બચપણ બચાવશે. બાળકોને કાળાકેરમાંથી બચાવશે. બાળકોની મરી જતી કુદરતી સર્જનશક્તિ બચી જશે. બાળક રોબોટ બનતો પણ બચી જશે. દેશનું ભાવી પણ યોગ્ય રીતે ઘડાશે અને ભારતની સુગંધને ફરી ઉજાગર થશે. આપણે સહુએ સુપ્રીમ કોર્ટનાં આદેશ માટે પ્રાર્થના કરવી જરૂરી છે. તેમાં આપણા સહુનું હિત છે.
અમેરિકા આવ્યાં તે દિવસોમાં મુંબઇ સમાચારપત્રમાં મુંબઈનો ગુજરાતી સમાજ પણ ગુજરાતી માતૃભાષા પ્રત્યે જાગૃત બની રહ્યાના સમાચાર હતાં. દેશની સંસદમાં UPSCમાં લેવાતી પરીક્ષામાં અંગ્રેજીને જ પ્રાધાન્ય અપાઇ રહ્યાનું અને તે સિવાયની અન્ય ભાષાઓને અન્યાય થઇ રહ્યાની વાત બાબતે ભારે ધાંધલધમાલ મચી હતી. આ બધું બહું દુઃખદ છે.સમગ્ર દેશ ગુલામી માનસમાંથી બહાર આવે તે ખૂબ જરૂરી છે.

04 March 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૪

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

અમેરિકામાં શુક્રવારની સાંજ પડે ત્યાં સહુનાં ચહેરાં ઉપર એક પ્રકારની ખુશી જોવા મળે. કારણ શનિ  રવિની બે દિવસની રજા. રજા એટલે મજા. શનિ રવિ એટલે ઘરનું બધું ખરીદવાનું, બહાર ફરવાં જવાનું.
અમેરિકામાં સાયકલ પર ફરવાંનો ગજબનો શોખ છે. વાહનમાં પણ સાયકલ નાખીને ફરવાં જાય. વાહન પાછળ સાયકલ બાંધી દેવાના સરસ સ્ટેન્ડ હોય. કેટલાંયે વાહનોની પાછળ સાયકલ બાંધેલી જોવા મળે. વાહન પાર્ક કરી, સાયકલ કાઢી મંડે સાયકલ પ્રવાસ કરવાં! માઇલોનાં માઈલો પ્રવાસ કરે. ત્યાંની આવકનાં પ્રમાણમાં પેટ્રોલ તો પાણીનાં ભાવે મળે, અને તો પણ સાયકલ સવારીનો જબરો શોખ આ પ્રજાને છે. ઘણાંને વળી દોડવાનો ભારે શોખ. રોજના દશ વીશ કિલોમીટર દોડવું એ ઘણાં માટે સામાન્ય વાત છે!
અમેરિકા પાસેથી આપણે પરિશ્રમનો પાઠ પણ ભણવો પડશે. અમેરિકામાં પરિશ્રમનો મોટો મહિમા છે. અહીં બાળક સહીત બધાં જ ઘરકામ કરે. માબાપ સાથે ફરવાં નીકળેલું નાનકડું બાળક પણ પોતાનો સામાન પોતે જ ઊંચકીને ચાલતું હોય. આ દૃશ્ય જોવાની ખુબ મજા આવે.
ઘરમાં પણ નાનું મોટું સમારકામ લોકો જાતે જ કરે. દીવાલોને રંગવાનું, નાનું મોટું કઈ પણ તૂટી ગયું હોય તો રિપેર કરવાનું પણ અહીનાં કે અહીં વસતાં લોકો માટે એકદમ સહજ વાત છે. ઘણા લોકો તો પોતાનું વાહન પણ જાતે રીપેર કરે. ટાયરથી માંડીને ઓઈલ પણ જાતે બદલાવે!
અમેરિકામાં દિકરો ઘરકામમાં બહું સાથ આપે છે. અહીં કામવાળા મળવા બહું કઠિન છે. લગભગ અશક્ય. જો મળે તો પણ એટલા મોંઘા મળે કે કમાણીનો સારો એવો હિસ્સો કામવાળાને આપવો પડે. ભલભલાનું ગજું નહિ. દીકરા અને પુત્રવધૂ બંનેને તેમની માતાઓએ ઘરકામ સારી રીતે શીખવાડ્યું છે. તે અમેરિકામા કામે લાગી રહ્યું છે.
