(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)
દુઃખમાંથી સુખમાં આવીએ. મુંબઈનાં નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. અદ્યતન ટેકનોલોજીની સાથોસાથ મનમોહક ડીઝાઈન પણ ખરી. આંતરરાષ્ટ્રીયકક્ષાએ નોંધ લેવી પડે તેવું આ એરપોર્ટ ભારતની શાન બની રહ્યું છે. પહેલાં પ્લેનમાં બેસતાં પહેલાંની પ્રક્રિયામાં પુષ્કળ સમય જતો. હવે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બે પાંચ મિનિટમાં પૂરી થઇ જાય છે.
દુઃખમાંથી સુખમાં આવીએ. મુંબઈનાં નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. અદ્યતન ટેકનોલોજીની સાથોસાથ મનમોહક ડીઝાઈન પણ ખરી. આંતરરાષ્ટ્રીયકક્ષાએ નોંધ લેવી પડે તેવું આ એરપોર્ટ ભારતની શાન બની રહ્યું છે. પહેલાં પ્લેનમાં બેસતાં પહેલાંની પ્રક્રિયામાં પુષ્કળ સમય જતો. હવે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બે પાંચ મિનિટમાં પૂરી થઇ જાય છે.
પહેલાં મુંબઈથી અમેરિકાનાં ન્યુયોર્કના ન્યૂઆર્ક એરપોર્ટ સુધી પહોચવાની મુસાફરીમાં 20 થી 22 કલાક જતાં હતાં. તે પછી 18 કલાક થયાં. હવે માત્ર 15 કલાક થાય છે. શું ભવિષ્યમાં આ મુસાફરી માત્ર બે-ચાર કલાકની થઇ શકે ખરી? હા, શક્યતા છે. પૂરેપૂરી છે! ઉપગ્રહને છોડતા લોન્ચરની સાથે પ્લેનને જોડીને આ શક્ય બની શકે. આવું પ્લેન એક કલાકમાં 15,000 પંદર હજાર કિમી અંતર કાપી શકે. આવું તાજેતરમાં એક ટીવીમાં જોયું. આનંદો.
મુંબઈથી અમેરીકાના પૂર્વ કાંઠે આવેલાં ન્યૂઆર્ક જવા માટે ઉપડેલું પ્લેન કરાંચી, કંધાર, મશાદ અને મોસ્કોની પાસેથી પસાર થાય છે. સીટની સામે રહેલાં ટીવી સ્ક્રીનમાં પ્લેનની બહારનું ઉષ્ણતામાન માઈનસ 54 ડીગ્રી સેલ્સિયસ, ઊંચાઈ 40,000 ફૂટ અને સ્પીડ 940 કિલોમીટર દર્શાવે ત્યારે દિલ અનેરી ધડકન અનુભવે છે. મન અનેરો હૃદય આનંદ અને આશ્ચર્ય બન્ને અનુભવતું રહે છે.
તો પણ આ મુસાફરી થકવી દેનારી હોય છે. ઉપરથી દિવસ રાતનો તફાવત પડે તે પણ મુશ્કેલી ઊભી કરે. મોડી રાતે પ્લેનમાં બેઠા હોઈએ અને ૧૫ ૨૦ કલાકની મુસાફરી કરીએ તો પણ પહોંચો ત્યાં સ્વર પાડવામાં હોય!
બીજા ગોળાર્ધમાં જઈએ એટલે જે શરીર રાત માટે ટેવાયેલું હોય, ઊંઘ આવતી હોય તે શરીરને તે સમયે દિવસ મળે, સૂવું અનુકૂળ ન પડે. આથી ઉલટું પણ બને. તેથી અનુકુલન સાધવામાં મુશ્કેલી પડે છે. આને જેટ લેગ કહે છે. એને કારણે સાંજના 4-5 વાગ્યામાં તો જોકા આવવા માંડે, અને સવારે 2-3 વાગ્યામાં આંખ ખુલી જાય. જેટ લેગમાંથી છૂટવામાં જ એકાદ અઠવાડિયું નીકળી જાય. તમે પરદેશ જાવ ત્યારે આ વાતને ગણતરીમાં લેજો. જોકે હવે તો જેટ લેગમાંથી વહેલા છુટકારો મેળવવા માટેની ટેબ્લેટ પણ આવી ગઈ છે.
