(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)
અમેરિકામાં શુક્રવારની સાંજ પડે ત્યાં સહુનાં ચહેરાં ઉપર એક પ્રકારની ખુશી જોવા મળે. કારણ શનિ રવિની બે દિવસની રજા. રજા એટલે મજા. શનિ રવિ એટલે ઘરનું બધું ખરીદવાનું, બહાર ફરવાં જવાનું.
અમેરિકામાં શુક્રવારની સાંજ પડે ત્યાં સહુનાં ચહેરાં ઉપર એક પ્રકારની ખુશી જોવા મળે. કારણ શનિ રવિની બે દિવસની રજા. રજા એટલે મજા. શનિ રવિ એટલે ઘરનું બધું ખરીદવાનું, બહાર ફરવાં જવાનું.
અમેરિકામાં સાયકલ પર ફરવાંનો ગજબનો શોખ છે. વાહનમાં પણ સાયકલ નાખીને ફરવાં જાય. વાહન પાછળ સાયકલ બાંધી દેવાના સરસ સ્ટેન્ડ હોય. કેટલાંયે વાહનોની પાછળ સાયકલ બાંધેલી જોવા મળે. વાહન પાર્ક કરી, સાયકલ કાઢી મંડે સાયકલ પ્રવાસ કરવાં! માઇલોનાં માઈલો પ્રવાસ કરે. ત્યાંની આવકનાં પ્રમાણમાં પેટ્રોલ તો પાણીનાં ભાવે મળે, અને તો પણ સાયકલ સવારીનો જબરો શોખ આ પ્રજાને છે. ઘણાંને વળી દોડવાનો ભારે શોખ. રોજના દશ વીશ કિલોમીટર દોડવું એ ઘણાં માટે સામાન્ય વાત છે!
અમેરિકા પાસેથી આપણે પરિશ્રમનો પાઠ પણ ભણવો પડશે. અમેરિકામાં પરિશ્રમનો મોટો મહિમા છે. અહીં બાળક સહીત બધાં જ ઘરકામ કરે. માબાપ સાથે ફરવાં નીકળેલું નાનકડું બાળક પણ પોતાનો સામાન પોતે જ ઊંચકીને ચાલતું હોય. આ દૃશ્ય જોવાની ખુબ મજા આવે.
ઘરમાં પણ નાનું મોટું સમારકામ લોકો જાતે જ કરે. દીવાલોને રંગવાનું, નાનું મોટું કઈ પણ તૂટી ગયું હોય તો રિપેર કરવાનું પણ અહીનાં કે અહીં વસતાં લોકો માટે એકદમ સહજ વાત છે. ઘણા લોકો તો પોતાનું વાહન પણ જાતે રીપેર કરે. ટાયરથી માંડીને ઓઈલ પણ જાતે બદલાવે!
અમેરિકામાં દિકરો ઘરકામમાં બહું સાથ આપે છે. અહીં કામવાળા મળવા બહું કઠિન છે. લગભગ અશક્ય. જો મળે તો પણ એટલા મોંઘા મળે કે કમાણીનો સારો એવો હિસ્સો કામવાળાને આપવો પડે. ભલભલાનું ગજું નહિ. દીકરા અને પુત્રવધૂ બંનેને તેમની માતાઓએ ઘરકામ સારી રીતે શીખવાડ્યું છે. તે અમેરિકામા કામે લાગી રહ્યું છે.
હું મારી માનો આભાર માનું. મારી મા ગોંડલ સ્ટેટમાં માંડ ચાર ચોપડી ભણેલી. મા અમારાં બધાં ભાઈબહેનો પાસે બધું જ ઘરકામ કરાવતી. મારે સંજવારી કાઢવાની, ફાનસના ફોટા પણ સાફ કરવાનાં. મારે વાસણ પણ વિછળવાના અને શેરીના છેડે આવેલાં નળનાં સ્ટેન્ડથી પાણી પણ ભરાવાનું. મારે કપડાં પણ સંકેલવાના અને મારે સવારના પાંચ વાગ્યામાં રેશનીંગની લાઈનમાં ઊભા રહેવા પણ જવાનું.