હું મારી માનો આભાર માનું. મારી મા ગોંડલ સ્ટેટમાં માંડ ચાર ચોપડી ભણેલી. મા અમારાં બધાં ભાઈબહેનો પાસે બધું જ ઘરકામ કરાવતી. મારે સંજવારી કાઢવાની, ફાનસના ફોટા પણ સાફ કરવાનાં. મારે વાસણ પણ વિછળવાના અને શેરીના છેડે આવેલાં નળનાં સ્ટેન્ડથી પાણી પણ ભરાવાનું. મારે કપડાં પણ સંકેલવાના અને મારે સવારના પાંચ વાગ્યામાં રેશનીંગની લાઈનમાં ઊભા રહેવા પણ જવાનું.
મારી વ્હાલુડી મા પાસેથી હું દિવાળીમાં દીવાલોને ચૂનો કરતાં અને રંગકામ કરતાં પણ શીખેલો. મા ખપ પૂરતું કડિયા કામ પણ કરી લેતી તે પણ તેની પાસેથી શીખ્યો. અરે, દેશી નળિયા ચાળતાં પણ શીખેલો.
દિવાળીમાં રંગોળી કાઢવામાં મારાં ભાઈબહેનો એક્ષપર્ટ. તેમની પાસેથી રંગોળી કરતાં પણ શીખ્યો. દિવાળીની રાત્રે રંગોળી કાઢવામાં દશ દશ કલાક નીકળી જતાં. સવાર પડી જતી. હજુ સાલ મુબારક માટે તૈયાર પણ ન થયાં હોઈએ ત્યાં તો શેરીમાં ‘સબરસ, શુકન્યું કંકુ’નાં સાદ સંભળાવા લાગતાં. આ કૌશલ્યો અને તેમાંથી નીપજતા આનંદને હું આજે પણ માણી રહ્યો છું.
અને આજની મા! પોતાનાં બાળકને ઘરકામથી અલગ રાખવામાં ગૌરવ અનુભવે છે. મારાં સંતાનોને ચા બનાવતાં ન આવડે, મારાં સંતાનોને ગુજરાતી વાંચતા ન આવડે. આવું આવું કહેવામાં લાજવાને બદલે ગાજે છે. આવી મા પોતે જ પોતાનાં સંતાનોનાં વિકાસમાં અવરોધક બની રહી છે તે કેમ સમજાવવું?
ગુજરાતનું હાલનું માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીઓને વિશેષ પાંગળા બનાવી રહ્યું છે. પરંતુ હા, એક જગાએ આશ્વાસન જરૂરથી મળે છે. તે છે બુનીયાદી શિક્ષણ.. બુનીયાદી શિક્ષણની ભેટ મહાત્મા ગાંધીજીએ આપી છે. તેઓ કહેતા કે દેશને માટે આઝાદી કરતાં પણ મારી આ શ્રેષ્ઠ ભેટ છે. આ શિક્ષણમાં સારો નાગરિક બનાવવાની, દેશનું સાચું ભાવી ઘડવાની અદ્દભૂત તાકાત છે.
વિદ્યાની સાચી સુગંધ આ બુનીયાદી શિક્ષણમાં છે. તે ઉત્તમ છે, તે જીવનલક્ષી છે, તે જ્ઞાનથી ભરેલુંભરેલું છે. તે અનુભવો અને મુલ્યોના આધાર ઉપર ઉભું છે. આ શિક્ષણમાં જ્ઞાનની સાથોસાથ પરિશ્રમનુ અને છાત્રાલયનું પણ જબરું મહત્વ છે. શું પરિશ્રમને અને છાત્રાલય જીવનને તે કઈ શિક્ષણ કહેવાય? હા, જરૂરથી કહેવાય. તેમાં જ વર્ગખંડના શિક્ષણથી પણ કઈક મજાનું શિક્ષણ સમાયેલું છે.