અમેરિકામાં આજે પણ દશક પધ્ધીતીના બદલે ફેરનહીટ, ફૂટ અને માઇલ ચાલી રહ્યાં છે! તમે જ કહો કોણ આગળ અને કોણ પાછળ છે? અમેરિકામાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ છે! હવે ભારતમાં પણ પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ બને તો ના નહિ. અમેરિકાની કેટલીક વાત આપણા મગજમાં ઉતારવી અઘરી છે.
અમેરિકામાં ઘણાં ઘરે બગીચા. ખૂબ સારી આવક છતાં પણ બાગકામ માટે માળી રાખવો પોષાતો નથી. મોટાભાગે લોકો જાતે જ બગીચાની માવજત કરે. પૂરા સન્માન સાથે જીવતા સિનિયર સીટીઝન પણ બગીચાની પ્રેમથી માવજત કરે.
બાગકામ એ મારો અને દેવીનો શોખનો વિષય. ગાંધીનગર રહેતાં ત્યાં ઘરમાં અને ઓફિસમાં બગીચો બનાવતાં અને ભાતભાતનાં કુંડામાં ફૂલછોડ વાવતાં. ઓફિસમાં પણ બગીચાની અને ઝાડપાનની જાળવણી અને માવજત માટે ઓફિસનાં મિત્રો ભાગીદારી કરતાં. સહુ પ્રેમથી જોડાતાં.
જર્સી સિટીમાં દીકરાનાં ઘરે પાછળનાં ભાગે સરસ બગીચો. તાશી સવારે ઉઠે એટલે બગીચામાં બેસાડીએ. તેની દેખતા સાવરણાથી સફાઈ કરીએ, ઝારાથી પાણી પાઈએ. તેને આ બધું બહું ગમે. તે પણ પોતાની પાસેનાં ખરેલાં પાનને મસ્ત રીતે પકડે અને ફેંકે! અમે પણ હરખાઈએ. બચપણમાં પડેલી આ ભાત જીવનભર ગુંથાયેલી રહેશે.
મને હાલમાં હું જ્યાં જોડાયેલો છું તે જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલની પાસે આવેલાં ચાપરડા આશ્રમ યાદ આવી ગઇ. ચાપરડા આશ્રમમાં અમેરિકાથી સુથારસાહેબ કરીને એક દાંતના ડોક્ટર આવે. સાથે અમેરિકાથી બગીચાના ભાતભાતનાં સાધનો પણ લેતા આવે. આશ્રમમાં જયારે જુઓ ત્યારે આ ડોક્ટરસાહેબ બાગકામ જ કરતાં હોય. ડોક્ટર પ્લમ્બિંગ કામ પણ જાણે. બે-ત્રણ દિવસમાં તો હોસ્ટેલની સોએક જેટલી દિકરીઓને પ્લમ્બિંગ કામ શીખવાડી દીધું!
અમેરિકાની આ વખતની મુલાકાતમાં પણ ભાવનગરથી થોડા પુસ્તકો લઇ ગયેલો. પસંદગીનાં થોડા ગુજરાતી પુસ્તકો દિકરાનાં ઘરમાં પણ છે.
અહીં ‘મહાત્મા અને ગાંધી’ પુસ્તક વાંચી ખુબ આનંદ થયો. ગાંધીજીને મે મારાં ગુરૂ માન્યા છે. ગાંધીજી ઉપરનાં ઘણાં પુસ્તકો વાંચ્યા છે. આ પુસ્તક દ્વારા ગાંધીજી વિશ્વ સ્તરે કેટલાં વ્યાપેલા હતાં તે ફરીવાર જાણ્યું. વિશ્વની અનેક પ્રતિભાઓએ તેઓની ઉપર ગાંધીજીની જબરી અસર હતી તે સ્વીકાર્યું છે.
બીજું એક પુસ્તક ‘સાત પગલાં સાથે’ વાંચ્યું. સુ. શ્રી. મીરાંબેન ભટ્ટનાં સિદ્ધ હસ્તે આ પુસ્તક લખાયેલું છે. તેની પ્રસ્તાવના સુ. શ્રી. કુન્દનિકાબેન કાપડીયાએ લખી છે. આ પુસ્તકની એક લીંટી મારાં દિલમાં કોતરાઈ ગઈ છે કે – “કોઈ અન્યનું જીવન વિકસે તો તેમાં હું પણ વિક્સું છું.”