મારી વ્હાલુડી મા પાસેથી હું દિવાળીમાં દીવાલોને ચૂનો કરતાં અને રંગકામ કરતાં પણ શીખેલો. મા ખપ પૂરતું કડિયા કામ પણ કરી લેતી તે પણ તેની પાસેથી શીખ્યો. અરે, દેશી નળિયા ચાળતાં પણ શીખેલો.
દિવાળીમાં રંગોળી કાઢવામાં મારાં ભાઈબહેનો એક્ષપર્ટ. તેમની પાસેથી રંગોળી કરતાં પણ શીખ્યો. દિવાળીની રાત્રે રંગોળી કાઢવામાં દશ દશ કલાક નીકળી જતાં. સવાર પડી જતી. હજુ સાલ મુબારક માટે તૈયાર પણ ન થયાં હોઈએ ત્યાં તો શેરીમાં ‘સબરસ, શુકન્યું કંકુ’નાં સાદ સંભળાવા લાગતાં. આ કૌશલ્યો અને તેમાંથી નીપજતા આનંદને હું આજે પણ માણી રહ્યો છું.
અને આજની મા! પોતાનાં બાળકને ઘરકામથી અલગ રાખવામાં ગૌરવ અનુભવે છે. મારાં સંતાનોને ચા બનાવતાં ન આવડે, મારાં સંતાનોને ગુજરાતી વાંચતા ન આવડે. આવું આવું કહેવામાં લાજવાને બદલે ગાજે છે. આવી મા પોતે જ પોતાનાં સંતાનોનાં વિકાસમાં અવરોધક બની રહી છે તે કેમ સમજાવવું?
ગુજરાતનું હાલનું માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીઓને વિશેષ પાંગળા બનાવી રહ્યું છે. પરંતુ હા, એક જગાએ આશ્વાસન જરૂરથી મળે છે. તે છે બુનીયાદી શિક્ષણ.. બુનીયાદી શિક્ષણની ભેટ મહાત્મા ગાંધીજીએ આપી છે. તેઓ કહેતા કે દેશને માટે આઝાદી કરતાં પણ મારી આ શ્રેષ્ઠ ભેટ છે. આ શિક્ષણમાં સારો નાગરિક બનાવવાની, દેશનું સાચું ભાવી ઘડવાની અદ્દભૂત તાકાત છે.
વિદ્યાની સાચી સુગંધ આ બુનીયાદી શિક્ષણમાં છે. તે ઉત્તમ છે, તે જીવનલક્ષી છે, તે જ્ઞાનથી ભરેલુંભરેલું છે. તે અનુભવો અને મુલ્યોના આધાર ઉપર ઉભું છે. આ શિક્ષણમાં જ્ઞાનની સાથોસાથ પરિશ્રમનુ અને છાત્રાલયનું પણ જબરું મહત્વ છે. શું પરિશ્રમને અને છાત્રાલય જીવનને તે કઈ શિક્ષણ કહેવાય? હા, જરૂરથી કહેવાય. તેમાં જ વર્ગખંડના શિક્ષણથી પણ કઈક મજાનું શિક્ષણ સમાયેલું છે.
આચાર્ય વિનોબાજીએ પરિશ્રમનું અજબગજબનું મહત્વ સમજાવ્યું છે. તેઓ તો કહે છે કે પરિશ્રમથી કર્મશીલતા આવે છે, આળસ ઘટે છે. તામસી ગુણો ઘટે છે, તામસી ગુણોનું નિરસન થાય છે. વિદ્યાર્થીને સારો માનવ અને સારો નાગરિક બનાવવા તામસી ગુણો તો કાઢવા પડશેને?