આચાર્ય વિનોબાજીએ પરિશ્રમનું અજબગજબનું મહત્વ સમજાવ્યું છે. તેઓ તો કહે છે કે પરિશ્રમથી કર્મશીલતા આવે છે, આળસ ઘટે છે. તામસી ગુણો ઘટે છે, તામસી ગુણોનું નિરસન થાય છે. વિદ્યાર્થીને સારો માનવ અને સારો નાગરિક બનાવવા તામસી ગુણો તો કાઢવા પડશેને?
પરિશ્રમ તામસી ગુણોનું નિરસન કરે છે તેના બે દાખલા આપણી નજર સામે જ છે. ઘરમાં પુરુષો કરતાં વધુ પરિશ્રમ કરતી આપણી મા બહેનોમાં વધુ માનવીય ગુણો છે. શહેર કરતાં ગામડામાં વધુ પરિશ્રમ  કરતાં અભણ માણસોમાં વધુ માનવતા છે.
આ અમૂલ્ય પરિશ્રમને આપણે હલકો ગણ્યો. તેથી પરિશ્રમ કરતાં શરમ આવે છે. આ જુઠા આવરણ થકી આપણે કેટલું બધું ગુમાવી રહ્યાં છીએ!
ગુજરાત પાસે તો આદર્શ શિક્ષણ હતું જ. ભાવનગરની દક્ષિણામૂર્તિ અને ઘરશાળા તો રાષ્ટ્રકક્ષાએ પ્રસિદ્ધ શાળાઓ હતી. અહી બાળકોને જીવનમાં ઉપયોગી એવું તમામ શિક્ષણ આપવામાં આવતું. આ શાળાઓમાં દશ ધોરણ સુધી પરીક્ષામાંથી મુક્તિ પણ હતી! આ શાળાઓમાં પરિશ્રમ કરતાં કરતાં  શીખેલાં, ઘરકામમાં એક્કા બનેલાં અને પરીક્ષામાંથી મુક્તિ પામેલાં વિદ્યાર્થીઓએ દેશ અને દુનિયામાં ઘણી મોટી નામનાં મેળવી છે.
હા, એક વાત છે. આ સંસ્થાઓ પાસે સ્વાયત્તા હતી. આજે નથી. અમેરિકામાં શૈક્ષણિક સંસ્થાઓને ઘણી સ્વાયત્તા છે. સ્વાયત્તા વિનાની આજની શૈક્ષણિક સંસ્થાઓ તદન સામાન્ય કક્ષામાં આવી ચૂકી છે.  સ્વાયત્તા વિના ગુજરાતમાં શિક્ષણનાં પ્રયોગો થવાનાં જ બંધ થઇ ગયાં છે. આમાં બદલાવ લાવવો જ પડશે. સ્વાયત્તા  આપવી જ પડશે. તો જ દેશની લોકશાહી સબુત બનશે અન્યથા આજનું શિક્ષણ  લોકશાહી માટે પણ ઘાતક બની રહેશે.
હમણા જ વાંચ્યું કે નાલંદા વિદ્યાપીઠને ફરી ધમધમતી કરવામાં આવી છે. તેની આગેવાની પૂર્વ રાષ્ટ્પતિ સર્વશ્રી અબ્દુલ કલામ સાહેબે લીધી છે. કલામ સાહેબ આપને સો સો સલામ. આવાં વિરલા કોક જ હોય.
બીજી બાજુ, આપણા ગુજરાત પાસે તો વલ્લભી વિદ્યાપીઠ પણ હતી. ગોખાણીયા શિક્ષણે તો તેની યાદ પણ ભુલાવી દીધી છે. વલ્લભી વિદ્યાપીઠ માટે આપણે કંઈ જ કર્યું નથી. કારણ, આપણે તો વેપારી માનુસ. હા, કેટલાંક સારા અને ભલા માનવીઓ વલ્લભી વિદ્યાપીઠ માટે જાગૃત બન્યાનાં સારા સમાચાર સંભળાય રહ્યાં છે. જય હો!! વિજયી બની રહો.