આ પુસ્તકમાં ‘ફૂલનો જન્મોત્સવ’ કરીને એક સુંદર મજાનું પ્રકરણ છે. તે વાંચીને મને દેવીનો વૃક્ષપ્રેમ યાદ આવી ગયો. ફૂલઝાડની શોખીન દેવી જયારે કોઈ ફૂલછોડ લાંબા સમય સુધી ફૂલ ન આપે ત્યારે તે છોડની પાસે જઈ તેને પંપાળે. તેની સાથે પ્રેમથી વાતો કરે અને તેને ફૂલ આપવાં પ્રેમથી અર્જ કરે. અને જુઓ પાંચ દશ દિવસમાં છોડ ફૂલથી ભરેલો ભરેલો હોય. આવું તો અનેકવાર બન્યુ છે.
તાશી માટે માતાપિતા ભાતભાતનાં સંગીત વાગે તેવાં રમકડા લાવે. સા-રે-ગ-મ પણ વાગે અને મજાની ટ્યુન પણ વાગે. અહીં આવડા નાનાં બાળકોને ગમે તેવી ભાતભાતની ચિત્રપુસ્તિકાઓ પણ મળે. બહું મજબૂત પાંકા પૂંઠાની. બાળક ગમે તેમ પુસ્તિકા. ફેંકે તો પણ ફાટે નહિ. પુસ્તિકામાં પ્રાણીઓનાં જે ચિત્રો હોય તેની સાથેનાં સંગીતના રમકડામાં તે જ પ્રાણીનો અવાજ પણ સાંભળવા મળે. બાળકને તો મજા પડે જ પણ આપણને પણ મજા પડે. આ રીતે નાની ઉમરે અવૈધિક શિક્ષણથી બાળક પશુપંખીની, રંગની, અવાજની, નાનામોટાની,જાડાપાતળાની એમ અનેક બાબતોની ઓળખ કરતું થઇ જાય છે.
એક વખત એવું બન્યું કે તીણી ચીસોથી ઘર ગજવતી દિકરી તાશીનો અવાજ એકદમ ઘોઘરા થઇ ગયો. તે ઘોઘરા અવાજે ઘૂ...ઘૂ ... કરવા લાગી. અમે બધાં ચિંતામાં પડ્યા કે આને શું થયું? ત્યાં અમારું ધ્યાન રસોડામાં શરૂ કરેલાં મિક્સર તરફ ગયું, અને ખબર પડી કે બેનબા તો આ મિક્સરનાં અવાજની નકલ કરી રહી છે! અમારી ચિંતા તાજુબીમાં પલટાઈ ગઈ. અમેરિકામાં એમ્બુલન્સની સેવા આપણા ૧૦૮ જેવી બેનમૂન છે. ઘર પાસેથી વારંવાર એમ્બ્યુલન્સ પસાર થાય અને એની સાયરન પણ સંભળાય. દિકરી તેની નકલ પણ તેટલા જ ઊંચા સુરમાં કરે.
બાળકોમાં અવલોકન અને અનુકરણશક્તિ ગજબની હોય છે. માટે જ નાનાં બાળક પાસે સદ્વર્તન જ થવું જોઈ, ખરાબ વર્તન ક્યારેય થાય નહિ તેની પુરતી કાળજી લેવી જોઈએ. નહિ તો બાળક ખરાબ વર્તન કરતાં સહજ રીતે શીખી જાય છે.
નાનપણમાં ઝગડતા માતાપિતાની કે વાતવાતમાં જુઠું બોલતાં માતાપિતાની કે ખરાબ વર્તન કરતાં કુટુંબીજનોની બહું ખરાબ અસર આ રીતે બાળકો ઉપર થતી હોય છે.
નાનાં બાળકોને સંગીત બહું ગમે. હાલરડા બહું ગમે. બાળગીતો બહું ગમે. તેની સાથે નાચવું કૂદવું બહું ગમે. બાળક પોતે પણ નાચે અને આપણને પણ નચાવે. સંગીતમય આ વાતાવરણ અને બાળક સાથે નાનાં થઇ જવાની મજાને કારણે મારો ડાયાબીટીસ પણ ઘટી ગયેલો.
સંગીત એ હૃદયની કેળવણી છે. સંગીતનાં કારણે આપણામાં માનવતાના ગુણો ખીલે છે. સંગીતથી એકાગ્રતા વધે છે. તેનાથી ભણવામાં ચિત લાગે છે.