પરિશ્રમ તામસી ગુણોનું નિરસન કરે છે તેના બે દાખલા આપણી નજર સામે જ છે. ઘરમાં પુરુષો કરતાં વધુ પરિશ્રમ કરતી આપણી મા બહેનોમાં વધુ માનવીય ગુણો છે. શહેર કરતાં ગામડામાં વધુ પરિશ્રમ કરતાં અભણ માણસોમાં વધુ માનવતા છે.
આ અમૂલ્ય પરિશ્રમને આપણે હલકો ગણ્યો. તેથી પરિશ્રમ કરતાં શરમ આવે છે. આ જુઠા આવરણ થકી આપણે કેટલું બધું ગુમાવી રહ્યાં છીએ!
ગુજરાત પાસે તો આદર્શ શિક્ષણ હતું જ. ભાવનગરની દક્ષિણામૂર્તિ અને ઘરશાળા તો રાષ્ટ્રકક્ષાએ પ્રસિદ્ધ શાળાઓ હતી. અહી બાળકોને જીવનમાં ઉપયોગી એવું તમામ શિક્ષણ આપવામાં આવતું. આ શાળાઓમાં દશ ધોરણ સુધી પરીક્ષામાંથી મુક્તિ પણ હતી! આ શાળાઓમાં પરિશ્રમ કરતાં કરતાં શીખેલાં, ઘરકામમાં એક્કા બનેલાં અને પરીક્ષામાંથી મુક્તિ પામેલાં વિદ્યાર્થીઓએ દેશ અને દુનિયામાં ઘણી મોટી નામનાં મેળવી છે.
હા, એક વાત છે. આ સંસ્થાઓ પાસે સ્વાયત્તા હતી. આજે નથી. અમેરિકામાં શૈક્ષણિક સંસ્થાઓને ઘણી સ્વાયત્તા છે. સ્વાયત્તા વિનાની આજની શૈક્ષણિક સંસ્થાઓ તદન સામાન્ય કક્ષામાં આવી ચૂકી છે. સ્વાયત્તા વિના ગુજરાતમાં શિક્ષણનાં પ્રયોગો થવાનાં જ બંધ થઇ ગયાં છે. આમાં બદલાવ લાવવો જ પડશે. સ્વાયત્તા આપવી જ પડશે. તો જ દેશની લોકશાહી સબુત બનશે અન્યથા આજનું શિક્ષણ લોકશાહી માટે પણ ઘાતક બની રહેશે.
હમણા જ વાંચ્યું કે નાલંદા વિદ્યાપીઠને ફરી ધમધમતી કરવામાં આવી છે. તેની આગેવાની પૂર્વ રાષ્ટ્પતિ સર્વશ્રી અબ્દુલ કલામ સાહેબે લીધી છે. કલામ સાહેબ આપને સો સો સલામ. આવાં વિરલા કોક જ હોય.
બીજી બાજુ, આપણા ગુજરાત પાસે તો વલ્લભી વિદ્યાપીઠ પણ હતી. ગોખાણીયા શિક્ષણે તો તેની યાદ પણ ભુલાવી દીધી છે. વલ્લભી વિદ્યાપીઠ માટે આપણે કંઈ જ કર્યું નથી. કારણ, આપણે તો વેપારી માનુસ. હા, કેટલાંક સારા અને ભલા માનવીઓ વલ્લભી વિદ્યાપીઠ માટે જાગૃત બન્યાનાં સારા સમાચાર સંભળાય રહ્યાં છે. જય હો!! વિજયી બની રહો.
ભારતમાં હમણાં ચારેકોર હિન્દીની બોલબાલા છે. હિન્દીવાસીઓને આ વાતનું ગૌરવ છે. અને હોવું જ જોઈએ. ભારતવાસીઓની છાતી ગજ ગજ ફૂલી રહી છે. સાચુકલો આનંદ છે. માણવા જેવો આનંદ માણી રહ્યાં છે. તેનું કારણ વડાપ્રધાન શ્રી મોદીસાહેબ છે. વડાપ્રધાન શ્રી મોદીસાહેબ યુનાઇટેડ નેશન હોય કે વિશ્વનો કોઈપણ દેશ હોય, અત્ર તત્ર સર્વત્ર ફાંકડું હિન્દી બોલીને આપણાં રાષ્ટ્રનું અને આપણી રાષ્ટ્ભાષાનું ગૌરવ વધારી રહ્યાં છે. મોદીસાહેબને અંગ્રેજીની ઉણપ ક્યાંયે વરતાઈ?