ભારતમાં હમણાં ચારેકોર હિન્દીની બોલબાલા છે. હિન્દીવાસીઓને આ વાતનું ગૌરવ છે. અને હોવું જ જોઈએ. ભારતવાસીઓની છાતી ગજ ગજ ફૂલી રહી છે. સાચુકલો આનંદ છે. માણવા જેવો આનંદ માણી રહ્યાં છે. તેનું કારણ વડાપ્રધાન શ્રી મોદીસાહેબ છે. વડાપ્રધાન શ્રી મોદીસાહેબ યુનાઇટેડ નેશન હોય કે વિશ્વનો કોઈપણ દેશ હોય, અત્ર તત્ર સર્વત્ર ફાંકડું હિન્દી બોલીને આપણાં રાષ્ટ્રનું અને આપણી રાષ્ટ્ભાષાનું ગૌરવ વધારી રહ્યાં છે. મોદીસાહેબને અંગ્રેજીની ઉણપ ક્યાંયે વરતાઈ?
મોદીસાહેબ હવે એંગ્રેજીમાં પણ બોલવા લાગ્યાં છે. કારણ મોદીસાહેબ પહેલાં માતૃભાષામાં એક્કા બન્યાં. પછી રાષ્ટ્ર ભાષામાં એક્કા બન્યાં. એટલે હવે મોદીસાહેબ એંગ્રેજીમાં પણ ખપ પૂરતું બોલવા લાગ્યાં છે એટલું જ નહિ પૂરા વિશ્વાસથી બોલવા લાગ્યાં છે. સર્વ શ્રી ઉમાશંકર જોષી સાચું જ કહેતા કે ખપ પૂરતું  અંગ્રેજી આવડ્યું એટલે બસ.
વડાપ્રધાન શ્રી મોદીસાહેબ પણ ગુજરાતી અને રવીન્દ્ર નાથ ટાગોરની વિશ્વ વિદ્યાલય શાંતિનીકેતનના વડા સર્વ શ્રી ઉમાશંકર જોષી પણ ગુજરાતી. બન્ને માતૃભાષા થકી મોટા બન્યાં. હે ગુજરાતીઓ તમે આ વાત ક્યારે સમજશો? આપણે ગુલામી માનસમાંથી ઝડપથી બહાર આવવું જ પડશે.
ભણતરનું માધ્યમ કયું હોવું જોઈએ? અન્ય ભાષા ઉપર ક્યારે જવાય? કેમ જવાય? તે સમજવું ખૂબ જરૂર છે. ઝીંદગીમાં સફલ થવા માટે માતૃભાષા ખૂબ જ મહત્વની છે. માતૃભાષા ઉપર કાબુ હશે તો બીજી ત્રીજી કે પચ્ચીસમાં ભાષા શીખવી પણ સહેલી છે.
મોદીસાહેબનું ઉદાહરણ આદર્શ ઉદાહરણ છે. પૂરતું છે, યોગ્ય છે, શિક્ષણનાં સિદ્ધાંતો મુજબનું છે. સમજાય તો બેડો પાર. નહિ તો બાળકોની ખો નીકળી જવાની. બાળકોની ખો નીકળી એટલે માબાપોનાં ભાવિની પણ ખો નીકળી જવાની અને પછી સમાજની અને દેશની...જેટલાં વહેલા જાગીએ તેમાં સહુનું કલ્યાણ છે.
અમેરિકામાં શિક્ષણમાં વહીવટી તંત્રની દખલગીરી સાંભળવા મળતી નથી. ત્યારે ગુજરાતનાં શિક્ષણમાં IAS અધિકારીઓનો હસ્તક્ષેપ ખુબ વધી ગયો છે. તે દૂર થવો બહું જરૂરી છે. IAS અધિકારીઓ પ્રત્યે પૂરું માન સન્માન છે, પણ શિક્ષણને સમજવું તેઓ માટે ખૂબ કઠિન છે.

ગુજરાતનાં શિક્ષણમાં જે કઈ ખામી સર્જાણી છે તેમાં આ બુધ્ધીશાળીઓનો પણ મોટો ફાળો છે. હું તેનાં અનેક પુરાવા આપી શકું તેમ છું. તેઓનાં કારણે શિક્ષણની મૂળભૂત કેડર ખૂબ પાછી ધકેલાઈ ગઈ છે. હવે તે પોતાનું હીર બતાવવામાંથી પણ પાછી પડી રહી છે. આ કેડરને ફરી બેથી કરવી બહું જરૂરી છે.