આ સંગીતને આજનાં શિક્ષણમાંથી ફેંકી દેવામાં આવ્યું છે. પહેલાં વિદ્યાર્થીઓ શાળાઓમાં સંગીત શીખતા અને ધોરણ ૧૦/૧૨ માં સંગીતનો વિષય પણ રાખતા. પણ આજે?! બોર્ડમાં જ્યારથી શિક્ષણ સિવાયની કેડરનાં અધિકારીઓ ચેરમેનપદે આવવા લાગ્યાં છે ત્યારથી સંગીત અને કલાની દશા બેસી ગઈ છે.
દિકરો બાલઉછેર માટે ઘણું વાંચે. માત્ર વાંચે જ નહિ પણ પૂરી સમજદારી પણ દાખવે. દિકરાએ એની દિકરીના ઉછેર માટે શુકવારે કામ ન કરવાનાં ઓફિસ સાથે કોન્ટ્રક્ટ કર્યા. શનિ-રવિની તો રજા હોય જ. માતા-પિતા બન્ને તાશીને ખૂબ સરસ રીતે રમાડે અને સાચવે. બન્ને સરસ મજાનાં હાલરડાંઓ પણ ગાય. એક વખત એક હાલરડું ગાતા ગાતા દિકરો રડી પડેલો. હાલરડાના ભાવથી તે રડી પાડેલો. હાલરડાંનું એક આગવું મનોવિજ્ઞાન છે. હાલરડાંમાં બાલ ઉછેરની એક અદ્દભૂત તાકાત છે.
તાશીને સાચવવા આવતાં સૌરાષ્ટ્રવાસી એક બેન પણ ખૂબ માયાળુ. માત્ર ગુજરાતી જ જાણે. છતાં સિટી બસ અને રેલ્વેનો પૂરા વિશ્વાસથી ઉપયોગ કરી જાણે. આ બહેન પણ સરસ મજાનાં ગુજરાતી ગીતો અને ભજનો ગાઈને તાશીને આનંદમાં રાખે. આમ તાશી સયુંકત કુટુંબથી દૂર છે તો પણ તે બચપણને સારી રીતે માણી રહી છે. તેમ છતાં સયુંકત કુટુંબ વિના થોડીઘણી ખોટ તો રહેવાની.
જે ઘર અને જે શિક્ષણ બાળકમાં અને વિદ્યાર્થીમાં પૂરતો વિશ્વાસ જન્માવે તે જ સાચું ઘર અને તે જ સાચું શિક્ષણ. આજનાં શિક્ષણની આ મોટી ખામી છે. આજનાં મોટાભાગનાં મા-બાપથી અને ગોખણીયા શિક્ષણથી બાળક સ્વાવલંબી નહિ પરંતુ પરાવલંબી બની રહ્યું છે.
અમેરિકા હતો ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સનાં ઐતિહાસિક મેદાન ઉપર ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી જે જોવાની મજા પડી. આ મેચ આપણે જીતી ગયાં. 28 વર્ષ બાદ આપણને લોર્ડ્સમાં જીત હાંસલ થઇ. તેથી ઠેર ઠેર આનંદનો માહોલ હતો. હું પણ ઝૂમી ઉઠેલો.
ક્રિકેટ માટે મને પહેલેથી ભારે લગાવ. કોલેજમાં હું ક્રિકેટનો કેપ્ટન હતો. વિજ્ઞાન શિક્ષક તરીકે બાબરાની સરકારી હાઇસ્કુલમાં જોડાયો ત્યારે ક્રિકેટનું મજાનું મેદાન બનાવેલ. વિદ્યાર્થીઓને ક્રિકેટ, વોલીબોલ, કબ્બડી, ખો-ખો, બેઝબોલ રમાડું અને રમું. સાથોસાથ યુવક મહોત્સવમાં પણ ભાગ લેવરાવું. શાળાએ સવારમાં જાઉં તે રાત્રે પાછો આવું. જમવાનું રામ ભરોસે.
ક્રિકેટમાં શાળા કક્ષાએ હીલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલે. અમારી શાળાએ તેમાં ભાગ લેવાનું શરૂ કરેલું. નાની અમથી એવી શાળામાંથી સારા ખેલાડી મેળવવા મુશ્કેલ, એટલે ફિલ્ડીંગમાં ભારે કૌશલ્ય શીખવાડેલું જે કારગત નીવડ્યું. આ ટુર્નામેન્ટમાં આજસુધીમાં કોઈએ સદી ફટકારેલી નહિ, પણ અમારાં ટીકુ નામનાં ખેલાડીએ સદી ફટકારી બાબરાનું અને અમારી શાળાનું નામ રોશન કરેલું. આ વાત આજે પણ યાદ છે.