મોદીસાહેબ હવે એંગ્રેજીમાં પણ બોલવા લાગ્યાં છે. કારણ મોદીસાહેબ પહેલાં માતૃભાષામાં એક્કા બન્યાં. પછી રાષ્ટ્ર ભાષામાં એક્કા બન્યાં. એટલે હવે મોદીસાહેબ એંગ્રેજીમાં પણ ખપ પૂરતું બોલવા લાગ્યાં છે એટલું જ નહિ પૂરા વિશ્વાસથી બોલવા લાગ્યાં છે. સર્વ શ્રી ઉમાશંકર જોષી સાચું જ કહેતા કે ખપ પૂરતું અંગ્રેજી આવડ્યું એટલે બસ.
વડાપ્રધાન શ્રી મોદીસાહેબ પણ ગુજરાતી અને રવીન્દ્ર નાથ ટાગોરની વિશ્વ વિદ્યાલય શાંતિનીકેતનના વડા સર્વ શ્રી ઉમાશંકર જોષી પણ ગુજરાતી. બન્ને માતૃભાષા થકી મોટા બન્યાં. હે ગુજરાતીઓ તમે આ વાત ક્યારે સમજશો? આપણે ગુલામી માનસમાંથી ઝડપથી બહાર આવવું જ પડશે.
ભણતરનું માધ્યમ કયું હોવું જોઈએ? અન્ય ભાષા ઉપર ક્યારે જવાય? કેમ જવાય? તે સમજવું ખૂબ જરૂર છે. ઝીંદગીમાં સફલ થવા માટે માતૃભાષા ખૂબ જ મહત્વની છે. માતૃભાષા ઉપર કાબુ હશે તો બીજી ત્રીજી કે પચ્ચીસમાં ભાષા શીખવી પણ સહેલી છે.
મોદીસાહેબનું ઉદાહરણ આદર્શ ઉદાહરણ છે. પૂરતું છે, યોગ્ય છે, શિક્ષણનાં સિદ્ધાંતો મુજબનું છે. સમજાય તો બેડો પાર. નહિ તો બાળકોની ખો નીકળી જવાની. બાળકોની ખો નીકળી એટલે માબાપોનાં ભાવિની પણ ખો નીકળી જવાની અને પછી સમાજની અને દેશની...જેટલાં વહેલા જાગીએ તેમાં સહુનું કલ્યાણ છે.
અમેરિકામાં શિક્ષણમાં વહીવટી તંત્રની દખલગીરી સાંભળવા મળતી નથી. ત્યારે ગુજરાતનાં શિક્ષણમાં IAS અધિકારીઓનો હસ્તક્ષેપ ખુબ વધી ગયો છે. તે દૂર થવો બહું જરૂરી છે. IAS અધિકારીઓ પ્રત્યે પૂરું માન સન્માન છે, પણ શિક્ષણને સમજવું તેઓ માટે ખૂબ કઠિન છે.
ગુજરાતનાં શિક્ષણમાં જે કઈ ખામી સર્જાણી છે તેમાં આ બુધ્ધીશાળીઓનો પણ મોટો ફાળો છે. હું તેનાં અનેક પુરાવા આપી શકું તેમ છું. તેઓનાં કારણે શિક્ષણની મૂળભૂત કેડર ખૂબ પાછી ધકેલાઈ ગઈ છે. હવે તે પોતાનું હીર બતાવવામાંથી પણ પાછી પડી રહી છે. આ કેડરને ફરી બેથી કરવી બહું જરૂરી છે.
No comments:
Post a Comment