શાળામાં સંગીત સાથેની પ્રાર્થના શરૂ કરેલી. મને જેવી તેવી વાંસળી આવડે. બસીર નામનો વિદ્યાર્થી ઢોલકી સરસ વગાડે અને ભજન પણ સરસ ગાય. આ બસીરનાં મોટાભાઈ હસન મીર સોલંકી ભજનનાં મોટા કલાકાર હતાં. રેડીઓ આર્ટીસ્ટ. બસીરને આ બધું તેનાં લોહીમાં.
શૈક્ષણિક સંસ્થાનોમાં માનવ ઘડતરમાં પ્રાર્થનાનો ફાળો અમૂલ્ય છે. માનવ ઘડતર માટે જ તો શિક્ષણ છે. તે વિનાની સંસ્થા નામ માત્રનું એક ખાલી ખોખું છે. હું ગાંધીનગર હતો ત્યારે મારી પાસે અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રિન્સીપાલનો વધારાનો ચાર્જ હતો. તે સમયે આજનો હાસ્ય કલાકાર સાઈરામ ત્યાં અભ્યાસ કરતો. સાઈરામને ઘડવામાં પ્રાર્થનાસભાનો મહત્વનો ફાળો છે. બાળગીતોએ તેને સ્ટેજનો કલાકાર બનાવ્યો. આજે જુઓ, સાઈરામને માણવાની કેવી મોજ આવે છે! આ સાઈરામ હાસ્ય માટે ક્યારેય પણ નિમ્ન વાણીનો ઉપયાગ કરતો નથી. આ તેની સંસ્કારિતા છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં સંગીત અને રમત હોવા જ જોઈએ. આ વાત મને મારાં B.Ed. અને M.Ed.નાં અભ્યાસ દરમ્યાન આત્મસાત થયેલી. આ બન્ને કોર્સ મેં પોરબંદરની રામબા કોલેજમાંથી કરેલા. કોલેજ શરૂ થાય ત્યારે પ્રાર્થનાખંડમાં ‘Call of Valley’નું પ્રસિદ્ધ વાદ્યસંગીત વાગવાનું શરૂ થઇ જાય. સહુ સ્વયં મૌન ધારણ કરી પ્રાર્થનાખંડમાં ગોઠવાઈ જાય. શાંતીથી બેસી જાય. બંધ આંખે સંગીતને માણે અને ધ્યાનમાં બેસે. બધાં ગુરુજીઓ પણ વિદ્યાર્થીઓની સાથોસાથ પોતાનું સ્થાન લઇ લે.
દરિયા કાંઠે કોલેજ. પ્રાર્થનાખંડમાંથી સીધો દરિયો દેખાય. આવા આહલાદક માહોલમાં પ્રાર્થના થાય. પ્રાર્થનામાં રોજે બધાં ધર્મની એક પછી એક પ્રાર્થના બોલાય. કેટલીક સમુહમાં બોલાય તો કેટલીક કોઈકને કોઈક વિદ્યાર્થી દ્વારા બોલાય. તે પછી એક ભજન અને પછી એક સામુહિક ધૂન. એક વિદ્યાર્થીનો વાર્તાલાપ, તેના ઉપર ગુરુજીઓની ટિપ્પણ. અઠવાડિયે કોઈક ને કોઈક મહેમાન હોય જેનો વાર્તાલાપ અને તેની સાથેની પ્રશ્નોતરી. સાંજે એકાદ કલાકની મેદાની અને ઇન્ડોર રમતો. આ બધાની મારી ઉપર ઘેરી અસર પડેલી.
આ અસર થકી જ મેં સંગીત, રમતગમત, પ્રવાસ પર્યટનને બાબરા હાઇસ્કુલનું શૈક્ષણિક પછાતપણું દૂર કરવાં પ્રાધાન્ય આપેલું. એક વખતના શૂન્ય પરિણામવાળી આ શાળા સારી પ્રગતી સાધી શકી. તોફાનમાં નામચીન આ શાળા સ્વયંશિસ્ત દાખવી શકી. આ છે શિક્ષણ. આ છે કેળવણી, હૃદયની કેળવણી, વિદ્યાર્થીને સારો માનવ અને સારો નાગરિક બનાવતી કેળવણી. આજનાં ખોખલા શિક્ષણની તો શું વાત કરવી?
જર્સી સિટીમાં દિકરાનો મિત્ર ઘરે મળવા આવેલો. લાખોમાં એક જેવો મિત્ર. તે વિશ્વની ઘણી મેરેથોન દોડમાં ભાગ લે. આજે પણ દર અઠવાડિયે 45-50 કિમી દોડે છે. આપણે રહ્યાં દાળભાતયાં અને વળી પાછાં વેપારી. તેથી ફદિયા સિવાયનું શિક્ષણ આપણને સમજાતું નથી.
અમેરિકામાં હતો ત્યારે મિશિગન યુનિવર્સિટીનું એક સંશોધન પ્રકાશિત થયેલું તે વાંચેલું. આ સંશોધને એ પુરવાર કર્યું છે કે જે વિદ્યાર્થી રમતગમતમાં ભાગ લે છે તે જીવનમાં સારી પ્રગતી કરે છે. ગુજરાતનાં શિક્ષણનાં નીતિધારકો, તમે અમારાં ખર્ચે પણ મિશિગન અને ફિનલેન્ડ જઈ આવો. તમારો ખર્ચ લેખે લાગશે.
આપણાં દેશમાં આ વરસે કબ્બડ્ડીએ ખૂબ રંગ જમાવ્યો. ફિલ્મ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ આ રમત જોવા આવ્યાં અને અદમ્ય ઉત્સાહ જગાડી ગયાં. સચિન તેન્ડુલકર અને અમિતાભ બચ્ચન સહિતના અનેક નામી રમતવીરો અને કલાકારો પણ આ કબડ્ડીની રંગત જોવા આવ્યાં. આ એક શુભ શરૂઆત થઇ છે.
શાળાઓમાં આવી ખર્ચ વિનાની દેશી રમતો રમાવી જ જોઈએ. શાંતિની રમતો પણ છે, તે પણ રમાવી જોઈએ. શિક્ષણમાં રમતો દ્વારા પણ શાંતિનો સંદેશ મળે છે. અંતે આપણે આપણા જીવનમાં શાંતિની તો ઝંખના કરીએ છીએ. યુદ્ધથી ત્રસ્ત સમગ્ર વિશ્વ પણ આજે શાંતિ માટે તો ઝઝૂમી રહ્યું છે. આ રમતો, આ સંગીત આ બધું તેનો સર્વોત્તમ માર્ગ છે.
મને યાદ આવે છે કે થોડા વર્ષો પહેલાં અમદાવાદની એક શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને શાળા મેદાનમાં દોડાવી રહ્યા હતાં. તેમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું. ભારે દેકારો મચી ગયો. શિક્ષકનો બિચારાનો ઘાણ કાઢી નાખેલો. વાલીઓએ દોડનો ભારે વિરોધ કરેલો. એક પણ મરદનો બચ્ચો બચાવમાં આવેલો નહિ.
ગત સાલ ભાવનગરનાં વલભીપુર તાલુકાની એક સરકારી પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયેલો. રસ્તામાં અકસ્માત થયો અને એક બાળકનું કરુણ મૃત્યુ થયું. મને હતું કે હવે શિક્ષકનું આવી બન્યું, હવે શિક્ષણખાતુ પણ શિક્ષકને નોટીસો આપીને હેરાન પરેશાન કરી મુકશે. પરંતુ ભારે અચંબા વચ્ચે મૃત્યુ પામેલાં બાળકના માતાપિતાએ આ કેસમાં શિક્ષકનો કોઈ દોષ જ નથી તેમ ભારપૂર્વક કહ્યું. ઉલટાનું, તેમણે શિક્ષકની પ્રવાસની ભાવનાને બિરદાવી! અધિકારીઓએ પણ ભારે સમજ દાખવી. આવું ન્યાયપૂર્ણ વલણ દાખવવા બદલ વાલી અને અધિકારી સહુકોઈને લાખ લાખ સલામ કરું છું. આજે શિક્ષકને સમાજ અને સરકારનો સહયોગ મળે તે ખૂબ જરૂરી છે. આવું બને તો જ શિક્ષક ખીલે અને બાળકને ખીલવવામાં પોતાનો જીવ લગાવી દે.
No comments:
Post a Comment